





હીરજી ભીંગરાડિયા
જેવો માગો તેવો ઘાટ અને ઇચ્છો તેવો રંગ, કાગળથી પણ હળવું અને કાષ્ટથીયે કઠોર. અરે ! કહોને લોઢાની ગજવેલ જેટલું કઠ્ઠણ અને કાચનેય કોરાણે રાખે એવું કામણગારું ! અને કીમિયાગીરીમાં ? કીમિયાગીરીમાં વાંકેવહમે વિજકોષમાં વ્હાર કરે એવું પાછું અવાહક ! “પ્લાસ્ટિક” નો જેવો કહીએ એવો સુવર્ણકાળ ચાલી રહ્યો છે.
ધાવણા બાળકની બોટલથી શરૂ કરી રમકડાં, પારણિયું, મચ્છરદાની, સ્લેટ, પેન, પૂંઠા, થેલા,બૂટ, કાંચકા,બંગડી,બૂટી, બટવો,પાકીટ,ઝાકીટ,ચશ્મા,ઘડિયાળ,પટ્ટા અને ચમચીથી શરૂ કરી ગળણી,ઝારા,તાવેથા, વાટકી, થાળી,ડીશ,ટમલર, બાલદી, ટબ અને ખુરશી,ટેબલ,ટીપોય, સોફાસેટ,પલંગ કે લાઇટનું વાયરીંગ-ફીટીંગ અને માત્ર બારી-બારણાં જ નહીં, આખેઆખું નટ-બોલ્ટથી ફીટ કરી ઘડીકમાં ઊભું કરી શકાય તેવાં રસોડાં, સંડાસ અને બાથરૂમ, પાણીસંગ્રહના ટાંકા શું, ગોબરગેસ પ્લાંટની ટાંકીઓ સહીતની સંપૂર્ણ સગવડવાળું ‘પ્લાસ્ટિકઆવાસ’ ઘડીકમાં ઊભું કરી શકાય છે.
ટુ વ્હીલરથી માંડી રિક્ષા, જીપ, કાર, ટ્રક કે બસ સુધીના વાહનોમાં કાચ, લાઇટ, પંખા,સીટ, બોનેટ કે હૂડ-છાપરા જ નહીં, પણ કેટલાકના તો દાંતીવાળા ગીયરચક્રો અને લેકગાર્ડ બનાવવામાં પણ પ્લાસ્ટિકે પોણીવીસ કહેવરાવ્ય્ નથી.
ખેતીવાડીની વાત કરીએ તો તેમાં પણ કેટકેટલી ચીજવસ્તુઓની વપરાશ અને હેરફેરમાં લાભદાઇ બની રહ્યું છે. જૂઓને, પાણી વહેવરાવાની પાઇપો તો એવી લીસ્સી સપાટીવાળી બને કે ન પૂછો વાત ! પંપને ઘર્ષણદાબમાં મોટી રાહત, અને મજબુતાઇમાં પણ જરાય મોળી નહીં ! સીમેંટની પાઇપનો સાંધો કરવો એટલે માથાનો દુ:ખાવો ! એને ઠરીને ઠામ થતાં વેળા વહી જાય, જ્યારે આનોતો સાંધોયે થાય સોલ્યુશનથી. ચપટી વગાડતાં જ ચોટડૂક ! દાતરડીના હાથાથી માંડી માટી ફેરવવાના તગારા, પાવડા, ખાતર ભરવાના કોથળા-થેલી, દવા ભરવાના ટીન, પાણી ખેંચવાના ફૂટવાલ્વ, સક્ષન અને ડીલીવરી પાઇપો, ઊંડા દારમાં મોટર ટીંગાડી પાણી બહાર કાઢવાની કોયલ, કેબલ-વાયરના કવર,ટપક તથા સ્પિંકલર સેટના ફીલ્ટરથી માંડી ઝીણા-મોટા બધાં જ સાંધા જોડાણ અને તમામ દાગીના, અરે ! કોદાળી, પાવડા અને ત્રિકમ જેવા સાધનોના હાથા બનાવી આપવાનું પણ પ્લાસ્ટિકે છોડ્યું નથી.
જમીનમાં ઉતારી પાણી સંગ્રહી શકાય અને આભે ટીંગાડી ગ્રીન હાઉસ ઊભું કરી શકાય ! અરે, જમીન પર પાથરી [મલ્ચીંગ કરી] ભેજને ઉડતો અટકાવી શકાય કે ખળાખળવટને ઢાંકણ કરી વરસાદથી પલળતાં બચાવી શકવાની જાડી,પાતળી,પારદર્શક કે અપારદર્શક અનેકવિધ ફીલ્મ. એના પતરાં, નર્સરીબેગ, બેડસીટ કે મધપેટી અને મધમાખીને પોતાના શક્તિ-સમય ના ખર્ચવાં પડે તે અર્થે તૈયાર કરેલાં અંદરનાં પૂડા સુધ્ધાં પ્લાસ્ટિક આપી શકે છે કહો !
શાકભાજી,ફળફળાદિ, દૂધઅને માલની હેરફેર માટેનાં મોટા મોટા કંટેનરો બનાવવા સુધીમાં પ્લાસ્ટિક ઊણું ઉતર્યું નથી. કહોને, લાકડું, લોખંડ, કાચ અને સિમેંટ- ચારેયનાં પાણી પ્લાસ્ટિકે ઉતારી દીધાં છે.
સિક્કાની બીજી બાજુ =
દુ:ખ એ વાતનું છે કે પ્લાસ્ટિકના સાનિધ્ય વિનાનું કોઇપણ ક્ષેત્ર બાકી નથી. ચોવીસ કલાકમાં પચ્ચીસવાર એક યા બીજા રૂપમાં પ્લાસ્ટિકને ભેરુ બનાવ્યા વિનારહી શકતા નથી. એવા પ્લાસ્ટિકને ખરું કહીએતો અંદરથી આપણે હજુ ઓળખતા જ થયા નથી. આટલું બધું ઉપયોગી દેખાતું પ્લાસ્ટિક જો તેના ઉપયોગ અને નિકાલની બાબતે મર્યાદા ચૂકાય તો જીવતા જીવની જીંદગી જોખમમાં મૂકીને બેસી નથી રહેતું પણ તેનાં પ્રાણ લીધે જ પાર કરે છે. વાપરતા આવડે તો ‘ઉત્તમ’ નહીંતો કહેવાય તેવી ‘નડતર’ છે.
પ્લાસ્ટિકનું રૌદ્ર સ્વરૂપ =
તેના ગુણગાન ભલે બે મોઢે ગાઇએ પણ એનો બરાબરનો પરિચય નહીં પામીએ તો એનેય ખબર નહીં રહે કે નહીં રહે આપણને –અને નુકશાનીની ઊંડી ગર્તામાં એવા ધકેલાઇ જઇશું કે તેમાંથી બહાર નીકળવા કોઇને સાદ પાડવાનીયે સોં નહીં રહે !
અજાણ્યું અને આંધળું-બેય બરાબર ! એ કોણ છે એની ખરી ખબર ના હોય ત્યાં સુધી કેમ ખબર પડે કે તેને કેવું કામ સોંપાય ને કેવું ન સોંપાય ? જેમ લોખંડનો કઠ્ઠણતાનો એક વિશેષ ગુણ છે તેમ તેની બીજાને કઠવાની કે ધ્યાન ન રહેતો કાટ લાગી જવાની મર્યાદા પણ છે જ. લાકડામાં જેમ તરવાની શક્તિ છે તેમ સળી જવાની કે સળગી જવાની પૂરી ભીતિ પણ સાથોસાથ રહેલી જ છે. તેવું જ પ્લાસ્ટિકમાં પણ છે જ !. આપણને બરાબરની ખબર છે-લોખંડ સાથે માથું ન ભટકાડાય. ભટકાડીએ તો વાગે અને લોહી નીકળે ! વીજળીનું કામ બહુ બળુકું, પણ તે કામ હાથના સીધા સ્પર્શથી નહીં, તેની સ્વીચ દ્વારા જ લેવાય. સિમેંટનો લસલસતો માલ બનાવી દિવાલે પ્લાસ્તર કરાય, તેમાંથી બે-ચાર લોંદા આઇસ્ક્રીમની જેમ આરોગી ન જવાય ખરું ને ? આવા કામો અજાણતા પણ આપણે કરતા નથી.
લાલ લીટે લખી લઇએ કે પ્લાસ્ટિક એ કુદરતી વસ્તુ નથી. ધરતીપર સજીવ સ્વરૂપે જન્મેલા કે વિકસેલા વનસ્પતિ કે બીજા કોઇ જીવ કે જીવના અંગ –ઉપાંગમાંથી બનતો પદાર્થ નથી. પોલીએસ્ટર કે નાયલોન જેવા કૃત્રિમ રેસાઓના ઉપયોગ થકી તૈયાર થતાં આ પદાર્થની વિશેષતા કહો કે નબળાઇ ગણો તે એ છે કે આ પ્લાસ્ટિક વપરાશ થયા પછી કચરા સ્વરૂપે જમીનમાં ભળીજઇ,કોઇ જીવનો તે ખોરાક બની શકતો નથી. તેથી તે કદિ નાશ પામતું નથી.
હાથમાં પ્લાસ્ટિકની થેલી-જાણે ફેશન બની ગઇ ! = ખાસતો પ્લાસ્ટિકનો અભાવો લાવવાનું કામ કર્યું છે-તેમાંથી બનતાં પાતળાં કાગળો થકી બનતાં માવા-ગુટકાના ચોખંડા ટુકડાઅને અનેક ચીજો ભરી શકાય તેવા નાના-મોટા થેલી-ઝબલાઓએ. બજારોમાં જ્યાં અને ત્યાં –ઉપયોગ પૂરો થઇ ગયો ? ફેંકી દો ગમે ત્યાં ! માવા,ગુટકા, શાકભાજી,ખાંડ, કરિયાણાની ચીજ વસ્તુઓ ભરવા આજે પ્લાસ્ટિકના થેલી-ઝબલાં જ વપરાય છે. કાપડના બે પીસ લીધા હોય, ગોળનો ગાંગડો લીધો હોય, લોખંડના નટ-બોલ્ટ લીધા હોય કે પાશેર પાણી લીધું હોય-પેકીંગ બધું પ્લાસ્ટિકમાં જ ! હાથમાં પ્લાસ્ટિકની થેલી હોવી – એ જાણે ફેશન બની ગઇ છે !
હકિકત આમ બને છે = એમાંયે હવે તો મરચાં, મસાલા તો શું-અથાણાં,મેવા, મિઠાઇ,ફરસાણ, શાકભાજી,ફળફળાદિ, અરે ! તેલ, ઘી, શીખંડ, તૈયાર શાક-ચટણી,રસ બધું પ્લાસ્ટિકમાં જ ! ચીજ-વસ્તુઓ થેલીમાંથી કાઢી લીધા પછી, અંદરની સપાટીએ તો તોતે ચોટેલું રહેવાનું જ ! અને ક્યારેક એવી થેલીમાં શાકભાજીના છાલા,છોતરાં,કે જમ્યાં પછીનો એંઠવાડ ભર્યા પછી ગમે ત્યાં ફેંકાયા પછી રખડતાં માલ-ઢોરની નજરે ચડવાનાં. ભૂખ તો બહુ ભુંડી છે ભાઇ ! એ બધાં અંદરનું ખાવાના લોભે આખેઆખા કોથળી-ઝબલાં કેટલીય ગાયો,ભેંશો,અને બકરાં [કુતરાં કે ભુંડડા ક્યારેય નહીં હો ! ] જેવાપાલતુ પ્રાણીઓ ખાઇ જતાં હોય છે.
ભગવાન બહુ દયાળુ છે. ગાય-ભેંશ જેવા ઢોરના પેટમાં કુદરતે એવી કરામત કરેલી હોય છે કે તેના પેટમાં કુલ ચાર વિભાગ પાડ્યા છે. જેમાં ત્રીજો વિભાગ છે ફીલ્ટરેશન માટેનો. એમાં એવી ગળણી ગોઠવેલી હોય છે એટલે ખીલી, કાંકરા,ચામડા કે પ્લાસ્ટિકના અવશેષો તેના પેટના ચોથા વિભાગમાં પ્રવેશી નુકશાન ન કરી શકે. એટલે આવું બધું પશુના ત્રીજા પેટમાં જમા થતું રહે છે.
ગાયના પેટમાંથી 40-50 કીલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો નીકળે તેવાત કંઇ માન્યામાં આવે ખરી ? હા, માનવું પડે એવું છે. એકવાર ફૂલછાબના અગ્રલેખમાં વાંચેલું કે “ભૂજમાં સુપાશ્વવ જૈન સેવા મંડળના કાર્યકરોએ ગાયના પેટનું ઓપરેશન કરી 52 કીલો પ્લાસ્ટિક બહાર કાઢેલું.” આજે ચારાની વધતી જતી મોંઘાઇના હિસાબે કેટલાય માલ-ઢોર શહેરોમાં કે ગામડાંઓમાં રખડી-ભીખી પેટ ભરતા હોય છે. તે બધા આવા પ્લાસ્ટિક કાગળો હોંશે હોંશે ખાઇ જતાં હોય છે.
હજુ વધારે નુકશાન – આવા ઢોરાંની નજરે ન ચડેલો કચરો શહેરી કચરા-પુંજાના ખાતર સાથે ખેડૂતોના ખેતરોમાં જાય છે. પ્લાસ્ટિકતો ત્યાંયે સડતું નથી. ઉલ્ટાનું જ્યાં હોય ત્યાં છોડ-મૂળને હવા લેવામાં કે મૂળને મળતું પાણી રોકવાની આડશ બની રહે છે. અને તેના હિસાબે જમીનજન્ય ઝીણાજીવો મુંજારો અનુભવે છે. તેને કોઇ જીવાત –ઉધઇ સુધ્ધાં ‘અખાદ્ય’ ગણી ખાતી નથી. સળગાવીએ તો તેનો ધૂમાડો પણ હોય ડાયોક્સીન વાયુ વાળો ! એટલો ખરાબ હોય કે હવાને પ્રદુષિત કર્યા વિના છોડતો નથી !
અરે ! ખેતરોમાંથી-વરસાદ દ્વારા, નદીઓ દ્વારા દરિયામાં જાય તો ત્યાં પણ કેટલાય જળના જીવો હોમાઇને મરણને શરણ થતાં હોય છે.
એટલે આપણને વિવેકથી વાપરતા તો ન આવડે પણ તેનો નિકાલ કરતા-કહોને ફેંકતાંએ નથી આવડતું ! જ્યાં-ત્યાં આવો કચરો ન નાખીએ કે ક્યારેક આવી થેલીમાં શાકભાજીના છોતરાં, છાલાં, કે તેલ-મલાઇ-છાશ,દૂધ,શીખંડ,ઘી કે ફરસાણ, મેવા-મીઠાઇની એંઠ ભરેલી થેલીઓ રખડતી ન કરીએ. અરે ! શાકભાજી કે ખાદ્યચીજો ખરીદવા કાપડની થેલી સાથે લઇ જવી તેમાં શરમ શાની ભાઇ ? ફૂલછાબની બૂધપૂર્તિ ના લેખક શ્રી નરેન્દ્ર ભરાડ કહે છે તેમ “ છાશ લેવા જવું અને દોણી સંતાડવી ?” અરે, શાક લેવા જવું ને થેલી સંતાડવી ? આ તે કોઇ રીત છે ભલા !
આવી થેલીઓ,જબલા, કાગળના ટુકડા ક્યારેય રખડતા ન મેલીએ. સરકાર તો કાયદા કરી જાણે ! પળાવી થોડા જાણે ? પાળવાના તો આપણે પ્રજાજનોએ જ હોયને ! “પ્લાસ્ટિક” એતો શક્તિ છે ભાઇ ! ઉપયોગ કરી જાણીએ તો ‘હિતકારી’ અને નહીં તો ‘વિનાશકારી’! બન્ને બનતાં એને આવડે છે. કેવું બનાવવું તેનો નિર્ણય આપણે જ કરીએ !
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com