બાળવાર્તાઓ : ૭ : ભલાં શેઠ-શેઠાણી

Facebooktwitterredditpinterestlinkedinmail

પુષ્પા અંતાણી

એક હતા શેઠ અને એક હતાં શેઠાણી. બંને બહુ ભલાં. બધી વાતે સુખી, માત્ર એક જ વાતનું દુ:ખ હતું. એમને એકેય સંતાન નહોતું. એક દિવસ શેઠાણીએ કહ્યું:

“કહુ છું, સાંભળો છો, ભગાશેઠ?”

શેઠ તરત જ બોલ્યા: “હા, બોલો, શું કહો છો, મારાં ભક્તિશેઠાણી?”

“હું એમ કહેતી હતી… એમ કહેતી હતી…”

શેઠાણીને ખચકાતાં જોઈ શેઠ બોલ્યા: “જે કહેવું હોય તે કહી દો, શેઠાણી, મનમાં કંઈ ન રાખશો.”

હવે શેઠાણી એકદમ તૈયાર થઈ બોલ્યાં: “ જુઓ, આપણી આવડી મોટી વાડી. એમાંથી ઊતરતા મબલખ પાકની આવકથી આપણી તિજોરી ભરાતી રહે છે. આપણે ખાવાવાળાં બે જ જણ. આપણા આગળપાછળ બીજું તો કોઈ છે નહીં. મને વિચાર આવે છે કે વાડીનાં થોડાં ફળ જરૂરિયાતવાળાં લોકોને આપીએ તો એ બિચારાંને કેટલાં કામ લાગે.”

શેઠાણીની વાત સાંભળી શેઠ ખુશ થઈ ગયા અને બોલ્યા: “વાહ, મારાં શેઠાણી, તમે તો મારા મનની જ વાત કરી. હું પણ થોડા દિવસથી આવું જ વિચારતો હતો. જુઓ, આપણી વાડીમાં કેટલી બધી બોરડી છે અને આપણી બોરડીનાં બોર કેવાં મીઠાં-મધુર છે. આપણે અર્ધી બોરડીનાં બોર પશુ-પંખી-બાળકોને ખવરાવીએ અને બધાંને રાજીરાજી કરીએ…પણ આ કામ કરવું કેમ?”

શેઠાણી કહે: “અરે, શેઠ! એનો રસ્તો તો આપણા હાથમાં જ છે. પેલાં ધનુ ડોશીને આપણે દાણા-પાણી આપીએ જ છીએ. એને બદલે આપણે એને બે ટંકનું તૈયાર ભોજન જ આપીએ, જેથી ડોશીને કશુ કામકાજ કરવાનું રહે નહીં. એ આખો દિવસ નવરાંનાં નવરાં. આપણાં બોર લઈને એના ઘરના ઓટલે બેસી જાય, રસ્તે જતાં પશુ-પંખી-બાળકો-રાહદારીઓ જેને જોઈએ તે બોરની મજા માણતાં જાય.”

શેઠે કહ્યું: “હા, તમારી વાત બરાબર છે. ધનુ ડોશીનું ઘર પણ મોકાનું છે. આગળ મોટો ચોક. નજીક હવાડો, તેથી ઢોર ત્યાં પાણી પીવા આવે છે. વળી, ચોકમાં ઘેઘૂર વડલો. તેથી પંખીઓ પણ આવે છે. પાદરની ખુલ્લી જગ્યામાં બાળકો પણ રમવા આવે છે. બધાંને આપણાં બોર ખાવા મળશે.”

આમ શેઠ-શેઠાણીએ બધું નક્કી કર્યું. ધનુ ડોશીને બોલાવીને બાત કરી. ડોશી પણ રાજીરાજી થઈ ગઈ. બીજે દિવસે શેઠે ટોપલા ભરીને મીઠાંમીઠાં બોર ધનુ ડોશીને મોકલ્યાં. જાતે ત્યાં ગયા અને ડોશીને બધું સમજાવી આવ્યા.

ડોશીના ઘરની ઉપર મનુ નામનો એક છોકરો રહેતો હતો. એ નાનો હતો ત્યારથી એના પગમાં તકલીફ થઈ હતી. એ હાલીચાલી શકતો નહોતો. એનાં માબાપ પાસે મનુના પગની સારવાર કરાવવા જેટલા પૈસા નહોતા. એથી મનુ ઘરની બહાર નીકળી શકતો નહોતો. એ આખો દિવસ પોતાના ઘરની અગાશીમાં બેસી રહેતો. રસ્તા પરથી પસાર થતા લોકો, પોતાનાં જેવાં છોકરાં, પશુપંખી, કુદરતી વાતાવરણ વગેરે જોઈને ખુશ થતો. એને ઘણી વાર થતું, જો ભગવાન મને પગ આપે તો હું પણ આ બધાંની જેમ બહારની દુનિયામાં ફરી શકું.

શેઠ આવ્યા અને ડોશીને બધું સમજાવ્યું તે બધું મનુએ ઉપર બેઠાબેઠા જોયું અને સાંભળ્યું હતું. હવે તો દરરોજ કેટલાંય પશુ-પંખી-બાળકો-રાહદારીઓ બોર ખાવા માટે આવવા લાગ્યાં. ડોશી બધાંને ખોબો ભરી ભરીને બોર આપે. બધાં મીઠાં મીઠાં બોર ખાય અને આનંદ કરે. આ બધું જોઈને મનુ પણ આનંદમાં રહેવા લાગ્યો. ધીરેધીરે કેટલાંય પશુ-પંખી મનુનાં દોસ્ત બની ગયાં.

થોડા દિવસ બધું સુખરૂપ ચાલ્યું, પણ એક દિવસ ડોશીની દાનત બગડી. એણે વિચાર્યું, આટલાં બધાં બોર બધાંને મફતમાં ખવડાવું તે કરતાં બજારમાં જઈને વેચી આવું તો મને ખૂબ પૈસા મળે. એણે બીજા દિવસથી બોર વેચવા જવાનું નક્કી કર્યું. શેઠ અવારનવાર સવારના ભાગમાં આંટો મરવા આવતા અને બધું બરાબર ચાલે છે તે જોઈને ખુશ થઈ પાછા જતા. ડોશીએ વિચાર્યું: હું સવારે બોર લઈને મારી જગ્યાએ બેસીશ, પણ કોઈને બોર આપીશ નહીં, બપોરે બજારમાં જઈને વેચી આવીશ. એથી શેઠને પણ વહેમ નહીં જાય.

બીજે દિવસે ડોશી બોર લઈને બેઠી. રોજના નિયમ પ્રમાણે ‘અંભાં અંભાં’ કરતી ગાય, ‘બેં બેં’ કરતાં બકરીબહેન, ‘હૂપ હૂપ’ કરતા વાંદરાભાઈ, ‘કા કા’ કરતો કાગડો, ‘ચીં ચીં’ કરતી ચકલી અને કૂદાકૂદ કરતાં બાળકો એમ – બધાં આવ્યાં. પણ આ શું? આજે ડોશી બોર આપવાને બદલે આંખો કાઢી બધાંને લાકડી બતાવવા લાગી. બધાં ડરીને ભાગી ગયાં. એમને બહુ નવાઈ લાગી. કોઈને કશું સમજાયું નહીં. થોડી વાર બધાં ભૂખી નજરે બોરની ટોપલી સામે જોતાં ઊભાં રહ્યાં, પછી નિરાશ થઈને ત્યાંથી ચાલ્યાં ગયાં.

હવે તો આ રોજનો ક્રમ થઈ ગયો. બધાં દુ:ખીદુ:ખી થઈ ગયાં. મનુ અગાશીમાં બેસીને રોજ આ તમાશો જોતો હતો. પોતાનાં દોસ્તોને દુ:ખી થતાં જોઈને એને દયા આવતી હતી. એણે વિચાર્યું, કંઈક તો કરવું જ જોઈએ.

બીજે દિવસે સવારે એક વાંદરો આવ્યો. એ પાળી પર બેસીને લોલુપ નજરે બોરની ટોપલી સામે જોતો હતો. ડોશી કશુંક લેવા ઘરમાં ગઈ કે તરત જ મનુએ વાંદરાને કહ્યું:

“બંદર રે બંદર, ડોશી ગઈ અંદર,

કૂદકો મારી નીચે જા, બોર લઈને નાસી જા!”

મનુની વાત સાંભળીને વાંદરામાં હિંમત આવી. એ તો સાચે જ કૂદકો મારીને નીચે ઊતર્યો અને લેવાય એટલાં બોર લઈને નાસી ગયો. ડોશીને ખબર પણ પડી નહીં. મનુને મજા આવી ગઈ. એ તાળી પાડવા લાગ્યો.

થોડી વાર પછી એક કાગડો આવીને તાર પર બેઠો. એ બોરને જોતો ‘કા…કા’ બોલવા લાગ્યો. ડોશીને ખાંસી ચઢી તેથી એ પાણી પીવા માટે ઊભી થઈ. મનુએ કાગડાને પણ કહ્યું:

“કાગડા રે કાગડા, બંધ કર રાગડા,

છાનોમાનો નીચે જા, બોર લઈને ઊડી જા!”

કાગડો પણ એકેય પળનો વિલંબ કર્યા વિના ઊડ્યો. ચાંચમાં આવ્યાં એટલાં બોર લઈ ઝડપથી ઊડી ગયો. ડોશી તો પાણી જ પીતી રહી. મનુ હસતો જાય અને તાળી પાડતો જાય. એક છોકરો આ આખું નાટક દૂર ઊભોઊભો જોતો હતો. એનું નામ જગલો હતું. એને પણ બોર ખાવાનું બહુ મન થયું હતું, પણ બોર કેવી રીતે મેળવવાં તે વિશે વિચારતો હતો. ત્યાં જ ઘર્રર્ર કરતીકને એક રિક્ષા એની નજીક આવીને ઊભી રહી. એ થડકી ગયો અને વિચારમાંથી જાગ્યો. એને પણ મનુનો અવાજ સંભળાયો:

“જગલા રે જગલા, ભર તારા ખોબલા,

ઠાલવ તારા ખિસ્સામાં, ભાગી જા રિક્ષામાં!”

ડોશી પાછળ વળીને કશુંક કરવા ગઈ એ તકનો લાભ લઈ જગલાએ પોતાનું કામ પતાવી લીધું. ડોશી એને બોર લેતો જોઈ ગઈ. એ બૂમો પાડતી જગલાને પકડવા ઊભી થઈ, પણ જગલો રિક્ષામાં બેસીને ભાગી ગયો. મનુને તો એવી મજા આવી ગઈ કે જો એના પગ બરાબર હોત તો એ નાચી ઊઠ્યો હોત.

વાંદરો, કાગડો અને જગલો બધા ત્યાંથી એવા ભાગ્યા કે છેક શેઠના ઘરની બહાર આવેલા લીમડાના ઝાડ પાસે પહોંચીને થોભ્યા. ત્યાં સરસ મજાનો ઓટલો હતો. બધા એના પર બેસીને નિરાંતે બોર ખાવા લાગ્યા. બોર ખાતા જાય ને વાતો કરતા જાય.

વાંદરો કહે: “આજે મનુએ સારી યુક્તિ સુઝાડી તેથી આપણને બોર ખાવા મળ્યાં.”

કાગડો કહે: “સાચી વાત છે. પહેલાં તો ડોશી કેવી હોંશે હોંશે બધાંને બોર ખવરાવતી. હવે તો બોર પાસે જઈએ કે આંખો કાઢી લાકડી બતાવે છે.”

જગલો કહે: “પણ મને સમજાતું નથી, હવે એ એક પણ બોર કોઈને આપતી નથી તો બોરનું કરે છે શું?”

શેઠના રૂમની બારી રસ્તા પર પડતી હતી. શેઠ-શેઠાણી રૂમમાં આરામ કરી રહ્યાં હતાં. એમણે આ બધી વાત સાંભળી. શેઠને થયું. શું વાત છે, તપાસ કરવી પડશે. શેઠાણીએ પણ કહ્યું: “સાચી વાત છે, તપાસ તો કરવી જ પડે.”

બીજે દિવસે સવારે શેઠ ડોશીને ઘેર જવા નીકળતા હતા ત્યાં વાડીનું કશુંક કામ આવી પડ્યું. તેથી એ બપોરે જમીને નીકળવા લાગ્યા. શેઠાણીએ કહ્યું: “હું પણ આવું છું તમારી સાથે.” શેઠ-શેઠાણી ડોશીને ઘેર ગયાં. જોયું તો ડોશીનું ઘર બંધ હતું. એમને વિચાર આવ્યો કે આ ડોશી ગઈ ક્યાં?

મનુએ અગાશીમાંથી શેઠ-શેઠાણીને નીચે ઊભેલાં જોયાં. એ બોલ્યો: “તમે બંને ઉપર આવો, મારે તમને એક વાત કહેવી છે.”

શેઠ-શેઠાણી ઉપર ગયાં. શેઠ કહે: “તારી વાત પછી, પહેલાં મને કહે, આ ડોશી ક્યાં છે?”

મનુએ કહ્યું: “હું તમને એ જ વાત કહેવા માગું છું.”

એણે શેઠ-શેઠાણીને બધી વાત કહી. શેઠને ડોશી પર બહુ જ ગુસ્સો આવ્યો. મનુએ કહ્યું: “હું તમને આ સમાચાર આપવા માગતો હતો, પણ શું કરું… હું લાચાર છું… મારા પગમાં તકલીફ છે એથી – ” એટલું બોલી એ નીચું જોઈ ગયો.

શેઠે એના પગ સામે જોયું અને સમજી ગયા. એમની વાતો ચાલતી હતી ત્યાં જ ધનુ ડોશી બોર વેચી, પૈસા ગણતી, રાજી થતી આવતી દેખાઈ. શેઠ-શેઠાણી અગાશી પરથી નીચે ઊતર્યાં. ડોશીની સામે જઈને ઊભાં રહ્યાં. શેઠે ગુસ્સે થઈ ડોશીના હાથમાંથી પૈસા છીનવી લીધા. ડોશી સાથે કશી જ વાત કર્યા વિના બંને ત્યાંથી ચાલ્યાં ગયાં. ડોશી પણ બધું સમજી ગઈ.

શેઠે મનુ અને એનાં માતાપિતાને પોતાને ઘેર બોલાવ્યાં અને કહ્યું: “હું મનુના પગની સારવાર કરાવવા માગું છું.” શેઠની વાત સાભળીને મનુનાં માબાપની આંખમાં આંસુ આવી ગયાં. શેઠાણી કહે: “હું પણ કશુંક કહેવા માગું છું. જો તમારી રજા હોય તો અમે મનુને અમારે ત્યાં રાખીને ભણાવવા માગીએ છીએ. એ ભણશે અને શેઠને કામમાં મદદ પણ કરશે.”

આ વાત સાંભળતાં જ મનુની આંખમાંથી પણ દડદડ આંસુ સરવા લાગ્યાં. એ જોઈ શેઠાણીને નવાઈ લાગી. એમણે પૂછ્યું: “બેટા, તું રડે છે કેમ? તને આ વાત ગમી નહીં?”

મનુ હીબકાં લેતાં બોલ્યો: “અરે, આ વાત કેમ ન ગમે? તમે મારા ભગવાન બનીને આવ્યાં છો.”

શેઠે મનુનાં માબાપને કહ્યું: “તમારા બંને માટે પણ મારી પાસે કામ છે. તમે અમારી વાડીમાં રહેજો અને વાડીની સારસંભાળ રાખજો.”

બધાં ખુશખુશ હતાં ત્યાં ધનુ ડોશી આવી. રડતી જાય અને કરગરતી જાય: “મને માફ કરો. મારી મતિ ફરી ગઈ હતી. હવે હું ક્યારેય આવું નહીં કરું. શેઠ, તમે મો ફેરવી લેશો તો હું ક્યાં જઈશ?”

શેઠાણીને દયા આવી. એમણે કહ્યું: “ ધનુ ડોશી, તેં વિશ્ર્વાસઘાત કર્યો છે, લાલચમાં આવીને પાપ કર્યું છે. પણ અમારાથી તારા જેવું નહીં થવાય. જા, તને અગાઉ મળતાં એ દાણાપાણી ફરીથી મળશે.” ડોશી બંનેને વંદન કરી, ચિંતામુક્ત થઈ ત્યાંથી ચાલી ગઈ.

મનુના પગની સારવાર થઈ. એ બરાબર ચાલતો થઈ ગયો. મનુનાં માબાપ વાડીનાં શુદ્ધ હવાપાણીથી અને તાજાં શાકભાજી ખાઈને તંદુરસ્ત બની ગયાં. મનુ ખૂબ ધ્યાનથી ભણવા લાગ્યો. સમય જતાં એણે શેઠનું બધું કામકાજ સંભાળી લીધું અને શેઠ-શેઠાણીની તનમનથી સેવા કરવા લાગ્યો. એક રાતે ભગવાનને પ્રાર્થના કરી લીધા પછી શેઠ બોલ્યા:

“મારાં ભક્તિશેઠાણી!”

શેઠાણી હોંકારો દેતાં બોલ્યાં: “બોલો, ભગાશેઠ!”

શેઠ બોલ્યા: “જોયુંને, ભગવાને આપણને દીકરો આપી દીધો!”

શેઠની વાતમાં સૂર પુરાવતાં શેઠાણી પણ ગણગણ્યાં: “સાચી વાત છે. ભગવાને આપણી ઇચ્છા પૂરી કરી, આપણને સોના જેવો દીકરો આપ્યો.”

1 comment for “બાળવાર્તાઓ : ૭ : ભલાં શેઠ-શેઠાણી

  1. May 28, 2019 at 2:50 pm

    Nice story I like it

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *