ફિર દેખો યારોં : હું તો બસ, ફરવા આવ્યો છું!

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

“આ વેકેશનમાં તમે ક્યાં ફરવા ગયેલા?”

“ક્યાંય નહીં. અમે ઘેર જ બેસી રહ્યા, કેમ કે, જે લોકોથી છૂટવા માટે બહાર જતા હતા એ બધા જ અમને ત્યાં ભટકાતા હતા.”

આ સંવાદ કાલ્પનિક છે, પણ વાસ્તવની ઘણો નજીક હોઈ શકે છે. છેલ્લાં થોડાં વરસોમાં લોકોના પ્રવાસશોખે જે ઊપાડો લીધો છે એ જોઈને નવાઈ લાગે. વરસો સુધી એ સ્થિતિ રહી કે શોખ ખાતર બહાર ફરવા જવું અમુક વર્ગને જ પોષાતું. હવે અચાનક જ લોકોની ભ્રમણવૃત્તિનો વિસ્ફોટ થયો હોય એમ લાગે છે. ખાસ કરીને સામાજિક નેટવર્કિંગ માધ્યમોનાં આગમન પછી એવું વિશેષપણે લાગે છે. લોકો હવે ઘરની બહાર પગલું મૂકે કે તરત જ દુનિયાને તેની જાણ કરતા થઈ ગયા છે કે પોતે અમુકતમુક જગ્યાએ જવા નીકળે છે. પ્રવાસનો મહિમા અનેરો છે, અને લોકો ફરતા થાય એનો શો વાંધો હોઈ શકે? પણ આ ભ્રમણવૃત્તિ વકરે, અનેકવિધ બાબતો પર વિપરીત અસર કરે ત્યારે તેના વિશે વિચાર કરવો પડે. આ વાત માત્ર ગુજરાત કે ગુજરાતીઓ પૂરતી મર્યાદિત નથી. તાજેતરમાં એક ચોંકાવનારી તસવીર પ્રસાર માધ્યમોમાં ફરતી થઈ. એક ઊંચા હિમશિખરે જતા અત્યંત સાંકડા અને દુર્ગમ માર્ગ પર પર્વતારોહકો હારબંધ ઊભેલા જોવા મળ્યા. હકીકતમાં આ તસવીર એવરેસ્ટ શિખરની હતી, જે વિશ્વનું ઉચ્ચતમ શિખર છે. એવું તો શું થઈ ગયું કે હજી હમણાં સુધી દુર્ગમ ગણાતા આ શિખરને સર કરવા માટે પર્વતારોહકો આટલી માત્રામાં ઉમટી પડે!

અહેવાલ અનુસાર નેપાળની સરકાર એવરેસ્ટના આરોહણ માટેની પરવાનગી આપે છે. ઝાઝા નાણાંની લાલચને વશ થઈને હવે આ પરવાનગી આડેધડ અપાવા લાગી છે. તેને પરિણામે આ સ્થિતિ આવી પડી છે. ભલે ટેકનોલોજીની સાથે નવાં ઉપકરણો શોધાતાં ગયાં હોય, પણ એવરેસ્ટ આરોહણના જોખમમાં કોઈ ફરક પડતો નથી. સાહસિકોને એ માટેનો રોમાંચ હોય એ સમજી શકાય એવું છે, પણ આવાં આરોહણ જે તે સ્થળની ઓળખ અને સૌંદર્યને હણવા લાગે તો એનો શો અર્થ રહે? ગયા મહિને પ્રકાશિત એક અહેવાલ અનુસાર એવરેસ્ટ પરથી ત્રણેક ટન જેટલો કચરો સાફ કરવામાં આવ્યો. આના પરથી અંદાજ લગાવી શકાશે કે પ્રવાસીઓએ આ દુર્ગમ સ્થળની આવી હાલત કરી હોય, તો જ્યાં સહેલાઈથી જઈ શકાતું હોય એવાં પ્રવાસન સ્થળોની હાલત શી હોઈ શકે?

પ્રવાસી માનસિકતા મોટે ભાગે સામાન્ય હોય છે. અજાણ્યા, ઓછા જાણીતા કે જાણીતા સ્થળે નીકળી પડેલા પ્રવાસીઓ ખરેખર તો ઘરથી દૂર જઈને, ઘર જેવી સુવિધાઓની શોધમાં નીકળી પડેલા જીવો હોય છે. મોટા ભાગનાં સ્થળોને ‘થપ્પો’ કરીને આવવાની વૃત્તિ આપણે ત્યાં સામાન્ય છે. ‘સહેજ વધુ’ નાણાં ખર્ચીને પણ જોઈતી સુવિધા મેળવી લેવાની આવડત તેઓ કેળવી લેતા હોય છે. ઘણા કિસ્સામાં જોવા મળે છે એમ જે તે સ્થળનાં વાસ્તવિક જોખમોને તેઓ સહજતાથી અવગણે છે, અને ખોટે ઠેકાણે સાહસવૃત્તિનું પ્રદર્શન કરે છે. એ હદે કે ક્યારેક જાનથી હાથ ધોઈ નાખવા પડે છે. આવી એક દુર્ઘટના પણ તાજેતરમાં નોંધાઈ, જે કાશ્મીરમાં બની. કોલકાતાથી આવેલા એક પરિવારે લીદ્દર નદીમાં રાફ્ટિંગ માટેની જીદ પકડી. સાંજના સમયે અહીં રાફ્ટિંગને મંજૂરી નથી. પણ રઉફ અહમદ દર નામના સ્થાનિક ગાઈડને આ પર્યટકોએ જેમ તેમ કરીને મનાવી લીધો. નદીના તોફાની બનેલા વહેણમાં પર્યટકો સહિત રઉફ નીકળ્યા, પણ આગળ જતાં રબરનું બનેલું એ હોડકું ઊંધું થઈ ગયું. પોતાની રાફ્ટમાં બેઠેલા પર્યટકોને કંઈ ન થવું જોઈએ એમ માનીને રઉફે એ તમામને બચાવી લીધા. પણ પાંત્રીસ વર્ષનો રઉફ પોતે બચી ન શક્યો. પરિવારનો એક માત્ર આધાર આ રીતે છીનવાઈ ગયો. પ્રવાસીઓ સાથે આવી દુર્ઘટના બને અને તેના સમાચાર જાણમાં આવે ત્યારે મોટા ભાગના લોકો એને એક કૌતુકથી વિશેષ મહત્ત્વ આપતા નથી. પોતે ખરેખર પ્રવાસે જવાનું થાય ત્યારે આમાંનું કશું તેઓ યાદ રાખતા નથી.

હવે માહિતીના સ્ફોટના યુગમાં ઘણાખરા પ્રવાસીઓ જે તે સ્થળ વિશે આગોતરી માહિતી મેળવી લેતા જોવા મળે છે. પણ એ માહિતી અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર સમજનારા જૂજ હોય છે. હવે એવો સમય આવી રહ્યો છે કે લોકો વધુ ને વધુ માત્રામાં ઘરની બહાર નીકળતા થશે. તેને લઈને પ્રવાસન સ્થળો પરનો ધસારો વધતો રહેશે. હજી સુધી સ્થાનિક પ્રશાસન દ્વારા અપવાદરૂપ સ્થળો કે સંજોગો સિવાય પર્યટનનીતિ જેવું કશું અમલી બન્યું હોવાનું જાણમાં નથી. એક યા બીજા નામે પ્રવાસીઓ પાસેથી વેરો વસૂલવા ઉપરાંતની બીજી કાર્યવાહીઓ ધ્યાને ચડતી નથી. દરેક સ્થળની ઓળખ અને આગવાપણું જળવાઈ રહે એ જરૂરી છે. કેવળ કાગળ પર નિયમો બનાવી દેવાથી કશું થતું નથી. અલબત્ત, એ પ્રશાસનીય બાબતો છે. પણ એક પ્રવાસી તરીકે આપણે ક્યાંય જઈએ તો સ્વશિસ્તનું પાલન જરૂરી બની રહે છે. ઝાઝા નાણાં ખર્ચીને સવલતો મેળવી લેવાના ઉત્સાહ પર કાબૂ રાખીને જે તે સ્થળ કે પરિસરના માહોલને સન્માન આપતાં શિખવું અત્યંત અગત્યનું છે. આપણા ગામ કે નગરનાં સ્થળો કોઈ બગાડે તો આપણને ગમતું નથી, પણ આપણે પોતે બીજે જઈને એ બગાડીએ તો વાંધો નહિ. એ બાબતમાં આપણે સમભાવ રાખનારા છીએ. પર્વત, નદી, રણ, રસ્તા, બાગ-બગીચા બધે જ સરખી જ નિ:સ્પૃહતા અને બેદરકારીથી કચરો ફેંકીએ છીએ.

એ હકીકત છે કે આ બધું શિખવવા માટેની કોઈ પાઠશાળા કે પાઠ્યપુસ્તક નથી. પ્રવાસના સ્થળે ગયા પછી એ શિખવાની માનસિકતા ભાગ્યે જ કેળવાય. એ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે આપણા પોતાના ગામ, નગર કે શહેરમાં હોઈએ ત્યારે પણ સારી આદતો કેળવીએ.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૬-૬-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

3 comments for “ફિર દેખો યારોં : હું તો બસ, ફરવા આવ્યો છું!

 1. નિરંજન બુચ
  June 13, 2019 at 6:43 am

  વર્ષો પહેલા નો મારો અનુભવ કહું તો નવા વર્ષ ના સાલ મુબારક થી બચવા અમે માઉંટ આબુ ગયા તો એ જ લોકો ત્યાં ભટકાયા ને સાલ મુબારક કરવા લાગ્યા

 2. MAHESHCHANDRA THAKORLAL NAIK
  June 14, 2019 at 5:41 am

  Very informative,interesting article,Great….

 3. June 15, 2019 at 10:44 am

  પ્રતિભાવ બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *