એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ

Facebooktwitterredditpinterestlinkedinmail

મોહનદાસ કરમચંદ ગાંધી

સોકરેટીસનો બચાવ.


હે એથેન્સના લોકો, મારી ઉપર તહોમત મુકનારાના બોલથી તમે કેટલે દરજ્જે દોરવાયા છો તેની મને ખબર નથી. તેમનાં વચન એવાં ભરમવાળાં અને સાચાં દેખાતાં હતાં કે હું પોતે મારું ભાન ભૂલી ગયેલો. છતાં હું કહું છું કે તેઓ જે બોલ્યા છે તે જુઠાણું છે. તેઓના બધા જુઠાણામાંનું એક તો મને બહુ અજાયબી ભરેલું લાગ્યું. તેઓએ તમને કહ્યું છે કે તમારે મારા છટાદાર ભાષણથી ભોળવાઈ ન જવું. છટા તો તેએા વાપરે છે. મને છટા આવડતી નથી. પણ જો સત્યને તેઓ છટા કહે તો તે મારામાં છે એમ હું કબૂલ કરું છું. પણ જો મને સત્યવાદી તરીકે તેએા કબૂલ રાખે તો તેઓ જેને છટાદાર માને છે તેવી જાતનો છટાદાર હું નથી. કેમકે તેઓ ભપકાથી બોલ્યા છે, છતાં તેઓના બોલમાં કંઈ સાચું નથી. હું તો તમારી આગળ જે સાચું છે તે જ, અને તે બધું રજુ કરવાનો છું. હું કંઈ તમારી આગળ ઘડેલું ભાષણ લાવ્યો નથી. હું ઘરડો છું. મારે તમારી આગળ છટા કે ભપકો વાપરવાનાં હોય નહીં. એટલે હું જેમ તમારી આગળ હંમેશાં બોલું છું તેવી જ સાદાઈથી બોલું તો તમે તાજુબ ન થજો. મને હવે સીતેર ક૨તાં વધારે વરસ થયાં છે. તેમાં આજે પહેલોજ મને અદાલતનો અનુભવ થાય છે. તેથી અદાલતના ભપકાની અને અદાલતની ભાષાની મને ખબર નથી. એટલે મારા શબ્દોનો તમે ખ્યાલ ન કરજો. જડ્જ તરીકે તમારું કામ, હું ન્યાયી વાત કરું છું કે નહીં તે જોવાનું છે. મારૂં કામ તમારી આગળ સાચુંજ ૨જુ કરવાનું છે.

મારી ઉપર ઘણા માણસોએ તહોમત મૂક્યાં છે. તેમાંનું એક એ છે કે હું બધી જાતની શોધ કરું છું, ને જે ખોટું છે તે ખરૂં કરીને બતાવું છું, ને લોકોને ભમાવું છું. આ તહોમત મૂકનારાઓ જોરાવર છે. તેઓ જણાવે છે કે હું આપણા બાપદાદાનો ધર્મ જાળવતો નથી. આવી વાતો તેઓએ તમારા કાને તમારા બચપણથી નાંખીને તમને ભંભેર્યા છે. વળી મારી ગેરહાજરીમાં તમને વાતો કરી છે તેથી હું તમારી આગળ મારો બચાવ નથી કરી શક્યો. તેએાએ અદેખાઈથી કે લુચ્ચાઈથી તમારી આગળ વાત કરીને તમારાં દિલ ઉશ્કેર્યા છે તે સાફ થાઓ એમ ઇચ્છું છું. પણ હું જાણું છું કે તે કામ કઠણ છે. છતાં મારે જે કહેવું ઘટે તે કહીશ. પરિણામ ( પ્રભુને ) ખુદાને જે ગમે તે ભલે આવે.

તેએા શું કહે છે તેનો સાર હું ઉપર કહી ગયોઃ વળી તે મારાં નાટક કથે છે. તેમાં બતાવે છે કે હું હવામાં ફરવાના અખતરાએા કરૂં છું. આની મને તો ખબર પણ નથી. હવામાં ન ફરી શકાય એમ હું કહેતો નથી. તેવું જાણનાર કોઈ હોય તો તે ભલે તેવા અખતરા કરે. પણ મને તો તેનું ભાન નથી. છતાં મેલીટસ મારી ઉપર તેવો આરોપ મુકે છે. મહાજનમાંથી તમે ઘણાઓ મારા સહવાસમાં હમેશાં આવ્યા છો. તમે એક બીજાને પૂછીજોજો કે એવી વાત સુદ્ધાંએ મ્હેં કોઈ દહાડે કોઈને કરી છે ? અને જો તમે બધા કહી શકો કે મ્હેં કોઈને એવી વાત નથી કરી તો તમે સમજી શકશો કે જેવું આ તહોમત ખોટું છે તેવાં બીજા પણ હોવાં જોઈએ. વળી મારા વિરોધીઓ કહે છે કે હુ લોકોને શીખવું છું ને તેના બદલામાં પૈસા લઉં છું. આ તહોમત પણ જુઠ્ઠું છે. કદી તે વાત ખરી હોય તો તેમાં હું કાંઈ ખરાબ સમજતો નથી. આપણામાં ઘણા શિક્ષકો છે, તે પાતાનું મહેનતાણું લે છે. અને તેએા બરાબર શીખવે ને તેએાને પૈસા મળે તેમાં કઈ ગેરુઆબરૂ હું માનીશ નહીં. આપણી પાસે જાનવર હશે તો શીખવવાને આપણે માણસ રાખીશું ને તેને પૈસા આપીશું. ત્યારે શું આપણાં છોકરાંઓને આપણે સારાં થતાં, શહેરી તરીકેની ફરજ બજાવતાં નહીં શીખવીએ ? અને તેઓને સારે રસ્તે લઈ જનાર શિક્ષક મળે તો તેને આપણે પૈસા અને માન બન્ને નહીં આપીએ ? પણ મને તો આવી રીતે શીખવવાનું બન્યું જ નથી.

ત્યારે તમે કહેશો કે ‘જો તારામાં કાંઈ ખરાબી નથી તો અાટલાં તહોમતો કેમ મૂકવામાં આવે છે ? જો તેં માણસોને ખાસ ભમાવ્યા ન હોય તો બીજાની ઉપર નહીં ને તારી ઉપ૨જ કેમ તહોમતો આવે છે ? ” આવા સવાલ તમે પૂછો તે ગેરવ્યાજબી નહીં ગણાય. મારી ઉપર તહોમતો કેમ મૂકાયાં છે તેનું કારણ બતાવવાની હું મહેનત કરીશ. તમને કદાચ મારું બેાલવું મશ્કરીરૂપે લાગશે. છતાં ખાત્રી રાખજો કે હું જે સાચું છે તેજ કહીશ. મારી ઉપર તેએા તહોમત મૂકે છે તેનું કારણ એ છે કે મારી પાસે અમુક જ્ઞાન છે. એ જ્ઞાન કેવું છે એમ તમે પૂછશો તો હું કહીશ કે તે જ્ઞાન ભલે માત્ર મનસ્વી હોય, પણ તે મારામાં જેટલું છે તેટલું બીજામાં નથી એમ આપણા દેવે પણ કહ્યું છે.

દેવવાણી એમ થઈ છતાં મ્હેં તે તુરત નહીં માન્યું, તેથી આપણામાં જે સર્વથી જ્ઞાની માણસ કહેવાતો હતો તેની પાસે હું ગયો. તેને કેટલાક સવાલો કર્યા, તે ઉપરથી મ્હેં જાણ્યું કે તેને તો જ્ઞાનનો ડોળ જ હતો. મને જ્ઞાનનો ડોળ ન હોતો. તેટલે દરજ્જે હું તેના કરતાં વધારે જ્ઞાની હોવો જોઈએ એમ મને જણાયું. કેમકે જે માણસ પોતાનું અજ્ઞાન જાણે છે તે, અજ્ઞાનને નહીં જાણનાર કરતાં જ્ઞાની છે તેમ કહી શકાય. પણ જ્યારે પેલા જ્ઞાનીનું અજ્ઞાન મ્હેં બતાવ્યું ત્યારે તેની આંખેં હું ચડ્યો. પછી બીજા જ્ઞાની આગળ હું ગયો. તેણે પણ જ્ઞાનનો ડોળ કર્યો – પોતાનું અજ્ઞાન ઢાંક્યું. આ વાત મ્હેં તેને બતાવી તેથી તે પણ મારો વેરી બન્યો. આમ હું ઘણા જણની આગળ ગયો અને તે બધાએ પોતાનું અજ્ઞાન ઢાંક્યું. બધાને મેં તેઓનો ડોળ હતો તે બતાવ્યો ને તેથી તેએાની પાસે હું કડવો થયો. મારા અનુભવમાં મેં એમ જોયું કે જેમ જ્ઞાનનો ડોળ વધારે હતો તેમ હકીકતમાં વધારે અંધારૂં હતું. મેં એમ પણ જોયું કે ખરું જ્ઞાન તો એ છે કે આપણે બહુ અજાણ છીએ એનું ભાન લાવવું.

હું ઘણા કવિઓની આગળ ગયેલો, ઘણા હુન્નરીઓ પાસે ગયેલો. મને માલુમ પડ્યું કે ઘણા કવિઓ પોતાનું લખાણ નહિ સમજાવી શક્યા. હુન્નરીઓ બેશક પોતાના હુન્નરમાં ચઢીઆતા હતા, પણ હુન્નરની મગરૂરીમાં તેઓએ એમ માની લીધું કે બીજી બાબતોમાં યે તેઓને બીજાના કરતાં વધારે જ્ઞાન હોવું જોઈએ. આમ તેઓ બધા ગોથાં ખાતા હતા. મને તો આપણી અજ્ઞાન દશાનું ભાન તે બધાના ક૨તાં વધારે હતું એમ મેં જોયું.

હવે તમે સમજી શકો છો કે કેમ એટલા બધા તહોમત મુકનારાઓ મારી સામે છે. આપણે કેવા અજ્ઞાન છીએ, અને માણસ જાતનું જ્ઞાન કેટલું બધું ટુંક છે તેનો આબેહુબ ચીતા૨ આ૫વામાં રોકાઈને મેં રાજ્યની બીજી સેવા નથી કરી. મારૂં પોતાનું બધું છોડ્યું છે ને હું પોતે અત્યંત ગરીબ રહ્યો છું. પણ મને લાગ્યું કે જો હું માણસને તેના અજાણપણાનું ભાન કરાવું તો તેમાં હું ( પ્રભુની ) ખુદાની સેવા કરૂ છું. અને તે સેવા મેં પંસદ કરી છે તેથી મારી ઉપર લોકોની ઈતરાજી વધી છે.

વળી કેટલાક જુવાનીઆઓ જેઓને બહુ કામ નથી તેએા મારી પાછળ ફરે છે ને હું સવાલો કરૂં છું તેમ તેઓ પણ અર્ધજ્ઞાનીઓાને સવાલ કરે છે. આમ થવાથી જેને સવાલ ક૨વામાં આવે છે ને જેએાનું પોકળ ખુલ્લું થાય છે તેવા માણસ મારી ઉપર ગુસ્સે થાય છે. મારી ઉપર તેઓ બીજુ કાંઈ તહોમત નથી મૂકી શકતા, તેથી તેઓ કહે છે કે “આ માણસ જોઈએ તે કરતાં ઉંડો ઉતરે છે, અાપાણા દેવને માનતો નથી, તે ખરાબને સારૂ કહી બતાવે છે.” આવા માણસો પોતાનું અજ્ઞાન ઢાંકવાની ખાતર બધાના કાન મારી વિરૂદ્ધ ખોટી રીતે ભંભેરે છે. તેવાઓમાં મેલીટસ અને બીજા માણસો છે. મેલીટસ એમ કહે છે કે હું એથેન્સના જુવાનીઆઓને બગાડું છું. હવે મેલીટસને જ હું સવાલ પૂછું છું.

સોકરેટીસ પૂછે છેઃ-મેલીટસ, તમને નથી લાગતું કે જુવાનીઆએાને બને તેટલી રીતે સદ્દગુણી કરવા ?

મેલીટસ કહે છે-મને તેમ લાગે છે.

સોઃ-ત્યારે જુવાનીઆએાને સદ્દગુણી કોણ બનાવે છે ?

મેઃ–ધારાએા.

સોઃ-મારા સવાલનો જવાબ નથી મળ્યો. મેં પૂછ્યું કે કોણ તેઓને સારા કરે છે ?

 મેઃ–એ તો ન્યાયાધીશો કરે છે.

સો–શું તમે એમ કહો છો કે જેઓ ઈન્સાફની ગાદીએ બેઠા છે તેઓ સદ્દગુણ શીખવી શકે છે ?

મેઃ–બેશક.

સો–બધા કે તેઓમાંના કેટલાક જ ?

મેઃ–બધાએા.

સોઃ-તમે ઠીક કહ્યું. હવે હું પૂછું છું કે જેઓ અહિંં સાંભળવાને આવ્યા છે તેએા તેવું શિક્ષણ આપી શકે નહિ ?

મેઃ-તેઓ પણ આપી શકે.

સોઃ–ત્યારે તમે એમ કહો છો કે એથેન્સના બધા લોકો સદ્‌ગુણ શીખવી શકે છે ! ને માત્ર હું જુવાનીઆને બગાડું છું ?

મે:-હું એમજ કહું છું.

સોઃ–તમે તો મારી ઉ૫૨ ભારે તહોમત લાવ્યા. તમે જે કહો છો તે વાત થોડાએાને પણ લાગુ પડતી હશે. ઘણા માણસો તેઓને સુધારી શકે ને થોડાજ બગાડે એમ તમે કહેશો ? કે ખરું જોતાં થોડાના તાલીમબાજ તો ઘણાજ થોડા હોય ને બાકીના તો એવી બાબતમાં અજાણ્યા હેાય ? એવો જ કાયદો વળી બીજા પ્રાણીઓને સારૂ છે એમ પણ તમે કબુલ નહિ કરો ? મને તો લાગે છે કે તમારે તે વાત કબુલ કરવી જ પડશે કેમકે તે તદ્દન દેખીતી છે. અને માણસને સારૂ જૂદો ધારો છે એમ કહેવામાં તમે મારી ઉપર વગર સમજે અારોપ મૂકો છો એવું હું તો જોઉં છુ. વળી તમે એમ કબુલ નહિ કરો કે જેઓ નઠારા માણસની પાસે ઘણો વખત રહે તેઓની તેમને અસર થાય છે ?

મેઃ–એ તો હું કબુલ કરીશ.

સોઃ-ત્યારે તમે એમ કહેશો કે કોઈ કોઈ માણસ પોતાની મેળે પોતાનું બુરું કરવા ઇચ્છે છે ?

મેઃ-એ તો મારાથી નહિં કહેવાય.

સોઃ–ત્યારે હવે કહો કે હું જુવાનીઆઓને જાણી જોઈને બગાડું છું કે અજાણે ?

મેઃ–હું કહું છું કે તમે તેઓને જાણી જોઈને બગાડો છો.

સો:-એમ તમારાથી કેમ કહી શકાય ? તમે જુવાન છો. હું બુઢ્ઢો છું. તમે માને છો કે હું એટલું ન સમજી શકું કે જો હું બીજાઓને બગાડું તો હું પણ વધારે બગડું ? આવું તમે તો ઉપર કબુલ કરી ગયા છો. કેમકે આપણે જોયું કે નઠારાની સોબત કરનાર નઠારા બને. આમ હું નુકશાન પામવા ઇચ્છું છું એમ કોઈ માનશે નહિ. અને જો આ મારી દલીલ ખરી હોય તો પછી દેખીતી રીતે બગાડવાનો આરો૫ ઉડી જાય છે. હવે એમ કહો કે હું અજાણે બગાડું છું. એમ હોય તો તમારી ફરજ મને શીખવવાની હતી. તમે તો મને સુધારવાનો પ્રયત્ન પણ નથી કર્યો. મારી પાસે પણ તમે નથી આવ્યા. મને તો તમે સજા કરવાને ખાતર એકદમ ખડો કર્યો છે. આ રીતે મેલીટસે કર્યું છે તે બતાવે છે કે તેણે કોઈ દીવસ ઉંડી બાબતો પર વિચાર કર્યો નથી. હવે હું કેવી રીતે જુવાનીઆઓને બગાડું છું તેની તપાસ કરીએ. મેલીટસ ! તમે એમ કહો છો કે આપણું શહેર જે દેવતાઓને માને છે તેને નહિ માનવાનું તેઓને શિખવીને હું બગાડું છું ?

મેઃ–હું બેશક એમજ કહું છું.

સેા:-ત્યારે તમે શું કહો છો ? શહેર માને છે તે દેવતાને નહિ માનવાનું હું શીખવું છું કે બીજા દેવતાને માનવાનું શીખવું છુ. ?

મેઃ–હું તો એમ કહું છુ કે તમે દેવતા માત્રને માનતા નથી.

સો:–શાબાશ ! મેલીટસ ! તમે તો એમ કહો છો કે આખું શહેર સૂર્ય ચંદ્રને માને છે પણ હું નથી માનતો.

મેઃ-હું તો એમજ કહું છું કે તમે માનો છો કે સૂર્ય એ પથરો છે ને ચંદ્ર એ મટોડી છે.

સોઃ-તમારી વાત કોણ માનશે ? જે આરોપ મારી પર નાખો છો તે કોઈ કબૂલ નહિં કરી શકે. કેમકે હું જો એવું શીખવવા જાઉં તો સૌ કહી શકે કે તે કંઈ નવું શિક્ષણ નથી. તે તો બીજાઓ કહેતા આવ્યા છે. વળી મેં પોતે તેએાનું કહેવું માન્યું નથી. પણ જો તમે મારી ઉપર સૂર્ય ચંદ્ર વિષે આમ તહોમત મૂકો છો તો તમે એમ પણ કહેશો કે હું ( ઈશ્વર ) ‘ ખુદા છે ‘ એમ પણ માનતો નથી !

મે:–હું ચોકસ રીતે કહું છું કે તમે ખુદાના હોવાપણાનો ઈનકાર કરો છો.

સોઃ–ત્યારે તો તમે જે બને નહિ એવી વાત જાણી બુજીને કરો છો. ખુદા નથી એમ મારાથી કેમ કહેવાય ? કોઈ એમ કહી શકે કે માણસોને લગતી વસ્તુઓ છે પણ માણસોની પોતાની હયાતી નથી ? અથવા તોડાએાને લગતી વસ્તુઓ છે ને તોડાએા નથી ? ફીરસ્તાને લગતી વસ્તુ છે ને ફીરસ્તા નથી ?

મેઃ-જેને લગતી વસ્તુ હોય તેની હયાતી હોય.

સોઃ- તમે કબૂલ કરો છો કે હું દેવતાઓને લગતી વાત કરૂં છું એટલે દેવતાઓ છે એમ હું કબુલ કરૂં છું, એમ તમારે ગણવું જોઈએ.

એટલે મારે હવે મેલીટસના તહોમત બાબત વધારે કહેવાનું રહેતું નથી. હું વળી માનું છું કે આમના (પ્રજાના) ઘણાઓ મારી સામે છે. મેલીટસ વિગેરે જે કહે છે તે ઉપરથી તમે મને ગુન્હેગાર નહિ ઠરાવો. પણ એમની અદેખાઈ અને તેઓએ મૂકેલા દોષથી હું ગુન્હેગાર ઠરીશ. પણ તેની રીત ઘણા ભલા માણસોની ઉપર વીતેલી છે અને હજુ બીજાઓ પર વીતશે.

પણ કોઈ કહેશે કેઃ-” સોક્રેટીસ, જે અભ્યાસને લીધે તમારે મ્હોત ભોગવવું પડે તેવું છે તેવા અભ્યાસમાં ગુંથાવાથી તમને શરમ નથી ?” આવા માણસોને હું સારી પેઠે કહી શકું છું કેઃ-“તમે બરાબર નથી કહેતા. એક નજીવો માણસ હોય તેણે પણ મ્હોતનું જોખમ તો સાથે ફેરવવું જોઈએ. કોઈ પણ કામ કરતાં તેણે એકજ વિચાર કરવો જોઈએ અને તે એ કે તે બાબત વ્યાજબી છે કે ગેરવ્યાજબી ? તે કામ સારા માણસને છાજે એવું છે કે નહિ ? તમે કહો છો એ મુજબ જેમાં મરણનું જોખમ રહેલું છે એ કામ ખરાબ હોય તો ટોચના મહાન યોદ્ધાઓ ફરજ બજાવતા રણમાં મુઆ તે બધા ઘણા ખરાબ માણસો ગણાવા જોઈએ. પેટ્રોક્લસને તેની માએ કહ્યું કે જો હેક્ટરને તું મારીશ તો તારે પણ તુરત મરવું પડશે. ત્યારે પેટ્રોક્લસે જવાબ આપ્યો કેઃ-“દુષ્ટ હેક્ટરને મારીને મારે મરવું પડે એ બનાવ બીકણ થઈને જીવવા કરતાં હજાર દરજ્જે સારો કહેવાય” પેટ્રોક્લસ મ્હોતથી ડર્યો નહિ. પ્રમાણ એવું છે કે જ્યારે કોઈ પણ માણસે ખરૂં સમજીને અમુક પગથીઉં લીધું હોય અથવા અમુક પગથીઆ પર તેને તેના ઉપરીએ મૂક્યો હોય ત્યારે તે પગથીઆ ઉપરથી મ્હોતના કે બીજા એવા ડર છતાં તેણે ખસવું ન જોઈએ.

વળી જુઓ, જ્યારે હું આ રાજ્યમાં નોકરી કરતો હતો ત્યારે મારા સુબાએ મને જે જગ્યા સોંપી હતી તે જગ્યાને મ્હોતનો ભય છતાં હું વળગી રહ્યો. હવે જ્યારે મારૂં દિલ મને અમુક જ્ઞાન ગ્રહણ કરવાનું કહે છે તે હું મ્હોતના ડરથી ન કરૂં, કે તેને વિષે કંઈ ન બોલું તો તે કેવું તાજુબીભરેલું ગણાય ? જો હું મ્હોતનો ભય રાખું તો હું અજ્ઞાન છું એમ જે હું માનુ છું તે મારી માન્યતાને દોષ આવે છે. અને જો અજ્ઞાન છતાં જ્ઞાનનો ડોળ ઘાલું, તો બેશક મારી ઉપર કામ ચાલવું જોઈએ. મ્હોતનો ડર રાખવો એ જ્ઞાનનો ડોળ ઘાલવા બરોબર છે. કેમેકે મ્હોતને વિષે કાંઈ ભય રાખવા જેવું છે એમ કોણ જાણી શક્યું છે ? મ્હોત એ માણસને સર્વેથી વધારે ફાયદો કરનારી વસ્તુ છે એમ કેમ નહીં માનીએ ? માણસો તેનાથી ડરે છે, કેમ જાણે તેઓને ખબર હોય નહીં કે મોત તો ખરાબમાં ખરાબ વસ્તુ છે ! આમ જે આપણે જાણતા નથી તે જાણવાનો ફાંકો ધરાવવો એથી મોટું અજ્ઞાન બીજું ક્યું ? આવી બાબતોમાં બીજાઓના કરતા મારા વિચારો જુદા છે. જો મારામા કાંઈ ડહાપણ હોય તો તે એ છે કે મને મ્હોત વિષે કાંઈ જ્ઞાન નથી. તેથી હું તે વિષેનું મારું અજ્ઞાન ઢાંકતો નથી. પણ મારે અનીતિથી ચાલવું અથવા મારા ઉપરીના વાજબી હૂકમોથી ઉલટું ચાલવું તે હું ખોટું ગણું છું એટલે જે હું ખરૂં માનું તે કોઈ જાતની બીકને લીધે કદી છોડનારો નથી. તેથી કદાચ તમે મારી ઉપર આરોપ મુકનારની વાત ન માનીને એમ કહો કેઃ-“સોકરેટીસ, હાલ અમે તને સજા નથી કરતા, પણ તે એવી શરતે કે જે અભ્યાસ તું કરે છે તે [ ૧૪ ] તારે છોડી દેવો, હવે પછી જો તું તેવું કરશે તો તને ખચીત મ્હોતની સજા મળશે.” તો હું તમને કહીશ કેઃ-“ હે એથેન્સના લોકો, તમને હું માન આપું છું, તમને હું ચાહું છું, પણ તમને હું તાબે થવા કરતાં ખુદાને તાબે થવું તે હું વધારે પસંદ કરૂ છું. અને જ્યાં સુધી મારામાં દમ અને તાકાત છે ત્યાં સુધી હું મારા તત્વજ્ઞાનનો અભ્યાસ ચાલુ રાખીશ, અને જેઓ મને મળશે તથા સાંભળશે તેને નીચે પ્રમાણે બોધ આપીશઃ–

“અરે એથેન્સના ઉત્તમ માણસો ! તમે પ્રખ્યાત શહેરમાં વસનારા છો. તમે બળવાન ગણાઓ છો. તમે ડાહ્યામાં ખપો છો. છતાં તમે પૈસાદાર થવા માંગો છો. પૈસા મેળવતાં શું કરો છો તે જોતાં નથી. તમે હોદ્દો મેળવવાની, ને કીર્તિ મેળવવાની કાળજી રાખો છો. આમ કરતાં તમને કેમ શરમ નથી અાવતી ? તમને તમારા અરવાં ( આત્મા ) ની, તમારા જ્ઞાનની, સત્યતાની દ૨કા૨ નથી. તમારો આત્મા કેમ ઊંચે ચડે તેનું તમે ભાન રાખતા નથી.”

મારા અામ કહેવા ઉપરથી કોઈ મને કહેશે કે તે પોતે તો પોતાના આત્માની દરકાર રાખે છે, સત્યતાનું સેવન કરે છે; તો હું તેવા માણસને છોડી દઈશ નહીં. હું તેને પૂછીશ કે તે કેવી રીતે એ બધું કરે છે ? હું તેની કસોટી કરીશ ને પછી જવા દઈશ. તેની કસોટી કહાડતાં જ તે સચ્ચાઈનો ડોળ કરે છે. ને ખરૂં જોતાં તેનામાં સચ્ચાઈ છે જ નહીં એવું મને જણાશે તો હું તેને ઠપકો આપીશ, ને તેને ચોખ્ખી રીતે જણાવીશ કે જગતમાં જે ઘણી જ કીંમતી વસ્તુ છે તેની કીંમત તેના મનમાં કાંઈ જ નથી, ને જેની ખરૂં જોતાં કીંમત નથી તેને તે કીંમતી ગણે છે. આ પ્રમાણે હું બધા માણસો સાથે વર્તીશ પછી ભલે તે આ શહેરના રહેના૨ હોય કે પરદેશી, ભલે જુવાન હોય કે બુઢ્ઢા. તમને તો હું વધારે જોરથી એજ વાત કહીશ. કેમકે તમે મને વધારે એાળખો છો. તમારી સાથે હું વધારે સંબંધ ધરાવું છું. હું જે કહુ છું તે (ઇશ્વરી) ખુદાઈ ફરમાન છે એમ ખાતરી રાખજો. હું તો એમ પણ કહુ છું કે ખુદાના ફરમાનો મને બહુ પ્યારાં છે અને એમાંજ આ શહે૨નુ બહુ મોટું ભલું સમાયેલું છે. મને એક જ ધંધો છે. હું નાના મોટાંને બધાને એકજ વાત સમજાવ્યા કરૂં છુ. અને તે એ કે – જાન માલની થોડી દ૨કા૨ ક૨જો – આત્માની ખુબ સંભાળ રાખજો, તે કેમ વધે તેવા ઉપાય લેજો. સદ્ગુણ તે દોલતમાંથી પેદા નહીં થાય, પણ દોલત અને દુન્યવી બીજી વસ્તુઓ સદ્ગુણ હશે તો મળી રહેશે. જો આમ શીખવવામાં હું આ શહેરના લોકોને બગાડું છું એમ કોઈ કહે તો એના અર્થ એ થયો કે સદ્દગુણ એ દુર્ગુણ છે. જો કોઈ એમ કહે કે ઉપર સિવાયની બીજી વાત હું કહું છું તો તે માણસ તમને ખોટે રસ્તે દોરે છે.

તેથી હું તમને કહું છું કે તમે મારી વિરૂદ્ધની વાત માનો યા ન માનો, મને છોડી મુકો યા ન છોડી મુકો, અને મારે ઘણીવાર મરવું પડે તો પણ હું મારી રીત છોડનાર નથી.

હું બોલું છું તેથી તમે ચીડાતા નહિ, મારાં વચન ધ્યાન દઈ સાંભળજો. કેમકે હું માનું છું કે મારાં વચન સાંભળવામાં તમને લાભ છે. હવે જે હું કહેવાનો છું તેથી તમને વખતે ગુસ્સો ચઢશે પણ તેમ ન કરતાં ધ્યાનપૂર્વક સાંભળજો. મને તમે માતની સજા કરશો તો, હું જેવો છું તેવો હોવાથી મને નુકશાન થશે તેના કરતાં તમને વધારે થશે. મને મેલીટસ કે બીજા કોઈ નુકસાન કરી શકનાર નથી. મને નુકસાન કરવાની તેએાનામાં તાકાદ નથી. સારા માણસને તેનાથી ઉતરતો માણસ નુકસાન કરી શકે એમ બની શકતુ નથી. તેના તહોમતથી મને કદાચ દેહાંતદંડ મળશે, કદાચ દેશપાર ક૨વામાં આવશે, મારા હકો છીનવી લેવામાં આવશે. તમોને એમ લાગે કે આમ થાય એ તો મને ભારે નુકસાન થયું ગણાય. હું તેને નુકસાન નથી માનતો. પણ અન્યાય૫ણે બીજા માણસને મરાવી નાખવાને પ્રયત્ન કરવાથી પ્રયત્ન કરનાર પોતાનેજ નુકશાન કરે છે, એટલે હું મારો બચાવ કરૂ છું એમ તમે ન માનજો. તમારી પાસે ખડો રહી હું જે પોકાર કરું છું તે તમારે સારૂ છે. તમે (ઈશ્વરી) ખુદાઈ ફરમાન તોડી ખોટું કરો તેમાંથી તમને ઉગારવાની મારી ઇચ્છા છે. મને મારી નાંખવાનો હુકમ કરશો તો તમને મારા જેવો બીજો કામ કરનારો મળવો મુશકેલ છે, એમ કહેવું ન ઘટે છતાં મારે કહ્યા વિના ચાલતું નથી. જેમ જોરાવ૨ ઘોડાને લગામની જરૂર છે તેમ તમે પણ જોરાવર છો તેથી લગામની જરૂર છે લગામ રૂપ થઈ મારે રહેવું એ ખુદાઈ ફરમાન હું સમજું છું, તેથી જો તમે મારી સલાહ માનશો તો મારો જીવ તમે નહિ લો. પણ કોઈ અઘોરીને કોઈ બીજો તેની ઉંઘમાંથી જગાડે તો તેને તે ચીડવાઇને મારવા દોડે છે તેમ તમે મારી ઉપર ચીડાઈને વગર વિચારે મને મારી નાખવા હૂકમ કરશો એવો સંભવ છે. ત્યાર બાદ મારા જેવો બીજો તમને નહિ મળે તો તમે પાછા ઉંઘી જશો. હું તમારૂં ભલું કરનારો છું ને મને તમારી પાસે ખુદાએ મોકલ્યો છે એ તમે જોઈ શકે છો. મારું પોતાનું કામ પડતું મેલું છું, તમારા હિતની કાળજી હંમેશાં રાખ્યા કરૂં છું. બાપની જેમ અથવા મોટેરા ભાઈની જેમ હું તમને એક એક જણને શીખામણ આપુ છું, ને સારે માર્ગે દોરવાની મહેનત કરું છું. આવું કરવાને સારૂ મેં જો બદલો માંગ્યો હોત, તે વટે મેં મારી દોલત એકઠી કરી હોત, તો મારી પર શક લાવવાનું તમને કારણ રહે. પણ મારા ફરીયાદીએાએ પૈસા લેવાનું તહોમત મારી ઉપર મુક્યું નથી. અને મેં કદી પૈસા લીધા કે માંગ્યા નથી તેનો મોટામાં મોટો પુરાવો તે મારી ગરીબી છે.

કદાચ તમે એમ પૂછશો કે જ્યારે હું લોકોને સદ્ગુણી થવાની સલાહ આપ્યા કરૂં છું ને ઘરોઘ૨ તે બાબત ભટકું છું ત્યારે શહેરનું બધું કરવાને સારૂ રાજ્યપ્રકરણી વિષયોમાં હું ભાગ કેમ લેતો નથી ? આનું કારણ હું ઘણી વેળા બતાવી ગયો છું. મને લાગે છે કે મારા કાનમાં દેવતાઈ આવાજ આવ્યા કરે છે. તે અવાજ એમ જણાવેછે કે મારે રાજ્ય- ખટપટમાં પડવું નહીં. આમ થયું છે તે ઠીક થયું છે એમ પણ હું માનું છું. જો હું રાજ્ય ખટપટમાં પડ્યો હોત તો મારા બાર વાગી ગયા હોત. તેમાં તમને કે મને લાભ નહીં થાત. હું જે સત્ય છે તે બેાલું છું, તેમાં ગુસ્સે ન કરજો. જે માણસ શહેરમાં ચાલતી અંધાધુનીની સામે થાય અને અન્યાયી કામો થતાં અટકાવે તેની જીંદગી સહીસલામત નથી. તેથી જે માણસ ન્યાયની નજરેજ બધું જોવા માગે છે તેને ધાંધલમાં પડવું લાજમ નથી.

આ વાતના હું તમને દાખલા-પુરાવા આપીશ. તે ઉપરથી તમે જોશો કે મ્હોતના ડરથી પણ જે હું ગેરવ્યાજબી માનીશ તે તો નહિ જ કરૂં. પણ મારા દાખલા ઉપરથી તમે જોશો કે જો હું રાજ્ય ખટપટમાંજ ગુંથાયલો રહ્યો હોત તો મારો નાશ ક્યારનો થઈ ગયો હોત, જે તું કહેવાનો છું તેથી તમને કંટાળો આવશે. પણ તે ખરું છે. એક વખત આપણી સભાનો મેમ્બર હતો. તે વેળા દસ સરદારોને મ્હોતની [સજા કરવાનો તમે ઠરાવ કર્યો હતો. બધા સભાસદોમાં હું તે વાતની સામે થયો. તે વખતે મને બધા મારી નાખવા તૈયાર થયા. પણ હું મારી નેમમાં ચુસ્ત રહ્યો, મને લાગ્યું કે તમારા અન્યાયી કામમાં મારે સામેલ થવું તેના કરતાં મારે મ્હોત અથવા કેદ ભોગવવાં એ સારું હતું. જ્યારે આમ સત્તા ભોગવાતી હતી ત્યારે ઉપરનો કીસ્સો બન્યો.

વળી જ્યારે આમનું (પ્રજાનું) રાજ્ય બદલીને અમુક માણસોનું (રાજ્ય) આ શહેરમાં થયું ત્યારે લીસન નામના માણસને મ્હોતની સજા ભોગવવાને પકડી લાવવાનો હૂકમ કહાડવામાં આવ્યો હતો. મને પણ તે હુકમ મળ્યો. હું જાણતો હતો કે લીસનની ઉપર મ્હોતની સજા હતી તે ગેરવ્યાજબી હતી. જો હું તેને પકડવા ન જાઉં તો મારું મ્હોત થાય તેમ હતું. મ્હેં મારા મ્હોતની દરકાર ન કરી. લીસનને પકડવા હું નહિ ગયો. અને જે દરમીઆનમાં તે રાજ્ય તૂટી નહિ પડ્યું હોત તો મારૂં મ્હોત ખચીત આવત.

હવે તમે જોઈ શકો છો કે જે હું રાજ્યકારભારના કામમાં લાંબો વખત રહ્યો હોત અને ન્યાયબુદ્ધિને વળગી રહ્યો હોત (ન્યાય એ તો મારૂં જીવતર એટલે બીજું મારાથી થાત નહિ) તો હું આટલા વરસ જીવ્યો ન હોત. મારી આખી જીંદગીમાં મ્હેં કોઈને અન્યાય કર્યો નથી, મ્હેં ન્યાયની વિરૂદ્ધ પગલું ખાનગી જીદગીમાં કે જાહેર જીંદગીમાં ભર્યું નથી. મ્હેં શિક્ષકનો ડોળ ઘાલ્યો નથી, પણ મારી પાસેથી કોઈ કાંઈ જાણવાને આવેલ હોય તો તેને મ્હેં જવાબ દેવાની ના પણ પાડી નથી. વળી હું ગરીબ અને તવંગર બધાને મારી તાકીદ મુજબ એકસરખી રીતે જવાબ આપુ છું. તેમ છતાં કોઈને મારા બોલવા ઉપરથી સારી માણસાઈ ન આવી હોય તો તેમાં મારે વાંક ગણવાનો નથી. જો કાઈ એમ કહે કે એકને એક ચીજ, ને બીજાને બીજી ચીજ મ્હેં બતાવી છે તો તે વાત ખરી નથી એમજ માનજો.

શું કારણસર ઘણાં માણસો મારી પાસે પોતાનો વખત ગાળવા માંગે છે એવો સવાલ થયો છે, તે તમે જાણો છો. જેઓ જ્ઞાની નથી પણ જ્ઞાનનો ડોળ ઘાલે છે તેવા માણસને સવાલો પૂછાય તે બીજા માણસો હમેશાં સાંભળવાને આતુર રહે છે. આમાં રસ ઠીક આવે છે. સવાલ પૂછવા એ મારી દેવતાઈ ફરજ સમજુ છું, આમાં મ્હેં કાંઈ ખોટું નથી કર્યું. જો મારા શિક્ષણથી જુવાનીઆઓને મ્હેં બગાડ્યા હોય તો તેમાંથી જેએા આજે મોટા થયા છે ને પોતાનો સ્વાર્થ સમજી શકે છે તેવા માણસો તમારી આગળ આવી મારી ઉપર તહોમત મુકે. કદિ તેઓ તમારી આગળ ન આવે તો તેએના સગાં આવીને રાવ ખાય. તેવા જુવાનીઆએાને તથા તેમનાં સગાંઓને હું આ મંડળમાં જોઉં છું. તેમાંથી કોઈને મેલીટસ કેમ સાક્ષી આપવા નથી લાવ્યો ? જો મેલીટસ અને બીજા ફરીયાદીઓ ભૂલી ગયા હોય તે હું હજી તેમને રજા આપું છું. ભલે તેઓ તે માણસોની જુબાની લે. મારી વિરૂદ્ધ બોલવાને બદલે, તએાનાં છોકરાંઓને મારી સંગતથી ફાયદો થયો છે એમ તેઓ કહેશે, અને તેઓ એમ મારી તરફેણમાં બોલે તેમાં તેએાને ન્યાય કરવા સિવાય બીજો હેતુ કે ફાયદો રહેતાં નથી.

મારે મારા બચાવમાં કહેવાનું હતું, તેમાંનું ઘણું તો કહી ગયો છું. આપણામાં એવો રીવાજ છે કે જેની ઉપર કામ ચાલતું હોય તેનાં સગાં કચેરીમાં આવી પોકાર કરે છે, દયા માંગે છે, કેદી પોતે રડે છે. હું આમાંનું કાંઈ નથી કરતો, કરવા માંગતો પણ નથી. તેથી તમારામાંના કોઈને વખતે ગુસ્સો આવશે. મારે સગાંઓ છે, ત્રણ દીકરા છે – એક મોટો અને બે નાના. પણ તેમાંના કોઈને હું હાજર કરવા માંગતો નથી. મારી ઉદ્ધતાઈ પણ ન માનશો. હું મ્હોતથી નથી ડરતો એ વાત આપણે એક બાજુએ રાખીશું. પણ મને લાગે છે કે આટલી ઉંમરે પહોંચેલ હોઈ અને સારી કે નઠારી પણ મારી આબરૂ નજરમાં રાખી, મારે મારા સગાંએાને લાવી તમારી આગળ રૂદન કરાવવું તેમાં તમારી ન મારી હીણપત ગણું છું. મને તેમ કરવું નહીં છાજે. બધા એમ તો કબૂલ કરે છે કે સાધારણ માણસોના કરતાં કાંઈક વિશેષ સોકરેટીસમાં રહેલું છે. એમ વિશેષતા ભોગવનારા તમારામાંથી કોઈ હોય, અને તેની ઉપર જેમ મારી ઉપર કામ ચાલે છે તેમ ચાલતું હોય, તો તેવા માણસ મ્હોતની બીક રાખીને વિલાપ કરાવશે તો તે શરમભરેલું ગણાશે. મ્હોત આવવામાં કાંઈ દુઃખ હોય, અને મરણથી એક વાર બચ્યા એટલે અમર થઈ જવાનું હોય તો સગાંઓને લાવી દયાની લાગણી ઉશ્કેરવી એનો કદાચ બચાવ થઈ શકે. પણ જ્યારે ચઢીયાતા માણસ સદ્ગુણી હોવા છતાં આ પ્રમાણે મ્હોતની બીક રાખે ત્યારે તો પરદેશીઓ ખાપણી હાંસીજ કરશે. તેઓ કહેશે કે “જેઓને પોતાના સદ્દગુણને સારૂ ચઢીઆતા ગણી મોટા હોદ્દા આપવામાં આવે છે એવા એથેન્સના માણસો પણ એારતો કરતાં કંઈ ચડે તેવા નથી, ત્યારે બીજા એથેન્સના માણસો તો કેવા હલકા હોવા જોઈએ ?” તેથી હું માનું છું કે આવું નાટક કોઈ સારા માણસે કરવું ન જોઈએ. ને જો કરવા માંગે તો આ શેહેરની આબરૂને ખાતર તમારે તે બંધ રાખવું ઘટે છે, આમની (પ્રજાની) ફરજ તો એ છે કે તમે જે સજા કરવાના હો તે ધીરજથી ભોગવવી ને તમારી ફ૨જ એ છે કે જેઓ રૂદનનાં નાટક કરવા માંગે તેવાને તમારે તરછોડવા. વળી આબરૂ ગેરુઆબરૂનો સવાલ છોડી દેતાં પણ મને લાગે છે કે તહોમતદારનું કામ દયા માંગવાનું નથી. તેનું કામ ઈન્સાફ માંગવાનું છે ને તે માંગવા સારૂ તેણે હકીકત રજુ કરી તેની ઉપર દલીલ કરવાની છે. ન્યાયાધીશનું કામ મહેરબાની દેખાડવાનું નથી પણ પક્ષપાત કર્યા વિના ન્યાય તોળવાનું છે. એટલે અમને અને તમને બન્નેને લાજમ છે કે અમારા અને તમારા સોગનમાં ખલેલ પહોંચે તેવું કામ નહીં કરવું.

તમારી આગળ કરગરીને તમારા સોગન તોડાવવાની કોશિશ કરૂં તો મેલીટસ ખુદાને નહીં માનવાનો જે આરોપ મારી પર મુકે છે તે સાબિત થયા બરાબર ગણાય. જે માણસ ખુદાને માને છે તે માણસ પારકાના સોગન તોડાવે તો તે ખુદાની સામે થયો ગણાય એટલે તે ખુદાને નથી માનતો એમ કહેવાય. પણ હું તો તમે કોઈ નહીં માનતા હો તેટલી દ્રઢતાથી ખુદાને માનુ છું, એટલે હું તેની ઉપર ભરોસો રાખીને મારે વિષે જે સાચું હોય તે કરવાનું તમારા હાથમાં બેધડક થઈ મૂકું છું.

(અહીં સોકરેટીસે પોતાના બચાવનું ભાષણ પુરૂં કર્યું. તેને બહુ મતે ગુન્હેગાર ઠરાવવામાં આવ્યો. પછી સોકરેટીસે પેાતાની ઉ૫ર શી સજા થવી જોઈએ તે વિષે પોતાનું ભાષણ શરૂ કર્યું.)

મને તમે ગુન્હેગાર ઠરાવ્યો છે તેથી હું દુઃખ નથી પામતો. વળી તમારો ઠરાવ અણધાર્યો નથી. મને આશ્ચર્ય એ થાય છે કે મારી તરફેણમાં મત આપનારા એટલા બધા નીકળ્યા ! હું માનતો હતો કે મારી સામેના મત બહુ વધી પડશે, તેને બદલે હું થોડાજ જોઉં છું. જો બીજા ત્રણ જણ મારી તરફેણમાં મત આપતે તો હું છૂટી જાત. વળી હું જોઉ છું કે મારી ઉપર દેવતાએાને નહીં માનવાનું જે તહોમત મુકવામાં આવ્યું હતું તેમાંથી મને મુક્ત કર્યો છે.

મને હવે તમે મ્હોતથી સજા આપી શકે છો. તે બાબત મારે શું કહેવું ? હું મુંગો નથી રહ્યો. મેં નોકરીઓ છોડી, હોદ્દાએાની દરકાર ન રાખી, ને ઘેર ઘેર ભટકીને સદ્ગુણી થવાનું કહ્યું તેને માટે મારે શું દંડ અાપવો ? કે બીજી શી સજા ભોગવવી ? જો કોઈ માણસ કસરતશાળામાં તમને ગમત આપે ને તમે સુખી છો તેવો ભાવ તમારા મનમાં ઉત્પન્ન કરે તો તમે તેને આશ્રમસ્થાનમાં નિભાવશો. મેં તમને સુખી દેખાવાનો જ નહીં પણ ખરેખર સુખી થવાનો રસ્તો બતાવ્યો છે, એટલે જો હું કંઈ માંગી શકું તો એજ કહું કે તમારે મારા ઘડપણમાં મને આશ્રમસ્થાનમાં નીભાવવો જોઈએ.

આમ હું તમારી આગળ ગુનેહેગાર ઠર્યા પછી વાત કરૂં છું. તેથી તમે માનશો કે હું તો ઉદ્ધત છું ને સજાને બદલે ઈનામ માગુ છું. પણ તેવું કાંઈજ નથી. તમે મને દોષિત ઠરાવ્યો છે છતાં હું મને પોતાને નિર્દોષ માનું છું. મેં કોઈનું બુરૂં કર્યું નથી. આ બાબત તમે નથી સમજી શક્યા. કેમકે મારી તપાસ માત્ર એકજ દહાડો ચાલી. ટુંકી મુદતમાં હું તમને કેટલું સમજાવી શકું ? જો વધારે દહાડા હું તમારા સસંર્ગમાં રહ્યો હોત તો કદાચ હું તમને સમજાવી શકત. હું પાતે બેગુન્હા છુ, તેથી હું પાતે સજા માંગતો નથી. મારે કેદ થવું ? એ ઘટિત નથી. મારે દંડ આપવો ? એટલા તો મારી પાસે પૈસા પણ નથી. મારે દેશવટો માંગવો ? તે તો હું કેમ માંગી શકુ ? મને મારો જીવ એટલો બધો પ્યારો નથી કે હું બીકનો માર્યો જ્યાં ત્યાં રખડીને મારા બાકીના દિવસો પૂરા કરૂં. કદાચ કોઈ કહે કે હવે મ્હારે મુંગે મ્હોડે એકાંતમાં બેસવું જોઈએ. એ પણ મારાથી બનનાર નથી. હું માનું છું કે મને ખુદાનું ફરમાન છે કે જેને હું સદ્ગુણ માનું છું તે વિષે મારે લોકોની આગળ વિવેચન કરવું. વળી મને ફરમાન છે કે નીતિના નિયમો હમેશાં શોધવા. આ તમે ન સમજી શકો એમ હું ધારૂં છું. પણ તેથી મારાથી કાંઈ ચુપ રહેવાય નહીં.

(ત્યારબાદ કોર્ટે સોકરેટીસને દેહાંતદંડની સજા કરી, તે ઉપર મહાન સોકરેટીસ બેધડક થઈ તેજ વેળા નીચે પ્રમાણે બોલ્યા.)

નહીં તોપણ મારે થોડાજ વખત હવે જીવવાનું હતું. તેટલી ટુંદી મુદતને સારૂ તમે નિર્દોષ માણસને મ્હોતની સજા કરી અપયશના ધણી થયા છો. તમે થોડી મુદ્દત થોભ્યા હોત તો મારૂં મ્હોત પોતાની મેળે જ આવત. કેમ કે હું બહુ ઘરડો થયો છું. મ્હેં તમારી આગળ હલકી જાતની દલીલો વાપરી હોત ને સાધારણ ઈલાજો લીધા હોત તો હું મ્હોતની સજાથી રહિત થાત. પણ તે મારો ધર્મ ન હતો. હું માનું છું કે આઝાદ (સ્વતંત્ર) માણસ મ્હોતના કે એવા બીજા ભયથી છુટા રહેવાને કદી અણઘટતું કામ નહીં કરે. મ્હોતથી બચવાને ગમે તેવા ઈલાજો લેવા એ માણસનું કર્તવ્ય નથી. લડાઈમાં માણસ હથિયા૨ છોડીને શત્રુને શરણે જાય તો બચે છે. પણ તેને આપણે હિચકારો ગણીએ છીએ. તેમજ જે માણસ મ્હોતમાંથી બચવાને અનીતિના ઉપાય લે તે નીચ ગણાય. હું માનું છું કે નીચપણામાંથી બચવું એ મ્હોતમાંથી બચવાના કરતાં વધારે મુશ્કેલ છે. કેમ કે નીચપણું તે મ્હોતના કરતાં વધારે ઝપાટાથી દોડે છે. તમે ઉતાવળા ને ઉછાંછળા છો તેથી તમે વગર વિચારે ઝડપથી દોડતી અનીતિનું પગલું ભર્યું છે. તમે મને મ્હોતની સજા કરી છે. હું હવે આ દુનિઆ છોડીશ. મારા સામા પક્ષે સત્ય છોડ્યું ગણાશે ને તેઓ અન્યાયના ધણી થયા કહેવાશે. મારી સજા હું ભોગવીશ. તેમને તેમની કરણીની સજા ભોગવવી પડશે. આમ જ થયા કરે છે. તેમાંયે ઠીકજ હશે.

હવે મારે મરતાં પહેલાં બે વચન તમને કહેવાના છે. મારી પાછળ તમને વધારે અડચણ છે એમ માનું છું. મને દૂ૨ કરી તમે અનીતિનાં પગલાં ભરી શકશો જ એમ માનવાનું નથી. તમને કોઈ ઠપકો નહિ આપે એવું ન સમજશો. મને મરવાની જગાએ લઈ જાય તે પહેલાં જેઓને મારા વચન ઉપ૨ વિશ્વાસ છે તેઓને હું બે શબ્દો કહીશ. એટલે જેને મારા બોલ સાંભળવા હોય તેએા થોભજો. મ્હોતનો શો અર્થ છે તે હું જેવો સમજુ છું તેવો તમને કહેવા માગું છું. મારી ઉપર જે બનવાનું છે તે સારૂં છે એમ માનજો. જેએા મ્હોતને દુઃખરૂપ માને છે તેઓ ભૂલ કરે છે. મ્હોતનાં બે પરિણામ આવી શકે. એક તો એક માણસ મરી ગયા પછી તેનો કંઈ ભાગ રહેતો નથી ને તેનું ચેતન પણ નાશ પામે છે. અથવા તો અરવા ( આત્મા ) એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે. હવે જો પહેલું પરિણામ ખરૂં હોય ને ચેતન માત્રનો નાશ થતો હોય તો એ તો એક મહાનિદ્રા જેવું થયું. નિદ્રાને-ઉંધને સુખરૂપ આપણે માનીએ છીએ. ત્યારે મ્હોત જે મોટી નિદ્રા છે તે વધારે સુખરૂપ હોવી જોઈએ. હવે જો એમ માનીએ કે મ્હોતથી જીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, ત્યારે તો જ્યાં મારી પૂર્વે જેઓ મરીને ગયા ત્યાં જ મારે જવાનું થશે. તેઓની સંગતિમાં મને શુદ્ધ ન્યાય મળશે. આમાં શું ખોટું ગણવું? જ્યાં હોમર ગયેલ છે, જ્યાં બીજા મહાત્માઓ ગયા છે તે સ્થાને મારે જવાનું થાય તો હું મોટો ભાગ્યશાળી ગણાઈશ. જે ઠેકાણે અયોગ્ય રીતે સજા પામેલા જીવો પહોંચ્યા છે ત્યાં મારે પહોંચવું તેમાં હું માન સમજું છું.

એટલું તો તમારે ચોકસ યાદ રાખવાનું છે કે નીતિવાન માણસને જીવતાં કે મરતાં દુઃખ હોય જ નહિ. તેવા માણસને ખુદા છોડતો જ નથી. સત્યવાન સદાય સુખી જાણવો. તેથી મારે આજે મરવું ને શરીરની જંજાળમાંથી છુટવું તેમાં મને કંઈજ દુ:ખ નથી. તેથી મને સજા ક૨ના૨ ત૨ફ કે મારાપર આરોપ મુકનાર તરફ મને કશો ગુસ્સો નથી. તેએાએ મારૂં બુરૂં ઇચ્છયું હોય તો તેએા ઠપકાને પાત્ર છે. પણ મારી ઉપર તેએાની ઇચ્છાનું બુરૂં પરિણામ નથી આવી શકતું.

હવે મારી છેલ્લી માગણી એ છે કે જ્યારે મારાં છોકરાઓ ઉંમર લાયક થાય ત્યારે જો તેઓ નીતિનો માર્ગ છોડે અને સદ્ગુણ કરતાં દોલત અથવા બીજી વસ્તુ વધારે વહાલી ગણે, ને જો તેઓમાં કંઈ નહિ હોવા છતાં પોતાને મ્હોટા માને તો જેમ મેં તમને આવાં કા૨ણોને સારૂ ઠપકો દીધો છે ને ચેતવ્યા છે તેમ તમે તેઓને સજા કરજો. એ પ્રમાણે કરશો તો મારી ઉપર અને મારા છોકરાં ઉપર તમે હાથ શખ્યો એમ હું ગણીશ.

હવે જવાનો વખત થયો છે – મારે મરવાનો તથા તમારે આ દુનિઆમાં રહેવાનો. પણ બેમાંથી કોની સ્થિતિ વધારે સારી ગણવી તે તો માત્ર ખુદા-ઇશ્વર જ કહી શકે.

ક્રમશ


વિકિસ્રોત પર પ્રકાશિત થયેલ  ગાંધીજીનાં પુસ્તક ‘  એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ ‘માંથી_

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *