ગુજરે હૈ હમ કહાં કહાંસે – (૩) ચાલો, ચાલો, સાવરણી લ્યો

Facebooktwitterredditpinterestlinkedinmail

હવે જ્યારે પાંસઠ વરસ પૂરાં કરી ચૂક્યો છું ત્યારે જીવનના વિવિધ પડાવો ઉપર માણેલા આનંદદાયી અનુભવો યાદ આવતા રહેતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે

પીયૂષ મ. પંડ્યા


(૩) ચાલો, ચાલો, સાવરણી લ્યો


આ વખતે પણ ૧૯૬૧-૧૯૬૩ દરમિયાન અમે ગઢડા રહેતાં ત્યારના સમયની વાત કરું.

અમે લોકો નવાં નવાં ત્યાં રહેવા લાગ્યાં ત્યારે આસપાસના છોકરાઓએ મને બિલકુલ સ્વીકાર્યો નહતો. મેં શક્ય એવા ઘણા પ્રયાસો કર્યા પણ મારી કોઈ કારી ફાવી નહીં. એવામાં એક વાર ભાવનગરથી આવતી વેળા મારા બાપુજી મારે માટે પ્લાસ્ટીકનાં બેટ, બોલ અને સ્ટમ્પ્સ લેતા આવ્યા. એ જ સાંજે મેં મારા ઓટલા ઉપર એ સરંજામ ગોઠવી, શેરીમાં રમી રહેલા છોકરાઓને વિજયી અદાથી જોવાનું શરૂ કર્યું. એક ઘરની ભીંત ઉપર કોલસાથી દોરેલી ‘સ્ટમ્પડીયું’, ભાંગલો-તૂટલો ધોકો અને ગાભા-ચીંથરા ફરતે કાગળ વીંટીને બનાવેલા દડા વડે ‘બોલ-બેટ’ રમવા ટેવાયેલા એ છોકરાઓમાંથી મને જેમનાં નામ હજી યાદ છે એ હતા હર્ષદ, હિંમત, શિરીષ, જનક, ઘનશ્યામ, દીપક, ભટૂર, રહીમ, રફીક, મહેબૂબ, જેરામ અને ગઈ કડીમાં જેનો વિસ્તૃત ઉલ્લેખ હતો એ છોટુ. મારો નવપ્રાપ્ય સરંજામ જોતાં એ છોકરાઓ પ્રભાવિત થઈ ગયા અને તાત્કાલિક અસરથી બરફ પીગળવાની શરૂઆત થઈ ગઈ. પરિણામે મને એ ટોળકીમાં માનભેર પ્રવેશ મળી ગયો. જો કે અમારો પૂરતો પરિચય કેળવાય એ અગાઉ જ એક જબરી સમસ્યા સર્જાઈ ગઈ! મારું નામ – પીયૂષ – એ કોઈએ ક્યારેય સાંભળ્યું/જાણ્યું નહતું. જાણ્યા પછી પણ એ બોલવાનું એ બધાને ન ફાવ્યું. પીહુસ, બીવુસ અને અન્ય કેટલાક અખતરા પછી એ બધાએ સર્વાનુમતે મને પીરુસ/પીરુસીયો તરીકે ઓળખવાનું શરૂ કર્યું. આ બાબત મેં તો સ્વીકારી લીધી, કેમકે તો જ મને એ મંડળીમાં માંડ મળેલું કાયમી સ્થાન ટકી રહે એમ હતું. પણ મારાં મા-બાપને મારા નામનું આવું વિકૃત્તિકરણ જરાયે ન જચ્યું. એમની હાજરીમાં જ્યારે પણ કોઈ પણ છોકરો મને પીરુસ કહીને બોલાવે એટલે એ લોકો એને ટપારે અને સાચો ઉચ્ચાર કરવા આગ્રહ કરે. શેરીના છોકરાઓ માટે મારાં મા-બાપનો આવો આગ્રહ રમૂજપ્રેરક બનતો જતો હતો. હવે આ ગજ-ગ્રાહમાં મારી હાલત કફોડી થતી જતી હતી. આખરે પરિસ્થિતી વણસીને જ રહી.

એક દિવસ અમે લોકો મારા સરંજામ વડે શેરીમાં ક્રિકેટ રમતા હતા એવામાં બે ઘટનાઓ એકસાથે ઘટી. એક બાજુ હું આઉટ થયો એટલે ‘પીરુસીયો ગ્યો, પીરુસીયો ગ્યો’ના હર્ષાંન્વિત વિજયઘોષો ઉઠ્યા અને બીજી બાજુ મારા બાપુજી શેરીમાં પ્રવેશ્યા. પોતાના દીકરાની જ સામગ્રી વડે રમાઈ રહેલી રમતમાં એનો તેજોવધ એ પ્રેમાળ બાપહ્રદયથી જીરવાયો નહીં. આથી એમણે મારી મિત્રમંડળીને ખખડાવવાનું શરૂ કર્યું. હું આઉટ થયો એ બાબતે તો એ કોઈને કશું કહી શકે એમ ન હતા કારણકે એમ મારી અણઆવડતથી બન્યું હતું. પણ મારા નામના એ લોકો દ્વારા થઈ રહેલા વિકૃત્તિકરણનો મુદ્દો એમણે પકડ્યો અને એ બાબતે એક પછી એક છોકરાને વઢવા લાગ્યા. આમ થતાં ઓલી ટોળકીના સભ્યો તો વધુ જોરમાં આવી ગયા. એ લોકોએ વધારે તાનમાં આવી જઈ, ફરીથી ‘પીરુસીયો ગ્યો, પીરુસીયો ગ્યો’ના નારા લગાવવા શરૂ કર્યા. બાપુજીની સહનશક્તિ જવાબ દઈ ગઈ. એમણે અમે રમતા હતા એ બેટ, બોલ અને સ્ટમ્પ્સનો કબ્જો જે સિફતથી અને સ્ફુર્તીથી લીધો, એ જો એમની બેન્કના કોઈ ઉચ્ચાધિકારીએ જોયું હોત તો તાત્કાલિક અસરથી એમને લોનની વસૂલી માટેના અધિકારી બનાવી દીધા હોત!

ખેર, જેવાં એ સાધનો મારા ઘરની અંદર ગયાં એ જ ક્ષણે એ મિત્રમંડળીમાંથી મને બહાર કરી દેવામાં આવ્યો. એક પછી એક કરીને બધા છોકરાઓ મારી ‘કીટ્ટા’ પાડી ગયા. આ બાબતે નિમાણો થઈને હું બાપુજીની પાછળ ઘરમાં જઈને ફરીયાદ કરવા લાગ્યો એટલે એ વધુ ખીજાયા. પાછા બહાર આવીને એમણે નવેસરથી સૌને વઢવાનું શરૂ કર્યું. હવે એમની સાથે મા પણ જોડાઈ ગઈ. એ સમયે મને સમજાયું કે મારા મિત્રોની સહનશક્તિ મારાં મા-બાપની સહનશક્તિ કરતાં નોંધપાત્ર રીતે ઓછી હતી. જોતજોતામાં એક છોકરાએ મુઠ્ઠી ભરીને ધૂળ અમારા ઘરમાં નાખી. બાકીના કેટલાક છોકરાઓએ એનું અનુસરણ ધાર્મિક સમર્પિતતાથી કર્યું. આ દરમિયાન ‘પીરુસીયો ગ્યો’, ‘પીરુસીયો ગ્યો’ના નારા તો ચાલુ જ હતા. આ બધું એકદમ ઝડપથી આકાર લઈ ગયું. સામે પક્ષે મારા બાપુજીએ પણ આર કે પારની કરી લેવાનું નક્કી કરી લીધું. એ તોફાનીઓમાંનો કોઈ ત્યાંથી ભાગી છૂટવાનો વિચાર પણ કરે એ પહેલાં બાપુજી શેરીમાં ઉતરી આવ્યા અને પહેલા હાથમાં આવ્યા એ બે છોકરાઓને એકસાથે પકડ્યા. બાકીના છોકરાઓ પકડાઈ ગયેલાઓને એટલા તો વફાદાર કે આમ થતાં ભાગવાની જગ્યાએ એ બધાએ સલામત અંતરે ઉભા રહી, નારાબાજી ચાલુ રાખી. આ બધાઓને સામુહીક ધોરણે વઢતાં બાપુજીએ ઘણું બધું કીધું, પણ છેલ્લે ઘરમાં નખાયેલી ધૂળ સાફ કરવાની ફરજ એ છોકરાઓની હતી એમ પ્રસ્થાપિત કરતાં એ બોલ્યા, “ચાલો ચાલો, સાવરણી લ્યો અને ધૂળ સાફ કરી નાખો!” એમણે પકડેલા છોકરાઓનો તો છૂટકો ન્હોતો તેથી એ બેય ઘરમાં આવ્યા અને માએ આપી એ સાવરણી વડે આવડે એવી રીતે ધૂળ કાઢી આપી. બાકીનાઓએ બહાર ઉભે ઉભે મનોરંજન મેળવ્યું. આ બધું પૂરૂં થયું એટલે બાપુજીએ વિજયી અદાથી માને અને મને કહ્યું કે હવે એ ટોળકી સીધીદોર થઈ જશે.

એ સમયે એમને ખબર ન્હોતી કે પોતે મારી હેરાનગતીનો પાયો નાખ્યો હતો. બસ, એ દિ’ અને એ જ ઘડી! કોઈ પણ સમયે હુ જેવો ઘરની બહાર નીકળું કે ચોક્કસ લહેકામાં ‘ચાલો ચાલો, સાવરણી લ્યો’ના નારા ચાલુ થઈ જાય! નિશાળે જાઉં કે ત્યાંથી પાછો ઘેર આવું ત્યારે પણ આઠથી દસ છોકરાઓ ‘ચાલો ચાલો, સાવરણી લ્યો’ બોલતા બોલતા પાછળ હોય હોય ને હોય જ. વળી શેરીમિત્રોએ મારી નિશાળમાં પણ આ વાત ફેલાવી દીધી એટલે ત્યાં પણ એ જ હાલત થવા લાગી. આ બાબતની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે અમે સહકુટુંબ બહાર નીકળીએ ત્યારે પણ કોઈ પણ સ્થળે મારી ઉમરના છોકરાઓ બાપુજીથી સલામત અંતર જાળવી, ‘ચાલો ચાલો, સાવરણી લ્યો’ બોલતા પાછળ પડી જતા. આમ થવાથી શેરીમાં રમવા જવાનું તો સાવ ભૂલાઈ જ ગયું. ક્યારેક કોઈ કારણસર હું એકલો બહાર ગયો હોઉં અને પાછો ઘેર આવું એટલે મારું પડી ગયેલું મોઢું જોતાં જ મા પૂછે, “ઓલ્યા ‘સાવરણી લ્યો’ વાળા વાંહે પડ્યા ‘તા (ને)?” એના સવાલમાં જ મારો હકાર ભળી જતો. બાપુજી જો કે બહુ મજબૂત માનસિકતામાં હતા કે આવા ‘વેગેબોન્ડ’ છોકરાઓ ભેગી એમના આ ‘શાલિન અને સંસ્કારી’ દીકરાએ ભાઈબંધી ન જ રાખવાની હોય. બંને પક્ષોને માટે એમણે પ્રયોજેલાં, ખાસ કરીને મારે માટે પ્રયોજેલાં વિશેષણો બાબતે એ બહુ મોહક ભ્રમમાં હતા એવું એમને સમજાવવું કપરું હતું. છેવટે એ સ્થિતી આવી કે હું દયામણે ચહેરે મારા ઘરને દરવાજે કે બારીએ ઉભો ઉભો શેરીમા રમતા છોકરાઓને જોતો હોઉં તો પણ સામેથી સાવરણીનાં ગાન ચાલુ થઈ જતાં.

ખેર, આ પરિસ્થિતી લાંબી ચાલતાં મારી તો ઠીક, માની પણ ધીરજ ખૂટી ગઈ અને એક દિવસ એણે બાપુજી પાસે મારા વકિલનો પાઠ બહુ અસરકારક રીતે ભજવ્યો. પરિણામે એણે અને બાપુજીએ અમારે ઘરે સુલેહમંત્રણા યોજવાનું આયોજન કર્યું. અમારી શેરીમાં રહેતા અને આસપાસના વિસ્તારના છોકરાઓ માટે અમારે ઘરે ચેવડો-પેંડાની ‘પાલ્ટી’ યોજાઈ. બધા જ આમંત્રિતોએ એમાં ઉલટભેર ભાગ લીધો. મારાં મા-બાપે, ખાસ કરીને મારા બાપુજીએ તો એ હતા એના કરતાં પણ વધુ પ્રેમાળ વ્યવહાર વડે સૌને નાસ્તો (અને આનંદ) કરાવ્યો. છેવટે વિદાય સમયે એમણે બાળકોએ હળીમળીને રમવું જોઈએ અને કોઈને ખીજવીને રાજી ન થવું જોઈએ એ વિષય ઉપર મનનીય વ્યાખ્યાન પણ આપવાનો પ્રયત્ન કર્યો. પછી એનો પ્રભાવ ન્હોતો પડતો એવું સમજાતાં એમણે ઝડપથી સંકેલો કરતાં ઉપસંહારમાં કહ્યું, “જુઓ, પીયૂષનું નામ ‘પીયૂષ’ છે પણ તમે બધા ‘પીરુસ’ બોલો છો ઈ વ્યાજબી કહેવાય?” આ પ્રશ્નના જવાબમાં નજીકના ભૂતકાળમાં જ પેટમાં ગયેલા ચેવડો-પેંડાના પ્રભાવમાં સર્વાનુમતે નકાર આવ્યો. આથી પ્રોત્સાહિત થઈને એમણે વધારે પ્રેમાળ અંદાજમાં બીજો સવાલ કર્યો, “તો પછી હવેથી તમે બધા પીયૂષને શું કહીને બોલાવશો?” જવાબમાં રફીક બોલ્યો, “ફીયુસ!” અત્યંત શીઘ્ર કલ્પન વડે સજ્જ એવો છોટીયો એ જ ક્ષણે બોલ્યો, “ફીયુસ તો ઉડી જાય!” એ સમયે અમારી શેરીનાં મોટા ભાગનાં ઘરોમાં વીજળીનું જોડાણ હતું. ઘરના વીજજોડાણના કેન્દ્રસ્થાને ‘ફ્યુઝ’ નામની પાતળા તાર વડે બાંધેલી સાદી રચના રહેતી. ગઢડામાં એને ‘ફીયુસ’ તરીકે ઉલ્લેખવા માટે સર્વસંમતિ સધાઈ હશે એવું અત્યારે એ યાદ આવે ત્યારે મને લાગે છે. વીજપ્રવાહનો લોડ જો વધી જાય તો તે ફ્યુઝનો તાર પીગળી જતાં ઘરમાંથી પાવર જતો રહે, પણ કોઈ જોખમ ઉભું ન થાય. એ તાર પીગળી જવાની ઘટના ‘ફ્યુઝ ઉડી જવો’ તરીકે ઓળખાતી. બસ, મારા ઘરમાં યોજાયેલી એ શાંતિસભાનું વિસર્જન મારા નવા નામાભિધાન – ફીયુસ – સાથે અને નવી ખીજ – ફીયુસ ઉડી જાય- સાથે થયું. પણ, અગાઉના અનુભવે ઘડાઈ ગયેલાં અમે કુટુંબીઓએ આ બાબતને અમારા ગઢડાનિવાસના એક અભિન્ન તેમ જ અનિવાર્ય અંગ તરીકે સ્વીકારી લીધી અને પછી ગઢડાનિવાસના બાકીના અરસામાં ફીયુસીયાએ ભાઈબંદું હાર્યે રમી, ખાઈ, તોફાનો અને જલ્સા-પાલ્ટી કર્યાં.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

2 comments for “ગુજરે હૈ હમ કહાં કહાંસે – (૩) ચાલો, ચાલો, સાવરણી લ્યો

  1. Samir
    May 24, 2019 at 1:33 pm

    ખુબ સુંદર ! દરેક વાંચક ને પોતાના બાળપણ ના અમુલ્ય દિવસો ની યાદ આવતી હશે.
    પછીના હપ્તાઓ ની રાહ જોવાશે !

  2. May 25, 2019 at 2:42 am

    રમુજી વાત, પણ નાની ઉંમરે બહુ અસરકારક ઘટનાઓ જે રડાવી જાય..સરયૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *