





લેખની બેટરીને ફરીથી રીચાર્જ કરવાની ધારણાએ એકાદ મહિનાના વિરામની અપેક્ષએ શ્રી કિશોતરભાઈએ આયોજિત અવકાશ લેવાનું વિચાર્યું હતું.
પછી..
પંદર અઢાર મહિનાનો ગાળો પડ્યો.
પણ, હવે તેઓ ફરીથી હાજર છે, ત્યારે તેમને સહર્ષ આવકાર છે.
સંપાદકો – વેબ ગુર્જરી –
કિશોરચંદ્ર ઠાકર
ભાષામાં કેટલાક શબ્દોના સર્જનનો મૂળભૂત હેતુ ગમે તે હોય, પરંતુ કેટલાક સેવાભાવી મનુષ્યો જેમ પોતાનો નિયમિત વ્યવસાય કરવા ઉપરાંત સેવાની પ્રવૃત્તિ પણ કરતા હોય છે તેમ કેટલાક શબ્દો પણ પોતાના અવતાર કાર્યની સાથે આપણને રાહત આપવાનું કામ પણ કરતા હોય છે. ‘પછી’ નામનો શબ્દ આ કાર્ય સવિશેષ કરી રહ્યો હોય એમ લાગે છે. આપણા બાલ્યકાળથી જ તેનો અનુભવ થતો રહે છે. જેમ લાંબી પદયાત્રા કરતી વખતે કે પહાડ ચડતી વખતે આપણે વચ્ચે વિરામ લઈએ છીએ તેમ વાર્તા કહેતો બાળક વારેવારે ‘પછી” શબ્દનું ઉચ્ચારણ કરીને વાર્તાનો આગળનો પ્રસંગ યાદ કરવા માટે વિરામ લઈ લેતો હોય છે.
હાલના સમયમાં બાળકોને વસ્તુ કદાચ માગ્યા પહેલાં જ મળી જાય છે. પરંતુ જૂના કાળમાં તો બાળકો ડરતાં ડરતાં માતાપિતા પાસે ખાસ કરીને પિતા પાસે માગણી કરતાં. જો કે પિતાશ્રી કદી ના કહેતા નહિ, પરંતુ બહુધા તેમનો જવાબ મળતો કે “પછી વાત”. ખૂબ લાંબા અનુભવે અમને બાળકોને સમજાયું કે આ ‘પછી’નો અર્થ’ ક્યારે પણ નહિ’ એવો થતો.
વિદ્યાર્થીઓને શિક્ષક જ્યારે એમ કહે છે કે આ કે ફલાણું લેસન પછી કરજો, ત્યારે વિદ્યાર્થીઓ મોટી રાહત અનુભવે છે. “પરીક્ષાને હજી વાર છે પછી વાંચવાનું ચાલુ કરીશું’ એમ કહેતા વિદ્યાર્થીનો હેતુ અભ્યાસના શ્રમમાંથી તત્ક્ષણ મુક્તિ મેળવાનો જ હોય છે, નોકરીમાં પણ શેઠ નોકરને કોઈ કામ પછી કરવાનું કહે ત્યારે નોકરને પણ એક પ્રકારની રાહત થાય છે.
પતિ જ્યારે પત્નીને હોટેલમાં જમવા લઇ જવા, સિનેમા જોવા કે કોઈ પ્રવાસે લઈ જવા માટે “પછી જઈશું” એમ કહે છે ત્યારે સમજદાર પત્ની તો સમજી જ જાય છે કે ‘પછી’ એટલે “લાંબા સમય બાદ” અથવા તો “ક્યારેય નહિ”!.
પૈસા ઉછીના લેતો કે ઉધાર ચીજવસ્તુ ખરીદતો જણ જ્યારે “પૈસા પછી આપીશ” એમ કહે છે ત્યારે અનુભવી અને જાગૃત લેણદાર “પછી એટલે ચોક્કસ ક્યારે?” એમ અવશ્ય પૂછી લે છે, જ્યારે બિનઅનુભવી લેણદારને તો સહન કરવાનું જ આવે છે.
શિયાળામાં સવારે “હું પછી ન્હાઇશ” એમ કહીને અન્યને પ્રથમ તક આપીને આપણે ઉદાર બનવા માટેનો ઢોંગ જ કરતા હોઈએ છીએ, વાસ્તવમાં તો આપણો હેતુ ‘પછી’નો સહારો લઈને અણગમતી આ દૈનિક ક્રિયાને વિલંબમાં નાખવાનો જ હોય છે.
‘પછી’ એ સમયસૂચક શબ્દ હોવા છતાં આળસુ લોકોનું એ ઢાંકણ છે. કોઈ પણ કામ કરવાનું આવે ત્યારે એ કરવાની અનિચ્છા પ્રગટ થઈ ન જાય એ માટે “પછી કરીશું” એમ કહીને પ્રમાદને સંતાડી શકાય છે. ‘પછી’ ની સુવિધા એ છે કે તેને સમયની કોઈ સરહદ નથી. તે એક એવી સમયરેખા છે કે જેનું આરંભ બિંદુ ‘પછી’ શબ્દના ઉચ્ચારણની ક્ષણ હોય છે પરંતુ અંત્યબિંદુ કદી નિશ્ચિત નથી હોતું. અલબત્ત, કેટલાક શાણા માણસો આરંભ બિંદુને પણ થોડું દૂર ખસેડી શકે છે, જેમ કે દિવાળી પછી, અઠવાડિયા પછી વગેરે. અહીં દિવાળી કે અઠવાડિયું એ દૂર ખસેડાયેલું આરંભ બિંદુ છે અને રાબેતા મુજબ અંત્યબિંદુ નિશ્ચિત નથી હોતું.
આપણી સામાન્ય સમજ એવી છે કે આપણે અન્ય વ્યક્તિ સાથેના વ્યવહારમાં જ ‘પછી’નો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ પોતાની જાત સાથેના સંવાદમાં પણ તેનો ભરપૂર ઉપયોગ કરતા હોઇએ છીએ. વહેલી સવારે જાગવા માટે હું કેટલીક વખત ઘડિયાળમાં આલાર્મ મૂકું છું. ક્યારેક એવું પણ બને છે કે આલાર્મ વાગે તે પહેલા જ આંખ ખૂલી જાય છે, છતાં આલાર્મ વાગે પછી જ શૈયાત્યાગ કરવાના નિર્ધારનું સખત પાલન કરવા પાછળ પ્રમાદનો આનંદ મેળવવાનો હેતુ હોય છે.
આમ ‘પછી’ નો સહારો લેવાનું સવારમાં જાગતાંની સાથે જ શરૂ થઈ જાય છે. કેટલીક વખત આપણે આરોગ્ય માટે મોર્નિંગ વોક કરવાનું નક્કી કરતા હોઈએ છીએ, કોણ જાણે કેમ પણ તેનો ત્વરિત અમલ થઈ શકતો નથી, પહેલાં ‘વેકેશન પડે પછી ચાલુ કરીશું’ એમ વિચાર આવે છે અને વેકેશન પડ્યા પછી તે પૂરું થાય પછી જ જઈશું’ એમ નિર્ણયમાં ફેરબદલ થાય છે. આવું જ વ્યસન છોડવા બાબતે થાય છે. બીડીની ચાલુ ગડી કે તમાકુની પડીકી પૂરી થાય પછી બંધ કરીશું, નવા વર્ષથી એટલે કે ચાલુ વર્ષ પૂરું થયા પછી કે ફલાણી જગ્યાએ પ્રવાસેથી પરત ફર્યા પછી કે અન્ય કોઇ દિવસ પછી વ્યસન છોડી દઈશું એમ આપણું મન આપણી જાતને જ વાયદા આપ્યા કરે છે.
ઉપદેશકો ભલે કહે કે ‘પછી’ હંમેશાં નુક્શાન કરે છે. પરંતુ કેટલીક વખત તે લાભ પણ કરાવી શકે છે, સરકારી નોકરીમાં કેટલાક કર્મચારીઓ કામને તરત જ ન્યાય આપવો એમ માનતા હોય છે, પરંતુ એવા ઘણા હોય છે કે પોતાને સોંપાયેલું કામ પછીથી કરીશું એમ માનીને યોગ્ય મુહૂર્તની રાહ જોતા હોય છે, દરમ્યાન આવા કર્મચારીના લાભાર્થે કોઇ વાર એવો પરિપત્ર આવે છે કે જે તે કામ હવે કરવાની જરૂર નથી. આથી તેઓ શ્રમ કરવાથી બચી જાય છે. ક્યારેક આ પ્રકારના નસીબદાર કર્મચારીની પોતાની જ બદલી થઈ જાય છે અને તેની સાથે કાર્યબોજ પણ તબદીલ થઇ જાય છે! આ રીતે ભોળા લોકોની માન્યતા ‘નસીબ હંમેશા પુરુષાર્થીઓને જ સાથ આપે છે’ ક્યારેક ખોટી પણ પડે છે.
‘પછી,’ વડે માત્ર આપણે પામર મનુષ્યો જ રાહત મેળવતા નથી, ખુદ ભગવાન પણ આ લાભ મેળવે છે, કોઇ પાપીને દંડ દેવા માટે પણ એ ‘પછી વાત’ એમ મનમાં વિચારે છે, દરમિયાન પાપીઓને પુષ્કળ પાપ કરવાનો સમય મળી રહે છે. કેટલાકને તો આખો જન્મારો પાપ કરવા દે છે અને તેના પછીના જન્મમાં શિક્ષા કરે છે! અલ્લાતાલા પણ કયામત પછી જ પાપપુણ્યનો હિસાબ કરવાનું રાખે છે. ભગવદ્ગીતા મારફત તો ભગવાને જાહેર જ કરી દીધું છે કે પૃથ્વી પર પાપનો ભાર વધી પડે પછી જ હું અવતાર ધારણ કરીશ. આના ઉપરથી એમ લાગે છે કે ભગવાનને કે ખુદાને પણ આપણી માફક ત્વરિત કામ કરવાનો અણગમો હશે, તેથી પોતે પણ “પછી’નો લાભ લેતા હશે.
હું જાણું છું કે મારો આ લેખ વાચક મિત્રોને ઢંગધડા વિનાનો લાગશે અને તેથી મેં તેને સુધારીને, મઠારીને પછી જ મૂકવાનો વિચાર પણ કર્યો. પરંતુ ‘પછી’ એટલે ‘ક્યારેય નહિ’ એ અનુભવસિદ્ધ સત્ય ધ્યાનમાં આવતા લેખ જેમનો તેમ મૂકી વિરમું છું.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in । મો. +91 9714936269
વેલકમ બેક,કિશોરભાઈ !
મેં અસંખ્ય વાર ‘પછી ‘ એ શબ્દ વાપર્યો હશે પણ તેનો આટલો સ્ફોટક વ્યાપ અને પરિણામ વિષે પહેલીવાર વિચાર્યું !
મૌલિક વિચારશક્તિ બધા ને પ્રાપ્ત નથી. કિશોરભાઈ,તમે તમારી આ શક્તિ નો લાભ આપતા રહેશો તેવી આશા છે.
હવે હું ‘પછી’ એ શબ્દ નો ઉપયોગ કરતા પહેલા જરૂર વિચારીશ !
વિચારતો હતો પછી વાચીશ.પબ્લિશ થયો છે શું ઉતાવળ છે? છે વટે વાચી નાખ્યો . હવે શું.? પછી મા કેટલો બધો અવકાશ હોય છે! ક્રુષ્ણ ને કહી શકાય કરિષ્યે વચનમ તવ.પછી મા જે મજા. છે.તે બીજે ક્યાંય નથી. સરસ લેખ .ખૂબ જ પડી. અભિનંદન. લખતા રહો. દિલીપ શુકલ.
વિચારતો હતો પછી વાચીશ.પબ્લિશ થયો છે શું ઉતાવળ છે? છે વટે વાચી નાખ્યો . હવે શું.? પછી મા કેટલો બધો અવકાશ હોય છે! ક્રુષ્ણ ને કહી શકાય કરિષ્યે વચનમ તવ.પછી મા જે મજા. છે.તે બીજે ક્યાંય નથી. સરસ લેખ .ખૂબ જ પડી. અભિનંદન. લખતા રહો. દિલીપ શુકલ.
પુન:આગમને સ્વાગત છે, કિશોરભાઈ! નિયત સમયાંતરે આવા ગમતીલા લેખો સાથે દેખા દીધા કરશો.
?વાહ કિશોરભાઈ ! ખુબ સરસ ?લેખ. ગમ્યો. પેલા તો એમ થયું કે પ્રતિભાવ આપવામાં ઉતાવળ ન કરવી. પણ પાછું એમ વિચાર આવ્યો કે આ લેખ જ ‘પછી’ માટેનો છે તો સાલું પછી રહી જાય ! બીજા લેખો પણ મુકતા રેજો.
સંપાદક મંડળ સહિત આવકાર આપનાર સૌનો આભાર, જેમણે પ્રતિભાવ આપ્યો છે તેમ જ એમ વિચારતા હોય કે ‘પછી’ પ્રતિભાવ આપીશું તેમનો પણ આભાર માની લઉ છું
Fine
I am not alone to think PACHHI KARISHU
THANKS
Kishorebhai… Had I known your such talent in u,would have spent good time with you during
PnGS working…it was also your greatness that u never showed your talent in this field n giving your full attention on your allotted work. Continue writing….wah… Pachhi malshu.. jyare ahmdavad aavish tyare.. Halma be mahinathi London Chhu…
આભાર રમેશભાઇ