ફિર દેખો યારોં : મંટોનો કરીમદાદ યાદ આવવાનું કારણ શું?

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

ખ્યાતનામ ઊર્દૂ વાર્તાકાર સઆદત હસન મંટોની એક વાર્તા ‘યઝીદ’ નામે છે. વિભાજન પછીના સમયગાળાની આ વાર્તા આમ સીધીસાદી છે. તેમાં કેન્‍દ્રસ્થાને વાત માનસિકતાની છે. કરીમદાદ નામનો એક સામાન્ય માણસ તેનો કથાનાયક છે, જે પોતાના પિતાને તેમ જ મિલકતને ગુમાવી ચૂક્યો છે. તેના ગામના લોકોની સ્થિતિ પણ કરીમદાદથી અલગ નથી. ‘એ લોકો નદીનું વહેણ પોતાની બાજુ વાળી દેશે’, ‘આપણી જમીનને ઉજ્જડ કરી મૂકશે’- પ્રકારની અફવાઓનું બજાર ગરમ હોય છે. આતંકિત થયેલા ગ્રામજનો આવી અફવાઓ સાંભળીને ‘દુશ્મન’ને બરાબર ગાળો ભાંડે છે. એવે વખતે કરીમદાદ એક જણને અટકાવીને કહે છે, ‘ગાળ ત્યારે જ ભાંડવામાં આવે છે, જ્યારે આપણી પાસે કોઈ જવાબ ન હોય.’ સીધીસાદી સમજણવાળો કરીમદાદ એક સામાન્ય માણસ છે. તે કહે છે, ‘દુશ્મન પાસેથી દયાધરમની આશા રાખવી નરી બેવકૂફી છે. એક વાર યુદ્ધ શરૂ થઈ જાય પછી આપણે રોદણાં રડતા રહીએ કે દુશ્મન મોટી રાયફલ વાપરે છે, આપણે નાના બૉમ્બ ફેંકીએ છીએ, પણ એ મોટા બૉમ્બ ફેંકે છે…ઈમાનથી કહો કે આવી ફરિયાદને કંઈ ફરિયાદ કહેવાય?’ કરીમદાદની સમજ કંઈ અસમાન્ય નથી, તેને તર્કવિતર્ક આવડતા નથી. સાદી સમજણ વડે તે જણાવે છે, ‘કોઈને આપણે દુશ્મન ગણી લઈએ ત્યાર પછી એ ફરિયાદનો શો અર્થ કે એ આપણને ભૂખેતરસે મારવા માંગે છે. એ તમને ભૂખેતરસે નહીં મારે, તમારી જમીનને ઉજ્જડ નહીં બનાવી દે, તો બીજું કરશે શું? તમારા માટે એ પુલાવના દેગડા અને શરબતના માટલાં મોકલવાનો છે? તમારા હરવાફરવા માટે બાગબગીચા બનાવવાનો છે?’ વાર્તામાં બીજી પણ એક ઘટના છે, પણ અહીં આટલી વાત પૂરતી છે.

આ આખી વાર્તા યાદ કરવાનું અને અહીં ટાંકવાનું સકારણ છે. લોકસભાના વર્તમાન ચૂંટણીપ્રચાર દરમ્યાન, અને ખરેખર તો એ પહેલાંથી આપણા વર્તમાન વડાપ્રધાન નહેરુ વંશની પાછળ પડી ગયા છે. નહેરુના શાસનકાળની ભૂલોને વર્તમાનમાં કશા સંદર્ભ વિના લોકો સમક્ષ મૂકીને તેની હાંસી ઉડાવવી, ત્યાર પછી વડાપ્રધાન રાજીવ ગાંધીના શાસનકાળની એવી વાતને વર્તમાનમાં મૂકવી કે જેના બદલ જે તે સમયે પણ રાજીવ ગાંધીની પૂરતી ટીકાઓ થઈ ચૂકી હોય, રાહુલ ગાંધી અને તેમના પક્ષે પોતાને અમુકતમુક પ્રકારની ગાળોથી નવાજ્યા હોવાનો ઉલ્લેખ કરવો અને આવી અનેક હરકતો. ખરેખર તો દેશના નાગરિક તરીકે કોઈ પણ વ્યક્તિને ફિકર થાય એવી સ્થિતિ એ છે કે દેશની આટઆટલી અને નજરે દેખાતી સળગતી સમસ્યાઓ છતાં ચૂંટણીમાં તેના ઉકેલ તરફના પગલાંનો કોઈ ઉલ્લેખ જ નથી. તેને બદલે ઉપર જણાવ્યા એવાં બાલિશ કારણોને આગળ ધરીને મત માંગવામાં આવે છે. વર્તમાન વડાપ્રધાનની આવી ચેષ્ટાઓ ‘યઝીદ’ વાર્તાનાં અન્ય પાત્રોની યાદ અપાવે છે. કરીમદાદની જેમ તેમને કહેવાનું મન થાય છે કે- નહેરુ અને તેમના વંશે આ દેશનું અહિત જ કર્યું છે એમ તમે માનો છો તો ભલે, તમને એ અધિકાર છે. તમે એમને ‘દુશ્મન’ માની લીધા છે, તો તેમણે કશું સારું કામ કર્યું હોય એ શક્ય નથી, આમ તમે માનો છો. ઠીક છે, તમને એમ માનવાનો અધિકાર છે. હવે આ બધું એક જ વાર ધારી લઈને તેને બાજુએ મૂકી દઈએ તો તેમણે પોતે આ પાંચ વર્ષમાં શું શું કર્યું, અને આગામી પાંચ વર્ષમાં નહેરુ શાસનમાં થયેલી ભૂલોને બહાર લાવવા સિવાયનો તેમનો શો કાર્યક્રમ છે એ તેમણે જણાવવું રહ્યું. તેઓ ન જણાવે તો આપણે એ પૂછવું રહ્યું.

નાગરિક તરીકેની આપણી વિટંબણાનો પાર નથી. શાસક પક્ષના વડાની જેમ વિપક્ષના વડા પાસે પણ કોઈ નક્કર વાત નથી. શાસક પક્ષના નિવેદનોની સામે તેઓ પ્રતિનિવેદનો રજૂ કરે, ભેખડે પણ ભરાય, માફી માંગે, પણ દેશની સમસ્યાઓના ઊકેલ તરફનું કોઈ નક્કર પગલું ન જોવા મળે ત્યારે નાગરિક હોવાની વ્યર્થતા સમજાય. આમ પણ જે શાસનમાં અપપ્રચારનું સરકારનું કામ નાગરિકો પોતાના શિરે લઈ લે અને ફરજની જેમ તેને નિભાવવાનો પ્રયત્ન કરે ત્યારે અન્ય ક્ષેત્રે તો ઠીક, પણ ચશ્મા પહેરાવવાના ક્ષેત્રે સરકાર સફળ રહી છે, એમ અવશ્ય કહી શકાય.

ઘણા પ્રબુદ્ધ નાગરિકો એવી પણ મૂંઝવણ વ્યક્ત કરે છે કે વિકલ્પનો અભાવ હોય ત્યાં શું કરવું? મત આપવો તો પણ કોને આપવો? ખરેખર તો, લોકશાહીમાં વિકલ્પની ખોજ એ નાગરિકઘડતરની સતત ચાલુ રાખવાની પ્રક્રિયા છે. કોઈ પણ વ્યક્તિ લોકશાહીનો વિકલ્પ બની જાય એ ચાલે નહીં. પણ વક્રતા એ છે કે દેશ સ્વતંત્ર થયો ત્યારથી લઈને છેક આજ ભારતીય મતદાતા હંમેશાં ‘લોકશાહીના વિકલ્પ’ની તલાશમાં જ રહ્યો છે. નાગરિક તરીકેની પોતાની જવાબદારીઓ આવા વલણને કારણે આસાનીથી ભૂલાવી દઈ શકાય છે. શાસકમાં ઉદ્ધારકના દર્શન કરી લઈએ એટલે પત્યું. પછી આપણે બીજું કંઈ પણ કરવાની ક્યાં જરૂર રહી? નાગરિકોના આવા મનોવલણનો લાભ લેવાનું ચૂંટણીનો કયો ઉમેદવાર ચૂકે?

લેખના આરંભે ટાંકેલી વાર્તાના નાયક કરીમદાદ જેવી સીધીસાદી સમજણ પણ આપણે કેળવવા માંગતા નથી. આનું પરિણામ એ આવે છે કે શાસકો ભલે યુગેયુગે બદલાતા રહે, શાસક પક્ષનું નામ પણ બદલાતું રહે, છતાં નાગરિકોની નિયતિમાં ખાસ ફરક પડતો નથી. આ બાબત નિરાશાયુક્ત હકીકત નથી, પણ જોવાજાણવા ઈચ્છે તેના માટે આત્મદર્શનયુક્ત સચ્ચાઈ છે. નિરાશ થયે પાર આવે એમ નથી. લાંબા સમય સુધી અસર ટકાવતી પ્રચારપ્રયુક્તિઓની આવરદા હવે ઘટી રહી છે. એક તિકડમથી કામ થઈ જતું નથી. હવે તિકડમ પર તિકડમ ચલાવવાં પડે છે. નાગરિકોની યાદશક્તિ ટૂંકી છે, તેમ પ્રભાવિત થવાની તેમની શક્તિ પણ ઘટી રહી છે એ જણાઈ આવે. આ બાબતને નાગરિક ઘડતર માટેની અનુકૂળ પરિસ્થિતિ પણ ગણી શકાય. ‘વિચારવંત લોકોનાં ટોળાં નથી હોતાં’ એવું આશ્વાસન લઈને બેસી રહેવાને બદલે, મર્યાદિત અને મૂળભૂત મુદ્દા પૂરતું વર્તુળ બને એટલું વિસ્તારી શકાય. મૂળભૂત અને લઘુત્તમ મૂલ્યો—ખાસ તો, શું ન જ ચલાવી લેવાય, એ નક્કી કરીને તેના આધારે દબાણજૂથ ઊભાં કરવાની દિશામાં કોશિશ કરવી જરૂરી છે. આવાં જૂથ કોઈ રાજકીય પક્ષનાં ખંડિયાં ન હોય, પણ આંખમાં આંખ નાખીને, નાગરિકની ભૂમિકાએથી બધા પક્ષોને-બધા નેતાઓને અઘરા સવાલ પૂછી શકે.

આ માર્ગ લાંબો, ઝટ પરિણામ ન દેખાડનારો છે, પણ પોતપોતાના સ્થળેથી તેનો આરંભ થાય તો ઊત્તમ.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬-૫-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

3 comments for “ફિર દેખો યારોં : મંટોનો કરીમદાદ યાદ આવવાનું કારણ શું?

 1. Bhagwan thavrani
  May 23, 2019 at 8:50 am

  આવા કપરા કાળમાં મંટો અને એમની સદા પ્રસ્તૂત વાર્તાને યાદ કરવા બદલ ધન્યવાદ ! જે જોઈ રહ્યા છીએ એ સંદર્ભે વર્ષો પહેલાં વાંચેલો એક શેર યાદ આવે છે :

  એટલું સમજાય છે બસ આ બધું જોયા પછી
  કે તમે ખાટી ગયા છો ચક્ષુઓ ખોયા પછી ..

  તમારી વ્યથા દરેક દ્રષ્ટિકોણથી સાચી છે અને તમે સૂચવેલો ઈલાજ પણ !

 2. નિરંજન બુચ
  May 24, 2019 at 6:10 am

  આ ચૂંટણી મા કાદવ ઉછાળવા સિવાય કાઇ કામ નથી થયું . કોઇ ભવિષ્ય ની યોજના નહિ , કોઇ ભૂલ નો સ્વીકાર નહિ , ભૂલ તો સર્વે ની થાય તો શું આ 5 વર્ષ મા કોઇ ભૂલ થઇ જ નથી ?

  શું આપણા આ સંસ્કાર છે , રાજકારણ ખુબ જ નીચું ગયું છે એ દુખ ની વાત છે

 3. May 27, 2019 at 6:46 pm

  પ્રતિભાવ બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *