હુસ્ન પહાડી કા – ૬ – એસ. ડી. બર્મનની પહાડી રચનાઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

તુમ ન જાને કિસ જહાંમેં ખો ગયે /\ આજ કી રાત પિયા દિલ ના તોડો

– ભગવાન થાવરાણી

પહાડી,  જોગિયા,  કેદાર, પીલુ, મારવા, કાફી

અમારે આટલું બસ જિંદગી શણગારવા કાફી …

એક બ્રહ્માંડ છે સંગીત નામનું. એમાં એક અનોખી આકાશગંગા છે હિંદી ફિલ્મ-સંગીત નામે. એમાં વળી એક સૌર-મંડળ છે ‘  સાઠ અને એ પહેલાંનું ફિલ્મ-સંગીત ‘ નામનું. એ ગ્રહમાળામાં નૌશાદ, શંકર-જયકિશન, બર્મન, મદનમોહન, સી.રામચંદ્ર, હેમંતકુમાર, ચિત્રગુપ્ત, સલિલ ચૌધરી, નૈયર નામેરી ગ્રહો છે. આ જ ગ્રહોને કેટલાક જાણકારો લતા, આશા, ગીતા, શમશાદ, સુમન, રફી, મન્ના, મુકેશ કે તલત નામે પણ ઓળખે છે. આ પ્રત્યેકના પાછા ભૈરવી, ભૈરવ, માલકૌંસ, કેદાર, ચારુકેશી, નંદ, ભીમપલાસી, તોડી, લલિત નામધારી દેશો-ઉપદેશો છે અને એમાના પહાડી નામક દિલકશ અને રમણીય ઈલાકાનો સહિયારો પ્રવાસ આજકાલ આપણે સૌ કરી રહ્યા છીએ. આજે આપણે  ‘ બર્મનદાદાનું પહાડી ‘ નામ ધરાવતા હર્યા-ભર્યા ટાપુની મુલાકાતે જઈશું.

આ પહેલાની કડીમાં આપણે મદનમોહનના પહાડી રાગનો આસ્વાદ માણ્યો કેવળ એક જ ગીત થકી અને એ એક ગીત પર જ જિંદગી આખી વિતાવી દે એવા લોકો પણ છે આ જગતમાં. એ ગીત અને મદનમોહનનો ફરી ઉલ્લેખ એટલા માટે કે મદનમોહન સ્વયં એ જમાનાના કરોડપતિ એવા રાયબહાદુર ચૂનીલાલના ફરજંદ હતા પણ સંગીતની દુનિયાને એવા વર્યા કે પિતાની જાહોજલાલી એક બાજુ રહી ગઈ. આપણા આજના સંગીતકાર કુમાર સચિન દેવવર્મન ( આપણા બર્મન દાદા ) પણ ત્રિપુરા રાજઘરાનાના રાજકુમાર. એ પણ રાજપાટ છોડી સંગીતને દિલ દઈ બેઠા અને ત્રિપુરાએ તો રાજકુમાર ગુમાવ્યો પણ આપણે રસિકોએ મેળવ્યો એક એવો ખજાનો જેના હીરા-મોતી-માણેક-નીલમ-પોખરાજ ખૂટ્યા ખૂટે નહીં !

આવા સંગીતની દુનિયાના ( પણ ) રાજકુમાર સચિનદેવની બે પહાડી રચનાઓ આજે, લગભગ સાત દાયકા જૂની ૧૯૫૧ ની ફિલ્મો  ‘ સઝા ‘ અને  ‘ બાઝી ‘ માંથી.

આવી ફિલ્મોની ફિલ્મ તરીકેની ગુણવત્તાની વાત બાજુએ રાખીએ તો પણ એમનું ઐતિહાસિક અને દસ્તાવેજી મૂલ્ય પણ અગત્યનું હોય છે. કઈ રીતે, જોઈએ.

‘ સઝા ‘ એ  ‘ શોલે ‘ વાળા જી.પી. સિપ્પીની ફિલ્મ છે. ફિલ્મના નિર્દેશક, પાછળથી નવકેતનના કાયમી કેમેરામેન બનેલા (અને આ જ ફિલ્મની અભિનેત્રી શ્યામાના પતિ) ફલી મિસ્ત્રી છે. ફિલ્મના ટાઈટલમાં અભિનેત્રી નિમ્મીનું નામ દેવ આનંદ કરતાં પણ પહેલાં આવે છે. પછીથી અનેક સફળ અને કર્ણપ્રિય ગીતો આપનારા દત્તા નાર્વેકર (એન. દત્તા) અહીં બર્મનદાદાના સહાયક છે તો આજે જે પહાડી ગીતની વાત આપણે કરવાના છીએ એના રચયિતા અને મહાન કવિ સાહિર લુધિયાનવીનું નામ સુદ્ધાં ક્રેડીટ ટાઈટલમાં ક્યાંય નથી. આ એ જ સાહિર છે જેણે ફિલ્મના ગીતકારને એનો હક અને પૈસા અપાવવા માટેની જબરી લડત ચલાવેલી. એ જ રીતે એ જ વર્ષમાં આવેલ  ‘ બાઝી ‘ નવકેતનની બીજી અને નિર્દેશક તરીકે ગુરુદત્તની પહેલી ફિલ્મ. ફિલ્મની વાર્તા, પટકથા અને સંવાદ બલરાજ સહાનીના જેમને આપણે બહુધા એક વાસ્તવદર્શી અભિનેતા તરીકે વધુ ઓળખીએ છીએ. એમણે જ બદરુદ્દીન કાજી ઉર્ફે જોની વોકરને મુંબઈમાં બેસ્ટની બસમાં કંડક્ટર તરીકે ટિકિટ કાપતો જોયો અને તાબડતોબ આ ફિલ્મમાં સાવ એક્સ્ટ્રા જેવી ભૂમિકા અપાવી, પણ નામ ક્યાંય નહીં ! હા, ફિલ્મના સહાયક નિર્દેશકો રાજ ખોસલા અને નાસિર હુસૈન જેમણે પાછળથી અનેક ઝળહળતી સફળ ફિલ્મો આપી.

આ બધી વિગતો આપવાનું કારણ કેવળ એ કે આપણે જેમને પાછળથી મોટી હસ્તીઓ તરીકે ઓળખતા થયા એમની શરુઆત કેવી મામૂલી, ક્ષુલ્લક અને ક્યારેક તો અપમાનજનક હતી એ જાણકારી મળે !

અસલ વાત.  ‘ સઝા ‘ ના સાહિર લિખિત, બર્મન દિગ્દર્શિત પહાડી લતા – રત્નના શબ્દો :

तुम न जाने किस जहाँ में खो गए
हम  भरी  दुनिया  में तन्हा हो गए

मौत  भी  आती   नहीं  आस  भी  जाती  नहीं
दिल को ये क्या हो गया कोई शय भाती नहीं
लूट  कर  मेरा  जहाँ  छुप  गए  हो  तुम कहाँ …

एक जाँ और लाखों ग़म घुट के रह जाए न दम
आओ  तुम  को  देख  लें  डूबती  नज़रों से हम
लूट  कर  मेरा  जहाँ  छुप  गए  हो  तुम  कहाँ …

છેક કિશોરાવસ્થાથી આ ગીત સાંભળતો આવ્યો છું અને જ્યારે-જ્યારે સાંભળું છું ત્યારે એક અજીબ અને અકારણ ગ્લાનિ, ઉદાસી અને વિષાદ વિહ્વળ બનાવી મૂકે છે. બકૌલ અહમદ  ‘ ફરાઝ ‘ :

न  जाने  क्यों  मेरी  आँखें  बरसने लगती है

जो सच कहुं तो कुछ ऐसा उदास हुँ भी नहीं ..

એ અસર દાદાની ધુનની છે, સાહિરના શબ્દોની, લતાના વેદનાને થીજાવીને મૂર્તિમંત કરતા અવાજની કે પહાડીની સુરાવલિઓની, ખબર નથી. કદાચ લતા હશે કારણ કે એ કોઈ પણ રચનામાં પોતાના વતી કેટલું નક્કર અને માતબર ઉમેરી શકે છે એના આપણે સૌ દાયકાઓથી સાક્ષી છીએ, પણ એવું કહીને બાકીના લોકો અને પહાડીને સહેજ પણ નીચે નથી જ પાડવા ! ગીતના શબ્દોમાંથી પસાર થતાં આપણા મનોજ ખંઢેરિયા પણ યાદ આવે :

તારી  અસરમાં  સાવ અટૂલા પડી ગયા

ભરચક નગરમાં સાવ અટૂલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઈ

આખી સફરમાં સાવ અટૂલા પડી ગયા …

‘ સઝા ‘ સાવ સામાન્ય ફિલ્મ છે. દેવ, નિમ્મી, શ્યામા, બર્મન, રાજેન્દ્ર કૃષ્ણ અને આજના ગીતના રચયિતા સાહિરની મૌજૂદગી હોવા છતાં ! બહુ સફળ પણ નહોતી. માત્ર એટલું કે ફિલ્મના નિર્દેશક ફલી મિસ્ત્રી મૂળભૂત રીતે કુશળ કેમેરામેન હોવાથી કેટલાક દ્રષ્યોનું ફિલ્માંકન અને કેટલાક શોટ્સની વિલક્ષણતા ધ્યાનાકર્ષક છે. ફિલ્મમાં આજની પહાડી બંદિશ ઉપરાંત સાત ગીતો હતા જેમાંથી હેમંત – સંધ્યા મુખર્જીનું ગાયેલું  ‘ આ ગુપચુપ ગુપચુપ પ્યાર કરેં ‘ અદ્ભૂત રચના છે તો તલત-લતાનું  ‘ આ જા આ જા તેરા ઇંતેજાર હૈ ‘ પણ ઉમદા ગીત છે. હા, આ ગીતો ઉપરાંત ફિલ્મમાં એક પાંચ મિનિટ લાંબું સ્વપ્ન-દ્રષ્ય છે. નિમ્મી દેવને વળગીને કહે છે કે તારી સાથે અથવા તારી સ્મૃતિઓમાં હોઉં ત્યારે મારી એક અલગ જ દુનિયા હોય છે. એ દુનિયામાં હોય છે કેવળ ફૂલો, વાદળો, પંખીઓ અને સંગીત. એ સમગ્ર સાંગિતિક ઉપક્રમ કેવળ નર્તકીઓ અને કોરસ સ્વરોમાં છે રાગ માલકૌંસમાં નિબદ્ધ અને એક અનેરો અનુભવ છે દર્શકો, શ્રોતાઓ માટે !

ઢંગધડા વગરની ફિલ્મની વાર્તામાં દેવને શ્રીમંત બાપ ગોપની પુત્રી શ્યામા પોતાની કારની અડફેટે લઈ ગંભીર રીતે ઘાયલ કરે છે અને પોતે પણ ઘાયલ થાય છે પ્રેમ-બાણથી ! મહિનાઓ પછી સાજો થતાં એને પોતાના પિતાના ધંધામાં મેનેજર તરીકે ગોઠવી દે છે. શેઠના ઘરની મૂંગી નોકરાણી નિમ્મીને જોઈને દેવના મનમાં પોતાનો ભૂતકાળ અને પ્રેમ-કહાણી જાગૃત થાય છે જ્યારે નિમ્મી એના જીવનમાં પ્રથમ પ્રેમ તરીકે પ્રવેશેલી. દેવ પોતે પણ દરઅસલ માલેતુજાર પણ અક્કડ બાપ કે. એન. સિંગનો બેટો હોય છે. નાના મોટા નાટકીય અને કૃત્રિમ વળાંકો અને છેવટે દેવ નિમ્મીનું અપેક્ષિત મિલન !

પ્રસ્તૂત ગીત નિમ્મી પર ફિલ્માવાયેલું છે ફિલ્મના એ તબક્કે જ્યારે બન્ને પ્રેમીઓનું મિલન હાથવેંતમાં હોય છે અને અચાનક દેવના શ્રીમંત પિતા એને શોધી કાઢે છે અને એને પોતાની એશોઆરામવાળી દુનિયામાં પરાણે ઢસડી જાય છે. નિમ્મી દિવસો ગણતી રહે છે પોતાનો પ્રેમી પાછો ફરે તેના :

પિયાનો અને હાર્મોનિયમની સૌમ્ય સુરાવલિ. સિતારના સુરો સંગાથે ઊડી જતા તારીખિયાના પાના. સ્મૃતિવનની સોનેરી પર્ણિકાઓ વચ્ચે આથડતી એકાકી  નિમ્મી. કવિ પ્રણવ પંડ્યા કહે છે :

સાંજના  વાતાવરણની  એ  જ  તો  તકલીફ છે

બહુ વલોવે છે – સ્મરણની એ જ તો તકલીફ છે

ઝંખના  જીવલેણ  છે એ જાણીએ પણ ઝંખીએં

જીવતા  પ્રત્યેક  જણની  એ જ તો તકલીફ છે ..

ફરી પિયાનો અને સમૂહ વાયલીન પછી તુરંત એકલ વાયલીન. તું ગયો ને ભરચક દુનિયામાં અમે સાવ એકલા. ( તેરા જાના દિલકે અરમાનો કા લુટ જાના ! ). વાયલીનના ટૂંકા અંતરાલ, સ્મરણના પાનાઓના ફરફરાટ વચ્ચે નાયિકાનો ઝુરાપો. મૃત્યુ અને આશા વચ્ચે ઝોલાં ખાતું જીવન અને કશું જ ન ગમવાની માનસિક હાલત. સાવ આમ કોઈની દુનિયા ઉજાડીને કોઈ ચાલ્યું જાય ! અંતરાની સમાપ્તિ વખતે લતા દ્વારા ત્રણ વાર ક્રમશ: ઊંચકાતા સ્વરોમાં દોહરાવાતું  ‘ તુમ કહાં ‘ બંદિશની અસરકારકતામાં જબરો ઉમેરો કરે છે.

બીજા અંતરા પહેલાં પણ એ જ સોલો વાયલીન અને ફ્લેશબેકમાં એ જ સુખદ સ્મરણોનો વરસાદ. નાયિકાની વ્યથા. એક જીવ કેટલુંક જીરવે ! જીરવવાની અવધિ આવે એ પહેલાં, ‘ બસ આ ફાંસીગાળિયામાથી જનમ્યા સુધી જોઈ લેવું છે ‘ .  બન્ને અંતરામાં પહેલી પંક્તિઓ  ( એક જાં ઔર લાખ ગમ અને મૌત ભી આતી નહીં ) બે વાર પુનરાવર્તિત થાય છે જે શ્રાવ્ય આવૃત્તિમાં એક જ વાર છે. ગીત હળવેથી ઓસરતા વાયલીનના રુદન સાથે સમાપ્ત થાય છે.

આનંદની વાત એ કે નિમ્મી ૮૬ વર્ષે હજુ અડીખમ છે અને ફિલ્મમાં બે ગીતો ગાનાર સંધ્યા મુખર્જી ૮૭ ની વયે હાજર છે. શ્યામા થોડાક મહિનાઓ પહેલાં ગઈ.

ગનીમત એ છે કે નિરાશાની ગર્તામાં ધકેલી દેતા આવા ગીતોની સામે આ જ પહાડી રાગમાં આ જ બર્મન દાદા દ્વારા સંગીતબદ્ધ થયેલા એવા ગીતો પણ છે જે આપણને ઉગારીને પાછા જિંદગીના ઉત્ફુલ્લ પ્રવાહમાં ભેળવી દે. આવું એક ગીત એટલે ૧૯૫૧ માં જ આવેલી  ‘ બાઝી ‘નું આ પહાડી ગીત. આ વખતે બર્મન – સાહિર સંગે ગીતા દતની કમાલ ! શબ્દો જુઓ :

आज की रात पिया
दिल ना तोड़ो
मन की बात पिया मान लो

दिल की कहानी अपनी ज़बानी
तुमको सुनाने आई हुँ
आँखों मे ले के सपने सुहाने
अपना बनाने आई हुँ
छोड के साथ पिया मुँह ना मोड़ो

मन की बात पिया मान लो …

चंदा भी देखे तारे भी देखे
हमको गगन की ओट से
घायल किया है दिल तुमने मेरा
मीठी नज़र की चोट से
थाम के हाथ पिया युं ना छोड़ो
मन की बात पिया मान लो ….

કેટલાક વાચકોને યાદ હશે, આ અગાઉની અહીં જ પ્રસિદ્ધ થયેલી શૈલેન્દ્રના ગીતોવાળી લેખમાળામાં એક ગીત વિષે લખેલું . ‘ ઠંડી ઠંડી સાવન કી ફુહાર, પિયા આજ ખિડકી ખુલી મત છોડો ‘ એ એક શ્રુંગાર-ગીત હતું, શબ્દોના મોઘમ ઇશારાઓ દ્વારા ઘણું બધું મુખરિત કરતું. અહીં એ ઇશારો વધુ સુસ્પષ્ટ, વધુ બેબાક છે. આ  ફિલ્મમાં જ કામ કરતી ગીતા બાલીના ચાહક તરીકે આપણને એક નાનકડો અફસોસ થાય કે આ ગીત એના બદલે કલ્પના કાર્તિક પર ફિલ્માવાયું !!

હા, દેવની ભાવિ પત્ની કલ્પના કાર્તિકની આ પહેલી ફિલ્મ . એના ઉપરાંત દેવ અને ગીતા. ૧૯૪૬ ની અંગ્રેજી ફિલ્મ  GILDA પર આધારિત. ટિકિટબારી પર ધૂમ મચાવેલી આ ફિલ્મે.

ફિલ્મનું નામ  ‘ બાઝી ‘ ને બદલે  ‘ ધુંઆં હી ધુંઆં ‘ અથવા  ‘ Smokers Paradise ‘ રાખ્યું હોત વધુ ઉપયુક્ત લેખાત એ હદે ધૂમ્રપાનનો અતિરેક છે આ ફિલ્મમાં. સ્ત્રી કલાકારોને બાદ કરતાં દરેક પાત્ર દરેક ફ્રેમમાં ધુમાડો ઓકતું રહે છે. હદ તો ત્યાં થાય છે કે પોલીસ ચોકીમાં ઇન્સ્પેક્ટર સ્વયં સિગરેટ પીએ અને સંભવિત ગુનેગારની પેટાવી પણ આપે ! ધૂમ્રપાનના કટ્ટર વિરોધી ન હોય એને પણ ગૂંગળામણ થાય એટલી માત્રામાં બસ ધુમાડો, ધુમાડો અને ધુમાડો ! હાલના યુગમાં આવી હોત તો ચોક્કસ પ્રતિબંધિત થાત આ ફિલ્મ ! અથવા  ‘ હાનિકારક હૈ ‘ વાળી ચેતવણી નિરંતર ચિપકાવી રાખવી પડી હોત ! ધુમાડાથી શરુ થતી અને એનાથી જ ખતમ થતી ફિલ્મમાં બે  ‘ ધૂમ્ર -ગોટ ‘ વચ્ચે કેવળ એટલું કે મૂળભૂત રીતે સુખી સંપન્ન ઘરનો દેવ આનંદ પોતાની ક્ષયગ્રસ્ત બહેન રૂપા વર્મન સાથે ચાલીમાં રહે છે. જુગારમાં હાથ બેઠેલો હોવાથી શહેરની નામચીન ક્લબ એને નોકરીએ રાખે છે માલેતુજાર ગ્રાહકોને ફસાવવા કાજે. ક્લબની ખૂબસૂરત નર્તકી ગીતા બાલી એના પર ઓળઘોળ છે. દરમિયાન એ, ગરીબોની મફત સારવારનો ભેખ ધારણ કરનાર ડો કલ્પના કાર્તિકના પ્રેમમાં પડે છે. કલ્પના, એની બીમાર બહેનની સારવારની જવાબદારી ઉપાડી લે છે. કલ્પનાના કરડા વકીલ પિતા કે.એન.સિંગને   ‘ યે રિશ્તા પસંદ નહીં ‘ અને એ તો વળી ગુપ્ત રીતે પેલી જુગાર ક્લબના માલિક પણ છે ! એ કલ્પનાને  ‘ બચપન કે દોસ્ત કે સાહબઝાદે ‘ ઇન્સ્પેક્ટર કૃષ્ણ ધવન જોડે વરાવવા માંગે છે.

દરમિયાન એક દિવસ કોઈક હોટલમાં દેવ પોતાની ક્લબની ગીતા સહિતની કેટલીક રમણીઓ સંગે જાય છે અને કલ્પનાની નજરે ચડે છે. ગુસ્સે થયેલી કલ્પના એને સમજાવી પોતાની કારમાં ‘ શહેર સે દૂર ‘ લઈ જાય છે અને અપરાધના રસ્તેથી પાછા વળવા, પહેલાં ધનાઢય-નબીરી-સહજ-ખીજથી અને પછી લાગણી-પ્રેમથી સમજાવે છે.

કલ્પના માથે ઓઢેલ સ્કાર્ફને,  રહી સહી શરમને પણ નેવે મૂકતી હોય તેમ ઉતારી  ‘ તું કશું જ નથી સમજતો ‘ કહી મહેણું મારે છે બિલકુલ આમંત્રણની મુદ્રામાં. ગીતા દત્તના મદમસ્ત કંઠે હળવો આલાપ અને સીધી  ‘ આજની રાતે મારા મનની વાત માની લેવા ‘ ની નટખટ આજીજી !

દેવ હજૂ કિંકર્તવ્યવિમૂઢ છે અને પરિસ્થિતિમાંથી નાસી છૂટવા ( અપેક્ષા મૂજબ ! ) સિગરેટનો સહારો લે છે. કલ્પના  ‘ આજ કી રાત પિયા ‘ ને મદભરી રીતે લંબાવીને છોડી દે છે.

વાંસળી અને વાયલીનનો રમતિયાળ અવકાશ અને રિસાયેલા પ્રેમીને મનાવવાના ભરપૂર પ્રયાસો કરતી કલ્પના પૂરેપૂરી આક્રમક છે. દેવ સ્વયંને બચાવવા રીતસર ઝઝૂમે છે.

મારા દિલની વાત કરવા, મારી આરઝૂ પૂરી કરવા તો તને અહીં લાવી છું. મને તરછોડીને મારું દિલ ન તોડ.

નાળિયેરીના ઝૂંડ વચ્ચે અટવાયેલો- કહો કે કલ્પનાની નિમંત્રક પેશકશથી અસમંજસમાં ગૂંચવાયેલો દેવ રસ્તો શોધે છે :

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી

ને વળી એમાં તમે ઝુલ્ફો વિખેરી !

ચંદ્ર-તારાઓ પણ જાણે ગગનગોખનો પરદો હટાવી આપણા મિલનને નીરખવા પ્રતિક્ષિત છે અને આ અહીં ધરતી પર, તારી નજરુંના મીઠા શૂળથી ઘાયલ હરિણી-શી હું તારો હાથ ઝાલી આકંઠ ઝંખું તને !

દેવ પીગળી રહ્યો છે. એને પીગળવું જ હતું. બીજો અંતરો અને ગીત પૂરું થતાં એ કલ્પનાના અભિસારથી ઉદ્વેલિત બની એનું શરણું સ્વીકારી લે છે .

ગીતમાં ૧૯૫૧ ની જ ફિલ્મ  ‘ મલ્હાર ‘ના રોશન દ્વારા સંગીતબદ્ધ લતા-મુકેશના  ‘ બડે અરમાન સે રખા હૈ બલમ તેરી કસમ ‘ ની છાંટ વર્તાય છે. બન્ને સંગીતકારોની ઊંચાઈ અને સામર્થ્ય જોતાં અને બન્ને ફિલ્મો સમાંતરે જ આવી હોઈ, કોઈએ કોઈમાંથી પ્રેરણા લીધી નથી એમ માનવું રહ્યું !

લાક્ષણિક ક્રાઈમ થ્રીલરના વળાંકો, ગીતા બાલીની હત્યા, દેવ પર આરોપ,  ‘ અસલી ખૂની કૌન ‘ , મુકદ્દમો, કાવાદાવા, પાપનો ઘડો અંતે ફૂટવો અને દેવ-કલ્પનાનું મિલન ! બધું અપેક્ષાનુસાર !

ફિલ્મના આઠ ગીતોમાંથી છ તો ગીતા દત્તના સોલો છે. ત્રણ -ત્રણ ગીતા બાલી અને કલ્પના પર ફિલ્માવાયા છે. શમશાદનું એકમાત્ર ગીત પણ ગીતા બાલીના ફાળે ગયું છે. કિશોર કુમારનું એક ગીત દેવ આનંદ પર.

એ સમયે બર્મન દાદાના સંગીતવિશ્વમાં લતાનો ધમાકેદાર પ્રવેશ થઈ ચૂક્યો હતો એટલે ગીતા દત્તના આટલા બધા ગીતો અને લતાની ગેરહાજરી કદાચ ગુરુ દત્તને આભારી હશે. બન્ને એ પછી પરણી ગયા હતા. બીજી થોડીક ફિલ્મો સાથે કર્યા પછી દેવ – કલ્પના પણ.

આજના દીર્ઘ પહાડી પ્રવાસને અહીં વિરામ.

આવતા મણકે ઓમકાર પ્રસાદ નૈયર અને એમની પહાડી રમઝટ સાથે મળીશું….


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

9 comments for “હુસ્ન પહાડી કા – ૬ – એસ. ડી. બર્મનની પહાડી રચનાઓ

 1. રિષભ મહેતા
  May 18, 2019 at 12:03 pm

  એક સંગીતજ્ઞ કવિ આસ્વાદક હોય તો કેવા આસ્વાદ વાંચવા મળે એનું ઉત્તમોત્તમ ઉદાહરણ એટલે આ પહાડી ગીતોની ખળખળ વહેતી સંગીત અને કાવ્ય મઢી શૃંખલા . જય હો , કવિ !

  • Bhagwan thavrani
   May 22, 2019 at 5:44 pm

   પ્રતિભાવ બદલ ધન્યવાદ રિષભભાઈ !

 2. Samir
  May 18, 2019 at 1:59 pm

  ફરી થી પહાડી માંથી શીતળતા આપતી વર્ષા થઇ !
  જુના જમાના ના ગાયકો માં કોને વધારે સારું ગાયું છે તે કહેવું ૬ દાયકા પછી પણ નક્કી નથી થતું. લતા મંગેશકર અને ગીતા દત્ત કોણ વધારે સારું ગાય તેની હરીફાઈ માં છે અને આપણને જલસો પડી ગયો ,થાવરાનીભાઈ ના સૌજન્ય થી અલબત્ત !
  સંગીતે આપણા જીવન માં કેટલા અદભુત રંગ ભરી દીધા છે તેનો ખ્યાલ આ સુંદર લેખમાળા થી થાય છે.
  આભાર રાગ પહાડી અને આભાર થાવરાનીભાઈ……

  • Bhagwan thavrani
   May 22, 2019 at 5:46 pm

   ખૂબ ખૂબ આભાર સમીરભાઈ, નિરંતર સહયાત્રી બની રહેવા બદલ !

 3. mahesh joshi
  May 22, 2019 at 6:55 pm

  પહાડી, જોગિયા, કેદાર, પીલુ, મારવા, કાફી

  અમારે આટલું બસ જિંદગી શણગારવા કાફી …

  Going Thru this series it appears as PAHADI only is sufficient to grace the Life. Even as mentioned in this article, for many one song may be all they need . We all are lucky and privileged to have full khazana with us. Both the songs of Sazaa and Baazi speaks volume of lyricist, composer, singer not to miss artsts and technicians. Compliments and Thanks.

  • Kishorchandra Vyas
   May 25, 2019 at 5:33 pm

   आज का लेख में थोड़ा देर से पढ़ पाया, बर्मन दा, साहिर साब, लता दी और साथ मे आपका साहित्यिक विश्लेषण ।क्या कहना ? अद्भुत ? सच कहूं तो ये सब पहाड़ी गीतों और उनकी फिल्मों के बारे में आपके ये सब लेख के बाद ही रस स्वाद मिला । थावरानी जी खूब अभिनंदन आभार …..

   • Bhagwan thavrani
    May 25, 2019 at 6:18 pm

    धन्यवाद किशोरभाई !

  • Bhagwan thavrani
   May 25, 2019 at 6:17 pm

   Thanks for reading and commenting Maheshbhai !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *