





બીરેન કોઠારી
સડકનો રંગ સામાન્યત: ભૂખરો કે કાળો હોય છે, પણ આ લેખ આપ વાંચી રહ્યા હશો ત્યારે શહેરના મુખ્ય માર્ગોનો રંગ બદલાઈને લાલ કે ગુલાબી થઈ રહ્યો હશે. ચૂંટણીનાં પરિણામોને લઈને બધે ઉજવણીનો માહોલ હશે. ચૂંટણીમાં નહીં, પણ કોઈ યુદ્ધમાં વિજય થયો હોય એવા તેવર ઉમેદવારોના હશે. આમ હોય એ સ્વાભાવિક છે. વિદ્યાર્થીઓની પરીક્ષા હોય, બે દેશ વચ્ચેની ક્રિકેટ મેચ હોય, ડબલ્યુ.ડબલ્યુ.એફ.ના પહેલવાનોની કુસ્તી હોય, ભારત-પાકિસ્તાનનું યુદ્ધ હોય કે કોઈ પણ કક્ષાની ચૂંટણી હોય, મોટા ભાગનાઓને મન આ બધામાં ઝાઝો ફરક નથી. તેનું મૂલ્ય મનોરંજન મેળવવા પૂરતું છે. આ ઘટનાઓ બાબતે હજી મોટા ભાગના નાગરિકોની માનસિકતા વિજય-પરાજયથી આગળ વધી નથી. વિદ્યાર્થી પરીક્ષા આપે કે એને ‘કેટલા માર્ક ધાર્યા છે?’ પૂછી પૂછીને લોકો પાછળ પડી જાય છે. ચૂંટણીઓ પત્યા પછી ‘એક્ઝિટ પોલ’ આવી જ કવાયત છે. ખરેખરાં પરિણામ આવે ત્યાં સુધી તે લોકોને આનંદિત રાખે છે. આવાં ગતકડાંને કારણે વિવિધ પ્રણાલિઓમાં રહેલી પાયાની સમસ્યાઓ કે મુદ્દાઓ વિશે ભાગ્યે જ વાત થાય છે, કે વિચારણા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ઢગલાબંધ માર્કથી નવાજવામાં આવે એટલે શિક્ષણપ્રણાલિના પાયામાં લાગી રહેલા લૂણા વિશેની ફિકર કોણ કરે? ભારત અને પાકિસ્તાનની મેચમાં જ યુદ્ધની કીક આવી જતી હોય પછી તેના રાજદ્વારી સમીકરણો વિશે વિચારવાની શી જરૂર? ચૂંટણીમાં પોતાને ગમતો ઉમેદવાર વિજયી બની જાય પછી તેની પાસેથી બીજી અપેક્ષા રાખવાની વાત જ ક્યાં આવે?
વિચિત્રતા એ છે કે એક તરફ આપણે ટેકનોલોજી અને વિકાસની વાત કરતા રહીએ છીએ, પણ બીજી તરફ પાયાની સમસ્યાઓ વિશે કદી ધોરણસરની વાત કરવામાં આવતી નથી. તમામ પ્રક્રિયાઓ ઑનલાઈન કરી દેવી, વેબસાઈટ બનાવીને તેની પર વિગતો ઠાલવી દેવી, જાતભાતની યોજનાઓ ઘોષિત કરીને મોટા મોટા આંકડા દર્શાવવા કે સાવ સામાન્ય કાર્યપ્રણાલિની આગળ ‘સ્માર્ટ’ વિશેષણ મૂકી દેવું એ વિકાસ અવશ્ય કહી શકાય,પણ તેને વાસ્તવિકતા સાથે સરખાવે કોણ? ખેદની વાત એ છે કે વર્તમાન ચૂંટણીમાં કોઈ પક્ષે નક્કર મુદ્દાઓને આગળ ધર્યા નથી. ચૂંટણીપ્રચારમાં મોટે ભાગે વ્યક્તિગત આક્ષેપબાજીનાં ગતકડાં વધુ જોવા મળ્યાં.
ખ્યાતનામ જાપાની દિગ્દર્શક અકીરા કુરોસાવાની જગવિખ્યાત ફિલ્મ ‘સેવન સમુરાઈ’ પરથી પ્રેરિત રાજકુમાર સંતોષી દિગ્દર્શીત ‘ચાઈના ગેટ’ના અંતમાં એક ચોટદાર સંવાદ છે. એક પાત્ર કહે છે, ‘જંગ ગમે એ હોય, તેનું પરિણામ ગમે તે આવે, સૈનિક પોતાનું કંઈ ને કંઈ ગુમાવતો જ હોય છે.’ જરા વિચારતાં ખ્યાલ આવે કે આ વાક્ય કેવળ સશસ્ત્ર યુદ્ધ અને તેના સૈનિક પૂરતું મર્યાદિત નથી. આપણી લોકશાહીમાં મતદારોની સ્થિતિ આવી જ હોય છે. ચૂંટણીનો જંગ કોઈ પણ જીતે, મતદારના ભાગે હંમેશાં કંઈ ને કંઈ ગુમાવવાનું જ આવે છે. આ ગુમાવવાનું એવું દેખીતું નથી કે તેને માપી યા ગણી શકાય. ઉમેદવાર મત મેળવવા માટે મતદારોને કંઈ ને કંઈ લાલચ આપે ત્યારે મતદારને એમ લાગે કે પોતાને ફાયદો થયો. પોતે જેને મત આપ્યો છે એ ઉમેદવાર વિજયી બને તો મતદારને લાગે છે કે પોતાનો મત સફળ રહ્યો. આમ, વાત મોટે ભાગે ત્યાં જ પૂરી થઈ જતી હોય છે. ચૂંટાઈને વિજેતા બન્યા પછીના સમયગાળા બાબતે જે તે ઉમેદવાર પાસે મતદાર ખાસ કંઈ અપેક્ષા રાખતો નથી. પોતાની સોસાયટી સુધીનો રોડ બની જાય કે સોસાયટીના નાકે ચાર બાંકડા મૂકાઈ જાય એમાં તે રાજી થઈ જાય છે.
આ સપ્તાહે અમદાવાદના એક પમ્પિંગ સ્ટેશનમાં સફાઈ માટે ઊતરેલા ચાર સફાઈ કામદારો ઝેરી વાયુથી ગૂંગળાઈને મૃત્યુ પામ્યા. કોન્ટ્રાક્ટના કામદાર તરીકે કાર્યરત આ કર્મચારીઓએ સુરક્ષા ઉપકરણો પહેર્યાં ન હતાં એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભૂગર્ભમાં સફાઈ માટે ઊતર્યા પછી વાયુથી ગૂંગળાઈને મરણને શરણ થવાનો આ કિસ્સો પહેલવહેલો નથી, એમ છેલ્લો પણ નહીં હોય. આ પ્રકારના મોટા ભાગના કિસ્સામાં બને છે એકાદ દિવસ છાપે ચડ્યા પછી આખી વાતને કોરાણે મૂકી દેવામાં આવે છે. ભૂગર્ભ કામગીરી માટે કોઈ પણ જીવતાજાગતા માણસે અંદર જ ઉતરવું ન પડે એવી ટેકનોલોજી શું એટલી દુર્લભ છે? એ હદે તે મોંઘી છે કે આપણને તે પોષાય નહીં? અવકાશમાં ઉપગ્રહ છોડવા ક્ષેત્રે સ્વનિર્ભર બની શકતા આપણા રાષ્ટ્રને આ સમસ્યાનો કોઈ ઊકેલ જડતો નથી? કે પછી સફાઈ કામદારોના ચરણનું પ્રક્ષાલન કરીને આવતા ભવ માટે પુણ્ય કમાઈ લેવાની આપણી લ્હાય છે? આ રીતે મૃત્યુ પામનારાઓ સમાજના બોલકા વર્ગમાંથી આવતા નથી, તેથી આ બાબતે તેઓ કશો અવાજ ઉઠાવે એ આશા ભાગ્યે જ રાખી શકાય. પણ શિક્ષણ, રોજગાર, સંસાધનોનું વ્યવસ્થાપન જેવી સમસ્યાઓ સમાજના દરેક વર્ગને સ્પર્શે છે. આ અને આવી અનેક સમસ્યાઓના નિરાકરણ બાબતે વાત કરવી, વિચારવું, આયોજન કરવું દરેક પક્ષ માટે જરૂરી બની રહેશે. સત્તા હાથમાં આવ્યા પછી વાત પૂરી નથી થતી, પણ વાતનો આરંભ થાય છે એ સત્તા મેળવનાર પક્ષ સમજે કે ન સમજે, નાગરિકોએ સમજવું પડશે.
નાગરિકશાસ્ત્ર પાઠ્યપુસ્તકનો એક શુષ્ક વિષય બની રહેવાને બદલે નાગરિકોના વ્યવહારનું શાસ્ત્ર બની રહે એવી પહેલ નાગરિકોએ જ કરવી રહી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩-૫-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
આપણા રાજકારણ મા દંભ સિવાય કાઇ જ નથી , સૈનિકો ના બલિદાન થી ચૂંટણી જીતાય છે . ગટર મા ઊતરતા કામદાર ના મરુતયુ પછી એવું નિવેદન આવ્યું કે જો કોંટરાકટર ની બેદરકારી હશે તો પગલાં લેવા મા આવશે .
હવે કામદારો ના મરુતયુ એ જ બેદરકારી નું સબૂત નથી ?
શું કામદારો હોશ થી મરવા ગયા હશે . કોઇ ને કાઇ સજા નહિ થાય , અધિકારી ઓ ઘેર જઇ ને આરામ થી સુતા હશે