કચ્છનું રણ અને આખ્યાયિકાઓ–૧૦ – ૧૯૭૪: મોટું રણ

Facebooktwitterredditpinterestlinkedinmail

image

કૅપ્ટન નરેન્દ્ર ફણસે

ત્રણ વર્ષ પંજાબમાં સેવા બચાવ્યા બાદ ૧૯૭૪માં મારી બદલી ભુજ થઈ. બટાલિયન હેડક્વાર્ટરથી અમારી ચોકીઓ પર જવા માટે પહેલાં ખાવડા જવું પડે. ત્યાંથી થોડા આગળ જઈએ તો ખારા પાણીની ખાડીને પાર શરુ થાય ખારો પાટ, રેતીલું રણ અને…. આખ્યાયિકાઓ.

સૈન્યમાંથી બીએસએફમાં મારી નિયુક્તિ થઈ, અને સૌ પ્રથમ નાના રણમાં મને મૂકવામાં આવ્યો ત્યારે જબરો રોમાંચ અનુભવ્યો હતો. કુલપતિ ક.મા. મુન્શીએ ‘ગુજરાતનો નાથ’માં અમર કરેલ કચ્છના રણનું વર્ણન, સજ્જન તથા તેની સાંઢણી ‘પદમડી વહુ’ને થયેલા રેતીના તોફાનના અનુભવનું વર્ણન અહીં પ્રત્યક્ષ થશે! એટલું જ નહિ, ગુજરાતના ઈતિહાસનો સાક્ષાત્કાર થશે તેની અપેક્ષાથી મન ઉત્સુકતાથી તરબોળ થઈ ગયું હતું. મુન્શીજી તો કદી રણમાં નહોતા ગયા, પણ તેમણે સાંઢણીસ્વાર સજ્જનના અનુભવનું જે વર્ણન કર્યું હતું તે મેં અક્ષરશ: જાતે અનુભવ્યું અને કુલપતિ પ્રત્યે આદર અને શ્રદ્ધાથી મસ્તક નમી ગયું. પંજાબથી ભુજ-કચ્છના ‘મોટા રણ’માં બદલી થઈ ત્યારે મુન્શીજીએ જે જે સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો તે જોવા મળશે તે વિચારથી મન પ્રસન્ન થઈ ગયું હતું.

ભુજ સેક્ટરની સૌથી અાગળની ચોકી – વિગો કોટ પર પહેલી વાર જવાનો પ્રસંગ આવ્યો ત્યારે બટાલિયનના એજુટન્ટ (કમાન્ડીંગ ઓફિસરના સ્ટાફ ઓફિસર)એ મને કહ્યું, “સર, ધરમશાળા ચોકી અને  વિગો કોટની વચ્ચે એક સ્થાનક આવે છે, ત્યાં  ગાડી જરુર રોકશો. ત્યાં પાસે રાખેલ પ્રસાદી અને મટકામાં રાખેલ પાણી આરોગ્યા વગર આગળ ના જશો. આ અહીંની પરંપરા છે.”  આ વાતમેં ધ્યાનમાં રાખી અને પરંપરા જાળવી. આગળ જતાં જ્યારે વિગો કોટ જોયો અને હું આશ્ચર્યચકિત થઈ ગયો.

આ કોઈ સામાન્ય જગ્યા નહોતી. મારા મતે ૪૦૦૦ વર્ષ પુરાણી સિંધુ ખીણની સંસ્કૃિતના હરપ્પા – મોહન જો ડેરોના સમકાલિન નાનકડા ગામના અહીં અવશેષ હતા. આખી ચોકી રાતી ઇંટના ભુક્કા પર ખડી કરવામાં આવી હતી! સ્કૉટીશ ઈજનેરોએ હરપ્પાના અવશેષોની ઇંટોનો રેલ્વે લાઈન બાંધવામાં ઉપયોગ કર્યો હતો; આપણા સૈનિકોએ અજાણતાં રેતીની નીચે દબાયેલા ધોળા વીરા જેવા આ ગામ પર ચોકી બાંધી હતી.

ભૌગોલિક દૃષ્ટીએ વિગો કોટ એક જમાનામાં બેટ હતો અને મારા માનવા પ્રમાણે ત્યાં હરપ્પાનું સકમાલિન ગામ હતું. સિંધુ ખીણના શહેરો તથા ગામડાં અજાણ્યા કારણોને લઈ ખાલી થયા. કચ્છની વાત કરીએ તો સમયના વહેણમાં દરિયો પશ્ચિમ તરફ ખસતો ગયો તથા અનેક સદીઓના વંટોળીયામાં ઉડી આવેલી ધુળની નીચે આ ગામ પણ દટાઈ ગયું હતું. આંતરરાષ્ટ્રીય સીમાની નજીક આ જગ્યા વ્યુહાત્મક છે. અહીંથી માઈલો દૂર સુધી નિરીક્ષણ કરવા ઉપરાંત સીમા પારથી આવતા જતા અવૈધ માનવ સંચાર પર કાબુ કરી શકાય તેવું આ સ્થાન છે. છાડ બેટને પાકિસ્તાનને હવાલે કરવાના ભારત સરકારના નિર્ણય બાદ આ સ્થળનું મહત્વ એકદમ વધી ગયું હતું. આ પુરાતન સ્થાનની નીચે શું છે તેનો કોઈને ખ્યાલ નહોતો. પુરાતત્વવિદ્ અહીં સુધી પહોંચી શક્યા નહોતા. રણની સમતળ જમીનની વચ્ચે આવેલી આ ઉંચી જમીનમાં બંકર અને મોરચાઓ ખોદવા ઉપરાંત જવાનોને રહેવા માટે બૅરૅક પણ બાંધી શકાય તેવી આ જમીન હોવાથી ૧૯૪૮માં સેન્ટ્રલ રીઝર્વ પોલીસે અહીં ચોકી સ્થાપી હતી. ત્યાર પછી તેનો હવાલો ગુજરાતની એસ.આર.પી.ને મળ્યો અને ૧૯૬૫ બાદ બીએસએફને તેનો ‘કબજો’ મળ્યો હતો.

હું ચોકી પર ગયો ત્યારે ચોકીની ચારે તરફ તાંબાના સિક્કાઓનો કાટ ચડેલો લીલા રંગનો ભુક્કો જોવા મળ્યો.  સાથે સાથે સફેદ કરચ વિખરાયેલી જોવા મળી. અમારા સૈનિકોના માનવા પ્રમાણે આ અનેક વર્ષ પહેલાં રણમાં મરેલા પ્રાણીઓનાં હાડકાંની કરચ હતી. ચોકીમાં પ્રવેશ કર્યો અને ત્યાંના વાતાવરણમાં મને એક જાતની વિચિત્ર અનુભુતિ થઈ. જાણે અહીં એક અદૃશ્ય વસતિ પણ હાજર હતી!  મેં પુરાતત્વ-શાસ્ત્રનો અભ્યાસ કર્યો નહોતો, પરંતુ ઈતિહાસનો વિદ્યાર્થી હતો. રણના આ માર્ગનો મહંમદ ગઝનવીએ ઉપયોગ કર્યો હતો. ગમે તે હોય, પણ આ કોઈ અતિ પુરાણી જગ્યાના અવશેષ છે એમાં કોઈ શંકા નહોતી.

૧૯૬૮માં બનાસકાંઠામાં મારી પ્રથમ બદલી થઈ હતી ત્યારે કચ્છ વિસ્તારમાં ફર્સ્ટ્ બીએસએફ બટાલિયન હતી. તેના અફસરો સાથે અમારી મુલાકાત હંમેશા થયા કરતી. આમાંના એક હતા રાજસ્થાનના મધુસુદન પુરોહિત. ૧૯૬૯માં થયેલી એક મુલાકાતમાં તેમણે મને જે વાત કહી કહી હતી તે હું કદી ભુલ્યો નહોતો. મધુભાઈ જ્યારે આ ચોકીના કંપની કમાન્ડર હતા ત્યારે તેમના પિતાજી તેમની સાથે અહીં કેટલોક વખત રોકાયા હતા. વડીલ પુરોહિત અત્યંત ધાર્મિક પ્રકૃતિના હતા એટલું જ નહિ, તેઓ સ્પિરીચ્યુઆિલસ્ટ પણ હતા. તેમણે મધુભાઈને કહ્યું, “ દીકરા, અહીં સદીઓ જુના અનેક આત્માઓનો નિવાસ છે. હું તેમને પ્રત્યક્ષ જોઈ શકું છું. તેમની મુક્તિ માટે તમારે કંઈક કરવું જોઈશે. બને તો અહીં એકાદ યજ્ઞ કરાવજો.” 

આ વાતને હું ભુલ્યો નહોતો. કદાચ આ કારણે મને પેલી ‘વિચીત્ર’ અનુભુતિ થઈ આવી હતી.

વિગો કોટમાં મારે સંરક્ષણાત્મક ખાઈ ખોદવા માટે જગ્યા પસંદ કરવાની હતી. અહીંના કંપની કમાંડર રજા પર હતા. તેથી ચોકીનો ચાર્જ ભારદ્વાજ નામના સબ-ઈન્સ્પેક્ટર પાસે હતો. તેમની સાથે બે દિવસ રોકાયા બાદ હેડક્વાર્ટર ભુજ પાછા ફરતાં પહેલાં મેં તેમને મોરચા બાંધવા માટેની જગ્યા બતાવી, સાથે સાથે આ ચોકી વિશેની મારી ધારણા વિશે વાત કરી. મેં તેમને સૂચના આપી કે ખોદકામ દરમિયાન કોઈ પુરાતન અવશેષ મળે તો તેની મને જાણ કરે.

બીજા દિવસની રાતે બે વાગે મને ભારદ્વાજનો ટેલીફોન આવ્યો.

“સર, કસમયે ફોન કરું છું તો માફ કરશો. આજ સાંજે અપના હુકમ મુજબ ખોદકામ કરાવ્યું હતું, પણ રાતે એક વાગે ચોકીમાં થોડી ગરબડ  થઈ ગઈ, પણ હવે બધું થાળે પડી ગયું છે.”

મધરાત બાદ ચોકીમાં ‘ગરબડ’ થયાની વાત સાંભળી હું ચોંકી ગયો. ચોકીમાં કોઈ અકસ્માત અથવા સીમા પર કોઈ બનાવ થયા વગર આટલી રાત્રે ભારદ્વાજ ફોન ન કરે. ફોન પર તેમણે મને જે વિગત આપી તેને આ યુગમાં માની ન શકાય, પણ અહીં તો મને જે ‘રીપોર્ટ’ મળ્યો તેની ટૂંક  નોંધ આપું છું.

ભારદ્વાજે ખોદકામનું કામ હવાલદાર પાંડે અને તેની નિગરાણી નીચે ચાર જવાનોને સોંપ્યું હતું. ટુકડીને સૂચના આપવામાં આવી હતી કે તેમણે દોઢ મીટર પહોળી, બે મીટર લાંબી અને લગભગ દોઢ મીટર ઉંડી ટ્રેન્ચ ખોદવી. આ કામ ચાલતું હતું ત્યાં થોડી ઉંડાઈ પર તેમને માટીનું (terra cotta) ઘોડાના આકારનું રમકડું મળ્યું. હરપ્પાના અવશેષોની છબીઓને મળતું આ રમકડું હતું. સાથે થોડા માટીના વાસણના ટુકડા જેવી વસ્તુઓ પણ મળી. થોડું વધુ ખોદકામ કરતાં તેમને અતિ પુરાણા હોય તેવા બે માનવ અસ્થિ-કંકાલના અવશેષ મળ્યા. પાંડેએ તરત કામ રોકાવ્યું અને ભારદ્વાજને ખબર કરી. ભારદ્વાજે ત્યાં જઈને આ કબર/ખાડો પૂરાવી દીધો.

ચોકીમાં જવાનો ડ્યુટીના સમય બાદ નિયત સ્થળે આરામ કરે. પાંડેની ફરજનો સમય પરોઢિયે હતો. મધરાતે તેની ટુકડીના જવાનોએ પગ પછડાવાનો અને કણસવાનો અવાજ સાંભળ્યો અને તેઓ સફાળા જાગી ગયા. ફાનસની વાટ ઉંચી કરતાં જણાયું કે પાંડે ફાટી આંખે છત તરફ તાકી રહ્યા  હતા. તેમના ગળામાંથી અસ્ફૂટ અને ઘોઘરા અવાજે કણસવાનો અવાજ આવતો હતો. બન્ને હાથ પોતાના ગળા પાસે – જાણે તેમનું ગળું દબાવતા કોઈ અદૃશ્ય હાથ  છોડાવવાનો પ્રયત્ન કરતા હોય. બેહોશીમાં પણ તેમના પગ જમીન પર ઘસાતા હતા. આ જોઈ જવાનોએ ભારદ્વાજને બોલાવ્યા.

મિલીટરીના દરેક થાણામાં એક પ્રાર્થનાસ્થાન હોય છે. ત્યાં પૂજા કરવા માટે સાત્વિક પ્રકૃતિના એક જવાનની ડ્યુટી લગાવવામાં આવે છે. આ ચોકીમાં પણ એક જવાનને આ કામ સોંપવામાં આવ્યું હતું. આ જવાન પાંડેની નજીક ગયો, અગરબત્તી સળગાવી અને પ્રાર્થના શરુ કરી. બીજા જવાનો પણ તેની સાથે જોડાયા. થોડી વારે પાંડે ભાનમાં આવ્યા.  ગભરાટને કારણે તેમનું શરીર ધ્રુજતું હતું.

“શું વાત કરું, સાહેબ? વહેલી સવારની સેન્ટ્રી ડ્યુટી હતી તેથી જમીને વહેલો સૂઈ ગયો. ઘેરી નિંદરમાં હતો પણ અચાનક ઉંઘ ઉડી ગઈ. મારી પાસે બે સ્ત્રીઓ આવી – એક વૃદ્ધ અને એક યુવાન. યુવાન સ્ત્રી અત્યંત ગુસ્સામાં હતી. મારો ઉધડો લેતી હોય તેમ ઉંચા અવાજે બોલવા લાગી અને મને મારી છાતી પર ચઢી બેઠી. તે મારું ગળું દબાવતી ગઈ અને વિચીત્ર ભાષામાં મારો ઉધડો લેતી હતી. જાણે કહેતી હતી, અમારી કબર શા માટે ખોદી? તેની પાછળ ઉભેલી વૃદ્ધા શાંતિથી ઉભી હતી. હું તો કંઈ પણ કરવા કે બોલવાની શક્તિ ખોઈ બેઠો હતો. પુજારી આવ્યો, તેણે ધુપસળી પેટાવી અને પ્રાર્થના કરી ત્યારે તેઓ અહીંથી ગઈ. સાહેબ, આ જગ્યામાં ‘રૂહ’નો (આત્માઓનો) વાસ છે. મહેરબાની કરી મને બીજી ચોકી પર મોકલી આપો.” 

ત્રણેક દિવસે પાણીનો ટ્રક આ ચોકીને પાણી દઈ પાછો ફર્યો તેની સાથે કબરમાંથી મળેલી વસ્તુઓ લઈ પાંડે ભુજ આવ્યા. તેમનો ડર હજી સુધી તેમના ચહેરા પર દેખાતો હતો. તેમણે આણેલ માટીનું રમકડું તેમને પાછું આપ્યું અને જ્યાંથી તે મળ્યું હતું ત્યાં જ તેને દાટી દેવાનો હુકમ કર્યો.

*********

કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

3 comments for “કચ્છનું રણ અને આખ્યાયિકાઓ–૧૦ – ૧૯૭૪: મોટું રણ

 1. Samir
  June 12, 2019 at 1:54 pm

  કલ્પના કરતા ઘણી વાર હકીકત વધારે વિચિત્ર અને ના સમજાય તેવી હોય છે. મારી એવી (સાચી કે ખોટી) માન્યતા છે કે બધુજ તર્ક થી સમજાવી શકાતું નથી ! નરેન્દ્રભાઈએ જે અનુભવ્યું અને વર્ણવ્યું તે અગોચર હોય તે જરૂરી નથી પણ સમજી શકાય કે સમજાવી શકાય તેવું તો નથી જ .
  આભાર,કેપ્ટન નરેન્દ્ર ફણસે !

 2. નિરંજન બુચ
  June 13, 2019 at 10:33 am

  કેમ હમેશાં તમારી સાથે જ ચમત્કાર ના બનાવ બંને છે ?
  મે તો મારી જિંદગી મા આવા કોઇ બનાવ જોયા જ નથી , માનું છું કે તમારી જીદગી સાહસો થી ભરેલી છે પણ તમને એમ નથી લાગતું કે તમે કાંઈક વધારે પડતા અંધવિશાસુ છો કે કાંઈક લોકો ના મન મા કાંઈક ઠસાવવા માંગો છો

 3. June 15, 2019 at 11:31 pm

  નિરંજનભાઈ,
  સૌ પ્રથમ તો એક વાત કહીશ કે હું ‘કાંઈક લોકોના મનમાં કાંઈક’ પણ ઠસાવવા નથી માગતો. મારા જીવનમાં કોઈ “ચમત્કારિક” બનાવો બન્યા નથી. જે બનાવો મેં જોયા, અનુભવ્યા તે જેમના તેમ objectively વર્ણવ્યા છે.
  મારા સૈનિક જીવન દરમિયાન આવેલા અનુભવોનું સીધી સાદી અને સરળ ભાષામાં મેં બયાન કર્યું. યુદ્ધમાં સૈનિકો મૃત્યુ પામ્યા” જેવા સમાચાર અખબારમાં વાંચી, ‘અરે રે!’ કહી બીજી ક્ષણે ભુલી જનાર ઑફિસમાં કામ કરનાર માણસને કદી પણ ખ્યાલ ન આવે કે જે સાથી સૈનિકની સાથે બેસીને રમત રમ્યા, ભોજન કર્યું, તેેના ગોળીઓથી જર્જરિત થયેલ શબને ખભો આપી, તેનો અગ્નિસંસ્કાર કરવાનું, અને તેની વિધવા, તેના જૈફ માતા-પિતાને તેનાં અસ્થિ આપવાનું કામ કરતી તેમનાં વિલાપ જોતી વખતે આ લેખકના મનમાં કેવું દુ:ખ ઉપજતું હશે તે ઉપર જણાવેલા સમાચાર વાચકને કદી નહીં સમજાય. જી ના. હું અંધવિશ્વાસુ નથી, કે નથી કોઈના મનમાં કાંઈ ઠસાવવા માગતો. આ વાતો તમને અરેબિયન નાઈટ્સ જેવી લાગે તો તે પ્રમાણે માની તેનો આનંદ – અથવા Time Waste માનશો. જો કે આ લેખ તમે વાંચ્યા અને આ પ્રતિભાવ લખી મોકલ્યો તે માટે તમારો આભાર માનું છું.

Leave a Reply to Samir Cancel reply

Your email address will not be published. Required fields are marked *