






ઈશારોં ઈશારોં મેં /\ યહી વો જગા હૈ /\ આપસે મેંને મેરી જાન મુહબ્બત કી હૈ
– ભગવાન થાવરાણી
પહાડી, ભૈરવી, શિવરંજિની, તોડી, લલિત, ભૈરવ
અમારે જીવવા શું જોઈએ આથી વધુ વૈભવ !
આ લેખમાળાના પ્રારંભિક હપ્તામાં જ આપણે ઉલ્લેખી ગયા કે પહાડી તો નિમિત્ત છે. અસલ મકસદ છે, આ લખનારને દિલથી ગમતા કેટલાક ગીત-રત્નોનો આસ્વાદ. માત્ર વાચકો માટે નહીં, એ ગીતોના શ્રવણ અને દર્શન થકી એક યાત્રા એની સ્વયંની પણ પુન: આરંભાય અને આટોપાય છે !
સંવેદના – સંવેદનશીલતા કોઈની જાગીર નથી. હા, અભિવ્યક્તિ અને એનો પ્રકાર હોઈ શકે. ક્યારેક કોઈ ફોન કરીને માત્ર થોડાક શબ્દો એના મર્યાદિત શબ્દભંડોળથી પરંતુ પૂરેપૂરી આર્દ્રતાથી કહે, છેલ્લે એટલું ઉમેરીને કે ‘ you made my day ! ‘ ત્યારે ખરેખર તો ‘ It’s He Who Makes My Day ‘ ! . ઠાલાં આલંકારિક શબ્દોની સજાવટ એક તરફ છે અને બે-ચાર વાચકોને એમ મહેસૂસ થાય કે ‘ મને પણ આવું જ થયું હતું ‘ કે ‘ આ તો મારી જ વાત છે ‘ અથવા ‘ તમે મારા મનની વાત કરી ‘ એનો સંતોષ સાવ જ અલાયદો !
આ વાત અને આવા ભાવક એટલા માટે યાદ આવ્યા કે યુટ્યૂબ પર આ લેખમાળાના એક ગીત વિષે ભાવકોના પ્રતિભાવ વાંચતો હતો ત્યારે એક ભાઈએ સીધી-સાદી ભાષામાં એ ગીત વિષે બસ એટલું જ લખેલું, ‘ મારે બાકીની જિંદગી માત્ર આ સંગીતની દુનિયામાં રહેવું છે. એમાંથી બહાર નીકળવું નથી. ‘ કેમ જાણે બહારની દુનિયામાં ખૂંખાર પશુઓ એને ફાડી ખાવા મોં ફાડીને ઊભા હોય ! જે હોય તે પણ છે દિલની વાત !
‘સફળતા કેવળ એક જ છે. જિંદગી પોતાની મરજી મૂજબ જીવી શકવા તે. ‘ નૈયર આ વાતને શબ્દશ: સાર્થક કરી. એ જિંદગી નિતાંત પોતાની શરતોએ અને ટટ્ટાર રહીને જીવ્યા.
એમના જીવનમાં સંગીત ઉપરાંત જે કંઈં બન્યું એ જાણીને હ્રદયમાંથી એક જ ઉદ્ગાર નીકળે ‘ ખરો મરદ માણસ ! ‘
એમના જીવનની ઘટનાઓને કોઈ પણ રંગરોગાન ઉમેર્યા વગર બયાન કરીએ તો પણ એક ભાતીગળ દાસ્તાન બની શકે અથવા એથી પણ આગળ- એક સનસનીખેઝ ફિલ્મ બની શકે ! એ કથની ફિર કભી. આજે માત્ર એમના સંગીત અને એમાંય કેવળ પહાડી રચનાઓની વાત.
આજની બે ફિલ્મો એટલે ૧૯૬૪ની ‘ કશ્મીર કી કલી ‘ અને ૧૯૬૬ની ‘ યે રાત ફિર ન આએગી ‘ . યોગાનુયોગ, બન્ને ફિલ્મોના નામ અગાઉ આવી ચૂકેલી ફિલ્મો જંગલી – ૧૯૬૧ (કાશ્મીર કી કલી હું મૈં મુજસે ના રૂઠો બાબૂજી – લતા ) અને મહલ – ૧૯૪૯ ( યે રાત ફિર ના આએગી જવાની બીત જાએગી – રાજકુમારી અને ઝોહરાબાઈ અંબાલેવાલી)ના લોકપ્રિય મુખડાથી પ્રેરિત છે. ફરી મજાની વાત એ કે આ બન્ને ‘ પ્રેરક ‘ ગીતો પણ રાગ પહાડીમાં છે !
‘ કશ્મીર કી કલી ‘ ના જમાનામાં હજી પણ મોટા ભાગની ફિલ્મો બ્લેક એંડ વ્હાઈટ જ બનતી. માતબર નિર્માણગૃહો અને મોટું જોખમ ખેડી શકે એવા નિર્માતાઓ જ ઈસ્ટમેનકલર, ગેવાકલર કે ટેક્નીકલર ફિલ્મો બનાવતા. ઓ. પી. નૈયર ફિલ્મના નિર્માતા-નિર્દેશક શક્તિ સામંત સાથે ‘ હાવડા બ્રીજ ‘ ( ૧૯૫૮ ) અને ‘જાલી નોટ ‘ ( ૧૯૬૦ ) બનાવી ચૂક્યા હતા અને ‘ હાવડા બ્રીજ ‘ નું ‘ આઈયે મેહરબાં બૈઠિયે જાનેજાં ‘ આકાશની ઊંચાઈઓને આંબી ચૂક્યું હતું. નૈયર પોતે પણ આરપાર, મિસ્ટર એંડ મિસીસ ૫૫, સી આઈ ડી, નયા અંદાઝ, નયા દૌર, તુમ સા નહીં દેખા, ફાગૂન, સોને કી ચિડીયા, એક મુસાફિર એક હસીના અને ફિર વોહી દિલ લાયા હું જેવી અત્યંત સફળ ફિલ્મો (લતા મંગેશકર વગર અને એમના છુપા વિરોધ સહિત !) આપી ચૂક્યા હતા. એમણે પોતાની નિર્વિવાદ પ્રતિભા અંગે વધુ કંઈ સાબિત કરવાનું હતું નહીં અને આવી ‘ કશ્મીર કી કલી ‘. ફિલ્મ અને એના ગીતોએ ધૂમ મચાવી. ફિલ્મના બધા ગીતોની ફેહરિસ્ત આપવાની લાલચ રોકી શકાતી નથી. જૂઓ : ( બધાના ગીતકાર નૈયરના માનીતા શમ્સૂલ હુદા બિહારી )
દીવાના હુઆ બાદલ સાવન કી ઘટા છાઈ | રફી – આશા |
યે ચાંદ સા રોશન ચેહરા ઝુલ્ફોં કા રંગ સુનેહરા | રફી |
હૈ દુનિયા ઉસીકી ઝમાના ઉસીકા | રફી |
હાએ રે હાએ યે મેરે હાથ મેં તેરા હાથ | રફી – આશા |
કભી ન કભી તો કિસી ન કિસી સે | રફી |
સુભાનઅલ્લાહ હંસી ચેહરા યે મસ્તાના અદાએં | રફી |
બલમા ખુલી હવા મેં મહકી હુઈ ફિઝા મેં
શરૂઆતનું સંગીત ફિલ્મમાં લેવાયું છે. ગીત નથી લેવાયું |
આશા |
ફિર ઠેસ લગી દિલકો ફિર યાદને તડપાયા
ફિલ્મમાં નથી લેવાયું |
આશા |
ઈશારોં ઈશારોં મેં દિલ લેને વાલે
આજનું પહાડી ગીત |
રફી – આશા |
આજના ગીતના શબ્દો જોઈએ.
इशारों इशारों में दिल लेने वाले
बता ये हुनर तूने सीखा कहाँ से
निगाहों निगाहों मे जादू चलाना
मेरी जान सीखा है तुमने जहाँ सेमेरे दिल को तुम भा गए
मेरी क्या थी इस में ख़ता
मुझे जिसने तड़पा दिया
यही थी वो ज़ालिम अदा
ये रांझा की बातें ये मजनू के क़िस्से
अलग तो नहीं हैं मेरी दास्ताँ से …मुहब्बत जो करते हैं वो
मुहब्बत जताते नहीं
धड़कनें अपने दिल की कभी
किसीको सुनाते नहीं
मज़ा क्या रहा जब के ख़ुद कर लिया हो
मुहब्बत का इज़हार अपनी ज़ुबां से …माना कि जाने – जहाँ
लाखों मे तुम एक हो
हमारी निगाहों की भी
कुछ तो मगर दाद दो
बहारों को भी नाज़ जिस फूल पर था
वही फूल हमने चुना गुलिस्ताँ से …
ઓ. પી. નૈયર અને આપણે જેમની પહાડી વિષે વાત કરી ગયા એ મદન મોહનમાં એક અજીબ સમાનતા હતી. એ બન્ને માત્ર એક જ પંક્તિમાં સુરના એવા અને એટલા વળાંકો લઈ શકતા કે ગાયક અને શ્રોતા બન્નેને લાગે જાણે એ એટલું ગાતાં-સાંભળતાં તો એક લાંબી સફર શરૂ કરીને પૂરી પણ કરી આવ્યો ! આ બન્ને હસ્તીઓના આ બે ગીતોનો માત્ર આ શરુઆતી મુખડો ગુનગુનાવી જુઓ :
મદન મોહન >>> મેરી આંખોંસે કોઈ નીંદ લિયે જાતા હૈ >>> લતા >>> પૂજા કે ફૂલ
ઓ. પી. નૈયર >>> દીવાના હુઆ બાદલ સાવન કી ઘટા છાઈ >>> આશા – રફી >>> કશ્મીર કી કલી
કેટલા ઉતાર-ચડાવ માત્ર આટલી જ ગાયકીમાં !
ખેર ! ફિલ્મનું કથાનક કંઇક અંશે ૧૯૬૧ની રોમાંટિક અને સંગીતમય હોલીવુડ ફિલ્મ ‘ COME SEPTEMBER ‘ પર આધારિત હતું. શ્રીમંત વિધવા રાની માંનો ઇકલૌતો પુત્ર શમ્મીકપૂર નોખી માટીનો નબીરો છે. પરાણે પરણાવી નાંખવાની માની જિદથી છૂટવા એ મિત્ર અનૂપકુમાર સાથે કશ્મીર ભાગી છૂટે છે. ત્યાં એની મુલાકાત, ગરીબ અંધ બાપની ફૂલો વેચી ગુજારો કરતી ખૂબસુરત પુત્રી શર્મીલા ટાગોર સાથે થાય છે અને એ એને ( અપેક્ષાનુસાર ) પ્રથમ મુલાકાતે જ દિલ દઈ બેસે છે. જંગલોનો ઠેકેદાર પ્રાણ પણ શર્મીલા પર ‘ બુરી નજર ‘ ધરાવતો હોય છે.
એક દિવસ ફૂલવાલી શર્મીલાના ફૂલોની ટોકરીઓ પોતાની કારમાં લાદી શમ્મી એને કાશ્મીરના સુંદરતમ મેદાનોની સૈર પર લઈ જાય છે. સફર દરમિયાન નેપથ્યમાં ‘ દીવાના હુઆ બાદલ ‘ ની જાદુઈ ધુન સિતાર અને વાયલીન પર વાગ્યા કરે છે એટલે દર્શકોને એમ થાય કે હમણાં એ ગીત આવશે પણ અચાનક વરસાદ ત્રાટકે છે અને પ્રેમી યુગલ જંગલની વચ્ચે એક એકલી બુઢી ઔરતની ઝૂંપડીમાં પનાહ લે છે.
વૃદ્ધા બન્નેને પતિ-પત્ની સમજી સ્નેહપૂર્વક, ભીના કપડાં બદલાવવા પોતાના પુત્ર અને પુત્રવધૂના કપડાં આપે છે અને પોતે લંબાવી દે છે. પ્રેમ આવા એકાંતથી વધુ શું માંગે ? બન્ને વચ્ચે થોડીક ખટમીઠી નોંકઝોંક બાદ –
રફીનો હળવેકથી ઊઠતો આલાપ, જેને આશા ઝીલી લે છે. મુખડો.
વાતો-વાતોમાં મને ફોસલાવીને જીતી લેનારા ઓ આદમી ! આ આવડત તેં ક્યાંથી શીખી ?
બન્ને ઝૂંપડીમાંથી બહાર નીકળી બહાર ફેલાયેલા ઘટાદાર વૃક્ષો મધ્યે આવે છે.
જવાબ પણ એવો જ મનમોહક. ક્યાંથી વળી ? જ્યાંથી નજરોના જાદૂઈ તીર તું ચલાવતાં શીખી ત્યાંથી સ્તો !
ઘેરાતું ધુમ્મસ અને ધુમ્મસના વલયો વચ્ચે અંગેઅંગ નર્તનમય મત્ત શમ્મી – શર્મીલા. સંતૂરની ઝીણેરી સુરાવલિ અને રફીનો સાચેસાચ પહાડીમય અને પહાડોમાંથી પડઘાતો હોય એવો આલાપ અને આશાનો એવો જ પ્રતિઘોષ ! પછી તુરંત, જાણે પહાડો સ્વયં પ્રત્યુત્તર વાળતા હોય એવો સમૂહ-વાયલીનનો ધસમસ પ્રવાહ !
મને તું ગમી એમાં મારો કોઈ વાંક ? પ્રત્યેક ટૂંકા વિરામે શર્મીલાનો આંખોથી પ્રત્યુત્તર . મારા હોશોહવાસ છીનવી લીધા એ આ જ તો અદા હતી !
मैंने जो तुम्हें चाहा, क्या इस में ख़ता मेरी
ये तुम हो ये आइना, इंसाफ़ ज़रा करना ..
પ્રત્યેક વિરામે ગિટારનો સાથ. શર્મીલાના માથેથી કાન લગી ઝળુંબતા રૂપેરી કશ્મીરી આભૂષણ નિરંતર ધ્યાન ખેંચે છે. અંતરાની બે પંક્તિઓ પૂરી થયા પછી ગિટારને બદલે સિતાર. નૈયર વિદેશી અને ભારતીય વાધ્યો વચ્ચે જે સાયુજ્ય રચે છે એ લોમહર્ષક છે.
રાંઝા અને મજનૂની પ્રેમ-કહાણીઓ એ બીજું કશું જ નહીં, આપણી જ વાર્તાનું પુનરાવર્તન છે.
પહેલા અંતરા બાદ શમ્મી અને શર્મીલા ઉન્મત્ત બની જે નૃત્ય કરે છે એ ઝૂમાવનારું છે, વિશેષ કરીને શમ્મી. ( આ લોકો આવા દ્રષ્યો ભજવતી વખતે પોતાની જાતને ખરેખરા પ્રેમમાં પડતા કઈ રીતે રોકી શકતા હશે, વારૂ ! ) નેપથ્યે હવે સિતારની મંજૂલ સુરાવલિઓ.
હવે નાયિકા જવાબ વાળે છે. જે પ્રેમ કરે છે એ કંઈ ઢોલ-નગારા વગાડીને એ વિષે કહેતા નથી. એ લોકો, પોતાના દિલના ધબકારા અન્ય કોઈ સાંભળી ન જાય એ માટે કાયમ સાવચેત હોય છે. પ્રેમની અભિવ્યક્તિ નિજના જ મોઢે થાય તો મહોબતની મજા શી ?
ફરી સિતારની મીઠાશ અને સ્વયંભૂ ઝૂમતા પ્રેમીઓ.
વૃક્ષોની ડાળીઓનું આલંબન લેતા નાયક-નાયિકા.
નાયક ઉવાચ. કબૂલ કે તું લાખોમાં એક છો પણ મારી નજરો, મારી પરખને પણ જરા દાદ તો આપ. શાની શાબાશી, શાની દાદ ? શાબાશીનો હકદાર એટલા માટે કે જે ફૂલ પર વસંતોને પણ ગર્વ હતો, મેં એ જ ફૂલને આવડા મોટા ઉદ્યાનમાંથી પસંદ કર્યો !
મુખડાની બન્ને પંક્તિઓ વારાફરતી આશા-રફીના કંઠે પુનરાવર્તન પામે છે અને આ પૂર્ણ પ્રણય-તપ્ત પહાડી બંદિશ આપણા સૌની અનિચ્છા છતાં પૂરી થાય છે.
ફિલ્મ એ પછી નાના-મોટા ઉતાર-ચડાવ, રહસ્યોદ્ઘાટનો અને એ જમાનામાં ખૂબ પ્રચલિત અને અનિવાર્ય એવી અંતિમ મારામારી અને ખલનાયકના પરાજય સાથે પૂરી થાય છે. નાયક-નાયિકાનું મિલન તો થવાનું જ હતું !
ફિલ્મમાંથી આશા ભોંસલેના બે માતબર ગીતો કાપી નંખાયા એ વિષે કહેવાય છે કે ફિલ્મ શરૂઆતમાં રિલીઝ થઈ ત્યારે બન્ને ગીતો સમાવિષ્ટ હતા પણ પાછળથી કાઢી નંખાયા. જાણકારો પ્રકાશ ફેંકી શકશે.
આ જ ફિલ્મનું એક રફી-ગીત ‘હૈ દુનિયા ઉસીકી ઝમાના ઉસીકા’ પણ દરેક દ્રષ્ટિકોણથી એક અદ્ભૂત ગીત છે જેના શબ્દો, ચિત્રીકરણ અને તરજ વિષે વિગતે લખી શકાય પણ અફસોસ ! એ પહાડીમાં નથી.
ઉપરના ગીતથી સાવ જ અલગ મૂડ અને રંગના પણ એટલા જ સંમોહનકારી, ફિલ્મ ‘ યે રાત ફિર ન આએગી ‘ ના પહાડી આશા-ગીતની વાત કરીએ. ૧૯૬૬માં પણ હજૂ શ્વેત-શ્યામ ફિલ્મોનો દૌર ખતમ થયો નહોતો અને બ્રીજ ( બ્રિજમોહન સદાના – અભિનેત્રી સઈદા ખાનના પતિ ) નિર્દેશિત આ ફિલ્મ એના સંગીત ઉપરાંત કેકી મિસ્ત્રીની અફલાતૂન સિનેમેટોગ્રાફી માટે જોવી એ પણ એક લહાવો છે.
ફિલ્મના એક-એકથી ચડિયાતા ગીતો જોઈએ અને પછી ફિલ્મના પહેલા પહાડી ગીતની શબ્દાવલિ :
૧. | હર ટુકડા મેરે દિલ કા દેતા હૈ દુહાઈ | આશા |
૨. | મુહોબત ચીઝ હૈ ક્યા મુહોબત કરકે દેખેંગે | આશા |
૩. | મૈં શાયદ તુમ્હારે લિયે અજનબી હું | આશા |
૪. | હુઝુરે વાલા જો હો ઇજાઝત | આશા – મીનૂ પુરુષોત્તમ |
૫. | મેરા પ્યાર વો હૈ કે મરકર ભી તુમકો | મહેન્દ્ર કપૂર |
૬. | ફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કર લો | રફી – આશા |
૭. | આપસે મૈંને મેરી જાન મુહોબત કી હૈ | રફી – આશા |
૮. | યહી વો જગા હૈ યહી વો ફિઝાએં | આશા |
આજના બે પહાડી ગીત
यही वो जगा है यही वो फ़िज़ाएँ
यहीं पर कभी आप हम से मिले थे
इन्हें हम भला किस तरह भूल जाएँ
यहीं पर कभी आप हम से मिले थे
यहीं पर मेरा हाथ में हाथ लेकर
कभी ना बिछड़ने का वादा किया था
सदा के लिए हो गए हम तुम्हारे
गले से लगाकर हमें ये कहा था
कभी कम न होंगी हमारी वफाएं
यहीं पर कभी आप हमसे मिले थे …
यहीं पर वफ़ा का नया रंग भर के
बनाई थी चाहत की तस्वीर तुमने
यहीं की बहारों से फूलों को चुनकर
सँवारी थी उलफत की तक़दीर तुमने
वो दिन आपको याद कैसे दिलाएँ
यहीं पर कभी आप हमसे मिले थे …
સમગ્ર ફિલ્મ એક નાયિકાપ્રધાન રહસ્યકથા છે. ‘ કશ્મીર કી કલી’ થી અહીં સુધી ( વાયા ‘ વક્ત ‘ની સહનાયિકાની ભૂમિકા) પહોંચતાં શર્મિલા એક પારંગત અને વ્યાવસાયિક અભિનેત્રી બની ચુકી હતી. ઓ. પી. નૈયર અને આશા ભોંસલેની યુતિનો સૂર્ય હજુ પણ મધ્યાહ્ને હતો.
ફિલ્મની વાર્તા જન્મજન્માંતરના પ્રેમ વિષયક હતી અને એમાં નાવિન્યનો અંશ હતો. પુરાતત્ત્વવિદ પ્રોફેસર પૃથ્વીરાજકપૂર પુત્રી મુમતાઝ સાથે પુરાણા ખંડિયરોના ઉત્ખનનમાં રચ્યા પચ્યા રહે છે. આવા એક ખોદકામ દરમિયાન ‘ બે હજાર વર્ષ ‘ પુરાણું એક સ્ત્રી હાડપિંજર અને એ જ સ્ત્રીનું શિલ્પ મળી આવે છે. એ જ જગાએ આવ-જા કરતી એક જીવંત સ્ત્રી કિરણમયી ( શર્મીલા ) ના નૈન-નક્શ આ શિલ્પવાળી સ્ત્રીને આબેહૂબ મળતા આવે છે. મુમતાઝ સાથે સગાઈના બંધનથી બંધાયેલો વિશ્વજિત પૃથ્વીરાજકપૂરના સ્વર્ગવાસી મિત્રનો પુત્ર અને જગવિખ્યાત ચિત્રકાર છે જે પિતાની ‘ કરોડોં કી જાયદાદ ‘ નો ઇકલૌતો વારસ છે. શર્મિલાને ભાળી એ એના તરફ કોઈક અદમ્ય ખેંચાણથી ઢળતો જાય છે અને શર્મિલા પણ એને પોતાનો ‘ બે હજાર વર્ષ પુરાણો ‘ આશિક પુરવાર કરવા દરેક પ્રયત્ન કરે છે.
લગભગ અડધી ફિલ્મ અને પાંચ ગીતો પછી વિશ્વજિત ખંડાલાની ધુમ્મસઘેરી પુરાણી પહાડીઓ પર શર્મીલાનો ઇંતેજાર કરતો હોય છે અને એ પ્રગટ થાય છે. શર્મિલાનું વસ્ત્રપરિધાન પુરાણા યુગની યક્ષિણી-સમ અને ૧૯૬૬ના જમાના પ્રમાણે વધુ પડતું આધુનિક છે. કંચુકિતુલ્ય કબજા અને કાનમાં એ જ ( કશ્મીર કી કલી વાળા ) કર્ણ-કુંડલ-ધારિણી શર્મિલા કમાલની કામણગારી ભાસે છે. દૂર ખંડાલાનું Duke’s Nose (નાગફની શિખર ) દેખાય છે.
ખીણમાં ધુમ્મસનો દરિયો. ગિટારની ટૂંકી લહેરખી અને આશાનો બુલંદ સ્વર.
આ એ જ સ્થળ છે અને એ જ આબોહવા જ્યાં આપણે કોઈક યુગે મળ્યા હતા. આ સ્થળ અને આ પરિવેશને હું તો કઈ રીતે ભૂલી શકું ? અહીં જ તો જન્મજન્માંતરથી આપણે મળતા આવીએ છીએ.
વિશ્વજિતના ચહેરા પર એ જ ‘ બીસ સાલ બાદ ‘ વાળો કશું જ ન સમજાઈ રહ્યાનો સ્થાયી ભાવ છે !
હવે આવે છે સમગ્ર ગીતની સુંદરતામાં ચાર ચાંદ લગાવતો જાદુઈ સેકસોફોનનો સંમોહક ટુકડો, જે સેક્સોફોનના જાદૂગર સ્વ. મનોહારી સિંગે વગાડ્યો છે. એની સાથે સાથે જાણે દિગંતમાંથી પડઘાતા હોય એવા સમૂહ વાયલીનના સુરો. બન્નેની જુગલબંધી ભાવકના ચિત્તતંત્રને કોઈ અલૌકિક સુર-સાગરના મોજાં પર બેસાડી અલગ જ દુનિયામાં ખેંચી જાય છે.
શમ્સૂલ હુદા બિહારીની કવિતા આગળ વધે છે. અહીં જ તો મારો હાથ હાથમાં લઈને તેં ક્યારેય વિખૂટા ન પડવાનો કોલ આપ્યો હતો. અહીં જ તો યુગયુગાંતર માટે હું તારી બની હતી. અહીં જ તો બાહુપાશમાં લઈને તેં કહ્યું હતું કે આપણી એકબીજા તરફની વફાદારી ક્યારેય ઓછી નહીં થાય. એટલામાં ભૂલી ગયો તું ?
આ એક જ અંતરા બાદ ગીત ફિલ્મમાં તો પૂરું થાય છે પરંતુ સદ્દભાગ્યે ગીતના શ્રાવ્ય સંસ્કરણમાં બીજો અંતરો પણ છે.
ફરી એ જ ગગનની ગોખે પહોંચતો સેક્સોફોનનો બુલંદ રણકો અને સાથે સહોદર હોય એવા વાયલીન અને ફરી એ જ, આશા ભોંસલેને લતાની બાજુમાં બેસાડવા પડે એવી મંત્રમુગ્ધ કરતી સ્વરલહેરીઓ :
અહીં જ તો પ્રતિબદ્ધતાનો પાકો રંગ ભરીને પ્રેમની અનોખી તસવીર બનાવી હતી તેં ! અહીંની વસંતોમાંથી જ તો ફૂલોની છાબ ભરીને એનાથી પ્રેમના પ્રારબ્ધને શણગાર્યું હતું તેં ! એ જમાનો કઈ તરકીબથી યાદ દેવડાવું તને !
ગીત પૂરું થતાં શર્મીલા પોતાની મોહિનીથી વિશ્વજીતને પહાડોની ઘાટીમાંથી દોરી કોઈ અવાવરુ ખંડિયેરમાં લઈ જાય છે અને તુર્ત જ એક બીજા પહાડી યુગલ-ગીતની ભૂમિકા રચાય છે :
आपसे मैंने मेरी जान मुहब्बत की है
आप चाहें तो मेरी जान भी ले सकतीं हैं
आप जब हैं तो मेरे पास मेरा सबकुछ है
जान क्या चीज़ है ईमान भी ले सकतीं हैं
आपको मैंने मुहब्बत का खुदा समझा है
आप कहिये कि मुझे आपने क्या समझा है
जिंदगी क्या है मुहब्बत की मेहरबानी है
दर्द को मैंने हक़ीक़त में दवा समझा है ..
दिल वही है जो सदा गीत वफ़ा के गाए
प्यार करता हो जिसे प्यार ही करता जाए
सैंकड़ों साल के जीने से है बेहतर वो घड़ी
हाथ में हाथ हो जब यार का मौत आ जाए
आप से मैंने मेरी जान …
બન્ને પ્રેમીઓ વચ્ચે જનમોજનમ જૂદા નહીં થવાના કોલની ફરી આપ-લે. ઠંડી, વરસાદ, દેહોનું પલળવું અને સળગવું. પેટાવાતી ભૌતિક આગ અને આજનું ગીત. ગીતનો લય અને રફી-આશાની ગાયકી એવી છે કે આ ગીત અગાઉ આવી ચૂકેલા ‘ ફિર મિલોગે કભી ઈસ બાત કા વાદા કર લો ‘ ની પ્રતિકૃતિ લાગે પણ એ યમન-કલ્યાણ છે અને આ મિશ્ર પહાડી.
ફરી રફી – આશાના કંઠોનું કામણ, મેંડોલીનના હળવા ઉપાડ સાથે. એસ.એચ.બિહારીની સંતુલિત પ્રેમ કવિતા. શ્વેત-શ્યામ ફોટોગ્રાફીની કમાલ. અહીં આશાવાળા અંતરાના શબ્દો ધ્યાનાકર્ષક છે. દિલ એને કહેવાય જે આજીવન વફાદારીના ગીતો ગાતું પ્રેમ અને પ્રેમી માટે ન્યોછાવર થતું રહે. સો વર્ષની જિંદગી કરતાં એ ક્ષણ સવાઈ જ્યારે હાથમાં દિલબરનો હાથ હોય અને મૃત્યુ આવી પૂગે !
કેટલાક નાટકીય વળાંકો અને અનપેક્ષિત કાવતરાખોરના પર્દાફાશ બાદ નાયક નાયિકાનું વર્તમાન જન્મમાં જ સુખદ મિલન થાય છે.
આપણું મિલન થશે આવતા હપ્તે, રામચંદ્ર ચિતલકર ઉર્ફે સી. રામચંદ્રની પહાડી બંદિશો સંગે …
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
ફરી થી પહાડી નો વ્યાપ વિષે ખબર પડે છે.રોમાન્સ ,રહસ્ય બધા માં પહાડી કામ આવે છે. જેમાં પહાડી સાથે નૈયર સાહેબ નું પણ બખૂબી યોગદાન છે.
આભાર ભગવાનભાઈ !
આભાર સમીરભાઈ !
ઓ. પી. નૈયર અને આપણે જેમની પહાડી વિષે વાત કરી ગયા એ મદન મોહનમાં એક અજીબ સમાનતા હતી. એ બન્ને માત્ર એક જ પંક્તિમાં સુરના એવા અને એટલા વળાંકો લઈ શકતા કે ગાયક અને શ્રોતા બન્નેને લાગે જાણે એ એટલું ગાતાં-સાંભળતાં તો એક લાંબી સફર શરૂ કરીને પૂરી પણ કરી આવ્યો !
મદન મોહન >>> મેરી આંખોંસે કોઈ નીંદ લિયે જાતા હૈ >>> લતા >>> પૂજા કે ફૂલ
ઓ. પી. નૈયર >>> દીવાના હુઆ બાદલ સાવન કી ઘટા છાઈ >>> આશા – રફી >>> કશ્મીર કી કલી
કેટલા ઉતાર-ચડાવ માત્ર આટલી જ ગાયકીમાં !
Kya Baat Hai , Khoob sahi observation. Also delighted with detailed information of pahadi songs. Thanks.
Thanks a lot once again, maheshbhai !