





સુરેશ જાની
હાલો રે હાલો મેળે જઈએ
મેળાનું નામ ના પાડો…(૨) તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..(૨)
હાલો રે હાલો મેળે જઈએ
મેળ વિણ મેળામાં છલકે અવાજ અને ભક્તિ તણાય જાણે ચીડમાં,
માણસની જાત એના સગા ભગવાન માટે ટોળે મળી છે ભીની ભીડમાં,
મેળાનું ગીત ક્યાંય ફરકે ધજામાં ને આંખ થઈ એકલતા ફરતી..
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી.
હાલો રે હાલો મેળે જઈએ
મંદિરના ખોબામાં ઊભરાણું આજ કશું મારા સિવાય મને ગમતું
અધરાતે જન્મોનો ખોળ્યો ઊકેલ કશું કાન જેવું આભમાંથી ઝમતું
ભીની નજર મારી મોરલીની ધાર તેમાં રાધાની વારતા કરતી …
મેળાનું નામ ના પાડો…(૨) તો સારું કે મારામાં મેળાની ભરતી
હાલો રે હાલો મેળે જઈએ
–ભાગ્યેશ ઝા
[ અહીં સાંભળો – https://prarthnamandir.wordpress.com/2009/01/25/halorehalomele/]
મેળાની મસ્તીથી ભરેલું ગીત અને સરકારી ‘મેળા’ માં ક્વચિત જ જોવા મળતા કવિ શ્રી. ભાગ્યેશ જહા ની કલમથી…. અહીં મેળાની વાત છે, અને નથી! કદાચ કોઈક જૂદા જ મેળાની વાત ભાગ્યેશ ભાઈ કરે છે. અલબત્ત અહીં કવિતાનું રસ દર્શન કરવાનું ઘ્યેય નથી. પણ એ ગીત સાંભળતાં આવેલા વિચારો છે.
મેળો – મળવાની, મ્હાલવાની, ઉલ્લાસવાની જગ્યા. આપણને માણસોને મળવાનું બહુ ગમતું હોય છે. માણસ એક સામાજિક પ્રાણી છે – એનું ઉત્તમ ઉદાહરણ એટલે મેળો- Carnival. એકલો મેળો જ શા માટે? મળવા હળવાની અનેક જગ્યાઓ અને તકો માણસે, માનવ સમાજે ઊભી કરી છે. ટોળીઓ, જૂથો, જાતિઓ, દેશો, સંગઠનો, ચર્ચાસભાઓ, સત્સંગો વિ. અને નવા જમાનાના મેળા તો તરત યાદ આવી જાય – ફેસબુક, ટ્વિટર ફેસબુક અને એવા બીજા સોશિયલ મિડિયા જ તો !
એકલો હોય અને એકલતા કોરી ખાતી હોય તો પણ આટલી બધી ભીડમાં ય માણસ એકલો પડી જતો હોય છે. એમાં એની જાત , એની પોતીકી ઓળખ ખોવાઈ ગયાનું દર્દ એને સતાવતું હોય છે. માનવ મનનો કેટલો ગજબનો વિરોધાભાસ? જ્યાં હોઈએ એનાથી કાંઈક બીજાની જ શોધમાં એ વ્યસ્ત હોય છે. ભક્તિનું તો એક ઓઠું જ મોટા ભાગે હોય છે. એકલતાનું દુઃખ માણસને મેળા તરફ દોડાવી દે છે. અને ત્યાં ફરી પાછો એ ભીડમાં પણ આગવી ઓળખ ગુમાવીને કશાકથી સોરાય છે !
આ ભાવ જ આ અવલોકન લખવા આ જણને પ્રેરી રહ્યો છે ને?!
અને આ ગીતના અંતની જેમ જ એના મનમાં પણ આ સમસ્યાનો એ જ ઉકેલ ઊભરાય છે – ‘કાના’ ની પ્રીત. એને આપણે કાનો, જિસસ, ખુદા ,યહોવા … ગમે તે નામ આપી શકીએ. પણ એમાં આપણી પોતીકી અને પાયાની ઓળખ તરફ અંગુલિનિર્દેશ છે. જાતમાં ડૂબી જવાની, માત્ર વર્તમાનમાં જ એની સાથે જીવવાની રીત તરફ સંકેત છે. જ્યારે અને જેમ જેમ આપણી ખોવાયેલી એ ઓળખ સાથે આપણી મુલાકાત થવા લાગે છે; ત્યારે અને તેમ તેમ આપણી અંદર જ મેળો ઊભરાવા લાગે છે – નિર્ભેળ આનંદ અને ચેતનાનો મેળો.
મુકુલ ચોકસીના આ શેર સાથે આ વિચારનું સમાપન કરીએ.
હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય
એકાંતમાં તો જાતને સામે મળી જવાય
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહિ
પણ કેમ છો? કહીને ન પાછા વળી જવાય!
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com
સરસ રચના.
વિશેષ ગમી….”મેળાનું ગીત ક્યાંય ફરકે ધજામાં ને આંખ થઈ એકલતા ફરતી..
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી.”
સરયુ પરીખ