ફિર દેખો યારોં : આગ લાગી ગયા પછી પણ કૂવો ખોદવાનો વિચાર ન આવે ત્યારે

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

‘મુદ્દા પરથી વાર્તા’નો પ્રશ્ન ગુજરાતીના પેપરમાં પૂછાતો હતો. તેમાં છેલ્લે બે મુદ્દા કાયમી રહેતા. એ હતા વાર્તાનું શિર્ષક અને કથાબોધ. આપણા લોકસાહિત્યમાં, પુરાણોમાં કે ધર્મસાહિત્યમાં અનેકાનેક બોધકથાઓ રહેલી છે, જેના થકી જીવન જીવવાની ઉત્તમ ચાવીઓ સાવ સરળરૂપે મળી રહે છે. આપણે તેને યાદ રાખી, વાતચીત કે દલિલોમાં ટાંકી, તાળીઓ પાડી, પણ તેનો અમલ વ્યવહારમાં કેટલો કર્યો? બોધકથાઓનો બોધ મોટે ભાગે કથાઓમાં જ રહી ગયો છે એમ લાગે. જીવનના ગહન પાઠ આ કથાઓ સહેલા રસ્તે શિખવે છે, પણ આપણે સહેલા પાઠ સુદ્ધાં શિખવા માટે અઘરા માર્ગ લઈએ છીએ. અને છતાં પાઠ શિખવાનું વલણ જોવા મળતું નથી.

અંગ્રેજી ફિલ્મોના ચાહકોને 1975-76ની આસપાસ રજૂઆત પામેલી ‘ધ ટાવરિંગ ઈન્‍ફર્નો’ ફિલ્મ યાદ હશે. વિશ્વની સૌથી ઊંચી, 138 માળ ધરાવતી એક બહુમાળી ઈમારતના લોકાર્પણ સમયે જ તેમાં ભયાનક આગ ફાટી નીકળે છે. સિનેમાના પડદે આગનાં દૃશ્યો જોઈને પ્રેક્ષકોના મોંમાંથી હાયકારો નીકળી જતો. જો કે, એ સમયે વિદેશી ફિલ્મોમાં જોવા મળતાં આવાં દૃશ્યો જોઈને એમ જ લાગતું કે આવી દુર્ઘટનાઓ વિદેશમાં જ થઈ શકે.

1997માં દિલ્હીના ઉપહાર નામના સિનેમાગૃહમાં આગ લાગી અને સાઠેક લોકો તેમાં બળી મર્યા. સિનેમાગૃહના માલિકોની બેદરકારી બદલ તેમને આકરો દંડ ફટકારવામાં આવ્યો. 2005માં ભરૂચ નજીક હાઈવે પર વોલ્વો બસ સળગી ગઈ, જેમાં બાવીસેક મુસાફરો ભૂંજાઈ ગયા. સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં તાજેતરમાં લાગેલી ભીષણ આગ પછી પ્રતિક્રિયાઓ ચાલુ રહી છે. પગલાં લેવાની કાર્યવાહી આ લખાતા સુધીમાં શરૂ થઈ છે. વર્તમાન યુગનાં સૌથી બોલકાં કહી શકાય એવાં સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર અનેકવિધ પ્રતિભાવો, સૂચનો, આક્રોશ કે માહિતીઓ જોવા મળે છે. તેના પર વહીવટી તંત્ર, સંબંધિત એજન્‍સીઓથી લઈને રાજકારણીઓ કે શિક્ષણપ્રણાલિ સુધી સૌને પોતપોતાના મત અનુસાર દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. આકરામાં આકરી સજા, વળતર કે કાર્યવાહી છતાં એક વાત નક્કી છે કે જે જાનહાનિ થઈ છે તેને કોઈ પણ રીતે ભરપાઈ કરી શકાય એમ નથી.

આવી દુર્ઘટના બને ત્યારે શો પ્રતિભાવ આપવો એ ન સમજાય. પણ આવી દુર્ઘટના ન બને એ માટે શું કરવું એ કોઈને ન સમજાય એ સ્થિતિ કેવી વિચિત્ર કહેવાય! એક સમયે બિનઅધિકૃત આવકની સ્વૈચ્છિક ઘોષણા કરવાનું સૂચવતી ‘વી.ડી.આઈ.એસ.’ અમલી બનાવવામાં આવી હતી. તેમાં અત્યાર લગી છુપાવેલા બિનઅધિકૃત નાણાંને અધિકૃત કરવાનો ખેલ હતો. એ રીતે બિનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટે ‘ઈમ્પેક્ટ ફી’નું રૂપાળું નામ આપવામાં આવ્યું છે. પણ બિનઅધિકૃત નાણાં અને બિનઅધિકૃત બાંધકામમાં પાયાનો ફરક છે. બિનઅધિકૃત બાંધકામને અધિકૃત બનાવવાની જરૂર ક્યારે પડે? આ સમજવા માટે વધુ એક ઉદાહરણ જોવું રહ્યું. અબ્દુલ કરીમ તેલગી દ્વારા આચરવામાં આવેલા બનાવટી સ્ટેમ્પપેપર કૌભાંડનો વ્યાપ એટલો બહોળો થઈ ચૂક્યો હતો કે તેને રદ કરવાં શક્ય નહોતાં. આથી એ બનાવટી સ્ટેમ્પપેપરને જ અધિકૃત ગણવા પડ્યાં. આ દૃષ્ટિએ બિનઅધિકૃત બાંધકામને જોઈએ તો તેનો વ્યાપ કેટલો બહોળો બની ચૂક્યો છે એ કદાચ સમજાઈ શકે. જો કે, બિનઅધિકૃત બાંધકામ એવી ચીજ નથી કે તેના વિશે કોઈને કશી ખબર ન પડે. બિનઅધિકૃત બાંધકામ કોઈ અમૂર્ત ચીજ નથી, કે નથી તે ફક્ત ગેરકાનૂની કૃત્ય. ગેરકાનૂની હોવાની સાથોસાથ તે અત્યંત જોખમી પણ છે, જેમાં કોઈ એકલદોકલ નહીં, અનેક લોકોના જાનનું જોખમ રહેલું હોય છે. બાંધકામનું આખું ઈજનેરી શાસ્ત્ર છે, જેના પાયામાં સિદ્ધાંતો અને ગણતરીઓ રહેલાં છે. કાયદાકાનૂન તેને આધારે બને એ જરૂરી છે. કેવળ દંડની રકમ ભરપાઈ કરવાથી ઈજનેરી સિદ્ધાંત બદલાઈ ન શકે. આમ છતાં, માત્ર એટલું જ કરવાથી બાંધકામ બિનઅધિકૃતમાંથી ફેરવાઈને અધિકૃત બની જતું હોય તો બિનઅધિકૃત બાંધકામ દ્વારા વધારાનાં નાણાં કમાઈ લેવાની લાલચ કોને ન થાય? પોતાના મકાનની બહાર એક ફૂટ વધારાની જગ્યા પણ દબાવી દેવાની પેરવીમાં લોકો હોય છે, અને એ જગ્યા ઘણી વાર એવી હોય છે કે તે કશા કામમાં પણ ન આવે. આ માનસિકતામાં ખુદ તંત્ર જ પ્રોત્સાહન આપે ત્યારે કોણ બાકી રહે? કોઈ એકલદોકલ વ્યક્તિને દોષી ઠેરવીને સજા કરવાથી પડી પડીને કેટલો ફેર પડવાનો? મુશ્કેલી એ છે કે આકરાં પગલાં કોઈને લેવાં નથી. ‘કોઈ’માં કોઈ એક વ્યક્તિ નહીં, આખી સાંકળ સામેલ હોય છે. આથી સમસ્યા ઠેરની ઠેર રહે છે. ભલભલી ‘ઉચ્ચ કક્ષાની તપાસ’ના સમયાંતરે શા હાલ થાય છે એ કોઈથી ક્યાં અજાણ્યું છે? મુઠ્ઠીભર વર્ગને લાભ કરાવવાના હેતુથી લોકોની જાન સાથે જે ગંભીર ખેલ ખેલાય છે એનો ખ્યાલ ત્યારે જ આવે છે કે જ્યારે આવી કોઈ જીવલેણ દુર્ઘટના બને. આવી દુર્ઘટનાનો ભોગ બનનારનો મોટે ભાગે કશો વાંક નથી હોતો. તેઓ યોગાનુયોગે કેવળ દુર્ઘટના સમયે જે તે સ્થળે ઉપસ્થિત હોય છે એટલું જ. શ્રદ્ધાંજલિઓનાં ઘોડાપૂર ઉમટે કે સત્તાધીશો આકરામાં આકરા પગલાં લેવાની યા વળતરની ઘોષણા કરે, એ સઘળું સાવ અર્થહીન બની રહે છે.

ગમે એવી ગંભીર દુર્ઘટનામાંથી કશો બોધપાઠ ગ્રહણ કરવામાં આવે એ આપણે ત્યાં ખાસ જોવા મળતું નથી. કાયદાપાલનની નૈતિક જવાબદારીનું નાગરિકોના સ્તરે બરાબર પાલન થાય તો તે કદાચ ઉપલા સ્તરે પણ પહોંચી શકે. બાકી ક્રાંતિ હવે ફિલ્મના પડદે કે સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પૂરતી જ થતી જોવા મળશે એમ લાગે છે. જેમણે આવી દુર્ઘટનાઓમાં સ્વજનો ગુમાવ્યાં છે તેમના માટે જ જીવનભરની દુ:ખદ સ્મૃતિ રહી જશે. બાકીનાઓ આવી બીજી થવા ન પામે ત્યાં સુધી તેને ભૂલી જશે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૦-૫-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *