વલદાની વાસરિકા : (૭૦) – પગરખા પ્રક્ષેપાસ્ત્ર (મિસાઈલ) ઉપર એક ગંભીર નોંધ – ‘જવલ્લે’ જ આવા લેખ (૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

વલીભાઈ મુસા

પ્રાચીન સંસ્કૃતિના આધારલેખો પગરખાં વિષેના ઘણા સંદર્ભો દર્શાવે છે. અસંખ્ય પુરાવાઓ એ સાબિત કરી આપે છે કે શા માટે અને કેવી રીતે આપણા પૂર્વકાલીન પૂર્વજોએ હાલમાં વપરાતાં પગરખાં જેવા વૈકલ્પિક ઉપાયો જેવા કે જાડાં અને મોટાં પાંદડાં અથવા મરેલાં પ્રાણીઓનાં ચામડાં પગતળિયે લપેટવાં કે પછી લાકડાની પાદુકાઓ (ચાખડીઓ)પહેરવી વગેરે પ્રયોજ્યા હતા. આ ઉપાયો માટેનાં કારણો આજના જેવાં એ જ હતાં કે આશ્રય અને ખોરાક માટે ભટકતું જીવન ગાળતા આપણા આદિ માનવો પોતાનાં પગનાં તળિયાંનું અણીદાર પથ્થરો, કાંટાઓ, કાદવકીચડ કે બળબળતી રેતીથી રક્ષણ કરી શકે.

તાજેતરમાં પગરખાંના ઉપભોગે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને તેનો અસ્ત્ર (મિસાઈલ) તરીકે તથા વિરોધ પ્રદર્શિત કરવાના પ્રતીક તરીકે ઉપયોગ થવા માંડ્યો છે! અમેરિકી પ્રમુખ મિ. જ્યોર્જ બુશ જ્યારે ઈરાકના વડા પ્રધાન મિ. નૂરી અલ-માલિકી સાથે ડિસેમ્બર ૦૮, ૨૦૦૮ ના દિવસે બગદાદમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા,ત્યારે અચાનક મુન્તઝર અલ-ઝૈદી નામના પત્રકારે તેમના તરફ તેના જોડા ફેંક્યા હતા. વળી એ જ ઘટના પછી, ફેબ્રુઆરી ૦૩, ૨૦૦૯ના રોજ એક વિરોધ પ્રદર્શનકારી (નામ જાણવા મળ્યું નથી)એ ચીનના વડાપ્રધાન મિ. વેન જિઆબો (Wen Jiabao)ને કેમ્બ્રીજ યુનિવર્સિટી (યુ..કે.)માં ગાળો ભાંડી હતી અને તેમના તરફ પગરખું પણ ફેંક્યું હતું.

ઉપરોક્ત બંને ઘટનાઓએ વિશ્વના લોકોને પરસ્પર વિરોધી એવી રમૂજ અને અણગમા જેવી મિશ્ર લાગણીઓ સાથે ઉશ્કેરાટમાં લાવી દીધા હતા. એ લોકો પૈકીના ઘણાને તો ભોગ બનેલાઓ પરત્વેના પૂર્વગ્રહ તથા તેમની વિદેશનીતિના કારણે ખૂબ મજા પડી ગઈ હતી. પરંતુ બહુ ઓછા લોકોએ શિસ્તની દલીલો હેઠળ એ ઘટનાઓને એટલા માટે વખોડી કાઢી હતી કે મહેમાનો સાથે આવી ગેરવર્તણૂક આચરીને તેમનું અપમાન કરવું જોઈએ નહિ.

અહીં મારો પ્રયત્ન ઉપરની બંને દુ:ખદ ઘટનાઓનું ટૂંકાણમાં પૃથક્કરણ કરવાનો તથા તેમની પાછળનાં પાયાનાં કારણોની ચર્ચા કરવાનો છે. મારા હેતુ તરફ આગળ વધવા પહેલાં એ બંને ઘટનાઓના કહેવાતા નાયકોએ તેમણે લક્ષ બનાવેલા એ મહાનુભાવો તરફ પગરખાપ્રહાર કરતી વખતે કરેલા શબ્દોચ્ચારને રજૂ કરીશ કે જેથી તેઓ કેવી રીતે અને શા માટે જાહેરમાં આમ વર્ત્યા હશે તે સમજી શકાય.

જેમને દુનિયાના એક શક્તિશાળી રાજપુરુષ તરીકે ઓળખવામાં આવે છે અને દુનિયા ઉપર બબ્બે યુદ્ધ ઠોકી બેસાડી દેવા માટે જેમને જવાબદાર ગણવામાં આવે છે, તેવા મિ. જ્યોર્જ બુશ તરફ એક પછી એક જૂતાંપ્રહાર કરતી વખતે ઝૈદીએ કહ્યું હતું, ‘લે, આ એક ઈરાકી પ્રજા તરફથી તારી વિદાયના ચૂંબનના પ્રતીક તરીકે, ઓ કૂત..! અને આ બીજું છે એ વિધવાઓ, યતીમ બાળકો અને જેઓ ઈરાકમાં માર્યા ગયા છે તેમના તરફથી!’ મિ. બુશ ત્યારે બંને દેશો વચ્ચેના અમેરિકી સલામતી કરાર અને વ્યુહાત્મક માળખાગત કરાર અંગે વાત કરી રહ્યા હતા. વળી બીજા પેલા વિરોધ પ્રદર્શનકારે (ઘણું કરીને તે કદાચ તિબેટીઅન અને/અથવા માનવ-અધિકારનો આંદોલનકારી હોય)ચીનના વડાપ્રધાન તરફ પોતાનો એક બૂટ ફેંકતી વખતે ઓડિટોરિયમમાં તેમને ‘સરમુખત્યાર’ તરીકે ઓળખાવતાં ગુસ્સાના આવેશમાં મોટેથી બરાડા પાડતાં કહ્યું હતું, ‘ શા માટે આ યુનિવર્સિટી આ સરમુખત્યાર માટે પોતાનો દુરુપયોગ થવા દે છે અને તમે બધા તેને પડકાર્યા વગર કેવી રીતે સાંભળી શકો છો?’ મિ. વેન વૈશ્વિક અર્થતંત્ર ઉપર પોતાનું પ્રવચન આપી રહ્યા હતા.

એ વાતને નકારી શકાય તેમ નથી કે કેટલાક મોટા માથાવાળા દેશોએ રાજકીય ભૂલો તો કરી જ હતી. મિ. બુશે પણ ઘણી વખત સ્વીકાર્યું હતું કે ઈરાક ઉપરનું આક્રમણ તેમની મહાભૂલ હતી. સૌમ્ય સમાજવાદી આચારસંહિતાનું આગ્રહી એવું યુદ્ધવિરોધી સંગઠન ‘Code Pink’ કે જે મુખ્યત્વે સ્ત્રીઓના જ નેતૃત્વ હેઠળ છે, તેણે ઝૈદીના કૃત્યને સમર્થન આપતો વ્હાઈટ હાઉસ આગળ દેખાવો કર્યો હતો. આ સંગઠનું માનવું હતું કે તેણે જ્યોર્જ બુશની નીતિઓ સામે ક્રોધિત એવા લાખો માણસોની લાગણીને વાચા આપી છે. વિરોધ પ્રદર્શનકારીઓએ જ્યોર્જ બુશના કદાવર પુતળા ઉપર વારંવાર ખાસડાં ફેંક્યાં હતાં. આ વિરોધ ટાણે યુ.એસ. ગુપ્તચર સેવાના માણસો ત્યાં હાજર હતા. જો કે સત્તાવાળાઓ સાથે કોઈ ઘર્ષણ થયું ન હતું કે કોઈની ધરપકડ પણ કરવામાં આવી ન હતી. આ જ પ્રમાણે મિ. વેન યુરોપના પાંચ દેશોની ‘વિશ્વાસ યાત્રા’ (Confidence Tour) ઉપર હતા અને યુ.કે.ના છેલ્લા મુકામે દેખાવકારોએ ત્રણ દિવસ સુધી તે જ્યાં જ્યાં ગયા ત્યાં પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું અને માનવ અધિકારના મુદ્દે તથા ચીનની તિબેટ પરત્વેની નીતિ સામે વિરોધ પ્રદર્શન કર્યે રાખ્યું હતું.

મારા સુજ્ઞ વાચકોને એ ગેરસમજ ન થવી જોઈએ કે ઈરાકમાં ઝૈદી અને કેમ્બ્રિજમાં પેલા વિરોધ પ્રદર્શિત કરનારા એ બંનેએ આચરેલાં ગેરશિસ્તમય કૃત્યોને આ આર્ટિકલમાં ન્યાયી ઠરાવવામાં આવે છે કે સમર્થન આપવામાં આવે છે. તે એટલું જ સાચું છે કે કોઈપણ દેશના કોઈપણ નાગરિકે વિદેશી મહેમાન સાથે ખરાબ વ્યવહાર કરીને તેનું કે તેના દેશનું અપમાન તો ન જ કરવું જોઈએ. આવી ગેરવર્તણૂક યજમાન દેશ માટે અને તેની સલામતી વ્યવસ્થા માટે શરમજનક સાબિત થાય છે. યજમાન દેશની ફરજ થઈ પડે છે કે તેણે કોઈપણ ભોગે આવા રાજકીય મહેમાનની શારીરિક અને માનસિક રક્ષા કરવી જોઈએ.

વિરોધ પ્રદર્શનકર્તાઓ અન્ય ઘણી બિનહિંસાત્મક રીતો અપનાવી શકે, જેવી કે બાહુઓ ઉપર કાળી પટ્ટી ધારણ કરવી, કાળા વાવટા ફરકાવવા, પોસ્ટર કે બેનર દર્શાવવાં, સભ્ય ભાષામાં સૂત્રોચ્ચાર કરવા વગેરે. આ જ પ્રમાણે સમાચાર માધ્યમના પત્રકારોએ પણ ચુસ્ત રીતે પત્રકારત્વની આચારસંહિતાઓનું પાલન કરવું જોઈએ. તેઓ વિવેકપૂર્વક સભાસંચાલકો કે સત્તાવાળાઓની પૂર્વ મંજૂરીથી પ્રશ્નો પૂછી શકે છે. ટૂંકમાં લોકોએ કે પત્રકારોએ એવી રીતે ન વર્તવું જોઈએ કે જેમને પોતપોતાના દેશના વડાઓ કે પ્રતિનિધિઓ સાથે આવું બધું વિદેશમાં બનતું હોય તો પસંદ ન પડે.

ઉપરના બંને જૂતાંપ્રહારના બનાવો દુનિયાના દેશોને ઘણા બોધપાઠ શીખવે છે. કોઈપણ દેશે અન્ય દેશની આંતરિક કે ઘરેલુ બાબબતમાં દખલગીરી કરવી જોઈએ નહિ. સાર્વભૌમત્વ એ કોઈપણ દેશના પોતાના આત્મા સમાન છે અને અન્ય કોઈ એક દેશ કે એવા સંગઠિત અન્ય દેશોને કોઈપણ સંજોગોમાં તેને પડકારવાનો કોઈ અધિકાર નથી. યુનો પણ મહાશક્તિશાળી દેશોના પ્રભુતવ હેઠળ તેમના કઠોર વર્તન આગળ કઠપુતળી સમાન પુરવાર થઈને યુદ્ધોને અટકાવવામાં નિષ્ફળ પુરવાર થયું છે. હવે એ સમય આવી ગયો છે યુનોના બંધારણમાં મોટો ફેરફાર કરીને મહાશક્તિશાળી દેશોને આપવામાં આવેલા વિટો પાવરના વિશેષાધિકારને કાપી નાખવામાં આવે.

અફઘાનિસ્તાન અને ઈરાક સાથેનાં બંને યુદ્ધોમાં લાખો લોકો નાગરિક વિસ્તારોમાં માર્યા ગયા છે, તે ખુલ્લી રીતે માનવ અધિકારના ભંગ સમાન અને યુદ્ધો અંગેના આંતરરાષ્ટ્રીય એવા જિનીવા કરારના ઊઘાડા ઉલ્લંઘન તરીકે પુરવાર થયું છે. વળી તેલના કૂવાઓને થએલી આગચંપીના કારણે એ દેશોની અર્થવ્યવસ્થાને કમજોર બનાવવા ઉપરાંત માનવજાતને ઉપયોગી એવી કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. મોટા પાયે ટનબંધ બોંબવર્ષાના પરિણામે ખેતીની જમીનને ઉજ્જડ બનાવી દેવાઈ છે. ઘંણી ધાર્મિક અને ઐતિહાસિક મિલ્કતોને પારાવાર નુકસાન પહોંચ્યું છે. વધારે ભયજનક વાત તો એ છે કે એ દુર્ભાગી દેશોની આંતરિક એકતા જોખમાઈ છે અને બાહ્ય રાજનૈતિક ચાલબાજીઓના ફળસ્વરૂપે પ્રજા જૂથોમાં કે વિભાગોમાં વિભાજિત થઈ ગઈ છે.

હવે આપણે તિબેટના વિવાદ તરફ વળીએ તો આપણે જોઈ શકીશું કે ચીન તિબેટને પોતાના સીમાવિસ્તારના એક ભાગરૂપ જ ગણે છે, જ્યારે તિબેટ સંપૂર્ણ સ્વાયત્તતાની માગણી કરે છે. તિબેટની સંઘર્ષયાત્રા છેલ્લાં પચાસેક વર્ષોના સમયગાળામાં વિસ્તરેલી છે અને આ દીર્ઘકાળ દરમિયાન ત્યાંની પ્રજાએ પરાવાર મુશ્કેલીઓ વેઠી છે. તિબેટિયનોને ડર છે કે તેઓ ચીનના શાસન હેઠળ પોતાની અસ્મિતા ગુમાવી બેસશે. તે લોકો માને છે કે ચીનના આધિપત્યમાં તેમની સંસ્કૃતિ અને ધર્મવારસો સલામત રહી શકશે નહિ. બીજી તરફ એ નગ્ન સત્ય આપણા સામે મોજૂદ છે કે તિબેટમાં ચીની સત્તાવાળાઓ દ્વારા આચરાતો જતો રોજબરોજનો હિંસાચાર સામાન્ય બની ગયો છે. ત્યાં સતત ચાલુ જ રહેતો માનવ અધિકારભંગનો સિલસિલો યુનો અને અન્ય દેશો દ્વારા અણદેખ્યો ગણાતો રહ્યો છે અને તિબેટની વ્યાજબી માગણીની ઘોર અવગણના થતી રહી છે.

માનવ અધિકારભંગ ભલે કોઈ વ્યક્તિઓ કે મોટા સમુદાયને લાગુ પડતો હોય, ગમે તે રીતે હોય, પણ સાર્વત્રિક રીતે તેની ટીકા થવી જ જોઈએ. વ્યક્તિગત કિસ્સા અંગે વિચારીએ તો આપણા લેખના વાસ્તવિક પાત્ર ઝૈદીને પોતે ઈરાકનો જ નાગરિક હોવા છતાં ત્યાંની ઈરાકી સરકાર દ્વારા જ તેની ધરપકડ દરમિયાન અને પછી પણ તેની સાથે કેવો દુર્વ્યવહાર આચરવામાં આવ્યો તે બાબત માત્ર નવાઈ પમાડનાર જ નહિ, પરંતુ દુ:ખદાયક પણ છે. કેટલાક સત્તાવાર સ્રોતોથી એ સત્ય ઊઘાડું થયું છે કે જ્યારે તેને પકડીને મોટરકાર દ્વારા જેલ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેના ઉપર ખૂબ જ હિંસાચાર થયો હતો. બેફામ મારથી તેની પાંસળીઓ તૂટી ગઈ હતી અને તેની ડાબી આંખમાં બંદુકનો છેડો ભોંકવામાં આવ્યો હતો. એવા રિપોર્ટ મળે છે કે તે કદાચ હંમેશ માટે પોતાની આંખ ગુમાવી દે તેવા જોખમમાંથી પસાર થઈ રહ્યો છે.

જો કે એ નિ:શંક છે કે જાહેર વ્યવસ્થાના કાયદાનું ઉલ્લંઘન કરવું એ સજાપાત્ર ગુનો બને છે, પણ એ ધ્યાનમાં રખાવું જોઈએ કે ધરપકડ કરાએલ વ્યક્તિ માત્ર અટકાયતી છે, જ્યાં સુધી કે તેના ઉપર વિધિસર નિશ્ચિત ગુનાનો આરોપ મૂકવામાં ન આવે. અટકાયતી, કાચા કામના કેદી કે સજા પામનાર ગુનેગાર એ સઘળા છેવટે તો માનવી જ છે અને તેમની સાથે પાશવી વ્યવહાર કરવો એ માનવ અધિકારનો સરેઆમ ભંગ છે. હવે તો એ પ્રશ્ન કે ‘એ જુલ્મ આચરનારાઓને કોણ સજા કરશે?’ તે આપણી સામે ત્યાં સુધી ઊભો રહેશે કે જ્યાં સુધી આપણને એ જાણવા ન મળે કે ઈરાકી સરકાર આ અંગે શાં પગલાં ભરે છે!


* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977

નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *