ગઝલાવલોકન–૭ – ગઝલની ગુંજતી સરગમ

સુરેશ જાની

ગઝલની ગુંજતી સરગમ, સરળ ભાષામાં કહી દઈએ,
મુલાયમ મૌનનું રેશમ, સરળ ભાષામાં કહી દઈએ.

પવનનું પોત દોર્યું છે, હજી હમણાં જ લહેરોએ,
ચલો, આજે કોઈ મોસમ, સરળ ભાષામાં કહી દઈએ.

સમય આવી ગયો છે, લાગણીને નામ દેવાનો,
સંબંધો આપણા મોઘમ, સરળ ભાષામાં કહી દઈએ.

ફરી એને સ્મરી, છલકાઈ જાતાં, ઓ નયન મારાં!
કોઈને ભૂલવાનો ગમ, સરળ ભાષામાં કહી દઈએ.

હઠીલા પૂર્વગ્રહ કાયમ, સરળ ભાષામાં કહી દઈએ.
ગઝલની ગુંજતી સરગમ, સરળ ભાષામાં કહી દઈએ

                                                                           – શોભિત દેસાઈ

ગઝલ અને કવિતા વિશે ઘણી બધી ગઝલો અને કવિતાઓ આપણા સાહિત્યમાં છે. પણ આ ગઝલ આપણને કાવ્ય અને સાહિત્યના જમાનાજૂના વિવાદ તરફ ખેંચી જાય છે. થોડામાં ઘણું કહી જવા માટે કવિ પોતાના સર્જનમાં જાતજાતનાં તત્વો ઉમેરે છે. ઉપમા, સજીવારોપણ, વ્યંગ વિ. કદાચ આમ કરવાથી એને વાચકની દાદ મેળવવાની અપેક્ષા હોય છે. અમૂક રચનાઓ તો એટલી બધી સંકૂલ હોય છે, કે, એનું રસદર્શન કરાવવામાં આવે ત્યારે જ આપણને કવિ શું કહેવા માગે છે – તેની જાણ થાય છે. Art for the sake of art.’

અલબત્ત કવિએ શું લખવું અને શા માટે લખવું –એ એનો વિશેષાધિકાર છે જ. પણ શોભિત ભાઈની આ ગઝલમાં વ્યક્ત થતી સાદી અને સરળ ભાષાની આરજૂ આપણને જચી જાય છે. જે જે ગઝલો કે ગીતો લોકપ્રિય બને છે અને સદાકાલ ગવાતાં રહે છે – એ સૌનો આ સામાન્ય ગુણ છે – સોંસરવાં દિલમાં ઊતરી જાય તેવા શબ્દો. અલબત્ત એમણે આ ગઝલને આપેલ શણગાર આપણને કદાચ આ સંદર્ભમાં ખૂંચે. પણ દિલમાં ઊતરી જાય એવા શબ્દો વાળી કવિતા લખવાની વાત ગમી જાય એવી છે. અહીં ‘Art for the sake of an end.’ અભિપ્રેત છે.

ખરેખર જુઓ તો ઊંડી લાગણીની વાત આપણે ભાગ્યે જ વાચા કે ભાષાથી કહેતા હોઈએ છીએ. એ ભાવની અભિવ્યક્તિ માટે તો આપણો ચહેરો અને આંખો જ પૂરતાં હોય છે. એ ભાવજગતની ભાષા બહુ જ સરળ હોય છે. એમાં ‘I love you.’ કહેવું નથી પડતું!

બીજી એક ગમી ગયેલી વાત – દરેક રચના કાંઈક સંદેશ જીવન માટે આપી જતી હોય છે. આપણા વ્યવહારોમાં આપણે સીધી વાત કહેવાનું ટાળતા હોઈએ છીએ અને મનમાં કોઈને પણ માટે ગાંઠ વાળી દેવાની આપણને કુટેવ હોય છે! અહીં માનવજીવનને નડતી આ બહુ જ મોટી બલા – ‘પૂર્વગ્રહ’ વિશે કહીને કવિએ બહુ જ કામની વાત કહી દીધી છે.

આપણે આમ સરળ અને સીધા સાદા બનીએ તો?

મરીઝ સાહેબની પણ મૌનની ભાષાને આનુષંગિક એક પંક્તિ છે –

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,

કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

આખી ગઝલ આ રહી –

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હોય,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહીં આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

                                                      – મરીઝ


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.