





પૂર્વી મોદી મલકાણ

ઇસ્લામાબાદની મેરિયેટ હોટલમાં દાખલ થતાં જ જે ઉત્સાહ, આનંદ સાથે તે આંખથી જાણીતો છતાં અજાણ્યો ક્રૂ મેમ્બર અમારી પાસે દોડી આવ્યો અને અમને અંદર લઈ ગયો, પછી તે મેઇન ડેસ્ક પાસે ઊભો રહી મેનેજરને કહે આ બીબીજી આપણાં ખાસ ગેસ્ટ છે, એમને ગમે તેવો રૂમ આપજો…મેનેજર કહે શું તેઓને આપ જાણો છો? જવાબમાં કહે હા, તેઓ ઘણા સમય પછી આવ્યાં છે. એ વાત કરતો હતો ત્યારે બહારનો પૉર્ટર આવતાં તે અમારો સામાન લેવા તેની પાસે જતો રહ્યો. આ અરસામાં મેનેજર સાથે વાતચીત કરતાં જાણવાં મળ્યું કે હાલમાં અહીં Multination ECO summit Conference ચાલી રહી છે જેને અટેન્ડ કરવાં અઝરબેઇજાન ( Azerbaijan ), તુર્કમેનિસ્તાન ( Turkmenistan ), ઉઝબેકિસ્તાન ( Uzbekistan ), તાજિકિસ્તાન ( Tajikistan ), કઝાખસ્તાન ( Kazakhstan ), કયર્ગઝીસ્તાન ( Kyrgyzstan ) અને અફઘાનિસ્તાન ( Afghanistan ) થી વડા પ્રધાનો આવેલા છે. મેનેજરે કહ્યું કે અત્યારે કોઈ નોન સ્મોકીંગ રૂમ ખાલી નથી. કારણ કે આ Conference છેલ્લા ૫ દિવસથી ચાલુ છે, ને હજુ ૩ દિવસ ચાલુ રહેવાની છે પણ અમુક લોકો આવે છે અને અમુક જાય છે. તેથી આવતીકાલે આપને અમે નોન સ્મોકીંગ રૂમ આપીશું. મધ્યરાત્રિનો સમય હોઈ અમે ય થાકેલા હતાં તેથી બીજે દિવસે બીજી રૂમ લેવાનું નક્કી કરી અમને જે રૂમ મળ્યો તે અમે સ્વીકારી અમે છૂટા પડ્યાં. રૂમ પર પહોંચ્યાં ત્યારે જૂની યાદોએ મારા મન ઉપર કબ્જો જમાવી દીધો હતો. લાગતું હતું કે ફરી કોઈ સમાચાર મળશે અને તે સાથે કાલે સવારે જાણે અતીત ફરી જીવતો થઈ જશે. અમે ભૂલી ગયાં હતાં કે તે સમય અતીત બની ગયો હતો ને આજનો સમય આગળ વધી ગયો હતો.

બીજે દિવસે ઉઠી ત્યારે મી.મલકાણ ઓફિસ જઈ ચૂક્યા હતા. તેમને ફોન કરીને પૂછયું તો કહે કે કોઈ ન્યૂઝ નથી, જેટલેગને કારણે નીંદર ઓછી આવેલી તેથી હું વહેલો ઓફિસ આવી ગયો, કદાચ બપોરે વહેલો આવી જઈશ. તેમના ફોન મૂક્યા પછી યે ક્યાંય સુધી મન થોડું ઉચટ રહ્યું અને કોઈ સમાચાર આવવાનો ઇન્તઝાર રહ્યો, આ મનને શાંત કરવાં વિચાર્યું કે બ્રેકફાસ્ટ લઈ લઉં, આમેય પેટમાં ચૂહા દોડી રહ્યા હતા. આથી મારા ફ્લોર પરની લિફ્ટ લેવા ગઈ. જ્યારે લિફ્ટ આવી ત્યારે તે ઓલમોસ્ટ ફૂલ હતી, આથી વિચાર્યું કે આને જવા દઉં ને હું પગથિયાં ઉતરી જાઉં. ત્યાં જ લિફ્ટમાં રહેલો એક ગેસ્ટ કહે; હજી ઘણી જગ્યા છે. તેણે પોતાની આજુબાજુ રહેલ લોકોની સામે જોયું ત્યાં જ તેની આસપાસ ઉભેલા લોકો ઇધરઉધર થઈ ગયાં અને મારે માટે થોડી જગ્યા કરી આપી. તે માણસનાં દબદબાને જોઈ એ કોઈક ખાસ હોય તેવો ખ્યાલ મને આવી ગયો. મે તેમનો આભાર માન્યો અને જવાબમાં તેઓ મંદ મંદ હસ્યા.

બ્રેકફાસ્ટમાં વેજ વસ્તુમાં મને બ્રેડ, આલુપૂરી અને બટર મળ્યાં. પણ હું હજી યે થોડીઘણી થાકેલી હતી, તેથી જે કંઇ મળ્યું તે થોડુંઘણું ખાઈ હું ઉપર આવી ત્યારે ય ૨૦૧૧ની એ સવાર મારા મન પર ટકોરા દઈ રહી હતી તેથી મને લાગતું હતું, કે કોઈક સમાચાર ચોક્કસ આવશે, પણ અંતે કોઈ સમાચાર ન આવતાં મન થોડું શાંત થઈ ગયું. તે દિવસ મે રૂમ પર જ કાઢ્યો. સમય વિતાવવા જ્યારે ટીવી ચાલું કર્યું તો જોયું કે બધી જ ઇંડિયન એડ અહીં ઉર્દુમાં આવી રહી છે. પાકિસ્તાની ટીવીમાં સાક્ષી તન્વર વધુ પ્રિય હોય તેમ મને લાગ્યું, કારણ કે જેટલી પણ ચેનલ બદલું તે બધી જ ચેનલ પર સાક્ષીની એડનો દબદબો દેખાયો. પાક. ટીવી પર આવતી બધી ભાષામાં ( ઉર્દુ, હિન્દી, અરબી અને અંગ્રેજી ) મને એ જ દેખાતી હતી. સાંજના સમયે મી. મલકાણે ઓફિસેથી આવી જણાવ્યું કે આજે યશિર અને મહેરીન સાથે ડિનર લેવાનું છે, તેથી સાથે ચાલ. તેમની વાત સાંભળી મને લાગ્યું કે આ ઓફિસિયલ ડિનર છે તેથી થોડી આનાકાની કરી પણ પછીથી ખ્યાલ આવ્યો કે તેઓ એમ જ ડિનર લેવા માટે જઈ રહ્યા છે ત્યારે હું પણ તેમની સાથે જોડાઈ ગઈ. રેસ્ટોરન્ટમાં જ ડિનર કરતાં કરતાં અમે નક્કી કર્યું કે આ વીકએન્ડ પર આપણે તક્ષિલા જઈએ. આમેય ૨૦૧૧ ની ટૂરમાં અમે તક્ષિલા અને તેની આસપાસનાં બૌધ્ધિષ્ઠ વિસ્તારો પૂરેપૂરા જોવાનાં બાકી રહેલાં તેથી આ વખતે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી ફરી જોવાનું નક્કી કર્યું.
અમે હોટેલ પર પહોંચ્યાં ત્યારે ખૂબ થાકી ગયાં હતાં, પણ અહીં મારે થાકને યાદ કરવાનો ન હતો, બસ જેટલું જોવાય તેટલું જલ્દી જોઈ લેવાનું હતું, અને ટૂંક સમયમાં પાકિસ્તાનની આ ધરતી પર જ્યાં સુધી પહોંચાય તેટલું પહોંચી જવાનું હતું. બીજે દિવસે હું ઉઠી ત્યારની એ સવાર અલગ હતી. આ સવાર ઉગવાની સાથે જ ૨૦૧૧ ની બધી જ યાદો પાછળ છૂટી ચૂકી હતી અને નવી નજરે હું પાકિસ્તાનના લોકોને અને જગ્યાઓને મળવા માટે હું ઉત્સુક હતી. આજ ફ્રેશઅપ મને અમે તૈયાર થયાં નીચે ગયાં ત્યારે હોટેલનાં સ્ટાફમાં અમુક ચહેરાઓ સિવાય જાણે બધા જ ચહેરાઓ હું ઓળખાતી હોઉં તેમ મને લાગ્યું. બધાં ને સલામ કરતાં કરતાં અમે જ્યારે બ્રેકફાસ્ટ હોલમાં પહોંચ્યાં ત્યારે જોયું કે મોટાભાગનો હોલ ભરેલો હતો. આજે સૂટબૂટવાળા અહીં ઘણાં લોકો જોવા મળ્યાં, આ સૂટબૂટધારીઓનાં ટેબલોમાં એક ટેબલ તે સજ્જનનું પણ હતું જેને હું ગઇકાલે લિફ્ટમાં મળેલ. કદાચ એ પણ કોન્ફરન્સમાં આવેલ હશે, અમને આવેલ જોઈ મેનેજર આવ્યો અને એક ટેબલ આપી જતો રહ્યો.
ગયાં વખતની સરખામણીમાં આ વખતે અહીં ઘણાં લોકો હતાં, તેથી નાસ્તામાં યે ઘણી જ વેરાયટી હતી, પણ ગઇકાલનાં આલુ -પૂરીને છોડીને બીજું ખાસ વેજ ફૂડ ન હતું. આથી મેનેજરને બોલાવી પૂછ્યું કે; આલુ -પૂરી છોડીને બીજો ગરમગરમ કોઈ વેજ નાસ્તો છે કે? સાથે ચા પણ ?
તે કહે ક્યા ટોટલ વેજ ચહીયે ? ઔર ચાય કૈસી અદ્રક વાલી યા ઈલાયચી વાલી?
મે હા જેમાં જરાપણ એગ્ગ્ઝ કે નોનવેજ વસ્તુ ન એડ થઈ હોય તેવો નાસ્તો. ને ચા માં ઈલાયચી ઔર અદ્રક બંને જોઈએ છે.
થોડીવાર વેઇટ કરો હું શેફને બોલાવી લાવું કહી તે અમારી ચા લેવાં ચાલ્યો ગયો.
થોડીવારમાં શેફ આવ્યો તે અમને કહે; બીબીજી વેજ આઈટમમાં ફ્રેશ ફ્રૂટ્સ, ફ્રેશ જ્યુસિસ, ફ્રૂટ યોગર્ટ, બ્રેડ હૈ ઔર સાથ મેં કૌરા ચાવલ, પુડી, મીઠા પરાઠા, હલવા ઔર આલુ કી ભાજી ભી હૈ. અગર આપ કહે તો ઔર કુછ બના દૂ ? ઔર આપ થોડા સા વક્ત દો તો મૈ ઝીરે વાલે પરાઠા અ..ઔર આલુ કે પરાઠે બના દૂ.
મે કહ્યું, આજને માટે આટલી વાનગી બસ છે, પણ કાલને માટે થોડી ચટપટી, સોલ્ટી કે તીખી વાનગી બનાવશો? તે કહે ઠીક હૈ બીબીજી, હું કાલે આપને ગમે તેવી વાનગી બનાવીશ, કહી તે ચાલ્યો ગયો. અમે નાસ્તો લઈ જ રહ્યાં હતાં તે દરમ્યાન કોઇની અવરજવરમાં મારી આજુબાજુનું દૃશ્ય વારંવાર બદલાતું રહ્યું, આ સમયે એક-બે વાર અનાયાસે મારી અને તે સજ્જનની આંખો પણ મળી, પણ અમે બંને અમારા સાથીઓ સાથે નાસ્તો લેવામાં મગ્ન રહ્યાં. એ દરમ્યાન મલકાણને ઓફિસ પહોંચવાનું હોઈ તેઓ ઝડપથી નાસ્તો પૂરો કરીને નીકળી ગયા.
મારો નાસ્તો પૂરો કરી હું જ્યારે મેઇન પોર્ચ પર લિફ્ટની રાહ જોતી ઊભી હતી, ત્યાં મારી પાસે ફરી એ જાણીતા અને અજાણ્યા ગેસ્ટ આવીને ઊભા રહ્યા, પણ આ વખતે યે તેઓ પોતાનાં ગ્રૂપ સાથે હતા. અમે બંનેએ એકબીજાની સામે જોયું પછી હસીને લિફ્ટમાં ગોઠવાયાં. હું મારી રૂમ પર પહોંચી ત્યારે જોયું કે કોઈ ક્લીનર ત્યાં કામ કરી રહ્યું છે, મને જોઈ કહે બીબીજી, મૈ મુદ્દસર હું આપકા રૂમ ક્લીન કરને આયા હૂં, કહી તે કામે લાગ્યો. તે કામ કરી જ રહ્યો હતો ત્યાં જ મહેરીનનો મને મેસેજ આવ્યો, જેમાં કહ્યું હતું કે આજનું લંચ સાથે લેવાનું છે અને લંચ પછી સૈદપુર માટે નીકળવાનું છે માટે ૧૧ વાગે મારે નીચે આવી જવું.
© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com
સમય ને વહેતા વાર નથી લાગતી પૂર્વીબેન. પણ તોયે તમારી મૂંઝવણ હું સમજી શકું છું. એક તો પાકિસ્તાન નામ જ એવું કે – એમાં ગઇકાલ દસ્તક ન આપે એવું કેમ બને?