મારો ભાઈબંધ – નામ ‘R.S.V.P.’

Facebooktwitterredditpinterestlinkedinmail

કૅપ્ટન નરેન્દ્ર ફણસે

જુના કાળની કંકોત્રીઓમાં અને આજકાલના વેડિંગ ઈન્વિટેશન કાર્ડમાં બે મોટા ફેર છે. દા.ત. અગાઉ લખવામાં આવતું “અમારા સુપુત્ર ચિરંજીવી મુકુંદભાઈના લગ્નમાં આપ સહકુટુમ્બ, સહપરિવાર અને મિત્રમંડળ સહિત પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.” આજના યુગમાં મોકલાતા કાર્ડમાં જેમને બોલાવવાના – એટલે કે નિમંત્રવાના હોય એટલી જ વ્યક્તિઓનાં નામ લખીને અંતમાં RSVP લખાય છે. એટલું જ નહિ, સાથે RSVPનો જવાબ આપવા માટેનું કાર્ડ કે કેટલી વ્યક્તિઓ લગ્નના રિસેપ્શનમાં અને ભોજન સમારંભમાં હાજર રહેશે અને તેની સાથે ટપાલની ટિકિટ ચોંટાડેલું કવર પણ હોય છે. નિમંત્રીત પરિવારોમાંના અર્ધાથી અધિક લોકોને જમવાનું નિમંત્રણ હોતું નથી. આધુનિક કાળમાં આ સમજી શકાય તેવી વાત છે, કારણ કે હૉલમાં નિશ્ચિત કરેલી સંખ્યા કરતાં વધુ લોકોને બોલાવી લગ્નની શોભામાં અભિવૃદ્ધિ કરી શકાતી નથી. આ ઉપરાંત કેટરર માણસ દીઠ પાંચસો – હજાર રુપિયાની થાળીની કિંમત લેતા હોવાથી કેટલી વ્યક્તિઓ માટે તેમને ઑર્ડર આપવો તે પણ આવા RSVPના આવેલા જવાબ પરથી નક્કી કરવામાં આવે છે.

RSVP ફ્રેન્ચ શબ્દસમૂહ છે : રેપોન્દે સિલ વ્હૂ પ્લે. અંગ્રેજીમાં અર્થ થાય છે “Reply if you please,” અને ગુજરાતીમાં – ‘પ્રસંગમાં હાજરી આપવા આવવાના છો કે નહીં તે લખી જણાવવા વિનંતી.’

આજની વાત આવા આમંત્રણની નથી. મારા વ્યવસાય કાળના મિત્રે કહેલી વાતની છે. આજની વાત તેમની જ ભાષામાં કહીએ.

***

મારા મિત્રવર્યનું નામ લાંબુ ચોડું હતું . અમે સૌએ તેને ટૂંકાવીને કર્યું હતું RSVP. આમ તો તેમનાં મૂળ પેશાવરના, પણ ત્રણે’ક પેઢીઓથી ગુજરાતમાં રહેતા હોવાથી આફ્રિદી અટક છોડી પઠાણ કરી હતી એટલું જ. અહીં તેમના નામના પ્રથમ અક્ષરો તે જ રહેવા દીધા છે. બ્રિટનમાં ભારતીય ઉપખંડના લોકોમાં કોણ ભારતનો કે કોણ પાકિસ્તાન કે બાંગ્લાદેશનો – કોઈમાં કશો ફેર નહોતો. અમે બધા ‘એશિયન’ તરીકે ઓળખાતા. આ અમારી આઈડેન્ટિટી હતી. અમારો સમગ્ર સાથી-વર્ગ પઠાણ સાહેબને ટૂંકમાં RSVP કહીને બોલાવે. પૂર્વ આફ્રિકામાં તેમની જ્ઞાતિના લોકોની સંખ્યા સાવ ઓછી હોવાથી ત્યાં જન્મેલી પુત્રીઓ માટે ભારત કે પાકિસ્તાનથી હોનહાર અને ભણેલાગણેલા મુરતિયાઓ શોધીને મંગાવવા પડતા. તેમાં RSVPનો નંબર લાગી ગયો. લગ્ન પછી તેઓ નૈરોબી ગયા અને બે વર્ષ બાદ તેમના (સાસરિયાના) પરિવાર સાથે બ્રિટન પહોંચ્યા. કેટલાક વર્ષો બાદ હું પણ RSVPની જેમ સરકારી જમાઈ થઈને લેસ્ટર પહોંચ્યો હતો.

વાચકને કદાચ વિસ્મય થશે કે સરકારી જમાઈ કઈ બલાનું નામ છે. ટૂંકમાં કહેવું હોય તો તે કાળે આ શબ્દપ્રયોગ બ્રિટિશ નાગરિક કન્યાના ભારત/પાકિસ્તાનથી લગ્ન કરી આવેલા પતિ, જેમને બ્રિટનની સરકારે ખાસ વિઝા આપ્યા હોય તે યુવાનો માટે પૂર્વ આફ્રિકાના વૃદ્ધ (જેમને બ્રિટનના એશિયનો ‘બુઢિયા’ કહેતા) સજ્જનોએ આપેલી ઊપાધિ.

આ વાત મારા વિશે નથી. તેથી વાતનું વતેસર કરવા કરતાં મારા મિત્રની વાત પર આવીશું. અમે બન્ને એક જ કૉલેજમાં ભણેલા પણ તેઓ મારા સિનિયર હોવાથી અમારો એકબીજા સાથે ખાસ સંપર્ક નહોતો. RSVPના માતા-પિતા અમાારા પરિવારને લાંબા સમયથી જાણતા હતા. તેમણે તેમના ચિરંજીવી એટલે RSVP  માટે મોકલેલું સંપેતરું આપવા હું તેમની પાસે ગયો ત્યારે કૉલજની, અમારા પ્રાધ્યાપકોની, કૉલેજની ભૂતકાળની બ્યુટી-ક્વિન્સની વિગેરે વાત થયા બાદ અમે ખાસ મિત્રો બની ગયા. કોઈ કોઈ વાર સાંજે અમારી ‘સ્થાનિક’માં મળતા. (‘સ્થાનિક’ એટલે “Local” અને બ્રિટનની અંગ્રેજીમાં તેનો અર્થ થાય છે રહેઠાણના વિસ્તારમાં આવેલ પબ – એટલે Public House – ગુજરાતીમાં ‘પીઠું’). અહીં રોજ સાંજે લોકો ભેગા થાય, બિયર, જિન, વિસ્કી પીએ, અને અમારા જેવા શુષ્ક અને ધાર્મિક વૃત્તીના લોકો જીંજરએલ અથવા ઑરેન્જ જૂસ ની ચૂસકી લે. અહીં ભેગા થવાનું મુખ્ય કારણ એ કે કોઈના ઘેર જઈ ઘરની મહિલાઓને મહેમાનગતિ કરવાની તકલીફ ન આપવી પડે. અમારું લોકલ  – ‘The Duck and the Fox’ અગાઉ અંગ્રેજ પબ હતું. તે ખોટમાં જતું હતું તેથી એક ગુજરાતી સજ્જને તે વેચાતું લઈ તેનું ભારતીકરણ કર્યું હતું. ત્યાં દારૂ તથા સૉફ્ટ ડ્રિંક્સની સાથે અંગ્રેજી પીઠામાં મળતા ‘Pub Food’ને બદલે તેમણે તંદૂરી ચિકન, કડાઈ ગોશ્ત, અનિયન ભાજી (કાંદાના ભજીયાં) વિ. જેવી ભારતીય-પાકિસ્તાની વાનગીઓ પીરસવાનું શરૂ કર્યું અને તે ધમધોકાર ચાલવા લાગ્યું હતું.

એક દિવસ RSVPએ મને ફોન કરી પબમાં મળવા બોલાવ્યો. અમે બે જીંજર એલ મગાવ્યા. એક ખૂણામાં બટેટાની ચિપ્સનું પાકિટ ખોલ્યું અને RSVP બોલ્યા,  “મેં કાઊન્સિલમાંથી રાજીનામું આપ્યું છે અને તેમના પર કેસ કર્યો છે.”

“શાનો કેસ?”

“કામ પર મને એટલો ત્રાસ આપવામાં આવ્યો કે મારે રાજીનામું આપવાની તેમણે ફરજ પાડી. મેં તેમની પાસેથી જબરું વળતર માગ્યું છે”

“હું સમજ્યો નહિ, ખાન સાહેબ.” હું તેમને આપણી પરંપરાગત પદ્ધતિ મુજબ હું તેમને આમ સંબોધતો.

“તમે નવા છો એટલે નહિ સમજો. જુઓ અહીંના લેબર લૉઝ – જેને તમે ગુજરાતમાં ગુમાસ્તાધારા કહેતા – તે કામદારોની તરફેણમાં હોય છે. અહીં તમે એવું પુરવાર કરો કે તમારા એમ્પ્લૉયર તમને કામ કરવામાં તકલીફ આપે છે, અને જીવન હરામ કરી નાખ્યું છે જેને કારણે તમારે માનસિક ત્રાસમાંથી છૂટવા રાજીનામું આપવું પડ્યું છે તેને અહીંના કાયદામાં constructive dismissal કહે છે. આ સાબિત કરો તો તમને ભારે વળતર મળે. આપણે તો બાપુ, કામની શરૂઆતથી જ ડાયરીમાં સાચી – ખોટી સઘળી વાતો લખી રાખી છે!”

જે હોય તે, ખાન કેસ જીતી ગયા. કાઉન્સિલ તરફથી તેમને સારું – દસ હજાર પાઉન્ડનું વળતર મળ્યું. તે વખતે મકાનો સસ્તા હતા તેથી તેમણે આ રકમ ડાઉન પેમેન્ટમાં આપી મકાન ખરીદ્યું.

***

આ વાતને બે વર્ષ થયા હશે. RSVP અચાનક મને અમારા ‘સ્થાનિક’માં મળ્યા.

“કેમ છો બ્રધર? ઘણા દિવસે મળ્યા!”

અમે બન્નેએ અમારા ‘usual’ જીંજર એલ મગાવ્યા અને વાતે વળગ્યા.

RSVPને કાઉન્સિલ છોડ્યા પછી બીજી નોકરી નૅશનલ કોચ કંપનીમાં મળી હતી. “હું નૅશનલ કોચ પર કેસ કરવાનો છું. મારા સુપરવાઈઝરે મને ખુબ હેરાન કર્યો…”

ખાનને લેબર ટ્રાઈબ્યુનલમાં જવું ન પડ્યું. કંપનીએ માંડવાળ કરી અને તેમને સારું એવું વળતર આપી છુટા કર્યા.

વર્ષો વિત્યા. હું તથા મારો પરિવાર લેસ્ટર છોડી લંડનમાં આવી વસ્યા.

એક દિવસ વેમ્બ્લીમાં અમે દેશી ચીજોની ખરીદી માટે ગયા હતા ત્યાં અચાનક RSVP અમને ઈલીંગ રોડ પર મળ્યા.

“હાઉ નાઈસ ટુ સી યુ! લેસ્ટરથી અહીં ફરવા આવ્યા છો?” મેં પૂછ્યું.

“ના, અમે હવે લંડનના પેરિવેલ વિસ્તારમાં રહીએ છીએ. લેસ્ટર છોડીને બે વર્ષ થયા. હાલમાં હું કિંગ્સ્ટન કાઉન્સિલના એકાઉન્ટ્સ ખાતામાં કામ કરું છું. અમે નજીકમાં જ મકાન લીધું છે. આવો કો’ક દિ ફૅમિલી સાથે.”

અમે અમારા ટેલિફોન નંબર એકબીજાને આપ્યા અને છૂટા પડ્યા. ત્યાર પછી તેમનો ક્યારેક ટેલીફોન આવતો.

એક રવિવારે તેઓ અચાનક અમને મળવા અમારે ઘેર આવ્યા. સામાન્ય રીતે બ્રિટનમાં ટેલિફોન કર્યા વગર કોઈ કોઈના ઘેર ન જાય. ખાન સાહેબે ક્ષમા માગીને કહ્યું, “ભાઈ, પ્રસંગ એવો આવ્યો છે કે આવવું જ પડ્યું.”

વાત પણ એવી જ હતી. તેમણે કિંગ્સ્ટન કાઉન્સિલ સામે કેસ કર્યો હતો. Unfair dismissalનો. આ વખતે કાઉન્સિલે તેમનો પડકાર ઝીલ્યો હતો અને ટ્રાઈબ્યુનલમાં સુનાવણી આવી હતી.

“તમારી મદદ જોઈએ. કાઉન્સિલે દેશના પ્રખ્યાત સૉલિસિટર રોક્યા છે. આપણું આ વખતે ચાલે એવું લાગતું નથી. મારાં તો હાંજા ગગડી ગયા છે. મને નૈતિક આધાર અને હિંમત આપવા તમે મારી સાથે આવી શકશો?”

આ વખતે તેમનાં પત્નીએ મને વિનંતી કરી. RSVPએ લેસ્ટર અને આસપાસના શહેરોમાં ક્યાંય ત્રણ વર્ષથી વધુ નોકરી કરી નહોતી. બધા સ્થળેથી પૈસા કઢાવી નોકરી છોડતા હતા. આ વખતે તેમનું કંઈ નહિ ચાલે એવું સમજી તેમણે મારી મદદ માગી હતી. હું ના ન પાડી શક્યો.

અમે સેન્ટ્રલ લંડનમાં આવેલી ઈન્ડસ્ટ્રીઅલ ટ્રાઈબ્યુનલમાં ગયા. લૉબીમાં જઈને બેઠા  ત્યાં કાઉન્સિલના સૉલિસિટરે રોકેલા વકીલ બહેન આવ્યાં.

“જુઓ મિસ્ટર પથાન, કાઉન્સિલ તમારી પાછળ સમય બરબાદ કરવા માગતી નથી. તારિખ પે તારિખ આવે અને કાઉન્સિલને હજારો પાઉન્ડ વકીલ પાછળ ખર્ચવા પડે. અમારે માંડવાળ કરવી છે. અમે તમને ત્રણ મહિનાનો પગાર આપીને છૂટા કરવા માગીએ છીએ. આ સિવાય કોઈ વળતર નહિ મળે. અમે તમારી જુની બધી નોકરીઓની વિગતો મેળવી છે. કેસ આગળ જશે તો શક્ય છે કે તમને એક પણ પેની નહિ મળે. અમે કોઈ ચાન્સ લેવા માગતા નથી. તમને કબુલ હોય તો આ એગ્રિમેન્ટ પર સહિ કરો. હું છ હજારનો ચેક લાવી છું.”

RSVPએ વિચાર કરવાનો સમય માગ્યો.

“ટ્રાઈબ્યુનલ શરૂ થવામાં હજી પંદર મિનિટ છે. ત્યાં સુધીમાં જે વિચાર કરવો હોય તે કરી લો. એક વાર અંદર ગયા પછી…” આપણી હિંદી ફિલ્મોમાં કહે છે તેમ ‘તુમ્હારે સારે કચ્ચે ચિઠ્ઠે ખોલ દુંગી’ જેવું કંઈક આ બહેને કહ્યું.

ખાન સાહેબે મારી સલાહ માગી. તેમની વાત પરથી જાણવા મળ્યું કે સાચે જ છેલ્લા દસ – અગિયાર વર્ષમાં તેમણે લગભગ પાંચ નોકરીઓ બદલી હતી. દરેક જગ્યાએથી તેમણે પૈસા કઢાવ્યા હતા.

હું હવે મૅનેજમેન્ટ કક્ષાએ પહોંચ્યો હતો. HR એટલે હ્યુમન રિસોર્સીઝનો પણ સારો અનુભવ થયો હતો. આના આધારે મેં તેમને કહ્યું, “જુઓ ખાન સાહેબ, આ કેસ જીતવાની મને આશા લાગતી નથી. બીજી નોકરી માટે તમારે હાલની કાઉન્સિલનો રેફરન્સ જોઈશે. જો તેઓ સારો રેફરન્સ ન આપે તો…”

“તો હું તેમના પર કેસ કરી શકું!” RSVP ઉત્સાહમાં આવીને બોલ્યા. “તેઓ ખરાબ રેફરન્સ ન આપી શકે, કારણ કે રેફરન્સ કામના નૈપુણ્યનો આપવાનો હોય અને મેં કોઈની સાથે અણછાજતું વર્તન કર્યું નથી. વળી મારા કામમાં કાબેલ છું તેથી તેઓ કશું ખરાબ લખી ન શકે. આ બધા નુસ્ખા હું જાણું છું.”

“પણ આ કેટલો વખત ચાલશે? તમારા કામમાં તમે હોંશિયાર છો, પણ અંગત ખ્યાતિ – રેપ્યુટેશનનો વિચાર કરવો જોઈએ કે નહીં?  એક વાર Association of Local Authoritiesના બ્લૅક લિસ્ટમાં તમારૂં નામ આવી જાય તો તમને ક્યાંય નોકરી નહીં મળે. પ્રાઈવેટ સેક્ટરમાં તો તમે જરા પણ ટકી નહીં શકો. એક અઠવાડિયાની નોટિસમાં તમને છૂટા કરી દેશે. આ ઉમરે તમારે જીવનમાં સ્થિર થવું જોઈએ. તમારે આ બધો વિચાર કરવો જોઈએ. મને લાગે છે તમારે કાઉન્સિલની ઑફર સ્વીકારવી જોઈએ.”

RSVP વિચારમાં પડી ગયા. થોડી વારે તેમણે કહ્યું, “તમારી વાત બરાબર છે. આપણે પેલા બહેનનો પ્રસ્તાવ સ્વીકાર કરી લઈએ. સંજોગો એવા છે કે મેં એસેક્સ કાઉન્ટીમાં અરજી કરી છે. ત્યાં જૉબ મળી જાય એવું છે. તમે કહો છો તેમ ત્યાં જૉબ લઈને નોકરીમાં વળગી રહીશ.”

ખાનસાહેબે ઍગ્રિમેન્ટ પર સહિ કરી, ચેક લીધો અને અમે ઘર ભણી ગયા.

***

વાતને એક વર્ષ થયું હશે. એક દિવસ મને ઈન્ટરકૉમ પર અમારી રિસેપ્શનિસ્ટ બેવર્લીનો ફોેન આવ્યો. “તમને મળવા એક ભાઈ આવ્યા છે. કહે છે તમારા મિત્ર છે. તેમનું નામ સાંભળીને હસવું આવશે ;  RSVP – રેપોન્દે સિલ વ્હૂ પ્લે…. બોલો, તેમને શું જવાબ આપું?” કહી પોતે કરેલ વિનોદ પર તે ખુદ હસી પડી.

મેં બેવર્લીને કહ્યું કે તેમને મારી ઑફિસમાં મોકલ.

ખાન બહાદુર આવ્યા અને મારી સામેની ખુરશીમાં બેઠા અને કોઈ પણ જાતની પ્રસ્તાવના કર્યા વગર તેમણે કહ્યું, “મેં એસેક્સ કાઉન્સિલની નોકરી છોડી છે. તેમના પર અનફેર ડિસમિસલનો કેસ કર્યો છે. તમારા ખાતામાં આસિસ્ટન્ટ ઍકાઉન્ટન્ટની જગ્યા માટેની જાહેરાત જોઈ અને તે માટે તમને મળવા આવ્યો છું.”

કોણ જાણે કેમ, કોઈ અદૃશ્ય શક્તિએ મારૂં માથું મારા ટેબલ પર પછાડવાની શરૂઆત કરી. એક-બે મિનિટ બાદ કળ વળી અને સામેની ખુરશી તરફ જોયું તો RSVP ત્યાંથી અદૃશ્ય થઈ ગયા હતા.

*********

કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com


3 comments for “મારો ભાઈબંધ – નામ ‘R.S.V.P.’

 1. June 2, 2019 at 1:16 am

  ઞજબના તમારા મિત્ર ! વાદરો ઘરડો થાય, પણ ફાળ ન ચૂકે !!!

 2. નિરંજન બુચ
  June 2, 2019 at 6:15 am

  આતો બહુ સારી વાત છે ,લોકો આમ જ ગફલા કરી ને જિંદગી કાઢી નાંખતા હશે , જલસા છે આવા બેઇમાનદાર લોકો ને .

 3. Samir
  June 2, 2019 at 2:05 pm

  કોઈ વ્યક્તિ સર્વગુણસંપન્ન હોય તો તેના વિષે વાંચવાનો કંટાળો આવે. અહી તો વાંચવાની મઝા પડી ગઈ. દુનિયા ના અનેક રંગો માં આવી વ્યક્તિઓ અનેરા રંગ પૂરે છે.જેને પનારો પડે તેમને તો તકલીફ પડતી હશે પણ આવા પાત્રો થી જ લેખ આનંદપ્રદ બને છે.
  આભાર નરેન્દ્રભાઈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *