





–બીરેન કોઠારી
ઘણી ફિલ્મો એવી હોય છે કે જેને જોવાની તક બાળપણમાં કે કિશોરાવસ્થામાં મળી હોય ત્યારે તેનું મહત્ત્વ સમજાયું ન હોય. માત્ર તેનાં અમુક ગીતો કે કોઈક દૃશ્યો મનોપટ પર અંકાઈ ગયાં હોય. સમજણા થયા પછી એનું માહાત્મ્ય ખ્યાલ આવે.
‘યહૂદી’ ફિલ્મ મારા માટે એવી છે. બીજી પણ અનેક ખરી. 1958 માં રજૂઆત પામેલી આ ફિલ્મ મને જોવાનો મોકો મળ્યો 1977-’78 ની આસપાસ, મારી બાર-તેર વર્ષની ઉંમરે. એ વખતે મને કદાચ તેના એક માત્ર ગીત ‘યે મેરા દીવાનાપન હૈ’ વિશે જ જાણકારી હતી. નહોતું મેં સોહરાબ મોદીનું નામ સાંભળ્યું કે નહોતું બીમલ રૉયનું. પણ આ અરસામાં મુંબઈ રહેતા મારા કાકાને ત્યાં જવાનું અને ત્રણ-ચાર સપ્તાહ રહેવાનું બન્યું ત્યારે મારા પિતરાઈઓ કિશનભાઈ (જે હવે દિવંગત છે) અને મયુરભાઈએ મને અનેક ફિલ્મો બતાવી. એમાંની એક તે ‘યહૂદી’, જે અમે ગોરેગાંવના ‘ટોપીવાલા’ થિયેટરમાં જોયેલી. આ થિયેટરની અંદર આવેલા સ્ટૉલમાં કોલ્ડ કૉફી પર ઝીણી સેવ ભભરાવવામાં આવતી હતી.

ખેર! મને ફિલ્મની કથામાં ત્યારે ઝાઝી સમજણ નહોતી પડી, અને ત્યાર પછી એ ફિલ્મ જોવાનો મોકો મળ્યો નથી. આમ છતાં, એટલું યાદ છે કે ફિલ્મના રંગે રંગાયેલા મારા બન્ને ભાઈઓને સોહરાબ મોદીના તમામ ડાયલોગ્સ યાદ હતા. ખબર નથી કે તેઓ કેટલામી વખત ફિલ્મ જોતા હશે. આ ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં.

‘બૈચેન દિલ, ખોઈ સી નજર‘ (લતા-ગીતા), ‘મેરી જાં મેરી જાં‘ (લતા), ‘યે મેરા દીવાનાપન હૈ‘ (મુકેશ), ‘આતે જાતે પહલૂ મેં આયા કોઈ‘, ‘દિલ મેં પ્યાર કા તૂફાન, ના સમજે કોઈ નાદાન‘ (લતા), ‘આંસૂ કી આગ લે કે તેરી યાદ આઈ‘ (લતા) અને ‘યે દુનિયા યે દુનિયા, હાય હમારી યે દુનિયા‘ (મ.રફી). લગભગ તમામ ગીતોમાં શંકર-જયકિશનની મુદ્રા હતી, અને શૈલેન્દ્રના શબ્દો તરત ઓળખાઈ જાય એવા. (‘આંસૂ કી આગ લે કે’ હસરતનું હતું) હતા. પણ મને કોણ જાણે કેમ, ‘યે દુનિયા યે દુનિયા, હાય હમારી યે દુનિયા’ યાદ રહી ગયેલું. એ ગીતનું દૃશ્ય પણ મારા મનમાં છપાઈ ગયેલું. આ ગીત કદાચ ફિલ્મનાં અન્ય ગીતોની સરખામણીએ ઓછું જાણીતું ગીત હતું.

આથી જ ‘યહૂદી’ના ટાઈટલ મ્યુઝીકમાં આ ગીતની ધૂન સાંભળીને આનંદની સાથે આશ્ચર્ય પણ થયું, કેમ કે, આ ફિલ્મનાં અન્ય તમામ ગીતોની ધૂન ટાઈટલ મ્યુઝીક તરીકે ફીટ બેસે એવી છે.
શરૂઆતમાં છેક 0.25 સુધી તંતુવાદ્યવિભાગ દ્વારા ધમાકેદાર સંગીત છે. ત્યાર પછી 0.46 સુધી માત્ર તાલ અને પર્કશન સંભળાય છે, જેમાં ‘મેરા જૂતા હૈ જાપાની’ના આરંભિક સંગીતની શૈલી જણાય. 0.27 થી તંતુવાદ્યસમૂહ પર જ ‘યે દુનિયા યે દુનિયા’ની ધૂન આરંભાય છે. તેનો તાલ એકદમ શંકર-જયકિશનની ઓળખ સમો છે. 0.42 થી 0.57 સુધી આ જ સંગીત ટાયશોકોટો પર વગાડવામાં આવ્યું છે. ત્યાર પછી ફરી એક વાર તંતુવાદ્યસમૂહ શરૂ થાય છે, જે 1.12 સુધી છે. વળી પાછું ટાયશોકોટોનું સંગીત આવે છે, જે 1.26 સુધી છે. ત્યાર પછી ફરી તંતુવાદ્યસમૂહનું સંગીત છે, જે 1.40 સુધી છે. સમાપનમાં ફૂંકવાદ્યસમૂહ પ્રવેશે છે, અને તેની સાથે વારાફરતી તંતુવાદ્યસમૂહ પણ સંભળાય છે. 1.59 પછી મુખ્ય સંગીત તંતુવાદ્યસમૂહનું, તેની સમાંતરે ફૂંકવાદ્યસમૂહ તેમજ ટાયશોકોટો સંભળાય છે. 2.42 પર સમાપન થાય ત્યાં સુધી તંતુવાદ્યસમૂહનું પ્રભુત્વ રહે છે.
આ ફિલ્મમાં સંગીત સહાયક તરીકે દત્તારામનું નામ વાંચી શકાય છે, અને તેમની શૈલીનો પ્રભાવ પણ આ ટ્રેકમાં અનુભવી શકાય છે.
(નોંધ: તમામ તસવીરો નેટ પરથી લેવામાં આવી છે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
Nice information. Enjoyed.
‘ટાઇટલ મ્યુઝીક’ એક અનોખી જ લેખ માળા.
મારી યાદોમાં આવા ટાઈટલ મ્યુઝીક ઘણાં છે જેની હવે હું આ લેખમાળામાં રાહ જોઇશ. અત્યારે બહુ યાદ નથી આવતા પણ ત્યારે આ મ્યુઝીક સાંભળતા ઝૂમી ઉઠતા તે યાદ છે. જોકે છેલ્લે હીના પિકચરનું ટાઇટલ સંગીતમાં મઝા આવી હતી તે યાદ છે.
Very Nice Information,Title Music Composed Karvama Shankar Jaikishan Ni Mastery Hati