ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને

Facebooktwitterredditpinterestlinkedinmail

– ધ્રુવ ભટ્ટ્

ગુજરાતી સાહિત્ય-વિશ્વમાં જાણીતા અને વિવિધ એવોર્ડથી નવાજાયેલા સાહિત્યકાર શ્રી ધ્રુવભાઈ ભટ્ટનો પરિચય હવે આપવાનો હોય નહિ. આ અગાઉ તેઓશ્રીનું વેબગુર્જરી ઉપર પદાર્પણ થઈ ચૂક્યું છે. આમ તો ‘તત્વમસિ’, ‘સમુદ્રાન્તિકે’ અને ‘તિમીરપંથી’ તથા ‘ખોવાયેલું નગર’ જેવી નવલકથાઓ થકી ઘણા સુપ્રસિધ્ધ થયાં છે પણ ‘ગાય તેના ગીત’ અને ’શ્રુવન્તુ’ જેવાં કાવ્યસંગ્રહોમાં અદભૂત ગીતો લખ્યાં છે. વે.ગુ. પર પ્રસિધ્ધ કરવા માટે પ્રેમપૂર્વક, ફોન પર મળેલી સંમતિ માટે વે.ગુ.ની સંપાદન સમિતિ ખૂબ હર્ષ  અને ગર્વ અનુભવે છે. તેમનું એકદમ મઝાનું ગીત અત્રે પ્રસ્તૂત છે.

વેગુસાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવ.

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં

ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું

લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં

આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ

નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય

મારી ઊપર આકાશ એમનેમ છે….


કવિના સંપર્કસૂત્રો :

મોબાઈલ – 91 9426331058 | Email: dhruv561947@yahoo.com


અતિશય મૃદુતાથી ‘ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?’ દ્વારા શરૂ થયેલો કાવ્યનો ઉઘાડ તેના અંત સુધી સંવેદનાઓથી છલછલ છે. ‘દરિયા શી મોજ’ દ્વારા ભીતરનો ખળભળાટ અને ભરતી ઓટ ગોપાયાં છે. તો આગળના અંતરાઓમાં ‘ફાટેલા ખિસ્સા’ અને ‘એકલો ઊભું તો ય’ અજંપાનો અછડતો અણસાર આપી કેવાં મસ્તીથી હેમખેમ ખજાનાની વાત ધરી દીધી છે અહીં!

છેલ્લા અંતરામાં તો અદભૂત કવિકર્મ નીખરી રહ્યું છે.

આંખોમાં પાણી તો આવે ને જાય,

નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ,

નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય

મારી ઊપર આકાશ એમનેમ છે….
ઉભરી આવતી સંવેદનાઓને સંતાડી એની ઉપર આત્મવિશ્વાસ અને શ્રધ્ધાનું મસમોટું ‘કમ્ફર્ટર’ ખૂબ ખૂબીથી ઓઢાડ્યું છે. ફિકરને ફાકી કરી ફરતા ફકીરની આ લયબધ્ધ શાબ્દિક અદાને સલામ.

સાદ્યંત સુંદર આ ગીતમાં જીંદગીની ફિલસૂફી છે, સુંદર રૂપકો, સરળતાથી વહેતો લય, વર્ણાનુપ્રાસની મધુરતા, ભાવોની મ્રુદુતા અને ફકીરી અનન્ય છે. આ ગીત સ્વરબધ્ધ થઈ ગવાયું પણ છે.

દેવિકા ધ્રુવ..

6 comments for “ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને

 1. MAHESHCHANDRA THAKORLAL NAIK
  June 9, 2019 at 5:15 am

  AA GEET MARU ATYANT PRIYA GEETO MATHI EK CHHE… …….
  Congratulations to Shri Dhruvbhai Bhatt…..

 2. શૈલા મુન્‍શા
  June 9, 2019 at 11:53 pm

  ધ્રુવભાઈ ભટ્ટનુ આ સંવેદનશીલ ગીત
  “કોઈ ઓચિંતુ મને રસ્તે મળે” અને એનો એટલો જ સુંદર સંવેદનશીલ ભાવાનુવાદ વાંચી હૈયું પુલકિત થઈ ગયું.

 3. Jitendra Sanghvi
  June 10, 2019 at 7:03 am

  wah bhai wah aawu sunder kavya wanchi tabiyat khush thai jay chhe
  tamne umalkathi rubaruman malwa dil tal paapad thai jaay chhe.
  Jitu Sanghvi.

 4. Bhagwan thavrani
  June 10, 2019 at 5:47 pm

  અત્યંત સુંદર ભાવવાહી ગીત ! શબ્દો સ્વાભાવિકતાથી વહે છે, કોઈ આયાસ વિના ! એટલો જ સરસ આસ્વાદ !

 5. June 10, 2019 at 8:47 pm

  ધૃવભાઈનું ભાવભરેલ ગીત, યુ ટ્યુબ પર સાંભળેલ ત્યારે આનંદ થયેલ અને ઍટલો જ આનંદ સુંદર આસ્વાદ વાંચી થયો.

  • kishor Thaker
   June 11, 2019 at 5:48 pm

   યુટ્યબમાં આ ગીત તો છે જ પરંતુ એક વખત વિશ્વકોશભવન અમદાવાદમાં કેટલાક આદીવાસી બળકો સાથે તેમના એક શિક્ષકે સરસ રીતે આ ગીત ગાયાનું યાદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *