વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૬) ઉનાળુ વેકેશન: એકવિધતાનો આશરો કે તેનાથી છૂટકારો ?

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન: બીરેન કોઠારી

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શાળા-કૉલેજોમાં લાંબી રજાઓ પડે છે, જે વેકેશન તરીકે ઓળખાય છે. જૂનું શૈક્ષણિક વર્ષ પૂરું થયું હોય અને નવા વર્ષનો આરંભ ન થયો હોય એટલે આ ગાળામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે માનસિક મોકળાશ અનુભવે છે. એક અરસા સુધી વેકેશન મોસાળમાં ગાળવાનો ક્રમ ઘણા બધા લોકોનો રહેતો. આને કારણે મામા-માસી-કાકા-ફોઈનાં સંતાનો એટલે કે પિતરાઈઓ વચ્ચેનો સંબંધ ગાઢ બની રહેતો. હવે વિભક્ત પરિવારના જમાનામાં આ બધાં સગપણો પણ લુપ્ત થઈ રહ્યાં છે. હવે માબાપ પોતાના સંતાનને વેકેશન માણવા દેવાને બદલે વિવિધ પ્રવૃત્તિઓ શિખવા સારું સમર કેમ્પમાં મૂકીને સંતાન માટે કંઈક કરી છૂટ્યાનો સંતોષ અનુભવે છે. આવા સંજોગોમાં ઘણી વાર સંતાનો માટે વેકેશનનો સમયગાળો શાળના સમયગાળા કરતાં પણ આકરો બની રહે છે.

વેકેશનની બીજી મુખ્ય પ્રવૃત્તિ ફરવા જવાની છે. ઠંડક ધરાવતાં સ્થળોએ લોકો પ્રવાસનું આયોજન કરે છે. પરિણામે આવાં સ્થળોએ ભીડ થઈ જાય છે. સામાન્ય રીતે એમ મનાય કે વર્ષ આખાની એકવિધતા પછી તેનો ભંગ કરવા સારું આ રજાઓ ઉપયોગી નીવડી રહે છે. પણ મોટે ભાગે એવું જોવા મળે છે કે લોકો ઝડપથી કંટાળી જાય છે. તેમને પેલી એકવિધતા એવી માફક આવી ગયેલી છે કે રજાઓનો આનંદ સદતો નથી.

મોટા ભાગના પ્રવાસીઓને ફરવાના સ્થળે પણ એવી જ સુવિધાઓ જોઈએ છે કે જે તેમને પોતાના શહેરમાં ઉપલબ્ધ હોય. પ્રવાસીઓની માનસિકતા આખો અલગ વિષય છે. અહીં આપણે કેટલાંક એવાં કાર્ટૂન માણીએ, જેના કેન્‍દ્રમાં ઉનાળુ વેકેશન હોય.

**** **** ****

પ્રવાસ માટેના સ્થળની પસંદગી હવે તો લોકો મોટે ભાગે ઈન્‍ટરનેટના ઉપયોગ થકી વિવિધ વેબસાઈટ્સ દ્વારા કરે છે. એ અગાઉ લોકો ટ્રાવેલ એજન્‍ટ દ્વારા તેને ત્યાં જોવા મળતાં રંગબેરંગી બ્રોશરમાં છપાયેલી આકર્ષક તસવીરો જોઈને કરતાં. બ્રોશરમાં છપાયેલી તસવીરો એટલી અદ્‍ભુત હોય છે કે જોતાં જ મોહી પડાય. એમ થાય કે વેકેશન તો આ સ્થળે જ પસાર કરાય! પણ જે તે સ્થળે પહોંચ્યા પછીની વાસ્તવિકતા અલગ હોય છે.

ડેવ ગ્રેનલ્યુન્‍ડના આ કાર્ટૂનમાં બ્રોશરમાંની તસવીર અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત દર્શાવ્યો છે. સાગરતટે વેકેશન ગાળવા માટે આવી પહોંચેલા પરિવારને ખ્યાલ આવે છે કે અહીં કશું થઈ શકે એવી સ્થિતિ જ નથી. આ જોઈને પિતા બોલી ઉઠે છે, ‘આ બધું વેકેશન બ્રોશરમાં ઉલ્લેખાયેલું નહોતું!’

અમેરિકન કાર્ટૂનિસ્ટ ડેવ ગ્રેનલ્યુન્‍ડ/Dave Granlundનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ

https://www.davegranlund.com/cartoons/ પર માણી શકાશે.

*****

સાપેક્ષવાદનો સિદ્ધાંત વ્યવહારમાં અલગ અલગ રીતે અનુભવી શકાય છે. દુ:ખનો સમય હંમેશાં લાંબો લાગે, જ્યારે સુખનો સમય ઝડપથી વીતી જતો જણાય. ડેવ કાર્પેન્ટર/Dave Carpenter ના આ કાર્ટૂનમાં સમયમાપનની સંસ્થા અને તેમાં મૂકાયેલી, વિવિધ સમય દર્શાવતી ઘડીયાળો બતાવવામાં આવી છે. આ ઘડિયાળોમાં પણ ઉનાળાના વેકેશનનો સમય દર્શાવતી ઘડિયાળના કાંટા એકદમ ઝડપથી ફરી રહ્યા છે. આ સંસ્થાના એક કર્મચારી બીજાને કહે છે, ‘એ હંમેશાં ઝડપથી જ ફરે છે.’ અતિશયોક્તિની આ મઝા છે. મનની સ્થિતિને અહીં વાસ્તવમાં સાચી પડતી દર્શાવી છે.

ડેવ કાર્પેન્‍ટરનાં સાધનો તેમની વેબસાઈટ http://carptoons.com/ પર જોઈ શકાશે.

*****

ફરવા જઈએ ત્યારે અઢળક સામાન હોય, એટલું ઓછું હોય એમ જે તે સ્થળેથી ખરીદી કર્યા વિના રહેવાય નહીં. આ સ્થિતિમાં ઘણી વાર કોઈ ને કોઈ સામાન રહી જાય એમ બનતું હોય છે. જો કે, આ કાર્ટૂનમાં જે ભૂલાઈ ગયું છે એ કંઈક વધુ પડતું છે.

ડેનિશ લેખક/ચિત્રકાર બેલડી માઈકેલ વુલ્ફ Mikael Wulff એન્‍ડર્સ મોર્ગનથેલર/Anders Morgenthaler દ્વારા સંયુક્તપણે બન્નેના નામના પ્રથમાક્ષરો લઈને WUMO ના નામે કાર્ટૂન ચીતરવામાં આવે છે. તેમનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ http://wumo.com/wumo પર જોઈ શકાશે.

*****

એકવિધતાનો કંટાળો માનવોને જ આવે એવું ઓછું છે? શહેરમાં રહેતા લોકો હવાફેર માટે દરિયાકાંઠે કે પર્વતીય સ્થળે જાય, પણ દરિયાઈ સ્થળે રહેનારા ક્યાં જાય? ઈટાલિયન કાર્ટૂનિસ્ટ ફ્રાગો/Fragoના આ કાર્ટૂનમાં માછલીઓ વેકેશને નીકળી છે. તેમનો પહેરવેશ પ્રવાસીઓને છાજે એવો છે. પણ એમાંની એક માછલીને દરિયામાં ને દરિયામાં વેકેશન ગાળવાનો કંટાળો આવે છે. પર્વતીય સ્થળે પોતે જઈ શકતી નથી એ બાબતે તે કચવાટ વ્યક્ત કરે છે.

*****

દરિયાકિનારે શંખલા અને છીપલાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. કહેવાય છે કે એવા શંખલાને પકડીને કાને માંડો તો સાગરનો ઘૂઘવાટ સાંભળી શકાય. અહીં એક પ્રવાસી પિતા એવો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કાને આવો ‘શેલ (શંખલું)’ માંડ્યો છે, પણ તેના નાનકડા પુત્રને લાગે છે કે એ ‘સેલ (ફોન)’ છે. આથી તે પિતાને પૂછે છે, ‘આમાં અમર્યાદિત ટૉક, ટેક્સ્ટ અને ડેટા સામેલ છે?’

આ કાર્ટૂન માર્ટી બ્યુસેલા/Marty Bucellaનું છે. તેમનાં વધુ કાર્ટૂનો http://www.martybucella.com/ પર જોવા મળી શકશે.

*****

સામાન્ય રીતે વેકેશનમાં લોકો પ્રકૃતિનું સાન્નિધ્ય માણવાનું પસંદ કરે છે. એકવિધતામાંથી છૂટકારો મેળવવાનો તેમનો હેતુ હોય છે. આને માટે નેચર કેમ્પમાં તેઓ જોડાય છે. પણ એકવિધતા એટલી કોઠે પડી ગયેલી હોય છે કે પ્રકૃતિના સાન્નિધ્યમાં પણ તેઓ નગરજીવનની સુવિધાઓ શોધતા હોય છે.

અમેરિકન કાર્ટૂનિસ્ટ રેન્‍ડી ગ્લાસબર્જન/Randy Glasbergen ના આ કાર્ટૂનમાં આ માનસિકતા આબાદ છતી કરાઈ છે. નેચર કેમ્પમાં જોડાનાર વ્યક્તિને પોતાના પરિવાર માટે એવા ‘જેન્યુઈન’ નેચર કેમ્પની તલાશ છે કે જેમાં વાઈ-ફાઈ, એરકન્‍ડિશનિંગ અને સેટેલાઈટ ટી.વી.ની સુવિધા ઉપલબ્ધ હોય.

ગ્લાસબર્જનનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ https://www.glasbergen.com/ પર જોવા મળી શકશે.

*****

શાળાના દિવસો અને વેકેશનના દિવસોમાં શો ફરક હોય છે? પીઠ અઢેલીને, પગ લાંબા કરીને બેસવાનું સામાન્ય છે. બેય હાથમાં પકડેલી ચીજમાં ફરક હોય છે. શાળાના દિવસોમાં હાથમાં પાઠ્યપુસ્તક હોય છે, તો વેકેશનના દિવસોમાં હાથમાં વિડીયો ગેમનું રિમોટ કન્‍‍ટ્રોલ હોય છે. કાર્ટૂનિસ્ટ બ્રાયન્‍ટ આર્નોલ્ડ/Bryant Arnold દ્વારા આ બન્ને મુદ્રાઓ અને ચહેરાના હાવભાવમાં રહેલું સામ્ય બરાબર દર્શાવવામાં આવ્યું છે. હા, એક સમય હતો કે બાળકો વેકેશનમાં રખડી ખાતા હતા. હવે તે ઘરમાં પૂરાઈ રહેવું વધુ પસંદ કરે છે.

રોજના એક કાર્ટૂન લેખે કાર્ટૂન ચીતરવાનો નિત્યક્રમ પાળતા બ્રાયન્‍ટનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ http://www.cartoonaday.com/ પર માણી શકાશે.

*****

વેકેશનમાં રજાઓ બરાબર માણ્યા પછી પાછું કામે ચડવું મુશ્કેલ બની રહે છે. વિદ્યાર્થીઓ માટે તો ખરું જ, શિક્ષકોને પણ એ આકરું પડે છે. જહોન મેક્ફરસન/John Mcphersonના આ કાર્ટૂનમાં વર્ગમાં ગણિત ભણાવી રહેલાં શિક્ષિકા હજી વેકેશનની માનસિકતામાંથી બહાર નથી નીકળ્યાં એ બતાવાયું છે.

*****

બાળકો વેકેશનની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું –જેવી યોજનાઓ તેઓ ઘડતા હોય છે. પણ વેકેશનના બીજા જ દિવસથી તેઓ કંટાળી જાય છે. ‘મનફાવે એ કરી શકવાની’ આઝાદી મળ્યા પછી તેમને ખ્યાલ આવે છે કે પોતાની પાસે કરવા જેવું ખાસ કંઈ નથી. ગ્રેગ પેરી/Greg Perryના કાર્ટૂનમાં આ બાબત દર્શાવવામાં આવી છે.

*****

કામના એકધારાપણાથી રાહત મેળવવા માટે લોકો રજાઓ ગાળવા જાય છે. વેકેશન નજીક પડે કે તેઓ સતત વિચારતા રહે છે કે રજાઓમાં શું શું કરીશું. પણ તેઓ ખરેખર રજાઓ ગાળવા જાય ત્યારે હળવા રહેવાને બદલે સતત કામ અંગેના વિચાર કરતા રહે છે. આ મનોસ્થિતિને કાર્ટૂનિસ્ટ શૂટી/Shooty દ્વારા આબાદ ચીતરવામાં આવી છે.

સ્લોવેકીયાના આ કાર્ટૂનિસ્ટનું આખું નામ માર્ટિન સ્યૂતોવેક/ Martin Sutovec છે અને તેઓ Shootyના નામે કાર્ટૂન ચીતરે છે.

*****

તમારું ઉનાળુ વેકેશન આ રીતે જ પસાર થયું? કે આનાથી અલગ રીતે? વિચારી જોજો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.

– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com


Disclaimer:

The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

1 comment for “વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૬) ઉનાળુ વેકેશન: એકવિધતાનો આશરો કે તેનાથી છૂટકારો ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *