





દીપક ધોળકિયા
૧૮૫૮ના નવેંબરની પહેલી તારીખે રાણી વિક્ટોરિયાએ હિન્દુસ્તાન માટેની પોતાની સરકારની નીતિઓનું જાહેરનામું બહાર પાડ્યું.

જાહેરનામું કંપની રાજ ચલાવવામાં નિષ્ફળ ગઈ હોવાનો સંકેત આપે છે અને એકંદરે એની ભાષા એવી છે કે જાણે ભારત માટે એક કલ્યાણકારી રાજ્ય સ્થપાયું છે. હકીકતમાં તો ગુલામ એ જ હતો. માલિક બદલાતો હતો. આમ છતાં, ૧૮૫૭ના બળવાએ બહુ મોટું પરિવર્તન આણ્યું હતું એમાં શંકા નથી.
રાણી વિક્ટોરિયાએ જાહેર કર્યું કે હવે ઈસ્ટ ઇંડિયા કંપની પાસેથી આમે હિન્દુસ્તાનની સરકાર સંભાળી લીધી છે અને આ વિસ્તારની અમારી અધીનસ્થ પ્રજાને અમને, અમારા વંશવારસોને અની અનુગામીઓ પ્રત્યે વફાદાર રહેવા એલાન કરીએ છીએ. એ જ જાહેરનામામાં રાણીએ કહ્યું કે “અમે અમારા ખરા વિશ્વાસુ અને પ્રિય પિતરાઈ ચાર્લ્સ જ્હૉન વાઇકાઉંટ કેનિંગને અમારા પ્રથમ વાઇસરૉય તરીકે નીમીએ છીએ.”
કેનિંગ એ વખત સુધી ઈસ્ટ ઇંડિયા કંપની તરફથી ગવર્નર જનરલ હતો. આમ એ રાણીના પ્રતિનિધિ તરીકે પહેલો વાઇસરૉય બન્યો. વાઇસરૉય કેમ કામ કરશે તે પણ રાણીએ સૂચવ્યું. રાણીના કોઈ પણ સેક્રેટરી ઑફ સ્ટેટના આદેશો અને એણે બનાવેલા નિયમો પ્રમાણે એ કામ કરશે. તે ઉપરાંત કંપની સરકારમાં કામ કરતા બધા મુલ્કી અને લશ્કરી નોકરોનો પણ સીધો કબજો સંભાળી લીધો.

રાણી વિક્ટોરિયાએ હિન્દુસ્તાનના રાજાઓને પણ ખાતરી આપી કે એમણે કંપની સાથે કરેલી બધી સંધિઓને માન અપાશે અને રાજઓ પણ પોતે એ સંધિઓનું પાલન કરશે એવી રાણીએ આશા દેખાડી છે.
જાહેરનામું કહે છે કે બ્રિટનને વધારે પ્રદેશ પ્રાપ્ત કરવાની ઇચ્છા નથી અને અમારા હસ્તક જે પ્રદેશો છે તેના પર કોઈ તરાપ મારે તે પણ અમે સ્વીકારીશું નહીં. અમે જેટલું માન અમારા પોતાના અધિકારોને આપીએ છીએ તેટલું જ માન રાજાઓના અધિકારોને આપીશું.
રાણી કહે છે કે અમે અમારી રૈયત પ્રત્યે પણ વચનબદ્ધ છીએ. હિન્દીઓ માટે સરકારી નોકરીઓના દરવાજા પણ એમણે ખોલી નાખ્યા. અને પ્રાચીન અધિકારો, ઉપયોગની પરંપરાઓ અને રીતરિવાજો પ્રત્યે પણ આદર દેખાડવાનું વચન આપ્યું.
રાણીએ જાહેરનામામાં દુઃખ વ્યક્ત કર્યું કે કેટલાક મહત્ત્વાકાંક્ષી લોકોએ વિદ્રોહ માટે ‘ખોટી વાતો કરીને ભડકાવ્યા. અમે બળવાને કચડીને અમારી તાકાત દેખાડી; હવે દયા દેખાડવા માગીએ છીએ. પરંતુ માફી એમને જ અપાશે કે જેમને સીધી રીતે બ્રિટિશ નાગરિકોની હત્યામાં ભાગ ન લીધો હોય. બાકી સૌને બિનશરતી માફી જાહેર કરી.
Xxx
આ જાહેરાત સમજવા જેવી છે. રાજાઓ સાથે થયેલી સંધિઓ માત્ર કંપનીના લાભમાં હતી. બધી સમજૂતીઓનું પાલન કરવાની સાથે રાણી વિક્ટોરિયાએ એવી પણ ચિમકી પણ આપી છે કે રાજાઓએ પણ સમજૂતીઓનો અમલ કરવો પડશે. આનો અર્થ એ થયો કે ડલહૌઝીની ખાલસા નીતિને આડકતરી રીતે મંજૂરી આપવામાં આવી. કંપનીએ જે કંઈ કર્યું હોય, જે અપરાધો કર્યા અને જે પ્રદેશો કબજે કરી લીધા તે રાણીને મંજૂર છે. એમાં અન્યાય નથી દેખાયો. કંપનીએ પણ નાના નજીવા કારણસર લોકોને નજીકના ઝાડે લટકાવી દીધા હતા, પણ બ્રિટનની ન્યાય પ્રિયતાની એક લહેરખી પણ આ જાહેરનામામાં નથી. કંપનીની જોહુકમી અને દાદાગીરીને રાણીએ મંજૂર રાખી છે.
દેખીતું છે કે હજી હિન્દવાસીઓએ સંઘર્ષ કરવાનો જ હતો.
સંદર્ભઃ http://www.csas.ed.ac.uk/mutiny/confpapers/Queen%27sProclamation.pdf
જાહેરનામાની ઇમેજઃ વિકીમીડિયા કૉમન્સ
૦૦૦
બીજા ભાગના અંતે
આપણે હવે સીધા બ્રિટિશ રાજના સમયમાં પહોંચી ગયા છીએ. પહેલા ભાગમાં આપણે ઈસ્ટ ઇંડિયા કંપનીની સ્થાપનાથી ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધ સુધી પહોંચ્યા. તે પછી આપણે આ બીજા ભાગમાં ૧૭૫૭થી આદિવાસીઓ અને સામાન્ય નાગરિકોના વિદ્રોહોની કથાઓના સૂત્રે રાજાઓ અને જાગીરદારોના અસંતોષ અને ૧૮૫૭ના મહાસમર સુધી પહોંચ્યા.
હવે છેલ્લો ૧૯૪૭ સુધીનો તબક્કો આવે છે. એમાં સંઘર્ષની રીતભાત અને વ્યૂહને નવું રૂપ મળ્યું. જૂની રાજાશાહી નહોતી રહી. ધીમે ધીમે ‘ભારત એક રાષ્ટ્ર’ની અવધારણા મજબૂત બનવા લાગી હતી. જનતાનો એક વિશાળ વર્ગ જાગૃત થઈ ગયો હતો અને આ તબક્કામાં કોઈ એક જૂથ કે વ્યક્તિને સીધો કોઈ અંગત લાભ નહોતો.\, માત્ર સ્વતંત્રતાનાં નવાં મૂલ્યોની ઝંખના હતી.
આથી આજે બીજો ભાગ અહીં પૂરો કરું છું અને ત્રીજા ભાગમાં આપણે રાણી વિક્ટોરિયાના જાહેરનામાથી માંડીને ભારતની સ્વતંત્રતા સુધીની ઘટનાઓ જોઈશું. આમ તો આપણે આઝાદીના ઇતિહાસ વિશે ઘણું જાણીએ છીએ અને ઢગલાબંધ વાચનસામગ્રી બહુ મહેનત વિના જ વાંચવા મળે છે. તેમાં પણ કોંગ્રેસની ભૂમિકા વિશે ઘણા દસ્તાવેજો છે. એટલે કોંગ્રેસ સિવાયના સ્વાતંત્ર્યપ્રેમીઓની વાતને મુખ્ય પ્રવાહ માનીને ચાલશું. અલબત્ત, કોંગ્રેસની ભૂમિકાનો ઉલ્લેખ ન કરીએ તો સ્વતંત્રતાની કથા પૂરી થાય જ નહીં..
તો આજે બીજા ભાગની સમાપ્તિ કરતાં એવી આશા રાખું છું કે આમાંથી આપ વાચકમિત્રોને કંઈક નવું વાંચવા મળ્યું હશે. આ વાંચવાનું રસપ્રદ લાગ્યું હોય એ જ મારા લેખનની સાર્થકતા છે.
()()()()()()
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી
“ભારત -ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ- ભાગ ૨ – આઝાદી માટેનો સંઘર્ષ” નાં બધાં પ્રકરણને એક પીડીએફમાં ફાઈલમાં ગ્રંથસ્થ કરી અને વેબ ગુર્જરીના ‘ઈ-પુસ્તકો’ પૃષ્ઠ પર પ્રકાશિત કરવામાં આવેલ છે.