ટાઈટલ મ્યુઝીક : ૧૦ : બદલા (૧૯૭૪)

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

‘ચલચિત્ર’ થિયેટર સિવાય બીજે ક્યાંય જોવા મળતું નહોતું એવા સમયે ફિલ્મ બહારના વિશ્વમાં ખૂલતી એક બારી હતી, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. સાવ નાના નગરમાં રહેતા અમારા જેવા લોકો મુંબઈ રહેતા અમારા પિતરાઈઓને એટલા માટે અહોભાવયુક્ત નજરે જોતા કે તેઓ અઠવાડિયામાં ત્રણ-ચાર ફિલ્મો જોતા, એટલું જ નહીં, ‘ટાઈમપાસ’, ‘બકવાસ’, ‘જોરદાર’ જેવાં વિશેષણો થકી તેનું વિશ્લેષણ પણ કરતા. આની સામે અમે વરસે બે-ચાર ફિલ્મો જોઈએ તો જોઈએ. એ ફિલ્મ મહેમદાવાદ જેવા નગરના એકમાત્ર થિયેટર ‘આશા ટૉકીઝ’માં આવે ત્યારે રિલીઝ થયાને કેટલોય વખત વીતી ગયો હોય. આમ છતાં, ફિલ્મોના પ્રકાર મુજબ અલગ અલગ વર્ગ તેને જોવા માટે ઉમટતો. મને બરાબર યાદ છે કે દેવ આનંદની ‘હરે રામ હરે કૃષ્ણ’ ફિલ્મ આવી ત્યારે ગામનો સમસ્ત વૈષ્ણવ સમુદાય તેને જોવા ઉમટતો, જેમાં મારાં દાદી કપિલાબેન કોઠારીનો પણ સમાવેશ થયેલો. એ ફિલ્મ જોઈને આવ્યા પછી લાગેલા આ વૃદ્ધાઓના નિ:સાસા થકી જ કદાચ દેવસા’બની કારકિર્દી લથડવા લાગી હશે. અમુક ફિલ્મો જોઈને આવ્યા પછી મહિલાઓની આંખો રડીરડીને રીતસર સૂઝી જતી, અને તેમના હાથમાંના રૂમાલ ભીના થયેલા જોઈ શકાતા. રાજેશ ખન્નાની મુખ્ય ભૂમિકાવાળી ‘માલિક’ ફિલ્મ બાબતે મને આ બરાબર યાદ છે.

અમારા જેવા બાળકો-કિશોરોને માટે ખાસ પસંદગી નહોતી. અમારે તો ફિલ્મ જોવા મળે એ જ મોટો લ્હાવો હતો. ક્યારેક અમારા ફળિયાના મોટા છોકરાઓ સાથે ફિલ્મ જોવા જવાનો પ્રોગ્રામ બને ત્યારે ફિલ્મ કેવી છે એ નહીં, પણ કોની સાથે એ જોવા જઈએ છીએ તેની પૂછપરછ થતી.

આવી એક ફિલ્મ આવેલી ‘બદલા’ નામની. તેમાં શત્રુઘ્નસિંહા, મૌસમી ચેટરજી, જહોની વૉકર, અજિત, પદમા ખન્ના, મહેમૂદ, શેટ્ટી, ભગવાન, મોહનચોટી સહિત અનેક કલાકારો હતા. આ ફિલ્મની રજૂઆત 1974માં થયેલી, પણ મહેમદાવાદમાં એ એકાદ બે વરસ પછી આવી હશે. હીરો, હીરોઈન, વીલન, કેરેક્ટર એક્ટર જેવા શબ્દો હજી મારા માટે ગ્રીક-લેટિન સમા હતા. ચોર, ડાકુ, લૂંટારો, સ્મગલર જેવી તમામ શ્રેણીના વિલનો માટે ‘ગુંડો’ જેવો સર્વસામાન્ય શબ્દ વપરાતો, અને ‘ગુંડા’નું સ્થાનક હતું ‘અડ્ડો’.

લુહારવાડના મારાથી મોટી વયના કેટલાક છોકરાઓ સાથે મને આ ફિલ્મ જોવા જવાનો મોકો મળ્યો. બીજા કોણ હતા એ યાદ નથી, પણ બાબુ નામનો એક ખાસ્સો મોટો છોકરો હતો એ બરાબર યાદ છે. બાબુ લારી ચલાવતો, અને વાળ સરસ રીતે ઓળતો. ઘણા એને લાડમાં ‘બાબુ જાની’ કહેતા, જે હકીકતમાં મહેમદાવાદમાં ભૂતકાળમાં થઈ ગયેલા એક અન્ય નામચીન શખ્સનું નામ હતું. બાબુ, એનો ભાઈ રમેશ, અને તેની મા ચંચરી (ચંચળબેન) અમારી સામે ખાંટ વગામાં જ રહેતાં. ચંચળબેન બે-ત્રણ મહિને એક વાર અમારે ત્યાં આવતાં. મારાં મમ્મી એમને નાનકડી તપેલીમાં મોટે ભાગે ખાટું કે ગળ્યું મેથિયું ભરી આપતાં. ચંચળબેન એ તપેલી લઈ જતાં અને ખાલી કરીને પાછી મોકલાવતાં. તેમને ઘણી વાર નાનકડી, ઘેરા રંગની કાચની ખાલી શીશી લઈને તેલ ખરીદવા માટે જતાં હું જોતો. મને બહુ મોડે સમજાયું કે તેલ યા શાક ખરીદવાની તેમની ત્રેવડ નહોતી, આથી તેઓ રોટલા સાથે ડુંગળી કે અથાણું ખાઈને રોડવતાં હશે. બાબુ મારા માટે બહુ પ્રેમ રાખતો અને ઉંમરમાં તેનાથી ઘણો નાનો હોવા છતાં એ મને ‘બીરેન શેઠ’ કહીને બોલાવતો.

‘બદલા’ જોવા અમે ગયા ત્યારે તેણે મને ‘શત્રુઘન’સિંહાની ઓળખ આપી. મેં જોયું કે ‘શત્રુઘન’સિંહાના જમણા હોઠની પાસે એક નિશાની છે. ફિલ્મ શરૂ થઈ અને તેને જોવામાં હું ગૂંથાયો. એમાં એક દૃશ્ય આવ્યું, જેમાં શત્રુબાબુ કોઈક અડ્ડામાં જાય છે અને ધક્કો મારીને બારણાં ખોલે છે. તેમને અચાનક આવેલા જોઈને એક ગુંડો ચાકુનો ઘા કરે છે, જે શત્રુબાબુ નીચા નમીને ચૂકવી દે છે. તેમની ઉપર આવેલી લાકડાની બારસાખમાં ચાકુ ખૂંપી જાય છે. શત્રુબાબુ એ ચાકુ બહાર કાઢીને તેને બંધ કરી દે છે અને કશુંક બોલે છે. એ સાથે જ આખા થિયેટરમાં તાળીઓ ગૂંજી ઉઠે છે.

આ સાંભળીને હું બઘવાઈ ગયો. મેં બાબુને પૂછ્યું, ‘એ શું બોલ્યો?’ બાબુએ તાળીઓ પાડતાં પાડતાં કહ્યું, ‘ડાયલોક માર્યો.’ હું ઓર મૂંઝાયો. મેં પૂછ્યું, ‘ડાયલોક એટલે?’ બાબુએ પડદા તરફ આંગળી ચીંધીને મને ‘પિચ્ચર’ જોવા ઈશારો કર્યો. બહાર આવ્યા પછી મને જાણ થઈ કે શત્રુબાબુ બોલેલા, ‘ચાકૂ ચલાને સે પહલે ચાકૂ પકડના સીખો.’ અચ્છા, તો આવું બોલે એને ‘ડાયલોક’ કહેવાય એમ મને અજવાળું થયું. પછી તો, જો કે, ‘શોલે’ના ‘ડાયલોક’ બહુ જાણીતા બન્યા, અને એ શબ્દ ચલણી બની ગયો. (આજે મોબાઈલ ફોનના જમાનામાં ‘મોનોલોગ’ પણ ચલણી બની ગયા છે.)

ફિલ્મમાંનું આ એક દૃશ્ય અને બીજા એક ગીત ‘ચોર મચ ગયા શોર, દેખો આયા માખનચોર’ સિવાયનું કશું જ મને આજે યાદ નથી. પણ ફિલ્મ યાદ હોવાથી તેની યૂ ટ્યૂબ પર તપાસ કરી.
‘સેન્ચુરી ફિલ્મ્સ’ના બેનરમાં નિર્મિત ફિલ્મના દિગ્દર્શક વિજય હતા. તેમાં લક્ષ્મીકાન્ત પ્યારેલાલનું સંગીત હતું. ફિલ્મમાં કુલ પાંચ ગીતો હતાં, જે આનંદ બક્ષીએ લખેલાં. ‘શોર મચ ગયા શોર’ (કિશોરકુમાર અને કોરસ) ‘ગોવિંદ આલા’ની તરજ પર હતું. ‘જાતા હૈ તો જા ઓ સનમ’ (આશા ભોંસલે), ‘કોઈ ચોરીચોરી ચુપકે ચુપકે’ (આશા ભોંસલે), ‘સમ ડે કિસી દિન’ (આશા ભોંસલે) અને ‘જાનેવાલે ઈધર દેખો, ખડે હૈં હમ રાસ્તે મેં’ (આશા, મીનૂ પુરુષોત્તમ) જેવાં ગીતો ખાસ નોંધપાત્ર નહોતાં.

ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક શરૂ થતાં અગાઉ દૃશ્ય શરૂ થાય છે. દૃશ્ય થકી અમુક કેરેક્ટર ઊપસે, અને કથાનક આગળ વધે એટલે ફરી થોડાં ટાઈટલ્સ આવે, એવી તરાહ અહીં અપનાવવામાં આવી છે. હિન્દી ફિલ્મોમાં સ્ટીરીયોટાઈપ કેરેક્ટર હોવા છતાં એક રીતે જોવાની મઝા આવે છે.

ટાઈટલ મ્યુઝીકનો આરંભ 0.58 થી ગિટારના સૂરો વડે થાય છે. 1.08 થી બ્રાસવાદ્યો ઊમેરાય છે. 1.17 થી ગિટાર પર એક ધૂન વાગે છે, જેનું સામ્ય થોડા વરસ પછી આવેલી ‘હીરો’ના ‘નીંદિયા સે જાગી બહાર’ની પહેલી કડી સાથે જણાય છે. 1.29 થી સેક્સોફોન પ્રવેશે છે. 1.32 થી ટાઈટલ અટકે છે, અને બીજું દૃશ્ય શરૂ થાય છે. 2.20 થી ફરી ટાઈટલ મ્યુઝીક શરૂ થાય છે અને એ જ શૈલીનું પુનરાવર્તન થાય છે. 3.03 પર ફરી સંગીત અટકે છે અને ત્રીજું દૃશ્ય શરૂ થાય છે. 3.31 થી ફરી સંગીત શરૂ થાય છે અને એ જ શૈલીએ આગળ વધીને 3.56 પર અટકે છે. અહીં નવું દૃશ્ય શરૂ થાય છે. 4.16 થી અંતિમ તબક્કાનું ટાઈટલ મ્યુઝીક શરૂ થાય છે, જેનું સમાપન 4.39 પર થાય છે.

કથનની શૈલી દેશી લાગે છતાં રમૂજપ્રેરક છે. ટાઈટલ મ્યુઝીક કોઈ થ્રીલર ફિલ્મનું હોય એવું જણાય છે.

આ ફિલ્મ મેં જેની સાથે જોઈ એ બાબુ એ પછીના થોડા વરસોમાં ટી.બી. લાગુ પડવાથી અવસાન પામ્યો. તેનો ભાઈ રમેશ હજી છે, અને મહેમદાવાદ જઈએ ત્યારે ક્યારેક મળી જાય છે. તેને એ વાતે નવાઈ લાગે છે કે મને તેનું નામ યાદ છે, અને હું તેને નામથી બોલાવું છું.

એટલી નોંધ જરૂરી છે કે ‘બદલા’ નામની એક ફિલ્મ ૧૯૪૩માં રજૂઆત પામી હતી, જ્યારે બીજી ફિલ્મ આ વર્ષે, એટલે કે ૨૦૧૯માં રજૂઆત પામી હતી.


(નોંધ: તસવીરો નેટ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

3 comments for “ટાઈટલ મ્યુઝીક : ૧૦ : બદલા (૧૯૭૪)

 1. PIYUSH
  May 27, 2019 at 1:50 pm

  દરેક વખતે મૂળ વિષયની રસપ્રદ છણાવટ તો ખરી જ ખરી, સાથે અન્ય મજેદાર માહિતી વડે રોચક મૂલ્યવર્ધન થતું રહે છે.

 2. Prafull Ghorecha
  May 28, 2019 at 4:05 pm

  બહુ જ સરસ રજૂઆત. નાના ગામમાં એઠવાડ વધ્યો હોય તેમ ફિલ્મ આવતી તે હજુ મને યાદ છે. બહુ સારું અને ખુબ ચગેલું ચિત્ર રીલીઝ થાય તો મોરબીથી રાજકોટ ફિલ્મ જોવા આવતા તે હજુ મને યાદ છે.
  પ્રફુલ્લ ઘોરેચા

 3. May 29, 2019 at 4:51 pm

  પ્રતિભાવ બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *