લ્યો, આ ચીંધી આંગળી : પ્રકૃતિનાં લાખો સંતાનોને ગીરનો એક જણ પ્યાર કરે છે

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

(થોડાં વર્ષ અગાઉ આ કટારમાં કેસર કેરી અને અન્ય ફળાઉ વૃક્ષો ઉપરાંત અનેક ઔષધીય વનસ્પતિના તીર્થસ્થાન એવા ગીરના કુરેશી બાગ વિષે લખ્યું હતું. પણ એ પછી સારો એવો સમય વીતી ગયો. અને ખેતીવાડીના ક્ષેત્રમાં પણ અનેક વારાફેરા આવી ગયા. કેરીની આ મોસમમાં મોસમ દરમીયાન તો ખરું જ, પણ તે અગાઉ એક મહિને પણ બનાવટી રીતે પકવેલી કેરીઓ બજારમાં દેખાઇ રહી છે. લોકોની અસલ ફળની પરખ કરવાની ધીરજ હવે રહી નથી તે દિવસોમાં આ લેખ વધુ પ્રાસંગિક થઇ પડશે.

– લેખક)

દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના લોકોને ઉનાળો શરુ થાય તે સાથે જ યાદ આવે આમ્રફળ, જેનું લાડકું નામ કેરી છે. કુદરતના મધુર વરદાન જેવા એ ફળના સાચા સવાદિયાઓને કોઇ અસલી અને પ્રકૃતિની ગોદમાં લહેરાતી આમ્રઘટાના સગડ આપવાનું કામ પણ એક પુણ્યકાર્ય છે. પ્રકૃતિલક્ષી લેખકો અને પર્યાવરણપ્રેમી પ્રજાલક્ષી અખબારો એ કાર્ય નિ:સ્વાર્થ ભાવે કરે છે. ઋતુચક્રની દરેક ઋતુ દર વર્ષે પુનરાવર્તિત થાય છે. કોઇ એને ‘રિપીટેશન’ કહેતું નથી. સાંજે લાગેલી ભૂખને કોઇ સવારની ભૂખનું પુનરાવર્તન કહેતું નથી, કારણ કે એ નવી ક્ષુધા હોય છે. એમ આમ્રફળ પણ નવી તરસ સાથે, નવી ક્ષુધા સાથે, મે માસમાં ઉઘડે છે અને દર વર્ષે તૃપ્તિના ઓડકાર સાથે ઓગષ્ટના આરંભ સુધીમાં વિદાય લે છે.

બજારમાં તો અધીરીયા વેપારીઓ માર્ચના અંતથી જ ‘કેરી,કેરી,કેરી’ના પાટીયાં ઝૂલાવવા માંડે છે. છાપાઓમાં જાહેરખબરોના અંબાર ખડકી દે છે. કેમ જાણે પોતે એ કેરીઓ પોતાની માલિકીના આંબાવાડીયામાંથી ઉતારીને ગ્રાહકોને ધરી દેતા હોય ! આ આખી ભ્રમજાળ છે. એ લોકો ભાગ્યે જ આંબાને ઓળખતા હોય છે. એ લોકો ફળના સોર્ટર વેપારી તરીકે કેરીઓનું ‘સોર્ટિંગ’ (વિભાગીકરણ) કરે છે, પણ એના વૃક્ષને ઓળખવાની એમને ગમ નથી. એમને એની ચિંતા પણ નથી ને જરૂર પણ લાગતી નથી.

એ લોકો વેપારીઓ છે અને કુશળ વેપારીઓ છે, પણ એ લોકો નગરોમાં અને શહેરોમાં વસે છે. એમને કેરીઓ કોઇ વચેટીયાના દ્વારા મળે છે. સીધેસીધી મળતી પણ નથી. એને ઉતારનારા તો દૂર વસતા હોય છે. આવા લોકો વસ્તીમાં વેચવા માટેની કેરીઓ તો આંબા ઉપરથી કેરીઓ અધપક કે કાચી હોય ત્યાં જ વેડી લે છે. કારણ કે એના જથ્થાબંધ ખરીદારો હોય છે. એ ખરીદારોના પણ બીજી હરોળના ખરીદનારા હોય છે. એમની પાસેથી ત્રીજી હરોળના એવા વેપારીઓ કેરીઓ લઇ જાય છે, જેમનું કામ એને એના ખાનારાઓને વેચવાનું હોતું નથી, પણ કેરીઓને કાર્બાઇડથી કે અન્ય રીતે પકવવાનું હોય છે. એ પકવણી કુદરતી નથી. એ કૃત્રિમ છે. તાવડી પર ચડાવેલા રોટલા જેવી નથી. એ માઇક્રોવેવ ઓવનમાં ચોતરફથી ઇલેક્ટ્રિક ગરમી આપીને પકાવેલા રોટલા જેવી હોય છે. એ બેસ્વાદ ન હોય, પણ સ્વાદિષ્ટ પણ ન હોય. એ કેરીઓ ગળી હોય, પણ મીઠી ના હોય. એનો રસ મધુર હોય જ નહિં. આ ભેદ સમજી લેવા જેવો છે. ગળપણ તો જીભનો જ જલસો છે, પણ મીઠાશ તો જઠરને તળીયે પહોંચે અને મધુરતા તો છેક આત્માને ઠારકો આપે.

કેરીની એવી એક જાતનું નામ છે કેસર. દક્ષિણ ગુજરાતનો માણસ જો મૂળ કાઠીયાવાડનો હોય તો એ કેરીના સીધા પર્યાય તરીકે જ બોલે છે : ‘આ સાલ હવે કેસર આવી જ સમજો !’

ત્રણ વર્ષ અગાઉ સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરી ગલ્ફ, યુ.કે, યુ.એસ. સહિતના દેશોમાં સિઝનમાં મુંબઈથી નિકાસ થતી હતી, પણ હવે કેસર અને હાફુસ કેરી કેનેડા અને મલેશિયા પણ નિકાસ થઇ રહી છે. આ માટે મુંબઈના મરચન્ટ એક્સપોર્ટરોની અત્યારથી જ ધૂમ ઈન્કવાયરી થઈ રહી છે. જો કે, હજુ કેસરનો પાક બજારમાં જોઈએ તેટલા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, પણ પાક સારો હોવાનો અંદાજ રાખી વિદેશના આયાતકારો દ્વારા ઈન્કવાયરી શરૂ કરી દેવામાં આવી છે. ગીરની તાલાલા વિસ્તારની કેસર કેરી એ આયાતકારોનું મુખ્ય આકર્ષણ છે.

‘મીનીસ્ટ્રી ઓફ કૉમર્સ’ની કચેરીમાંથી જાણવા મળેલા જૂના આંકડા મુજબ વર્ષ 2015-16માં દેશમાંથી કુલ ૩૫ હજાર ટનની નિકાસ થઈ હતી. એ પછી વરસોવરસ એમાં બઢાવો થયો છે. પણ આ વર્ષે પાક સારો હોવાનો અંદાજ રાખી 55 હજાર ટન કેરીની નિકાસ થવાનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે, જે ગત વર્ષ કરતાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો દર્શાવે છે. કેસર અને હાફુસની કેરીની મોટા ભાગની નિકાસ ગલ્ફ ઉપરાંત સાઉદી અરેબિયા, યુ.કે, યુ.એસ,ન્યુઝીલેન્ડ, સાઉથ/નોર્થ કોરિયા,ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં કરવામાં આવતી હતી, પણ હવે કેસર તથા હાફુસ માટે વેપારની નવી તકો ઉભી થઇ છે અને અમેરિકા કેનેડા સુધી એ પહોંચી છે.

પણ આપણે તો અનેક હાથબદલને બદલે કેસરને ઉત્પાદકો પાસેથી સાચા અર્થમાં પામવા જોઇએ. એના માટે માત્ર થોડે જ દૂર નજર દોડાવવી પડે. મધ્ય ગીરના અને એમાંય એક નાના એવા ગામ તાલાલા પર, અને એની કાંખના છૈયા જેવા ગામ રમળેચી પર નજરનું નિશાન તાકવું પડે. જો કે, હવે એ ગામ પર નાખેલી નજર લસરીને સીધી એ સમગ્ર ગામને છાવરી અને આવરી લેતા એક લીલાછમ્મ એવા વિશાળ પટ પર જઇને પડે છે કે જે જોનારના આત્માને સ્વર્ગીય શીતળતાનો ભરપૂર અહેસાસ કરાવે. માત્ર કેરીની વાત પછી કરવાનું રાખીએ અને બીજી વાત કરીએ તો ચાર એકર જમીનના એ પટ ઉપર કોઇ માણસ નકરી-નકોર જમીનને જોવા ચાહે તો ભાગ્યે જ થોડા ચોરસ ફૂટ જેટલી જોવા પામે. એમ કહી શકાય કે માણસ પગ મૂકીને ચાલી શકે એટલી જ જમીન એના માલિક નામે ગફારભાઇ કુરેશીએ કોરી છોડી છે.

એ અભણ તો નહિં, પણ અલ્પશિક્ષિત કૃષિવિજ્ઞાની પોતે પોતાનામાં એક વિશ્વવિદ્યાલય છે. નામ ગફાર મહમ્મદ કુરેશી. કૃષિવિજ્ઞાનનું કોઇ શિક્ષણ લીધું નથી, પણ કોઇ પણ વનસ્પતિ, પછી તે નાનકડો છોડ, વેલી કે વિરાટ વૃક્ષ હોય, પણ એના વિષેની ઝીણામાં ઝીણી જાણકારી હૈયે રાખે છે. એટલે તો એમની આ જગ્યા આજુબાજુના વિદ્યાર્થીઓ તો ઠીક, પણ ખેડૂતો માટેનું મહાવિદ્યાલય છે. આ બાગની મુલાકાત લેવા આવનારા જિજ્ઞાસુઓને એ વિના મૂલ્યે પોતાના સમયનો ભોગ આપીને વનસ્પતિ અને બાગાયતની પ્રત્યક્ષ તાલીમ આપે છે, સજીવ ખેતીના ફાયદા, ખેતીનું પરંપરાગત અને આધુનિક જ્ઞાન, પર્યાવરણની જાળવણીની સમજ, જમીનના પ્રકારોની જાણકારી, કૃષિના સાધનોનું અને જળસંચયની વિવિધ પધ્ધતિઓનું જ્ઞાન આપી રહ્યા છે,

એમણે આ ભૂમિ પર કરેલો ચમત્કાર ભલભલા કૃષિવિજ્ઞાનીને અચંબામાં નાખી દે છે. એમને 1985માં રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘના હસ્તે દેશના વનસ્પતિવર્ધન અને આર્થિક વિકાસની કામગીરી બદલ વિશેષ એવૉર્ડ એનાયત થયો હતો. ભારત સરકારે એમને 2000ની સાલમાં અને એ પહેલા ગુજરાત રાજ્યે એમને 1998માં સન્માનિત કર્યા. બી.બી.સી.ની ટીમ અને વિશ્વ બૅન્કની ટીમ પણ અહિંની મુલાકાત લઇ ગઇ છે. અમસ્તા પણ વરસે દહાડે પચ્ચીસ-ત્રીસ હજાર લોકો તો અહિં આવનારા ખરા જ. એમાં સાઠ ટકા વિદ્યાર્થીઓ !

પિતા મહમ્મદભાઇ કુરેશી જમીનના આ ટુકડા પર શાક-બકાલું વાવતા અને પરિવારનો નિર્વાહ કરતા. એમની પધ્ધતિ પરંપરાગત ખેતીની હતી, પણ નાના દિકરા ગફારભાઇ નબળી આર્થિક સ્થિતિને કારણે એક મંદીરના બાંધકામમાં મજૂરીએ જતા હતા, પણ ધીરે ધીરે એમને પિતાના આ માત્ર ગુજરાન ચલાવવા માટે કરાતા શાક-બકાલા વાવવાના કામમાં ભારે રસ પડી ગયો. પિતાના અવસાન પછી 1970માં એમણે આ વાડીની જવાબદારી સંભાળી લીધી. આજે જ્યાં બાવનસોથીય વધુ વૃક્ષો લુંબેઝૂંબે છે ત્યાં એ જગ્યાએ ત્યારે તો માત્ર પાંત્રીસ આંબા હતા. આજે હવે કેસરના પુષ્કળ આંબાઓ ઉપરાંત બીજા એકસો એંસી જાતના આંબા છે. એની કલમો એ માત્ર પડતર કિંમત લઇને રસ ધરાવનારા લોકોને આપે છે. એકસો અઠ્ઠાવન જાતનાં ફળાઉ વૃક્ષો છે. એમાં દસ પ્રકારના લીંબુથી માંડીને અનેક જાતના મોસંબી, સંતરાં, નારંગી, જામફળ, જમરૂખ, દાડમ, બોર, અનેક જાતનાં આંબળા, દ્રાક્ષ, સોપારી, જાંબુ, સીતાફળ, ખજૂર, ખારેક, અંજીર, ફાલસા, ચીકુ, કરમદાં, બદામ, કાજુ, નાળીયેર, ગુંદા, બિલીપત્ર અને બીજા અનેક વૃક્ષોનાં નામ લખવા જતાં આખા લેખની જગ્યા પણ ઓછી પડે તેવું છે. ફળાઉ વૃક્ષો ઉપરાંત રોડસાઇડ ફૂલ ઝાડ અને મિશ્ર વેરાઇટી છોડમાં થોરથી શરુ કરીને ખાખરો, લાલ ચંદન, આસોપાલવ, વાંસ, ધતૂરો, ગૂલમહોર, સોનચંપા જેવા જાણીતા ફૂલઝાડથી માંડીને કુલ ત્રણસો નેવું જેટલાં વૃક્ષો લહેરાઇ રહ્યા છે. પાર વગરના ઔષધીય વૃક્ષો છે તો ગીરની હવે લુપ્ત થવાના આરે ઉભેલી સેંકડો વનસ્પતિઓ આ બાગમાં જળવાઇ રહી છે. વેલી, વેલા અને કંદમૂળની સો ઉપરાંત જાતો કેવળ જોવા જ નહિં, આંગણે ઉગાડવી હોય તો કૂંપળ, છોડ, મૂળીયાં, કલમો કે બિયારણરૂપે વાવવા પણ અહિંથી જ મળે.

હવે ફરી કેસર કેરીની મૂળ વાત પર આવીએ તો એ તો સમગ્ર ગીરનું ઘરેણું છે. જો કે, હવે ગીરમાં પણ ક્યાંક ક્યાંક એનું ઉતાવળું વ્યાપારીકરણ થયું છે ત્યાં ત્યાં એનું અસલી સત્વ એ ગુમાવી બેઠી છે. પણ આ કુરેશી બાગની કેસર કેરી એ પ્રદુષણથી મુક્ત રહી છે. એનું પરિક્ષણ સરળ છે. એને કાપવામાં આવે ત્યારે એમાંથી રસનું એક પણ ટીપું નીચે પડતું નથી, નહિં તો કેરીના ગર(પલ્પ-ગર્ભ)માં એંસી ટકા માવો અને વીસ ટકા પાણી હોય છે, જે કેરીને ઘોળતી વખતે માવામાંથી છૂટ્ટું પડીને એને રસનું સ્વરૂપ આપે છે. પરંતુ ઘોળ્યા વગર માત્ર તિક્ષ્ણ ચપ્પુ વડે કાપવામાં આવે ત્યારે જળતત્વ એમાંથી છૂટું ના પડવું જોઇએ. એ છૂટું પડીને ટીપાં રૂપે નીચે પડે તો એ વસ્તુ ફળની અને ફળના કુળની કક્ષાની ન્યૂનતાનું સૂચક છે. પણ કુરેશી બાગનાં આમ્રફળ એ ધોરણે વરસો વરસ એ ગ્રેડનો દરજ્જો પામે છે.

ગફારભાઇનું એવું નિરીક્ષણ છે કે કેસર કેરીના ત્રણ પ્રકારો છે. પહેલો પ્રકાર તે સાલમભાઇની આંબડી. કે જેનું ફળ તોડ્યા પછી એક માસ સુધી બગડતું નથી. બીજો પ્રકાર તે ટાટાની આંબડી, કે જેની નહિં બગડવાની ક્ષમતા બારથી પંદર દિવસની ગણાય. અને ત્રીજો પ્રકાર તે સાદી કેસર, કે જેની ક્ષમતા આઠ-નવ દિવસની છે. જો કે, ૧૯૭૦ થી માંડીને આજ સુધીમાં તેમણે કેસરની પાંચેક લાખ જેટલી કલમો તૈયાર કરી છે તે હકીકત છે. બીજા રોપાઓ તો રખાયેલી નોંધ પ્રમાણે ત્રીસેક લાખ જેટલાં !

આવા ચમત્કારો માટે પર્યાવરણ જાળવણી અને ચુસ્ત ઓર્ગેનિક (સજીવ) ખેતીના નિયમો પાળવા પડે છે. રાસાયણીક ખાતર કે જંતુનાશક દવાઓ પણ નહિં. દેશી છાણીયું ખાતર કેરીની ગુણવત્તાને જાળવી રાખે છે. એને સામાન્ય કેરી કરતાં વધુ મિઠાશવાળી બનાવે છે. છાણીયું ખાતર એ અળસિયાનો ખોરાક છે અને તેની હગાર એ ઉત્તમ ખાતરનું કામ કરે છે. એવું ખાતર તે જ વર્મી કમ્પોસ્ટ. ગફારભાઇ અળસીયાને વિવિધ વનસ્પતિઓના પાનનો ખોરાક આપે છે તેને કારણે સામાન્ય અળસિયાં કરતા આવા અળસિયાં દ્વારા નિપજતું ખાતર વધુ કસવાળું છે. દેડકાંની હગાર પણ જમીનને ફળદ્રૂપ બનાવે છે. દેડકાંના ઉછેર માટે અદ્‍ભુત વ્યવસ્થા કરવામાં આવી છે. તે એ કે એક મોટા હોજમાં ત્રણસો જેટલાં દેડકાંને ઉછેરવામાં આવ્યાં છે. દરેક દેડકાંનું વજન ત્રણસો ગ્રામથી માંડીને દોઢ કિલોગ્રામ જેટલું હોય છે. આ તમામ દેડકાં સાંજ પડ્યે હોજમાંથી બહાર નીકળીને પૂરા બાગમાં ખોરાકની શોધમાં નીકળી પડે છે. અને રાતના ભાગે વનસ્પતિને નુકશાન કરતી જીવાતો અને જંતુઓનો નાશ કરે છે.

જો કે, કેરી ઉપરાંત કુરેશી બાગની એક અતિ મહત્વની પાંખ ઔષધીય ખેતીની છે. હરડે-બહેડા-આમળાં-ગોખરુ-જેઠીમધ-પીપરીમૂળ જેવાં જાણીતા ઓસડીયાંથી શરુ કરીને માત્ર ગીરના જંગલના ઉંડાણમાં જંગલી રીતે આપોઆપ ઉગીને આડેધડ વિકસતી યા વાનર કે બીજા પશુઓ દ્વારા નાશ પામતી એવી સેંકડો વનસ્પતિઓ આ બાગમાં છે. એના ઇંગ્લીશ શાસ્ત્રીય નામોની સૂચી પણ એમણે રાખી છે અને એમાંથી ડાયાબીટીસ કે આંખના કે સાંધાના અને બીજા અનેક રોગ માટેની દવાઓ બાગમાં જ બનાવે છે. મધ, એલોવેરા, ગોળ, ખાખરાના મૂળનો અર્ક જેવાં વનપ્રાપ્ત દ્રવ્યો તેમના બાગમાં મળી શકે. બેશક, વ્યવસાયિક ધોરણે એ નથી.

કોઇ એક જણથી એકલપંડે પણ ના થઇ શકે. એમનાં પત્ની જેબુનબેન અને પુત્રો સૌ આ બાગમાં જ રહે છે અને બધા જ ભેગા મળીને આ બાગને લીલપથી ભર્યો ભર્યો રાખે છે. કશા પણ રસાયણિક ખાતર કે જંતુનાશકોના ઉપયોગ વગર શુધ્ધ સજીવ ખેત-પધ્ધતિથી જો આ પર્યાવરણીય સિધ્ધિ પ્રાપ્ત કરી શકાઇ હોય તો એવો પ્રશ્ન મનમાં ઉગ્યા વગર રહે જ નહિં કે પૂરા રાષ્ટ્રમાં આ કેમ ના બની શકે ?


સંપર્ક:

કુરેશી બાગ, મુકામ- રમળેચી, મુ. તાલાલા (તાલુકો: તાલાલા (ગીર) જિ. જૂનાગઢ- 362150 (કુરીયરથી ટપાલ તાલાલા મુકામે મોકલવાથી કુરેશી બાગને મળી જ જશે.)

ફોન-+91 94264 65358 અથવા 99780 32283 અને 99790 24675 અને લેન્ડ લાઇન– +91 2877-223209 અને 222461

Web :- www.qureshifarms.in / email :- qureshifarms@gmail.com


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા, બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો. 91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711

ઇ મેલ- rajnikumarp@gmail.com

8 comments for “લ્યો, આ ચીંધી આંગળી : પ્રકૃતિનાં લાખો સંતાનોને ગીરનો એક જણ પ્યાર કરે છે

 1. Mahendra Shah
  May 21, 2019 at 11:24 pm

  સુંદર!

 2. May 22, 2019 at 12:41 am

  sweet information like ” Kesar” Mangos !

 3. Niranjan Buch
  May 24, 2019 at 6:28 am

  આપે લખ્યું છે હવે કેસર કેરી કેનેડા ને અમેરિકા પણ જાય છે તો એક વાત કહેવા ની કે આ કેરી ઓ અમેરિકા ને કેનેડા મા વર્ષો થી મળે છે ને અમે 7/8 વર્ષ પહેલા પણ ખાધી છે ,જોકે હાફૂસ મા મજા નથી આવતી કારણ તરત બગડી જાય છે પણ કેસર કેરી તો સરસ આવે છે ને અમે આજે જ એનો રસ ખાધો .

  સુંદર લેખ , તક મળશે તો એમની મુલાકાત લેવા ની ઇચ્છા છે

  આભાર

  • Rajnikumar Pandya
   May 26, 2019 at 2:45 am

   આભાર.
   મને મારા ઇ મેલ -rajnikumarp@gmail.com પર આપના કોંટેક્ટ્સ અને એડ્રેસ્ વગેરે મોકલશો ?
   જરા વધુ વાત કરીએ
   કુશળ હશો

 4. May 25, 2019 at 10:36 am

  લેખ વાંચી બે વાતનો ગર્વ થયો. એક તો ગફારભાઈ મારા વિદ્યાર્થી હતાં અને બીજું કે મારા પિતાની કેસરબાગ તે ગીર વિસ્તારમાં કેસર કેરીનું સૌ પ્રથમ વાવેતર અત્યારે તે તાલાલા ગામની મધ્યમાં છે પણ એ સમયે અહીં વગડામાં સિંહ આંટા મારતા હતાં અને માનવ વસતી જૂજ હતી. બાળપણમાં આંબાડાળે બેસીને ખૂબ કેસર કેરીઓ ખાંધી છે. એ મધૂર સ્વાદ સાથેની મધૂર યાદો હજુ ય શક્તિનો સંચાર કરે છે. લેખ વાંચી આનંદ થયો. રજનીભાઈનો આભાર અને નમસ્કાર !

  • May 25, 2019 at 8:00 pm

   જાણીને બહુ આનંદ થયો.
   હું આ વાત ગફુરભાઇને પહોંચાડીશ
   કુશળ હશો. આવો તો મળશો.

 5. May 25, 2019 at 8:05 pm

  જાણીને બહુ આનંદ થયો.
  હું આ વાત ગફુરભાઇને પહોંચાડીશ
  કુશળ હશો. આવો તો મળશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *