





– વિમળા હીરપરા
‘જીવો ને જીવવા દો’, ‘અહિંસા પરમો ધર્મ’ કે ‘સત્યમેવ જયતે’.આવા સુત્રો વાંચવા સારા લાગે છે પણ વ્યવહારની દુનિયા અલગ છે. આજ સુધીમાં આ દુનિયાને સુધારવા અને અન્યાય, હિંસા ને અત્યાચારને નાબુદકરવા, ભાન ભુલેલાને સહી માર્ગ બતાવવા અનેક ફરિસ્તા આવ્યા ને પોતાનુ કામ કરી ગયા પણ માનવજાત તો ઠેરની ઠેર. એટલુ જ નહિ પણ આ ફરિસ્તાઓ જ હિંસાનો ભોગ બની ગયા. ભગવાન તો આજે આપણે કહીએ છીએ પણ એ સમયે ગોકુળગામનો ગોવાળ એવા એ કૃષ્ણે યુધ્ધ રોકવા કેટલા પ્રયત્ન કર્યા? એ જાણે છેકે આમા જેને રાજપાટ મેળવવું છે કે પોતાના માનઅપમાનનો વ્યકિતગત હિસાબ ચુકતે કરવાનો છે એને માટે એનું જીવનમરણ વ્યાજબી પણ જેને કશુ મેળવવા નથી એવા સૈનિકો અને એની પાછળ એનો પરિવાર. એ નુકશાન કોણ ભરપાઇ કરશે? છતા માનવસહજ બદલાની ભાવના ને સત્તા સંપતિનો મોહ જીતી ગયો.લાખો લોકોની જાનહાની પછી જે વિજય મળ્યો એ પણ સંતોષકારક તો ન જ નીવડ્યો ને કરુણતા તો એ કે ખુદ કૃષ્ણ જ જે શાંતિદુત હતા એજ હિંસાનો ભોગ બની ગયા.
એજ સીલસીલામાં સોક્રેટીસને સત્યના સંદેશવાહક તરીકે ઝેર મળ્યુ તો ગાંધીજીના અનુયાયી એવા નેલ્સન માંડેલાએ બાવીસ વરસ જેલ ભોગવી, માર્ટીન લ્યુથર કિંગ ગોળીએ વિંધાઇ ગયા. આપણા મહાત્મા ગાંધી. અહિંસાનો અનોખો પ્રયોગ અને શસ્ત્રધારીઓ સામે નિશસ્ત્ર લડાઇ. દુનિયાને અહિંસાની એક નવી જ મિશાલ આપી. પણ એના પરિપાકરુપે મળેલી આઝાદીને પ્રભાતે જ હિંસા ફાટી નીકળી. આઝાદીની એ નવતર મિશાલ ગોઝારી નીવડી. શહાદતનો એ ઇતિહાસ અનેક નિર્દોષના લોહીના લાલ શોણિતે લખાયો. દેશના ભાગલા સાથે જ આઝાદી માટે ખભેખભા મિલાવીને લડનારા અને વરસોથી સારા મિત્રો, પાડોશી, કે સહકાર્યકરો પલભરમાં એની ઓળખ ભૂલી માત્ર હિંદુ ને મુસ્લીમ બની ગઇ. હજારો લોકો અજાણ્યા દેશમાં નિર્વાસીત તરીકે ઓળખાયા. મિલ્કત ઠીક પણ લોકોએ પોતાના પરિવાર ગુમાવ્યા. એમને અહિંસા પરમો ધર્મ કોણ સમજાવશે કે કેમ સમજશે? કરુણતા એ છે જે દિવસે આ બે પ્રજા અલગ થઇ એ સરહદ આજે પણ સળગે છે. વખતોવખત આશાભર્યા યુવાનો શહીદ થાય છે. આજે પણ દુનિયામાં આવી સળગતી અનેક સરહદો છે.
વિચારતા એવુ લાગે કે શાણા,સમજદાર ને બુધ્ધીશાળી લાગતા માનવો આવી ભુલ કેમ કરતા હશે? એના આગેવાનો સારુનરસુ, પાપ પુન્ય, ધર્મ અધર્મ કે સત અસત જાણતા હોય છે. જાનામિ ધર્મમ. પણ લોભ, લાલચ, સત્તા ને સંપતિનો મોહ કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માણસ આ જાણી જોઇને લડવાનું જોખમ ખેડે છૈ. આ બાબત માનવ ઉત્પતિનો ઇતિહાસ જોઇએ તો માણસના જીનમાં જ આ સંસ્કારો પડેલા છે.
આપણે એકકોષી જીવમાથી આપણા પુરાણ પ્રમાણે ચોર્યાશી લાખ યોનીમાથી છેવટે માણસ બન્યા છીએ. કીડી, મંકોડા ને ઉધઇ જેવા જીવો પોતાની વસાહતો બનાવે છે, એની આસપાસ ફરકનાર અન્ય જીવો નો સામનો કરીને હાંકી કાઢે છે. ખોરાકનો સંગ્રહ કરે છે. એમા પણ રાણી,દાસી ને મજુરો એવી ચડઉતર કક્ષા હોય છૈ. પછી સરિસૃપ જીવો જેવાકે સાપ,ગરોળી, કાંચીડાથી માંડી સિંહ,વાઘ ને એવા સસ્તન પ્રાણીઓની પોતાના
ખોરાક મેળવવા માટેની ચોક્કસ સરહદ હોય છે. એમા કોઇ અજાણ્યુ પ્રવેશે તો જીવલેણ મારામારી થાય. સિંહ જુઓ તો જંગલનો રાજા કહેવાય પણ શિકાર તો સિંહણો જ કરે. એતો તૈયાર ભોજન પર આવીને બેસી જાય ને એ ધરાય પછી જ નાના બચ્ચાનો ને સિંહણોનો વારો આવે. સિંહ સામેની હરીફ ટોળીના આગેવાનને મારી ને એની માદાઓનો કબજોલે ત્યારે નાના બચ્ચાને પણ મારી નાખે છે. વાનરોમાં ચડઉતર ક્રમ હોય છે. માદા એનો ઉપરી ભોગવી લે પછી નીચેની કક્ષાનો વારો આવે જેમ આપણે એવા રાજા કે દરબારો પ્રજાની બહેનદિકરીને પોતાની મિલ્કત સમજતા ને એના ભોગવટા પોતાનો પ્રથમ અધિકાર સમજતા.
આપણે આપણા માંસાહારી ને ગુફાવાસી આદી પુર્વજોને છોડી આજે સારા રહેઠાણો ને મહાલયો રહેતા થયા છીએ. કાચા માંસને બદલે શાકાહારી અને ભોજનને પકાવીને ખાતા થયા છીએ. આપણે ભાષા વિકસાવી છે. આપણુ બાહ્ય કલેવર બદલાયુ છે પણ અંદરની પશુવૃતિ હજી અકબંધ છે. જુઓ આજે પણ આપણે જીવનજરુરિયાતની ચીજોનો સંગ્રહ કરીએ છીએ. એટલી હદે કે સમાજમાં અછત ઉભી થાય. એક માણસ એક ટંક કે એક પેઢીનું નહિ પણ સાત પેઢી માટે સંગ્રહ કરે તો બાકીના જીવનજરુરિયાતથી વંચિત રહીજ જાય!
પ્રાણીઓની માફક આપણે પણ આપણા રહેઠાણ ફરતી વાડ કે વંડી કે દિવાલ બનાવીએ છીએ. ઘરને તાળા, બારણા ને પોષાય તો ગાર્ડ હોય. હવે સિક્યોરીટી કેમેરા. તો રાજાઓ કિલ્લા ચણાવે ને ચોકીદાર રાખે. એમા કોઇ અજાણ્યુ ને વગર આંમત્રણે આવનારની કડક સરભરા થાય તો કયારેક મારામારી પણ થાય.
એ જ પ્રમાણે આપણે ત્યા સાવકા બાપ કે મા આગળ પાછળના સંબધોથી થયેલા બાળકને સ્વીકારવા રાજી નથી હોતા અમુક અપવાદ સિવાય. એજ પ્રમાણે આપણે આંગતુક પ્રજાને આસાનીથી સ્વીકારી નથી શકતા. મનમાં એક ભય રહે છે. એટલે જ ધરતીકંપ કરતા ય માણસો ધિક્કારકંપમાં વધારે મરે છે. બે વિશ્ર્વયુધ્ધો, લાખોની તારાજી ને કત્લેઆમ પછી પણ માણસ કશું શીખ્યો નથી. ઉલ્ટુ એમાથી નવા વેર ને બદલાની ભાવના જ જન્મી છે. એટલે જ આજે પણ દુનિયામાં અનેક સળગતી સરહદો છે. ઠીક છૈ આજે અશ્ર્વત્થામાનું બ્રહ્માસ્ત્ર દુનિયાના ઘણા દેશ પાસે છે એટલે સર્વનાશના ભયે માનવજાત ચુભાઇને બેઠી છૈ.
અંતે કહીએ તો આપણે મનથી તો હજુ પશુ જ છીએ. ભલે સભ્યતાનો અંચળો ઓઢીને ફરીએ
વિમળા હીરપરા ( યુ.એસ.એ ) || vshirpara@gmail.com
Atishay saras lekh. Vimla ben Tamara lekho vicharta kari muke teva hoy che. Tejabi pan chokhkhi Vicharvani che Tamari.
આભાર,ભારતીબેન, મને તો વિચારતા એવુ લાગે છે કે આ માનવજાત બીજા ગ્રહમાં જશે તો ત્યાય શાંતિથી નહિ રહે. લે પૃથ્વી નથી રહેતા તો અવકાશમાં ય નવા શત્રુ શોધશે. સ્ટાર વોર ને ચંદ્ર પર ચડાઇ જેવી ફિલ્મો શું સુચવે છે?