વ્યંગિસ્તાન – કડવી તે ગોળીના ગુણ ન હોય કડવા

Facebooktwitterredditpinterestlinkedinmail

કિરણ જોશી

બંદૂકની ગોળી કાનૂનની દેવીની જેમ આંધળી હોય છે. તે જોતી નથી કે તે ખાનારો નિર્દોષ છે કે દોષિત.-પ્રકારની સણસણતી વાત લખનારાઓ દવાની ગોળી વિષે આવી રોચક વાત શા માટે લખતા નથી! બાકી,ખાનારને તાત્કાલિક મોતના મુખમાં ધકેલી દેતી બંદૂકની ગોળી કરતાં વધારે મહિમા ખાનારથી મોતને દૂર હડસેલી જતી દવાની ગોળી વિષે ગવાવો જોઈતો હતો. બંદૂકની ગોળીની બનાવટમાં વપરાયેલા માંસને કારણે ઈસવી સન ૧૮૫૭માં અંગ્રેજ હકૂમત અને ભારતીય સૈનિકો સામસામે આવી ગયા હતા.દવાની ગોળીમાં વપરાતા રસાયણને કારણે બે જૂથો સામસામે આવી ગયા હોવાની એકેય ઘટના ઇતિહાસને ચોપડે નોંધાઈ નથી.

દવાની ગોળીઓની વિશેષતા એ છે કે તે સૌનો સ્વાદ કડવો હોય છે. ટેલિફોને ક્રાંતિ કરી મોબાઈલરૂપ ધારણ કર્યું,પંજાબી પોશાકે ક્રાંતિ કરીને ટોપ-લેગિંગ્સરૂપ ધારણ કર્યું પણ ગોળીની કડવાશે ક્રાંતિ કરીને લોકજીભે વસી જાય તેવો સ્વાદ ધારણ ન કર્યો. અરે,સ્વાદ ન બદલ્યો તો ન બદલ્યો;પણ કડવાશનું પ્રમાણ થોડુંક ઘટાડ્યું હોત તો ય ભલું થયું હોત. જગતભરના તબીબીવિજ્ઞાનીઓને આ તબક્કે બે અણિયાળા સવાલ પૂછવા એ આજના સમયની માંગ છે: એક, સાવ મામૂલી એવી સળેખમ શરદીથી માંડીને મહાભયંકર એવા કર્કરોગ સુધીના તમામ રોગોની ગોળીઓનો સ્વાદ એકસરખો કડવો કેમ હોય છે? કોઈ એક રંગના જેમ અનેક શેડ હોય છે તેમ ગોળીની કડવાશની તીવ્રતા જેતે રોગની મહત્તા મુજબ વત્તી-ઓછી કેમ નથી હોતી? સવાલ બીજો, પાણીના ધક્કા સાથે પેટમાં જતી ગોળીને કેવી રીતે ખબર પડતી હોય છે કે તેણે માથાનો દુઃખાવો દૂર કરવાનો છે કે કાનમાં મારતા લબકારા શાંત પડવાના છે. મોંમાં પડેલા ચાંદાથી માંડીને દરવાજા વચ્ચે ભીંસાઈ ગયેલી આંગળીઓ જેવા શરીરના જુદા-જુદા વિસ્તારોમાં પથરાયેલા અંગોનો ઈલાજ દવાની ગોળી પેટમાં બેઠે-બેઠે જ કેમ કરતી હોય છે? જેતે સ્થળ પર જઈને જાત તપાસ કરીને ઈલાજ કરવાનું તેની ફરજમાં નથી આવતું?

કેટલાક સંજોગોમાં અમૂક રોગની ગોળી ગળવાથી મૂળ રોગ તો મટી જાય છે પણ બીજો રોગ લાગુ પડી જતો હોય છે. ‘સાહેબ,તમે લખી આપેલી ગોળીથી પેટનો દુઃખાવો તો મટી ગયો;પણ બરડામાં ખંજવાળ આવવી શરૂ થઇ છે.’ હવે એ જોવાનું રહે છે કે બરડાની ખંજવાળ મટાડવા માટે ડોક્ટર જે ગોળી લખી આપે છે તેનાથી તે તકલીફ દૂર થયા બાદ કઈ નવી તકલીફ લાગુ પડે છે.

ગોળીઓના આકારમાં થોડીક વિવિધતા જોવા મળે છે.પણ તેમનું કદ સામાન્યપણે શુટના બટનથી થોડુંક નાનું અને શર્ટના બટનથી થોડુંક મોટું હોય છે. ખરેખર તો આવી નાની ગોળીઓને બદલે ઈડલીની સાઈઝની એક મોટી ગોળી હોય તો તેના કદની એકવિધતાથી દર્દીઓને છૂટકારો મળી શકે. દર્દીએ સામાન્યપણે ત્રણ દિવસ સુધી ત્રણ ટાઈમ એક-એક ગોળી લેવાની થતી હોય છે. આ માટે નવ અલગ-અલગ ગોળી આપવાને બદલે ડોક્ટર અથવા કેમિસ્ટ ઈડલીની સાઈઝની ગોળીને પીઝા-કટર વડે નવ સ્લાઈસમાં કાપીને આપે તો દર્દી તે કેવો હોંશે-હોંશે તે ગોળીઓ ગળી જાય!

માણસોમાં જેમ હિંદુ,મુસલમાન,ખ્રિસ્તી હોય છે તેમ ગોળીઓમાં એલોપથી,હોમીઓપથી,આયુર્વેદિક હોય છે. વાહનનું લાઇસન્સ કઢાવવા માટે પાંચ-સાત ધક્કા ખાઈને કંટાળેલો માણસ છેવટે એજન્ટ પાસે જવાનો રસ્તો અપનાવે છે. આ જ રીતે એલોપથીથી કંટાળેલા દર્દીઓ હોમીઓપથી કે આયુર્વેદિક ગોળીઓના ચરણ પકડે છે. આયુર્વેદિક ગોળીઓ મશીનમાં બનતી ન હોઈ તે નિરાકારી હોય છે. ભારત સરકાર અપનાવશે કે નહીં તે ખબર નથી;પણ હોમીઓપથીની ગોળીઓએ યુનિફોર્મ સિવિલ કોડ અપનાવી લીધો છે. સાયકલ પરથી પડી ગયેલા માણસથી લઈને એફીલ ટાવર પરથી પડી ગયેલા માણસ માટે એકસરખી સાબુદાણાના કદની સફેદ ગોળીઓ એ હોમીઓપથીની ખાસિયત છે.

કેટલાક લોકોની ફરિયાદ છે કે હોમીઓપથી અને આયુર્વેદિક ગોળીઓ દર્દ ભગાડવામાં વધુ પડતો સમય લે છે. એલોપથી ગોળીઓથી જે તકલીફ ત્રણ દિવસમાં દૂર થાય છે તે પેલા બેમાં ત્રીસ દિવસે દૂર થાય છે. આવી ફરિયાદ કરનારાઓને એક સ્વૈચ્છિક સંસ્થાએ નામ ન છાપવાની શરતે જણાવ્યું છે કે રોગ લાગુ પડ્યાના સત્યાવીસ દિવસ પહેલાથી જો આયુર્વેદિક કે હોમીઓપથી ગોળીઓ લેવાનું ચાલુ કરી દેવામાં આવે તો તેઓ પણ ત્રણ દિવસમાં રોગ મટાડી શકે છે.

કડવી ગોળીઓના વિરોધને શાંત પાડવાના હેતુથી સ્વાદ વિનાની ગોળીઓ દવાના ઉત્પાદકો દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ગોળીઓને આપણે કેપ્સ્યુલના નામે ઓળખીએ છીએ. બે જુદા-જુદા રંગના પોલા અડધિયા એકમેકમાં પરોવીને બનાવેલી આ કેપ્સ્યુલના પોલાણમાં મંત્રેલી રાખ જેવી લાગતી દવાની ભૂકી ભરેલી હોય છે. કેટલાક નિરક્ષર અને અર્ધજાગૃત દર્દીઓ કેપ્સ્યુલ ખોલીને અંદર ભરેલી ભૂકી ખાઈ જાય છે ને કેપ્સ્યુલના બે અડધિયાને ફોતરાં સમજીને ફેંકી દે છે.એમને ખબર નથી હોતી કે આઈસ્ક્રીમ સાથે ખાઈ જવાના કોનની જેમ કે પછી રેલવેમાં વેચાતી ભેળ સાથે ચમચી તરીકે આપવામાં આવેલી નાના કદની પુરીની જેમ કેપ્સ્યુલના અડધિયા પણ ઉતારી જવાના હોય છે.

જોકે કેપ્સ્યુલના આગમન બાદ ગોળી ગળવા પ્રત્યેના દર્દીઓના-ને એમાંય બાળ દર્દીઓના-વલણમાં ફરક જણાવા લાગ્યો છે. પોલીસને કે બાવાને કે બોલાવવાની કે સ્માર્ટફોન રમવા નહીં દેવાની ધમકી આપ્યા વિના પણ તેઓ કેપ્સ્યુલ ગળી જવા લાગ્યા છે.સામે;કેટલાક રૂઢીવાદી અને પરંપરાવાદી દર્દીઓ પોતાનામાં બચેલા-કુચેલા જોરશોરથી કેપ્સ્યુલનો વિરોધ કરે છે. તેઓનું કહેવું છે કે જે તીખું નથી તે મરચું નથી, જે અપ્રામાણિક નથી તે સરકારી કર્મચારી નથી તે રીતે જે કડવી નથી તે ગોળી નથી.

ખેર, અનેક સવાલો,અનેક વાંધાઓ અને અનેક વિરોધોની વચ્ચે પણ ‘હું તમને સાજા કરીને જ છોડીશ.’-પ્રકારની જુમલાબાજી કર્યા સિવાય બીમાર લોકને સજા કરવાની ગોળીની વૃત્તિને બિરદાવવી જ રહી. બાકી,માણસજાતને ગોળી ગળાવતા ગોળીને નહીં આવડતું હોય!


શ્રી કિરણ જોશીનો  kirranjoshi@gmail.com વીજાણુ સરનામે સંપર્ક થઈ શકે છે.

1 comment for “વ્યંગિસ્તાન – કડવી તે ગોળીના ગુણ ન હોય કડવા

  1. PIYUSH
    June 5, 2019 at 1:03 pm

    ભલે નિવૃત્ત, પણ એક સરકારી કર્મચારી એવા મારી સરકારી લાગણી છેલ્લેથી પહેલા – Penultimate – ફકરાના બંદૂકની ગોળીથીયે વધુ મારતલ એવા છેલ્લા વાક્યથી ઘવાઈ ગઈ છે. એને માટે લેખકે એકાદી મીઠી ગોળી પૂરી પાડવી રહી. 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *