





જ્વલંત નાયક
બદલાતી ઋતુઓને કારણે આપણા શરીર ઉપર જે બાહ્ય અસરો થાય છે એના વિષે આપણને માહિતી હોય છે, પરંતુ એની પાછળના બાયોલોજીકલ કારણો વિષે આપણે ભાગ્યેજ કહી માહિતી ધરાવીએ છીએ. ખાસ કરીને ઉનાળા જેવી ઋતુમાં તો શરીર પર થતી આંતરિક અસરો અને જોખમો વિષે માહિતી મેળવી જ લેવી જોઈએ.
મનુષ્યનું શરીર સામાન્ય સંજોગોમાં ૩૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ હોય છે. આમાં કુદરતી કે વ્યક્તિગત કારણોસર નજીવો તફાવત હોઈ શકે છે. દાખલા તરીકે તમે દિવસના કયા સમયે શરીરનું તાપમાન માપો છો એ અગત્યનું છે. ધોમધખતા તાપમાં શરીર તપ્યું હોય તો આંતરિક તાપમાન સામાન્યથી વધુ હોઈ શકે છે. એ સિવાય શારીરિક શ્રમ (ફિઝીકલ વર્કઆઉટ) કર્યું હોય અથવા ક્રોધ, જાતીયતા વગેરે પ્રકારની કોઈક લાગણીથી દોરવાઈને ‘ઈમોશનલ’ સ્ટેટમાં પહોંચી ગયા હોવ, ત્યારે પણ શરીરનું તાપમાન વધે છે. જો કે આ તમામ બાબતો દરમિયાન ૩૭ ડિગ્રી સેલ્સિયસના કુદરતી શારીરિક તાપમાનમાં ભાગ્યે જ એકાદ ડિગ્રીથી વધુ વધારો થાય છે. પરંતુ તાવ આવ્યો હોય ત્યારે અને વાતાવરણમાં પુષ્કળ ગરમી હોય ત્યારે તમારા શારીરિક તાપમાનમાં થતો વધારો ૧ ડિગ્રી કરતાં વધુ હોય છે. જ્યારે ઉનાળો ધોમધખતો હોય ત્યારે શરીરની આંતરિક ગરમી કઈ રીતે ‘મેનેજ’ થતી હોય છે?!
શરીરની આંતરિક પ્રક્રિયાઓ જેવી કે આંતરિક અવયવોમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓ, હોર્મોન એક્ટીવીટી, પાચનક્રિયા વગેરેને કારણે શરીરમાં જે તાપમાન ઉત્પન્ન થાય છે, એ ‘મેટાબોલિક હીટ’ તરીકે ઓળખાય છે. (મૃત્યુ બાદ શરીરના અંગોની આંતરિક પ્રક્રિયાઓ બંધ થઇ જવાથી મેટાબોલિક હીટ પેદા થતી નથી. પરિણામે મૃત્યુ પામેલ માનવીનું શબ હંમેશા ઠંડું હોય છે.) ઉનાળામાં વાતાવરણનું તાપમાન વધે, ત્યારે શરીરનું તાપમાન પણ વધે છે. આથી બોડીનું ઇન્ટરનલ થાર્મોસ્ટેટ લોહીના પ્રવાહને બાહ્યઆવરણ-એટલે કે ત્વચા તરફ ધકેલે છે. આણે કારણે ત્વચામાંથી પરસેવો છૂટે છે. પરસેવો છૂટવાને કારણે શરીર વધારાની ગરમી પરસેવા વાટે ગુમાવે છે. આમ વાતાવરણમાં વધેલી ગરમીને કારણે શરીર જે ‘હીટ ગેઇન’ કરે, એને બેલેન્સ કરવા માટે આપણું શરીર પરસેવા વાટે વધારાની ગરમી મુક્ત કરીને ‘હીટ લોસ’ કરે છે અને એ રીતે શરીરનું તાપમાન જાળવી રાખે છે. આ ક્રિયાને બાયોસાયન્સની ભાષામાં ‘થર્મોરેગ્યુલેશન’ કહે છે. પરંતુ કેટલીક વાર વાતાવરણમાં ભયંકર હીટ વેવ હોય ત્યારે શરીરમાં કુદરતી રીતે થતાં ‘હીટ લોસ’ કરતાં ‘હીટ ગેઇન’નું પ્રમાણ વધી જાય છે. આવી પરિસ્થિતિને ‘હાઈપરથર્મિયા’ અથવા ‘હીટ સ્ટ્રેસ’ તરીકે ઓળખવામાં આવે છે. અને આ હીટ સ્ટ્રેસ તમારો જીવ પણ લઇ શકે છે!
હીટ સ્ટ્રેસને કારણે રક્તવાહિનીઓ ફૂલી જાય છે, ચામડી શુષ્ક થઇ જાય છે તેમજ ઉલટી-ઉબકા અને માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. કેટલીક વાર વ્યક્તિ બેહોશ પણ થઇ જાય છે. જો તાત્કાલિક સારવાર ન મળે તો આંતરિક અવયવોને ગંભીર નુકસાન પહોંચે છે અને મૃત્યુ સુધ્ધાં થઇ શકે છે.
સૂર્યના સીધા કિરણોનો વધુ પડતો માર ચામડી માટે પણ ભારે નુકસાનકર્તા છે. એનાથી કેન્સર જેવી ગંભીર બિમારી પણ થઇ શકે છે! શિયાળામાં થતાં ‘સનબાથ’ અને હીટવેવને કારણે થતાં ‘સનબર્ન’ વચ્ચે ‘ગરમ કરવું’ અને ‘બાળી મૂકવું’ જેટલો લાંબોચોડો તફાવત છે. સૂરજના તડકામાં તપેલી ચામડી ઘેરા રંગની થાય એ ‘સનબાથ’ (સૂર્યસ્નાન) છે. જ્યારે ‘સનબર્ન’ એ સૂર્યના અલ્ટ્રા વાયોલેટ (યુવી) કિરણોને કારણે ચામડીને પહોંચેલું નુકસાન છે! જ્યારે આપણી ચામડી પ્રખર સૂર્યપ્રકાશમાં તપે છે ત્યારે, સૂર્યના યુવી કિરણો સીધા ‘ડીએનએ’ પર આક્રમણ કરે છે. આથી સ્વાભાવિક પ્રતિક્રિયારૂપે શરીરની ચામડી ‘મેલાનોજેનેસીસ’ નામની આંતર્કોષીય પ્રક્રિયા દ્વારા, ‘મેલેનોસાઈટ્સ’ નામના કોષોની મદદથી, ખાસ પ્રકારનું કુદરતી રંજક દ્રવ્ય ઉત્પન્ન કરે છે. આ રંજકદ્રવ્ય એટલે ‘મેલેનીન’. મેલેનીન ચામડીની પ્રતિરોધકતા વધારે છે, ઉપરાંત તે ચામડીના ઘેરા રંગ માટે પણ જવાબદાર હોય છે. વ્યક્તિમાં જેમ મેલેનીનનું પ્રમાણ વધુ, એમ ચામડીનો રંગ વધુ કાળો!
મેલેનીન કુદરતી રીતે ‘ફોટોપ્રોટેક્ટન્ટ’ છે. અર્થાત્, તે સૂર્યના કિરણો પૈકીના અલ્ટ્રા વાયોલેટ તરંગલંબાઇ ધરાવતા કિરણોને શોષી લે છે. પરંતુ કોઈક કારણોસર, કોઈના શરીરમાં પૂરતું મેલેનીન ન બને તો વધુ પડતી ગરમીને કારણે એના ડીએનએને ગંભીર નુકસાન પહોંચી શકે છે. યાદ કરો, વિશ્વવિખ્યાત પોપસ્ટાર માઈકલ જેક્સન! જન્મે ‘નીગ્રો’ હોવાં છતાં યુવાનીના થોડા વર્ષો બાદ માઈકલ જેક્સનનું આખું શરીર ધોળું થઇ ગયેલું, જાણે એ જન્મજાત ગોરો હોય એ રીતનું! આવું થવા પાછળનું મુખ્ય કારણ એ જ હતું કે માઈકલ જેક્સનનું શરીર, જરૂરી મેલેનીન બનાવી શકતું નહોતું!
સૂર્યમાંથી ફેંકાતા હાનિકારક યુવી કિરણો ‘UV-B rays’ તરીકે ઓળખાય છે, જે ચામડીને બાળે છે. ઉપરાંત તેઓ બે પ્રકારના સ્કીન કેન્સર માટે જવાબદાર છે, બેસલ-સેલ કેર્સીનોમા – BCC અને સ્ક્વેમાસ-સેલ કેર્સીનોમા – SCC અથવા SqCC. (જે લોકો રંગે ગોરા છે, એમનામાં મેલેનીન સ્વાભાવિકપણે ઓછું હોય. ઉપર જણાવેલા બંને પ્રકારના કેન્સરનો ભોગ પણ મુખ્યત્વે ગોરા લોકો જ બને છે!)
આટલું વાંચ્યા પછી ઉનાળો કેવો જીવલેણ નીવડી શકે એનો ખ્યાલ તો આવી જ ગયો હશે. જો કે એનાથી બચવાનો ઉપાય બહુ આસાન છે. બને એટલું પાણી પીઓ, જેથી શરીર હમેશા વેલ-હાઈડ્રેટ રહે અને ગરમીના નિયંત્રણ માટે વધુ પરસેવો છોડી શકે. જો કે પર્યાવરણમાં ચેડા કરી કરીને આપણે પાણીના કુદરતી સ્રોતોનો ય સોથ વાળી રહ્યા છીએ, એ જુદી ચિંતાનો વિષય છે.
શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.