મંજૂ ષા : ૨૪. ગરિમા અને ગૌરવ જાળવવાની જરૂર

Facebooktwitterredditpinterestlinkedinmail

-વીનેશ અંતાણી

હિન્દીના સુપ્રસિદ્ધ સર્જક નિર્મલ વર્માનો એક લેખ છે: ‘અપને દેશ વાપસી.’ એ લેખ એમણે એમના વાર્તાસંગ્રહ ‘બીચ બહસ’ના આરંભમાં મૂક્યો છે. તેઓ થોડાં વરસ ચેકોસ્લોવેકિયા અને યુરોપમાં રહ્યા પછી ભારત પાછા આવ્યા એવા સમયે એમને ભારતનું જે ચિત્ર દેખાયું હતું એ પરથી આ નિબંધ લખ્યો છે. આપણા દેશથી સાવ અજાણ કોઈ વિદેશી વ્યક્તિ પહેલી વાર આપણે ત્યાં આવે ત્યારે એને બધું જ જુદું લાગે છે. એ જ્યાં-જ્યાં જાય ત્યાં ઊભી રહીને બધું નવાઈપૂર્વક જુએ છે. એના માટે બધું જ નવું હોય છે, જ્યારે થોડાં વરસ પરદેશમાં રહી આવ્યા પછી ભારત પાછી ફરેલી વ્યક્તિ નવી નજરે પોતાના દેશને ફરીથી જુએ છે ત્યારે એને જૂના સમયની પરિચિતતાની ધૂળ વચ્ચેથી નવાં દૃશ્યો દેખાવા લાગે છે. એવી વ્યક્તિ નથી વિદેશી હોતી, નથી સ્વદેશની વતની રહેતી. એની ગેરહાજરીમાં ઘણું બદલાઈ ગયું હોય છે. એણે નવેસરથી બધું જોવાનું અને અનુભવવાનું હોય છે. ક્યારેક એને બધું અગાઉ જેવું જ લાગે છે તો ક્યારેક ઘણું બદલાઈ ગયેલું લાગે છે. પોતાનો દેશ છોડીને ક્યાંય ન ગયેલા લોકો એમની આસપાસની દુનિયાથી એટલા બધા ટેવાઈ ગયા હોય છે કે જે બદલાયું હોય એ તરફ એમનું ધ્યાન જતું નથી.

કોઈ પણ દેશના સમાજની પોતાની આગવી જીવનશૈલી અને પરંપરાઓ હોય છે. નિર્મલજી કહે છે તેમ આપણા દેશના લોકો પોતપોતાની ‘મર્યાદા’ના દાયરામાં રહેતા હોવા છતાં દરેક પરિવારમાં અલગ પ્રકારનું ખુલ્લાપણું જોવા મળે છે. એવું ખુલ્લાપણું સામાન્ય રીતે આપણે જેને ‘ઓપન સોસાયટી’ કહીએ છીએ તે પશ્ર્ચિમની સભ્યતામાં પણ જોવા મળતું નથી. નિર્મલ વર્મા લખે છે: “આપણે એક મકાનમાંથી બીજા મકાનમાં ડોકિયાં કરી શકીએ છીએ, આજુબાજુનાં ઘરોનું કોઈ રહસ્ય પડોશીની નજરથી છૂપું રહેતું નથી. અહીં સવારના સ્નાનથી માંડીને રાતે સૂવા સુધીનું બધું જોઈ શકાય છે. દરેક પરિવાર પોતાની ‘મર્યાદા’માં બંધ હોય છે, છતાં એમનો દૈનિક વ્યવહાર ખુલ્લા કાગળ જેવો હોય છે.” એમના કહેવા પ્રમાણે ભારતીય પરિવારોને ‘પ્રાઇવેટ’ શબ્દની જરૂર જ નથી, કારણ કે એમને બિનજરૂરી પ્રાઇવસીની આવશ્યકતા લાગતી નથી. આ સંદર્ભમાં એમણે એક દૃષ્ટાંત આપ્યું છે. સુપ્રસિદ્ધ લેખિકા વર્જિનિયા વૂલ્ફના પતિ લિયોનોલ્ડ વૂલ્ફ એક વાર જવાહરલાલ નેહરુને લંડનના એક એપાર્ટમેન્ટમાં મળવા ગયા હતા. “નેહરુજી દરવાજો ખુલ્લો રાખીને કામ કરતા હતા. એ જોઈને લિયોનોલ્ડ વૂલ્ફને બહુ નવાઈ લાગી હતી. લોકો આવતા હતા, વાતો કરતા હતા અને ચાલ્યા જતા હતા – યુરોપના લોકોની પ્રથાથી સાવ વિપરિત. નિર્મલજી લખે છે: “યુરોપના સમાજનો વ્યવહાર ગમે તેટલો ખુલ્લો અને મુક્ત કેમ ન હોય, પોતાના ઘરમાં દરેક વ્યક્તિ એનાં નજીકનાં સગાંસંબંધીઓથી પણ પોતાનો દેહ-આત્મા છુપાવીને જ રહે છે. મને યુરોપના પરિવારોનું આ ‘અરસ્પરસ છુપાવીને રહેવું’ હંમેશાં થોડું-થોડું હાસ્યાસ્પદ લાગ્યું છે.”

નિર્મલજીએ ‘ગરીબી’ અને ‘દરિદ્રતા’ શબ્દો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. એમણે કહ્યું છે તેમ ગરીબી અને દરિદ્રતામાં મોટું અંતર છે. ગરીબી માત્ર ભારતમાં જ નથી, પશ્ર્ચિમના દેશોમાં પણ છે. એમની નારાજગી ખાસ કરીને ભારતના કહેવાતા સભ્ય-સુસંસ્કૃત લોકોની છીછરી મનોદશાની દરિદ્રતા પર છે. એમણે એક દૃષ્ટાંત સાથે આ વાત સમજાવી છે. ફિલ્મોમાં- હવે તો ટીવી પર પણ – આવતી જાહેરખબરોમાં જે રીતે ઝગમગાટ કરતા વૈભવી જીવનનું પ્રદર્શન કરવામાં આવે છે તેને અને રસ્તા પર જીવતા ગરીબ લોકોની ગરીબી સાથે કોઈ સંબંધ હોતો નથી. જાહેરખબરોમાં પ્રદર્શિત થતું જીવન આપણા દેશની પૂરી વાસ્તવિકતા નથી, ભારતની વાસ્તવિકતા તો સાચા અર્થમાં ગરીબીમાં જીવતા લોકોના જીવનમાં છે. આપણે આપણાં આંખકાન બંધ કરીને કહેવાતી સભ્યતા, શ્રીમંતાઈના ઠઠારા અને આંખોને આંજી નાખતી અવાસ્તવિકતાની દરિદ્રતામાં ફસાઈ ગયા છીએ. ટીવી સિરિયલોમાં જોવા મળતું કોઈ પણ સ્ત્રીપાત્ર રાતે ઊંઘમાંથી ઊઠે ત્યારે પણ મોંઘાદાટ વસ્ત્રો અને દાગીનાથી શણગારેલું જ જોવા મળે છે. નિર્મલજી લખે છે: “સડક અને સિનેમાગૃહોની દુનિયાઓની વચ્ચે જે ખાલી જગ્યા આપણા દેશમાં છે, તે બીજે ક્યાંય નથી. સ્કૂલમાંથી છૂટેલાં ભૂખ્યાં-તરસ્યાં બાળકો કલાકો સુધી બસની રાહ જોતાં ઊભાં રહે છે. એક તરફ ચામડી બાળી નાખતા તડકામાં એમના ચિમળાઈ ગયેલા ચહેરા અને બીજી બાજુ સિનેમામાં(હવે ટીવીમાં પણ) કોર્નફ્લેક્સ ખાતાં બાળકોના ચળકતા ચહેરા… આ બેની વચ્ચે હું તાલમેલ ગોઠવી શકતો નથી.” નિર્મલજીના મતે આનાથી મોટી અશ્ર્લીલતા બીજી કોઈ હોઈ શકે નહીં.

આધુનિકતા ભૌતિક પરિવર્તનોથી કે એના દેખાડાથી આવતી નથી. આપણે વિદેશોનું અનુકરણ કરીને આગળ વધ્યા હોવાનો સંતોષ માની લઈએ છીએ, પરંતુ ભીતરથી વધારેને વધારે ખોખલા થતા ગયા છીએ. ઘરમાં વસાવેલાં ફ્રિજ કે ટીવી કે આધિનિક ઉપકરણોથી સભ્ય થવાતું નથી. સમયની સાથે બદલાવાની સાથે આપણે ભીતરના સત્ત્વને સાચવી રાખવું પડે. સવાલ આપણી ગરિમા અને ગૌરવને જાળવી રાખવાનો છે.


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *