વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી – શાકીરા રફીક઼ શેખ – જો હમને દાસ્તાં અપની સુનાઈ : સિલિકોસિસની પીડાની દાસ્તાન

જગદીશ પટેલ

શાકીરાબેન(૪૦) સાથે બેસીને મેં તેમના જીવન વીષે જાણવા વાતની શરૂઆત કરી. તેમના રફીકભાઈ સાથેના લગ્નજીવનની વાત શરુ કરી તેની સાથે જ શાકીરાબેન રડી પડયા અને કહેવા લાગ્યા કે બેન તે દીવસો હું આમ તો ભુલી નથી શકતી. પરંતુ બાળકોને મોટા કરવાના છે તેથી ભુલી ગઈ હતી. તમે મને આજે કયાં એ વાત કરાવી ! હવે અઠવાડીયા સુધી એ વાત યાદ આવશે અને મારું માથું ચઢી જશે. મેં તેમને સાંત્વના આપી અને કહયું કે તમે ખોટું ન લગાડશો. હું તમને રડાવી તમને હેરાન નથી કરવા માગતી, પરંતુ તમારી અને તમારા બાળકોને પડેલી મુશ્કેલી હું જાણવા માગું છું. તેથી તમને તમારા ભુતકાળની અંધારી ગલીઓમાં લઇ જાઉં છું. માફ કરજો. શાકીરાબેને કહ્યું, “વાંધો નહી, હું તૈયાર છું.”

શાકીરાબેન પાંચ ધોરણ સુધી ભણેલા. ભણવામાં મન લાગતું નહીં, તેથી નિશાળ છોડી દીધી. ૪ વર્ષ પછી અકીક ખાંડવાનું કામ શરૂ કરેલું. ઘરમાં શ્વાસની બીમારીને કારણે મમ્મીથી કામ ન થાય તેથી ઘરકામમાં મદદ પણ કરતાં. શાકીરાબેન ઘરના આંગણામાં બેસીને કામ કરતાં. સામેના ઘરમાં રહેતા રફીકભાઈ ઝવેરાતનું કામ પોતાના ઘરના આંગણામાં બેસીને કરતા. રફીકભાઈને ઘરમાં માતા—પીતા, બે નાના ભાઈ તથા એક બહેન હતા. ઘરમાં અકીક ઘસવાનો એક બાંકડો ચાલતો અને બીજો ઝવેરાતનો. રફીકભાઈ, તેમના એક ભાઈ તથા માતા ઝવેરાતનું કામ કરતા. અકીકના બાંકડા પર પીતાની સાથે બહારના કારીગર બેસાડતા.

શકીરાબેન અને રફીકભાઈ બંને એકબીજાથી દુર, પરંતુ એકબીજાને જોઈ શકે તેવી રીતે સામસામે બેસતા અને કામ કરતા. તેમાં તેમની આંખ મળી ગઇ. બંને વચ્ચે પ્રેમનાં અંકુર ફુટયાં. રફીકભાઇના ઘરના સભ્યોનો સ્વભાવ ગરમ હતો. વાતવાતમાં બીજાની સાથે ઝઘડો કરતા, તેથી શકીરાબેનના પીયરના લોકોને શકીરાબેનના પ્રેમસંબંધની વાત ગમી નહીં. તેથી તેમના ભાઈએ જણાવ્યું કે તું જયાં છું ત્યાંથી અટકી જા તો સારું, કારણ કે રફીક તારા લાયક છોકરો નથી અને ઘરના સભ્યો પણ સારા નથી. પરંતુ પ્રેમ આંધળો હોય છે કાં ગાંડો હોય છે. શાકીરાબેન કોઈનું કશુ જ સાંભળવા તૈયાર ન હતા. તેમણે પરિવારમાં જણાવી દીધું કે ગમે તે થાય, રફીક ગમે તેવો હોય પરંતુ હું તો તેની સાથે જ લગ્ન કરીશ. દીકરીની જીદ સામે ઘરના સભ્યો હારી ગયા અને લગ્ન કરવાની સંમતિ આપી. જો કે, કુટુંબે તેને ચેતવણી આપતાં જણાવી દીધું ખરું કે, “તારી મરજી છે તેથી હા પાડી છે. પરંતુ ત્યાં ગયા પછી કંઈ તકલીફ થાય તો અમને કહેતી નહીં.” રફીકભાઈ સાથે લગ્ન થયા તે તારીખ તો યાદ નથી પરંતુ ૧૯૯૩ના ફેબ્રુઆરીમાં થયેલા તેટલું યાદ છે. લગ્નના છ મહીના સુધી બધું જ બરાબર ચાલ્યું. તેઓ સગર્ભા હતાં તે અરસામાં રફીકભાઈના ઝવેરાતના ધંધામાં થોડી મંદી આવી. સંયુકત કુટુંબમાં રહેતા રફીકભાઈ જુગાર રમતા હતા. તેથી ઘરમાં ઓછા પૈસા આપતા. તેથી ઘરના બીજા સભ્યોએ રફીકભાઈને સંભળાવવાનું શરુ કરેલું કે, “તારું અને તારી ઔરતનું તો પેટ અમે ભરીએ છીએ, હવે તારા બાળકનું પણ અમારે વેઠવાનું થશે.” પરંતુ રફીકભાઈ પર તેની કોઈ જ અસર થતી નહીં. તેઓ તો દિવસે ને દિવસે વધારે બગડવા લાગ્યા. કામ પર બેસે નહીં. છાનામાના અકીક ઘસવા જાય અને ત્યાંથી ૧૦૦ રૂપીયાની રોકડી મારી લાવે અને જુગાર રમી આવે. પોતાનો ભુતકાળ ઉલેચતાં શકીરાબેને કહ્યું, “તે દીવસે, બેન, તમને શું વાત કરું ! મને રફીકે એટલી બધી મારેલી કે ન પુછો વાત. હું તેના બાળકની મા બનવાની હતી છતાં પણ તેને મારી કોઈ જ ચિંતા ન હતી. ફારૂકભાઈને ત્યાં રોકડી કરી જુગાર રમી ખાય અને દારૂ પી જાય. ત્યાર બાદ એક—દોઢ વર્ષ ગુલામભાઇ દહેગામવાળાના અકીકના કારખાને ઘસવા રહયા. રોકડા કમાઇ લાવે તેમાંથી ૨૦ થી ૨૫ રૂપીયા આપે અને બીજા દારૂ— જુગારમાં વાપરી નાખે. ત્યારબાદ છગનભાઈ ભીલના કારખાને ઘસવા બેઠા. અને પછી તો બેન, તમને શું કહું ! બપોરે ઘરે જમવા આવવાનું પણ બંધ કરી દીધું. મારા પર તો જાણે એટલો બધો જુલમ કરવા લાગેલો કે કેમ જાણે મને પૈસા આપીને ખરીદી લાવ્યો હોય. મને ઢોરની જેમ મારે, મારે, મારે કંઈ! મારા બધા જ સપનાં તેણે ધોઈ નાખ્યા હતા. પાંચ રૂપીયાની બંગડી પણ મારા માટે લાવતો ન હતો. વાત વાતમાં માર મારતો છતાં મારાથી તેની સામે બીલકુલ બોલાતું ન હતું. ઘરના સભ્યો — સાસુ—સસરા,દીયર બધા જ સારા હતા. તેઓ મને રફીકના મારમાંથી છોડાવતા અને તેને વઢતા પણ ખરા કે,“આવું શા માટે કરે છે ? ઘરમાં પૈસો નથી આપતો અને ઉપરથી પીને ઝઘડા કરીને તારી બૈરીને તું મારે છે! મારી સાસુ રફીકને કહેતા કે આવો મારા પેટે કયાંથી જન્મ્યો છે. પિયરમાં કોઈને પણ જાણ ન કરતી કે રફીક મારે છે. કારણ કે પિયરમાંથી લગ્ન સમયે ઘરના બધા સભ્યોએ ચોખ્ખા શબ્દોમાં કહેલું કે લગ્ન પછી અમને કંઈ કહેતી નહીં. જે ભોગવવાનું આવે તે તું ભોગવજે. તે શબ્દો યાદ આવતા અને હું રડી પડતી. કેવી રીતે ભાઈને જણાવું કે મારે આવી તકલીફ છે. જોતજોતામાં પાંચ વર્ષમાં તો બે છોકરાની મા બની ગઈ. પછી તો એવું જ લાગ્યું કે હવે તો જીંદગી બરબાદ થઈ ગઈ. જે થાય તે ભોગવી લઈશ પરંતુ પિયરમાં તો નહીં જ જાઉં તેમ પણ નક્કી કરી લીધું. એ છગનના કારખાને જાય અને સાંજે પાછો આવે. હું ઘરના બધા જ સભ્યોનું કામ કરતી. સસરા, મારા બે નાના બાળકો અને મારું, એમ ત્રણ જણાનું પુરું કરવું પડતું. તેથી સાસુ આખો દીવસ મેણાં મારે અને ખાવાનું પણ ન રાખે. કેટલીક વખત ભુખી પણ સુઈ જતી. રફીક ઘરે આવીને મને કંઈ જ પુછે નહી. જયારે તેને મારી જરૂર હોય ત્યારે જબરજસ્તી તેની સાથે સુવડાવે. તેમાં પણ મારી મરજી ન હોય તો મારાથી ના ન કહી શકાય, કારણ કે મને તરત જ મોંમા ડુચા ઘાલીને મારે. તેનું કામ પત્યા પછી મને ઉભી કરી દે અને તેના પગ દબાવડાવે. જો મને ઝોકું આવી જાય તો મને તરત લાત મારે. દરરોજ મારે જે નિશ્ચિતપણે ખાવાનું હતું તે તો તેનો માર જ હતો. બાળકો ખુબ નાના તેથી બાપના આ વર્તનથી ડરી ગયેલા. વહેમીલો પણ ખુબ જ હતો. કોઈ મરદની સાથે વાત ન થાય. આટલો બધો ખરાબ હશે તેની મને કલ્પના પણ ન હતી. ઘરના બધા જ ખરાબ છે તેમ હતું પરંતુ તેનાથી ઉલટું થયું કે રફીક ખરાબ નીકળ્યો અને ઘરના બધા સારા હતા. એક દીવસ પિયરમાં લગ્નમાં ગઇ હતી ત્યાં નણદોઈ સાથે વાતવાતમાં બોલી ગઇ કે રફીકને મેં ધારેલો તેટલો સારો ના નીકળ્યો. હવે મારે શું કરવાનું ? જીવાય તેટલી જીંદગી જીવી લેવાની બીજું શું! આ વાત કરતાં રફીક મને જોઈ ગયો અને મને હાથ પકડીને ઘરમાં લઈ જઈને એટલી બધી મારી કે મને દાંતમાંથી લોહી નીકળવા લાગ્યું. ગાલ પર કાળા ડાઘ થઈ ગયા. તેવામાં મારા ભાઈને ખબર પડી અને દોડતો આવ્યો અને કહયું કે નીચ, આટલું બધું મારે છે ! મને ઉભી કરીને કહયું કે તું આટલું બધું સહન કરે છે અને અમને જણાવતી પણ નથી ? હજુ તારો ભાઈ તારા માટે બેઠો છે. એમ કહીને મને અને બાળકોને પિયરમાં લઇ આવ્યો. ૧ કલાક પછી રફીક દારૂ પીને પીયરમાં આવી ગાળો બોલવા લાગ્યો. તેથી હું બહાર આવીને બોલી કે તારો ત્રાસ સહન નહી કરું. તેથી તેણે બહાર પાટીયું પડેલું તે લઈને મારા માથામાં માર્યું. મને ખુન નીકળવા લાગ્યું તે જોઈને નાસી ગયો. મારો ભાઈ મને પાટો બંધાવવા દવાખાને લઈ ગયો. માથામાં ચાર ટાંકા આવ્યા. તેથી મેં પોલીસ સ્ટેશનમાં જઈને ફરીયાદ નોંધાવી. પોલીસ આવીને એને પકડી ગઈ. બે દીવસ પછી તેના કોઈ સગા તેને છોડાવી લાવેલા. ત્યાર બાદ ઘરે આવીને માફી માગી ગયો. તેણે એમ પણ કહયું કે હવે પછી કયારેય આવું નહી કરું, હું સુધરી જઈશ. છુટું તો હું કયારેય નહીં કરું તેમ પણ જણાવ્યું. ઘરના વડીલોએ મને સમજાવીને ફરી રફીકના ઘરે મોકલી આપી. તે દિવસથી અમે જુદા રહેવા લાગ્યા. તે મને સાથે લઇ જવા તૈયાર થયો ત્યારે મેં શરત મુકેલી કે હું પણ કંઈ કામ કરીશ અને કમાઇશ. તેણે સંમતિ આપી. હવે જુદા નીકળ્યા તેથી ઘરમાં રોજબરોજની ખરીદી કરવાની થાય અને તે માટે રોકડા જોઇએ. હું પણ અનીશાબેનના કારખાને અકીક ઘસવા બેસી ગઈ અને કામ કરવા લાગી. રફીક હવે થોડો સુધરવા લાગેલો પરંતુ બીમારી શરૂ થઈ. એટલે તેની ચરબી ઓછી થઈ ગઈ. બીમાર થયો તેના અઠવાડીયા સુધી તો ખાનગી દવાખાનેથી દવા લાવેલો પરંતુ સારું થયું નહી. છગનભાઇના કારખાનેથી ઉપાડ લઈલઈને દારૂ અને જુગાર રમી ખાતો. તેથી ત્યાંથી પણ હવે પૈસા મળી શકે તેમ ન હતું. હું આખો દીવસ કામ કરતી અને સાંજે તે પૈસાથી ઘર ઉપરાંત તેની સારવારનો ખર્ચ પણ કાઢતી. ધીરે ધીરે બીમારી વધવા લાગી અને ટી.બીની દવા પણ શરૂ કરાવીને પુરી કરી પરંતુ કંઈ જ સારું ન થયું. બરોડા ગોત્રી હોસ્પીટલમાં પણ લઈ ગઈ. આખો દીવસ બેસું, ઘરનું કંઈ કામ કરું કે બાળકોનું ધ્યાન આપું કે તેની તબીયત સાચવું — મગજ કંઈ જ કામ ન કરતું. શું કરું, કશી જ ખબર પડતી નહી. મેં પણ કોઈની પાસેથી ઉછીના લીધા. કારખાનેથી ૫૦૦૦ ઉપાડ લીધેલા તેમ કરીને ૨૦,૦૦૦/— રૂપીયા બીમારીમાં ખર્ચ કર્યો. પરંતુ સારું ન થયું. હવે તેને ખુબ જ પસ્તાવો થવા લાગેલો અને મારી સામે હાથ જોડી માફી માગતો અને કહેતો કે મેં તને જીવનમાં દુખ જ આપ્યું છે, મને માફ કરજે. તેની સાથે મેં લગ્ન કર્યા ત્યારથી મારે જાણે રડવાનું હોય તેમ પહેલા તેના ત્રાસથી રડતી અને હવે તેની બીમારીનું રડવું આવતું. ગોત્રીમાં મહિનો થવા આવેલો અને રફીક ખલાસ થઈ ગયો. જાન્યુઆરી, ૨૦૦૮.

હવે તેની સાથે હું એકલી. મેં મારી જાતને એટલી બધી સાચવી કે બેન, મારી જાતે ઘરે પતિના અવસાનના સમાચાર આપ્યા અને મારા દુરના ભાઈને તેની રીક્ષા લઇને બોલાવ્યો. કારણ કે મારી પાસે ગાડી કરવાની તાકાત ન હતી. પૈસા ન હતા. રીક્ષામાં મારા ખોળામાં પતિની લાશ લઈને બરોડાથી હું ખંભાત આવેલી. તે સમયે મને રડવાની ખબર નહોતી પડતી કે મારે શું રડવું — તેના કરેલા અત્યાચારને કે મારા છોકરા બાપ ખોઈ બેઠા તેનું ! હું બેબાકળી બની ગયેલી. ઘરે આવીને દિલ ખોલીને રડી ત્યારે બેભાન થઈ ગયેલી. સમાજના રિવાજને લીધે સાડા ચાર મહીના ઘરની બહાર નીકળવાનું નહી. તેથી ઘરમાં ને ઘરમાં એકલી પોતાના જીંદગીમાં જે દુ:ખ ભોગવેલા તેના માટે પશ્વાતાપ કરતી. પહેલાં ભાડેથી અલગ રહેતા. પરંતુ તેના મૃતદેહને લઇને આવી ત્યારે સસરાના ઘરે લઇ ગઇ. તેથી શોકના ચાર મહિના મારે સાસુ— સસરા સાથે જ રહેવું પડેલું. સાસુ મેણાં મારે કે આવી ત્યારથી મારા ઘરમાં શાંતિ નથી. પતિને બગાડી નાખ્યો. ખાવાનું તો ચાર મહીના સુધી ભાઈના ત્યાંથી આવે તેથી તેનું તો કંઈ કહેતા નહી, પરંતુ સંડાસ ભરાઈ જશે એમ કહી સંડાસ વાપરવા ન દે. તેથી અંધારામાં માથે ધાબળો ઓઢીને પીયરમાં શૌચ માટે જતી. બે—ત્રણ દિવસ આવું બન્યું તેથી ભાઈ તથા મમ્મી સમજી ગયા કે આને તેની સાસુ સંડાસમાં જવા નથી દેતી. તેથી ૧૫ દિવસની અંદર ભાઈ આવીને સાસુ સસરાને કહયું કે હવે મારી બેન કોઈનીય ઓશીયાળી નહી થાય તે સમજી લેજો. હજુ તેનો ભાઈ તેના માથે બેઠો છે. બંને છોકરાને અને મને લઈને પીયરમાં લઇ આવ્યો. ત્યારથી અત્યાર સુધી દીયર, દેરાણી, કે સાસુ સસરાના ઘરે હું કયારેય ગઈ નથી. ભાઈ સીલાઈનું કામ કરે છે. ભાભી શમીમબેગમ પણ સીલાઈનું કામ કરે. મમ્મી ઘરકામ કરે છે. છોકરાઓને ભણાવીને કામધંધે લગાડયા છે. હું વ્હોરવાડમાં કામ કરવા જાઉં છું. તેમને ત્યાંથી રૂ.૧૫૦૦/— મળે છે. તેનાથી મારો ખર્ચ કાઢું છું. બીજું ભધું જ ભાઈ પુરું કરે છે. હવે હું બીમાર રહું છું. રફીકે મને મારેલું તેના કારણે શરીર ખલાસ થઈ ગયું છે. મને ખુબ જ પસ્તાવો થાય છે કે મેં જો મારા પિયરવાળાનું કહેલું કર્યું હોત તો મારી આજે આ દશા ન હોત. ભાઈની સાથે રહું છું. પરંતુ કયારેય પણ મને મારા ભાઈએ રડવા નથી દીધી. મને મારા ભાઈ પર ખુબ જ ગર્વ છે કે તેણે મારા બાળકોને મોટા કર્યા અને તેમની સારસંભાળ લીધી.” ૯૩ અને ૯૬માં જન્મેલા બે બાળકો હવે તો યુવાન થઇ ગયા છે.

તેમના આંસુ મારા મનમાં ભરી મેં તેમની વીદાય લીધી. ભારતીય સમાજની ગરીબવર્ગની કેટલી સ્ત્રીઓ આવું જીવન જીવવા મજબુર બને છે તેનો વિચાર કરતાં હું ઘરે પહોંચી.

(“આપ કયું રોએ” પુસ્તકનું એક પ્રકરણ. સિલિસીસ પીડીતોની ૩૭ કથાઓ આ પુસ્તકમાં સમાવાઇ છે જેનું સંપાદન જગદીશ પટેલે કર્યું છે અને પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા પ્રકાશિત કરાયું છે.આ સત્યકથામાં નામ બદલવામાં આવ્યા છે.)

નીચે રજૂ કરેલ વિડીયો આ પ્રશ્નની ગંભીરતાને સમજવામાં વધારે અસરકારક નીવડશે


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.