વલીભાઈ વેબગુર્જરીની સક્રિય સંપાદન પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લે છે!

Facebooktwitterredditpinterestlinkedinmail

વેબગુર્જરીની સંપાદન ટીમના સભ્ય અને સાહિત્ય વિભાગના વડા સંપાદક શ્રી વલીભાઈ મુસા હવે નાદુરસ્ત તબીયતને કારણે નિવૃત્ત થાય છે. બહુ શરૂઆતથી જ વલીભાઈ વેબગુર્જરી સાથે જોડાયા અને સાહિત્ય વિભાગ સંભાળ્યો. એમણે રચનાઓ શોધી, રચનાકારો શોધ્યા, રચનાકારિણીઓ શોધી અને કોઈનેય ખબર ન પડે તેમ, તકલીફ ન પડે તેમ એમણે નિયમિત રીતે સાહિત્ય વિભાગને હર્યોભર્યો રાખ્યો. સ્વભાવ એવો કે એમને માઠું જ ન લાગે. વૈષ્ણવ જન..! આપણને ક્યારેક થાય કે વલીભાઈ વટકશે કે શું – પણ વલીભાઈ વટકે પણ નહીં અને અટકે પણ નહી!

આમ તો એમણે ગયા વર્ષે જ કહી દીધું હતું કે ભાઈ, હવે બસ. મારી તબિયત હવે મને ચાર છ મહિનાથી વધારે આ જવાબદારીમાં સક્રિય નહીં રહેવા દે. એ સમયે તેમણે છ મહિના ચાલે તેટલી સાહિત્ય વિભાગની સામગ્રી તેમ જ એક વર્ષ ચાલે તેટલા તેમના લેખો આયોજન કરીને આગોતરા મોકલી આપ્યા. તેમને અને અમને સહુને પ્રબળ આશા હતી કે છ મહિના પછી વલીભાઈ તેમની જવાબદારીઓ પૂરેપૂરી રીતે સંભાળી શકે એટલા તંદુરસ્ત બની જ રહેશે. પરંતુ હવે તેમને ફરીથી આટલા સક્રિય ન રહેવાની તબીબી સલાહ આપવામાં આવી છે. તેમના અંગત અને કૌટુંબિક સંદર્ભમાં તેમની તબિયત કોઈ જાતની મુશ્કેલીઓ વગર જળવાઈ રહે તે પ્રાથમિકતાની બાબતે આપણે પણ તેમની સાથે સહમત જ હોઈએ. તેથી નાછૂટકે, ના-રાજીપૂર્વક તેમની નિવૃત્તિની દરખાસ્ત કબૂલ રાખવી પડી છે.

ગુજરાતીઓની અમુક ખાસિયતો છે, પણ આ ટીમમાં છે તેમાં કોઈને એ લાગુ પડે તેમ નથીઃ કહે છે ને –

લાંબો ડગલો મુંછો વાંકડી, શિરે પાઘડી રાતી

બોલ બોલતો તોળી તોળી, છેલ છબીલો ગુજરાતી.

હવે લાંબો ડગલો કે શિરે પાઘડી તો નથી જ રહ્યાં. મૂંછ હોય તો હોય, ન હોય તો ન હોય. એટલે એ બધું તો ઘસાઈ ગયું. બાકી ‘બોલ બોલતો તોળી તોળી’ શાશ્વત છે પણ અમને કોઈને એ લાગુ નથી પડતું. જે અભિપ્રાય આપવો હોય તે એવી રીતે આપવો કે તમે બોલેલા કે લખેલા શબ્દોનો અર્થ તમે પોતે જે કરતા હો તે જ સામી વ્યક્તિ સુધી પહોંચે, એટલે આટલા લાંબા સમયગાળામાં કામ નિમિત્તે કોઈ વાતમાં વલીભાઈને ‘ગુસ્તાખી’ જેવું ક્યાંય પણ લાગ્યું હોય, ઓછું આવ્યું હોય તો એમની અમે ક્ષમા માગીએ છીએ.

શ્રી વલીભાઈ જેવા કર્તવ્યનિષ્ઠ સાથીની નિવૃત્તિને સ્વીકારતાં મન ભારે થઈ આવે છે. વેબગુર્જરી પરિવાર વતી અને સંપાદક મડળ વતી આપણે તેમની સેવાઓ બદલ તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ અને એવી શુભેચ્છા પાઠવીએ છીએ કે તેમનાં હવે પછીનાં વર્ષોમાં તેમની તબિયત તેમને તેમની પ્રવૃત્તિમય જિંદગીમાં પૂરેપૂરો સાથ આપતી રહે, તેમ જ તેમનું ભાવિ દીર્ઘાયુષ્ય સુખ, શાંતિ, સંતોષ અને સક્રિયતા સભર જ રહે.

શ્રી વલીભાઈ વેબગુર્જરીની સક્રિય જવાબદારીઓમાંથી નિવૃત્ત થયા છે, પણ તેમના સાથ, સહકાર અને સલાહનો લાભ તેઓ આપણને આપતા રહેશે.

હવે નવી વ્યવસ્થામાં સંપાદક મંડળના સભ્યો તરીકે સાહિત્ય વિભાગમાં સહયોગી કેપ્ટન નરેન્દ્ર ફણસે ગદ્ય સાહિત્ય વિભાગ અને સુશ્રી દેવિકાબહેન ધ્રુવ પદ્ય સાહિત્ય વિભાગ સંભાળશે .આ બન્ને સાથીઓ વેબગુર્જરીના સાહિત્ય વિભાગની સામગ્રીમાં ચયન અને સંકલનમાં આપણી સાથે ઘણા સમયથી પ્રવૃત્ત છે જ.

કૅપ્ટન નરેનભાઈ તો રહ્યા, ફૌજી. લડાઈમાં ઊતરે અને રણ-છોડ બને એ ભારતનો યોદ્ધો નહીં. સંગીત કહો, લશ્કર કહો, સાહિત્ય કહો કૅપ્ટન બધામાં સરદારી કરવા તૈયાર.

અને દેવિકાબેનની કલમ તો કલ્પનોની પીંછી છે. એમના વિશે જાણવું હોય તો ગૂગલ સર્ચ કરો, ગુજરાતીમાં જ ટાઇપ કરો એમનું નામ; જૂઓ શું થાય છે. બસ, એટલામાં સમજી જઈએ.

બન્ને જણાંએ તેમની અંગત પ્રાથમિકતાઓને અતિક્રમીને આ જવાબદારી વહન કરવાનું સ્વીકારેલ છે

આ સાથે અમારાં હંમેશનાં સાથી કૅપ્ટન નરેંદ્રભાઈ અને દેવિકાબેનનું મુખ્ય સંપાદક મંડળમાં સ્વાગત કરતાં આનંદ અનુભવીએ છીએ. એમનો સ્પર્શ વેબગુર્જરીને રસભીનો કરતો રહેશે એવી આપ સૌને ખાતરી આપીએ છીએ.

આ ફેરફારોને તાત્કાલિક અસરથી વેબગુર્જરીના સંચાલન પૃષ્ઠ પર અમલી બનાવ્યા છે. વેબગુર્જરીના સાહિત્ય વિભાગને અનુરૂપ પદ્ય સામગ્રી સુશ્રી દેવિકાબહેનને ddhruva1948@yahoo.com વીજાણુ સરનામે અને ગદ્ય સામગ્રી કેપ્ટન નરેન્દ્રભાઈ ફણસેને captnarendra@gmail.com વીજાણુ સરનામે મોકલવા વિનંતિ.

વેબગુર્જરીનું આ છઠ્ઠું વર્ષ ચાલે છે. પરંતુ હજી અમે ટકી રહ્યા છીએ તેનો યશ અમારા કરતાં વાચકોને ફાળે વધારે જાય છે. આ ભાવ પ્રત્યક્ષ અનુભવીએ છીએ એટલે જ લાગે છે કે જેમ એક જ ઘરમાં રહેતા લોકો ધીમે ધીમે બદલાઈ જાય અને અમુક વર્ષ પછી કોઈ નવી જ પેઢી એને પોતાનું ઘર માનતી હોય તે જ રીતે અમને ખાતરી છે કે સંપાદકો આવશે અને જશે, આજે છે તેમાંથી કોઈ નહીં હોય, એમની જગ્યાએ કોઈ નવાં નામ હશે જેની આજે કલ્પના પણ થઈ શકતી નથી – પરંતુ વેબગુર્જરીની યાત્રા ચાલતી જ રહેશે.

સંપાદન મડળ – વેબગુર્જરી

10 comments for “વલીભાઈ વેબગુર્જરીની સક્રિય સંપાદન પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લે છે!

 1. May 31, 2019 at 10:15 am

  વલીભાઈને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ. તેઓ ઔપચારિક રીતે નિવૃત્ત ભલે થતા, ‘વેબગુર્જરી’ સાથે લાગણીના સંબંધે જોડાયેલા જ રહેવાના એની ખાતરી છે.
  નરેન્‍દ્રભાઈ અને દેવિકાબેનને અભિનંદન !

 2. રજનીકાન્ત વ્યાસ
  May 31, 2019 at 10:18 am

  શ્રી વલીભાઇની રચનાઓ ખૂબ માણી. એમણે મતા ગુર્જરીની ખૂબ સેવા કરી છે અને કરતા રહે તેવી આશા કરૂં છું. એમનું સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભેચ્છા.

  નરેન્દ્રભાઇ અને દેવિકાબેન સિદ્ધહસ્ત સાહિત્યકાર છે. તેમનું સ્વાગત છે.

  • Munira
   May 31, 2019 at 9:52 pm

   Valikaka vagar webgurjari suni lagshe.

 3. Niranjan Mehta
  May 31, 2019 at 12:16 pm

  મા. વલીભાઈની નિવૃત્તિના સમાચાર સખેદ વાંચ્યા. બહુ થોડા સમય પહેલાં જ તેમનો પરોક્ષ પરિચય પણ અંગત હોય તેમ સલાહ-સૂચન આપતા. નાદુરસ્ત તબિયત આગળ તેમની મજબૂરી છતાં સાહિત્યનો થાળ મોકલી આપ્યો છે તે આનંદની વાત છે. તેમને સ્વસ્થ જીવનની શુભકામનાઓ..

 4. Samir
  May 31, 2019 at 1:14 pm

  વલીભાઈ ને મળવાનો એક જ મોકો મળ્યો હતો.ત્યારે તેમના પારદર્શક અને ઉષ્માભર્યા વ્યક્તિત્વ નો પરિચય થયો હતો. તેમના માટે નિવૃત થવું અઘરું છે પણ તોય તેમને ડોક્ટર ની વાત તો માનવી જ રહી !
  તેમને સ્વસ્થ જીવન ની ખુબ ખુબ શુભકામનાઓ .
  આશા છે કોઈ કોઈ વાર તે પોતાની કલમ દ્વારા દર્શન આપતા રહેશે .

 5. May 31, 2019 at 6:14 pm

  ‘વેબગુર્જરી’માંની મારી સંપાદન પ્રવૃત્તિમાંથી મારી વિદાય ઉપરના સાથીમિત્રોના ઉષ્માભર્યા શબ્દોએ મને લાગણીભીનો બનાવી દીધો. વળી પ્રતિભાવ વિભાગે કેટલાક મિત્રોએ મારા અંગેના જે ભાવ બતાવ્યા તે પણ હૃદયને સ્પર્શી ગયા. મિત્રોની વાત સાચી છે. ‘વેગુ’ની શરૂઆતથી મારી નિવૃત્તિ સુધી હું ‘વેગુ’મય બની રહ્યો તે માટેનો સઘળો યશ આખી ટીમના ફાળે જાય છે. મને બરાબર યાદ છે કે શરૂઆતમાં અમારે ‘વેગુ’ અંગેના કોઈ પાયાના નિર્ણયો લેવાના થતા ત્યારે અમારો પત્રવ્યવહાર એટલો બધો લાંબો ચાલતો કે કોઈકવાર બધાંની મેઈલનો આંક સાઈઠ-સિત્તેરને આંબી જતો. નાદુરસ્ત તબિયત રહેવી એ ઉમ્રનો તકાજો છે, જેને સ્વીકારવો જ રહ્યો. મિજાજ અને સ્વાસ્થ્ય સાથ આપશે અને નવું કંઈ સર્જાશે તો સંપાદકમંડળને મોકલતો રહીશ અને મારા વાંચન દરમિયાન કંઈક ઉમદા સર્જન નજરે ચઢશે તો તે પણ સૂચવતો રહીશ. ધન્યવાદ,

 6. Bhagwan thavrani
  May 31, 2019 at 7:37 pm

  માનનીય વલીભાઈ મૂસાની ‘ નિવૃત્તિ ‘ સુખદ બની રહે એવી શુભેચ્છાઓ!
  નવ-નિયુક્ત સંચાલન મંડળને હાર્દિક આવકાર !

 7. Niranjan Korde
  June 1, 2019 at 4:47 pm

  સ્નેહીશ્રી વલી ભાઈ,
  આપે જરૂર લખ્યું છે કે ઉમ્ર નો તકાજો, હા, એ કુદરતનો નિયમ છે પણ કલમનો કસબ એ પણ કુદરત ની જ તો દેન છે ને? તેને ક્યારેય ઉંમર નો બંધ નથી આવતો અને એટલે જ તો લખાણ અમર છે.
  ખેર, આપની પ્રકૃતિ ઉત્તમ રીતે જળવાઈ રહે તેવી ઈશ્વરને પ્રાથના. અને કયારેક કયારેક આપના લખાણ ની ઝલક આપતા રહો તેવી વિનંતી.
  આપના લેખ ના ચાહક
  નિરંજન કોર્ડ.

 8. June 1, 2019 at 11:22 pm

  ટાઢ,તાપ અને વરસાદમાં છત્ર બની રહેનાર મુ.વલીભાઈને, નમન સાથે, તન-મનના સ્વાસ્થ્યની શુભ કામના..

  સૌ તરફથી મળતા આવકાર અંગે આનંદ સહ આભાર અને વંદન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *