






દીપક ધોળકિયા
(૧) બ્રહ્માંડનો સૌથી પહેલો અણુ મળી ગયો છે!
૧૩ અબજ વર્ષ પહેલાં બિગબૅંગ પછી તરત બ્રહ્માંડમાં માત્ર ત્રણ સાદા પરમાણુ હતા. અને બ્રહ્માંડ મલાઈ જેવું હતું. હજી તારા બનવાની કરોડ વર્ષની વાર હતી. પરંતુ, બિગ્બૅંગ પછીના એક લાખ વર્ષમાં બે પરમાણુ જોડાઈને પહેલો અણુ બન્યો. હિલિયમ અને હાઇડ્રોજન જોડાયા અને હિલિયમ હાઇડ્રાઇડ HeH+ બન્યો. એ સાથે રસાયણ વિજ્ઞાનની શરૂઆત થઈ. એક કોશીય બ્રહ્માંડ જટિલ બહુકોશીય ઘટના તરીકે વિકસવા લાગ્યું તેની એ શરૂઆત હતી. HeH+ પહેલી વાર અવકાશમાં મળ્યો છે. આ પહેલાં વૈજ્ઞાનિકોએ સૈદ્ધાંતિક મૉડેલો બનાવીને એ જાણી લીધું હતું કે HeH+ સૌથી પહેલો અણુ હોવો જોઈએ. ૧૯૨૫માં એ લૅબોરેટરીમાં પણ બનાવી શકાયો હતો પણ કુદરતમાં એ નહોતો મળ્યો. કુદરતમાં એ ક્યાં મળશે તે પણ વૈજ્ઞાનિકોએ જાણી લીધું હતું. સૂરજ જેવા કેટલાયે તારા મરતા હોય છે. એમના વાયુઓમાં આ અણુ હોઈ શકે એવી એમની ધારણા હતી. એટલે એમણે એવા પ્રદેશો પર જ ધ્યાન કેંદ્રિત કરતાં HeH+ પણ મળી આવ્યો.
સમસ્યા એ હતી કે આ અણુ ફાર-ઇન્ફ્રા રેડ તરંગો છોડે છે. પૃથ્વીના વાતાવરણમાં આવતાં જ એનો લોપ થઈ જાય છે. આથી નાસા અને જર્મન એરોસ્પેસ સેંટરે અવકાશમાં જઈ શકે એવી એક વેધશાળા બનાવી. આ વેધશાળા એટલે એક બોઇંગ-૭૪૭ વિમાન અને એમાં ૨.૭ મીટરનું ટેલીસ્કોપ. લગભગ ૪૫,૦૦૦ ફુટની ઊંચાઈએ એમણે આ વેધશાળા – Stratospheric Observatory for Infrared Astronomy, એટલે કે SOFIAને પહોંચાડી અનેપૃથ્વી પરના ૮૫ ટકા અવાજને કાપી નાખ્યો. ૨૦૧૬ના મે મહિનામાં ૩૦૦૦ પ્રકાશવર્ષ દૂર ગ્રી જેમ ફરતી નિહારિકા NGC 7027માંથી એમને ડૅટા મળતાં HeH+ની ખાતરી થઈ.
એ વખતે બ્રહ્માંડ ઠંડું પડવા લાગ્યું હતું તો પણ હજી એનું ઊષ્ણતામાન ૪૦૦૦ અંશ સેલ્સિયસ જેટલું તો હતું જ આટલી ગરમીમાં અણુ ન બંધાય. વળી હિલિયમ ’સજ્જન’ વાયુ છે.કોઈ સાથે એ લગ્ન કરે એવી શક્યતા નહિવત્ મનાય. પણ એ આયનીભૂત હાઇડ્રોજન સાથે થોડી વાર જોડાયો અને તે પછી બધા વધારે ટકાઉ અણુ બનવા લાગ્યા.
સંદર્ભઃ
૦૦૦
(૨) બ્લૅક હોલ ન્યૂટ્રોન તારાને ગળી જતાં ઝડપાયું!
હજી તો હાલમાં જ ખગોળવૈજ્ઞાનિકોએ બે ન્યૂટ્રોન તારાઓને જોડાઈ જતાં જોયા હતા. એના બીજા જ દિવસે એમણે એક બ્લૅક હોલને ન્યૂટ્રોન તારાને ગળી જતાં જોયું. આ ઘટનાને કારણે ગુરુત્વાકર્ષણીય મોજાં પેદાથયાં તેથી વૈજ્ઞાનિકોએ સંકેત મળ્યો. અહીં આપેલી આકૃતિ એ ક્રિયાનું કાલ્પનિક ચિત્ર છે. ૨૬મી ઍપ્રિલે અમેરિકાની લીગો અને ઈટલીની વર્ગો લૅબોરેટરીઓએ આ ઘટના જોઈ. જો કે સંકેત બહુ ક્ષીણ હતો એટલે વૈજ્ઞાનિકો તપાસમાં લાગ્યા છે કે એમણે જે જોયું તે સાચું છે કે એમને ભ્રમ પડ્યો. ૧.૨ અબજ પ્રકાશવર્ષ દૂર આ ઘટના બની હોવાની ધારણા છે.

પસાડેનામાં કૅલિફૉર્નિયા ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેકનોલૉજીની ખગોળવૈજ્ઞાનિક માનસી કાસલીવાલ આને લગતા કેટલાયે પ્રોજેક્ટોમાંથી એકનું સંચાલન કરે છે. એમનું કામ ગુરુત્વાકર્ષણીય મોજાની શક્યતાનો સંદેશ મળતાં જ આખા આકાશમાં એ ક્યાં હોઈ શકે તેની ભાળ મેળવવાનું છે. આ કામને Global Relay of Observatories Watching Transients Happen (GROWTH) કહે છે. ગુરુત્વાકર્ષણીય મોજાની નોંધ માટે ભારતમાં પણ એક કેન્દ્ર છે, એને પણ સાવધાન કરી દેવાયું હતું. મોજું આવ્યું ત્યારે ભારતમાં રાત હતી. હવે જો આ મોજાં બ્લૅક હોલ ન્યૂટ્રોન તારાને ગળતું હોય તેની પ્રતિક્રિયા રૂપે પેદા ન થયાં હોય તો એ બે ન્યૂટ્રોન તારાઓના જોડાનનાં સૂચક મનાશે અને આવું જોડાણ ત્રીજી વાર થયું હોવાનું નોંધાશે.
લીગો-વર્ગો માને છે કે એમને અઠવાડિયે એક વાર બે બ્લૅક હોલનું જોડાણ અને મહિનામાં એક વાર તારાઓનું જોડાણ જોવા મળશે. પહેલી ઍપ્રિલથી બન્નેએ કામ શરૂ કર્યું છે અને હજી સુધી તો એમની ધારણા સાચી પડી છે. કાસલીવાલ કહે છે કે બ્રહ્માંડ ખરેખર અદ્ભુત છે.
સંદર્ભઃ Nature 569, 15-16 (2019) doi: 10.1038/d41586-019-01377-2
https://www.nature.com/articles/d41586-019-01377-2
૦૦૦
(૩) નવું પ્લાસ્ટિક નવા રૂપે વાપરી શકાશે
પ્લાસ્ટિકનો કંઈ બીજી રીતે ઉપયોગ થઈ શકતો નથી. એટલે એ પર્યાવરણને પણ નુકસાન કરે છે. પરંતુ લૉરેંસ બર્કલે નેશનલ લૅબોરેટરીએ એક નવો પદાર્થ બનાવ્યો છે તેનું તમે ધારો તેટલી વાર, છેક એના અણૂ સુધી વિઘટન કરીને ફરી નવીનીકરણ ક્ર્યા પછી નવા રૂપે ઉપયોગમાં લઈ શકાશે.પ્લાસ્ટિક એટલે ખનિજ તેલમાંથી લીધેલા કાર્બન અને હાઇડ્રોજનનું સંયોજન કરીને બનાવેલો પદાર્થ. એને પોલીમર કહે છે. એમાં રંગ અને બીજાં કેટલાંક રસાયણો ઉમેરીને એને મજબૂત બનાવાય છે.
નેશનલ લૅબોરેટરીના ક્રિસ્ટેનસેનને એમની ટીમે શોધી કાઢ્યું કે ‘પોલીડાયકેટોએનામાઇન’ (ટૂંકમાં પીડીકે) નામનો પોલીમર એવો છે કે એમાંથી પ્લાસ્ટિકની જેમ ભેળવેલાં બીજાં રસાયણો છૂટાં પાડી શકાય છે. આથી મૂળ ‘મોનોમર’ બાકી રહી જાય છે. એમનો ફરી ઉપયોગ કરીને ઉચ્ચ પ્રકારનું પ્લાસ્ટિક બનાવી શકાય છે.
સંદર્ભઃ https://www.smithsonianmag.com/smart-news/new-plastic-can-be-recycled-endlessly-180972130
૦૦૦
(૪) પૃથ્વી ૨૦ વર્ષ પહેલાં હતી તેના કરતાં આજે વધારે હરિયાળી છે. ભારત અને ચીનનો આભાર!

નાસા કહે છે કે આજે વીસ વર્ષ પહેલાં દુનિયામાં જેટલી લીલોતરી હતી તેના કરતાં વધારે લીલોતરી છે. આનો યશ ભારત અને ચીનને ફાળે જાય છે. આમ તો, બન્ને દેશોમાં આર્થિક લાભ માટે જમીનનો વધારેપડતો દુરુપયોગ થાય છે અને પાણી પણ બહુવેડફાય છે, પરંતુ તે સાથે નવાં વૃક્ષો વાવવામાં પણ ભારત અને ચીન દુનિયામાં સૌથી આગળ છે. ભારતમાં આઠ લાખ લોકો ૨૪ કલાકમાં પાંચ કરોડ નવાં ઝાડો વાવે છે, જે એક રેકૉર્ડ છે. નાસાએ વીસ વર્ષ પહેલાં ઉપગ્રહ દ્વારા મળેલા ડેટાની હાલમાં મળેલા ડેટા સાથે સરખામણી કરીને આ તારણ કાઢ્યું છે.
૦૦૦
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી
Some related findings from upanishads for news item #1 https://www.sanskritimagazine.com/vedic_science/science-beyond-stephen-hawking/