શ્યામ બજાઈ આજ મુરલીયા…

Facebooktwitterredditpinterestlinkedinmail

સરયૂ દિલીપ પરીખ

“ગાઓ બેટી, પિયુ પિયુ રટત પપીહરા…” શ્રી બોડસ માસ્તર સવારના પહોરમાં સુશીલાને લલિત રાગ ગાવાનું કહેતાં. એની પિત્રાઈ બહેનને માટે ખાસ રોકેલા સંગીત ગુરુ પાસે સુશીલા સંકોચ સાથ બેસતી. સંગીતમાં ગહેરો રસ એના ઋજુ હ્રદયને સહજ રીતે ભીંજવી દેતો. બહુ લાંબો સમય શીખવા તો નહોતું મળ્યું, પણ દરેક સમયે મીઠા સૂરો એના દોડતા ચરણને અટકાવી દેતા અને આંખો બંધ કરી એનો આસ્વાદ અચૂક લઈ લેતી.

સુશીલા બે વર્ષની હતી ત્યારે તેની માતાનો સ્વર્ગવાસ થયેલો. પિતા અને અન્ય કુટુંબના સભ્યોની સંભાળ નીચે ઉછરેલી સુશીલાના મીઠા સ્વભાવ સાથે ભીરુતા પણ અભિન્ન ભાગ બની ગયેલી. એની સત્તર વર્ષની આયુ થતાં પિતાએ જ્ઞાતિના પત્રમાં, ભણેલા નવયુવક માટે જાહેરાત આપી. વડોદરામાં વકિલ બનેલા કૃષ્ણકાંત પરીખે પોતાનો પરિચય મોકલ્યો અને પસંદગી થઈ ગઈ. સાદી રીતે લગ્ન લેવાયા. શ્રીમંત અને સંસ્કારી કુટુંબમાં ઉછરેલી સુશીલા કાનપૂર જેવા શહેરમાંથી નાના પાટણ ગામમાં, સામાન્ય આર્થિક સ્થિતિવાળા કુટુંબમાં આવીને વસી. સાસરીમાં બે જેઠ અને એક દીયર, એમ ચાર પુરુષોના ઘરમાં સુશીલાના કુમકુમ પગલાં પડ્યા. આ બધા વચ્ચે સૌથી મોટા જેઠ, અને બાળકોના “મોટાકાકા”ની ઓથને લીધે સુશીલાને જાણે સાસરીમાં માવતર મળ્યાં!

વર્ષને અંતે તો સુશીલા અમ્મી બની ગઈ.

ઘર ગૃહસ્થી, પાંચ દીકરા અને એક દીકરી વચ્ચે પોતાના સંગીત કલાના રસને વિકસાવવા માટે વધુ તાલિમ લેવાનો વિચાર આવ્યો હશે કે કેમ, એ સવાલ છે. પણ ઘરમાં શાસ્ત્રીય સંગીતનો પરિચય અમ્મી દ્વારા છવાયેલો રહ્યો. ભાઈ-બહેનમાં ત્રીજો નંબર, મારા પતિ, દિલીપને સંગીતમાં વિશેષ રસ હતો. વહેલી સવારથી મીઠા સૂરની અને ઘરકામના અવાજોની જુગલબંધી ચાલતી હોય. કોઈ ગીત વાગતું હોય એની સાથે, “શિવરંજની રાગમાં લાગે છે કે, પેલું ગીત સોહિણી રાગમાં હશે”, અમ્મીની તેવી અટકળો દિલીપ સાંભળતો. ઘરમાં એક સિતાર પણ હતી જેના તાર ક્યારેક અમ્મીની આંગળીઓને અણસારે ગુંજતા. એ સમયની આર્થિક અગવડતાને કારણે બાળકોની સંગીત શીખવા જવાની ઇચ્છાને અવકાશ નહીં મળેલ.
પાંચ ભાઈઓ અને એક બહેન, બધા ભણવામાં સફળતા મેળવી આગળ વધી રહ્યાં હતાં. દિલીપને વડોદરા ભણવા જવાની પ્રેરણા અને પ્રોત્સાહન મોટાભાઈ તરફથી મળ્યા. વડોદરા શાસ્ત્રીય સંગીતથી ગુંજતું શહેર અને એમાં રસ ધરાવતા લોકોનો પરિચય ગહેરો બનતાં દિલીપનો સંગીતનો રસ ઘેરો ઘૂંટાયો. સંગીતને કેટલા પ્રમાણમાં અનુભવી શકે છે એ દરેક વ્યક્તિની જન્મજાત દેણ છે. દિલીપને સ્વરો સૂક્ષ્મ ભાવે સ્પર્શી જાય છે. અમેરિકા ભણવા માટે આવેલ ત્યારે શિષ્યવૃત્તિમાંથી ડોલર બચાવીને પહેલી ખરીદી ટેઈપ રેકોર્ડરની કરી. પંડિત ભીમસેન જોષી અને એવા નામી કલાકારોના સંગીતનો આસ્વાદ પરદેશ વસવાટની એકલતામાં અનન્ય સાથી બન્યાં હતાં. દરરોજ જેમ જમ્યા વગર ન ચાલે, તેમ સંગીત સાંભળ્યા વગર પણ ન ચાલે. દિલીપની જીવનસાથીની પસંદગીમાં, સંગીતમાં રસ હોવો જોઈએ, એ એક આવશ્યક મુદ્દો હતો.

સમય સાથે ઘરના સભ્યો અને મિત્રો સાથે પણ સંગીતની લ્હાણી થતી રહી. પંડિત રવિશંકર અને ઉસ્તાદ વિલાયત ખાન જેવા કલાકારોને નજીક બેસી સાંભળવાની અમેરિકામાં તક મળી. અમ્મીને શક્ય તેટલી સંગીત સાંભળવાની સગવડતા ભારતમાં કરી આપી. રેકોર્ડ કરેલ વિવિધ રાગો વગેરે તન્મય થઈ સાંભળતા અને સાથે ગણગણતા મેં સાંભળ્યા હતા.

સદભાગ્યે, અમે કુટુંબ સાથે કેલીફોર્નિઆમાં ડિઝનીલેન્ડ નજીક વિશાળ ઘરમાં ગોઠવાયા. સંગીતા અને સમીર સાત અને નવ વર્ષના હતાં. એ સમયે દિલીપને જાણવા મળ્યું કે ઉસ્તાદ ઝાકીર હુસેન થોડા કલાકારોને ડિઝનીલેન્ડ લાવવાનો પ્લાન કરે છે. દિલીપે એમનો સંપર્ક કર્યો અને ખબર પડી કે લગભગ આઠના ગ્રુપમાં, સંતુર વાદક પંડિત શિવકુમાર શર્મા, વાયોલિન વાદક પંડિત વી.જી.જોગ, શ્રી. અને શ્રીમતી કાનન, કીચલુ અને અન્ય સંગત સભ્યો છે. કાર્યક્રમ ગોઠવાઈ ગયો. ઉપરના મોટા રૂમમાં આતૂર આનંદ્થી છલકતા લગભગ એંસી સંગીતપ્રેમીઓ ગોઠવાયા. પહેલાં શ્રીમતી માલવિકા કાનનનું કંઠ સંગીત અને બીજા ભાગમાં જોગસાહેબની વાયોલિન અને ઝાકીર હુસેનના તબલાને યોગ્ય દાદ મળી. શિવજી અને અન્ય કલાકારો, જોગ સાહેબની વાયોલિન સાંભળવા અમારી સાથે બેસી ગયાં હતાં. આ અમારો પહેલો અનુભવ હતો.

એ દિવસ ખાસ યાદગાર બની ગયો, કારણ દિલીપનો ચાલીસમો જન્મદિવસ હતો. સર્વ શ્રોતાજનો નાસ્તા અને કેઈકને માન આપી રહ્યા હતા, ભલે દિલીપ મહેમાનો સાથે વ્યસ્ત હોવાથી કેઈક કાપવા હાજર નહોતા…. આઠ-નવ મહેમાનો બે રાત રોકાયા અને વર્ષોના મિત્રો બની ગયા.

રસાળ વર્ષો ૧૯૮૦-૮૫ના અરસામાં, અમારા સંગીત માટેના અનન્ય પ્રેમ અને કલાકારો માટેના અહોભાવથી, અનેક સંગીતકારોનો અનુગ્રહ સરળતાથી મળી રહ્યો. અમારી અને કલાકારો વચ્ચેના સદભાવભર્યા સરળ સંબંધો અને જે શક્ય હોય તે કરી છૂટવાની હોંશને આધારે પછીના પાંચ વર્ષમાં લગભગ અઢાર કાર્યક્રમો કર્યા. તેમાં પાકિસ્તાનના સલામત અલી, શ્રુતિ સડોલીકર, સરોદ વાદક અમજદ અલી, પ્રભા અત્રે, પંડિત જસરાજ, ગીરીજા દેવી અને કિશોરી આમોનકર, જીતેન્દ્ર અભિશેકી, ઈમરતખાન અને બીજા કેટલાક નામોનો પણ સમાવેશ થાય છે. બે વર્ષ પછી પંડિત શિવકુમાર અને ઝાકીર હુસેન ફરી આવેલા અને એ વહેલી સાંજનો સંતુરનો પ્રોગ્રામ અને ભીમપલાસ રાગની શ્રોતાઓએ અનુભવેલી ઝણઝણાટી, આવતા વર્ષો માટે મીઠાં સંભારણા આપતી ગઈ. એ વિષય અમે શિવજી અને ઝાકીરજીને, પચ્ચીસેક વર્ષ પછી મળ્યા ત્યારે, સંસ્મરણ કરેલું.

એ અરસામાં અમ્મી-પપ્પા અમારી સાથે આવીને રહ્યા. એમનો રૂમ નીચે હતો અને ઘણીવાર ઉપર બોનસ રૂમમાં મોટેથી સંગીત વાગતું હોય ત્યારે ધ્યાનથી સાંભળવા અમ્મી દાદર પર બેસતા. એ પછી અમારી ધગશ અને મહેમાનગતિની જાણ થતાં સંગીતકારો અમારો સંપર્ક કરતાં. અમ્મીની હાજરીમાં ઘણા કલાકારો આવ્યા. અમ્મીનાં જીવનની એક મુરાદ પૂરી થયેલી જ્યારે અમે એમને શરણાઈ વાદક ઉસ્તાદ બિસમ્મીલ્લા ખાનને સાંભળવા લોસ એન્જેલિસ શહેરમાં લઈ ગયાં હતા.
એક દિવસ અમને જાણવા મળ્યું કે પંડિત ભીમસેન જોષીનો કાર્યક્રમ લોસ એન્જેલિસમાં થવાનો છે, પણ એ જાણીતાં વ્યવસ્થાપકે ત્યારબાદ નકારત્મક સમાચાર આપ્યા. તેથી દિલીપને થયું કે ભીમસેનજી અમેરિકામાં આવે છે અને આપણને લાભ ન મળે! ‘કંઈક કરવું પડશે.’ એણે હિંમત કરી મુખ્ય વ્યવસ્થાપક, શ્રી હબીબનો નંબર મેળવી શીકાગો ફોન જોડ્યો. તેમને સ્પષ્ટ વાત કરી કે, “મને ખાસ અનુભવ નથી કે હું શ્રીમંત વ્યક્તિ પણ નથી. અમને સંગીત માટે પ્રેમ અને ઉત્સાહ છે. જો આપ ભીમસેનજીનો કાર્યક્રમ કરવા દો તો અમે યથાર્થ પ્રયત્ન કરશું.” શ્રી હબીબે સંમતિ આપી અને બે કાર્યક્રમ, એક બહારના હોલમાં અને એક ઘેર કરવો એવું નક્કી થયું. આ સમય દરમ્યાન અમારા મનમાં એ ભાવ રમ્યા કરતો હતો કે આ વાત અમ્મી જાણશે ત્યારે કેટલા ખુશ થઈ જશે! નીચે આવીને અમ્મીને વાત કરી ત્યારે એમનો ચહેરો ખીલી ઊઠ્યો.

પંડિત ભીમસેનજી સમેત છ સભ્યો અમારી સાથે ચાર દિવસ રહ્યાં. આગલા મહિને શ્રી.દામોદર શાસ્ત્રી આવીને રહેલા જે પોતાના ગળાની કાળજી લેવા તીખું નહોતા ખાતા. એ અનુભવની અસરને લીધે મેં ભીમસેનજીના ગ્રુપને ખાસ તીખી રસોઈ ન આપી. બીજી વખત જમવા બેસતાં જ એમણે મને પુછ્યું, “આપકે પાસ અચાર હૈ?” મે કહ્યું, “આપકે ગલેકે લીએ…” તો કહે, “અરે કુચ્છ નહીં હોગા, યે તો સોલીડ હૈ.” કહી મજાનુ હસ્યા. પછી તો કાચા લીલા મરચા વગેરે દરેક જમણમાં મૂકાતા. ભીમસેનજી પ્રોગ્રામ પહેલા ચા પીતા અને ખૂબ ગંભીર ભાવ સાથે શાંત રહેતા. પ્રોગ્રામ પછી મારે તરત જ ભોજનની વ્યવસ્થા કરવાની રહેતી. કરકસરથી ઘર ચલાવવાની રીત તેથી બહારની મદદ વગર તૈયારી કરવાની ધગશ અને આવા કલાકારોનું સાનિધ્ય અનેરો આનંદ આપતાં.

કાર્યક્રમ એક મૉટા ઓડિટોરિયમમાં રાખવામાં આવેલ. બીજા કાર્યક્રમોમાં પચાસથી દોઢસો શ્રોતાઓ આવતા, જ્યારે ભીમસેનજીને સાંભળવા ચારસો શ્રોતાઓ આવેલા અને ઉત્સાહ ભર્યો માહોલ હતો. અમ સાસુ-વહુ માટે, પહેલી હરોળમાં મધ્યમાં બે જગા દિલીપે રખાવી હતી. ભીમસેનજીએ સંગત સાથે યમન કલ્યાણ રાગ શરૂ કર્યો અને અમ્મીએ મને કાનમાં કહ્યું, “શ્યામ બજાઈ હું ગાતી એ…” રાગમગ્ન ગાયન કલાક ચાલ્યું અને દ્રુતમાં ભીમસેનજીએ “શ્યામ બજાઈ આજ મુરલીયા, જોગી જંગલ જતી સતી…” ઊપાડયું. તાળીઓના ગડગડાટથી શ્રોતાઓએ વધાવ્યું. હું બાજુમાં નજર કરું ત્યાં મને કિશોરી સુશીલા દેખાઈ. કાર્યક્રમ બાદ દિલીપની નજીક જઈ હસતી આંખો કહી રહી, “દીકરા! મને આ રસાસ્વાદની તક આપી . . . ધન્યવાદ.”
બીજે દિવસે સવારનો ઘરનો કાર્યક્રમ પણ યાદગાર બની રહ્યો. એ સમયે ગાયેલ રાગ વિષે લગભગ બાર વર્ષો બાદ અમારે ભીમસેનજી સાથે વાર્તાલાપ થયેલ. લગભગ ૧૯૯૫ની સાલમાં અમે ભીમસેનજીનો કાર્યક્રમ સાંભળવા ગયા. સમય અને એમની ઉંમરને ધ્યાનમાં લેતાં, વિસ્મૃતિ શક્ય હતી. પણ, અમે મળવા ગયા ત્યારે દિલીપે પ્રણામ કરી કહ્યું, “ભીમસેનજી! આપકો યાદ હૈ..?” તો પ્રસન્નતાથી બોલ્યા, “હાં, ક્યું નહીં. આપકે ઘર તો ‘વૃદાવની સારંગ’ ગાયા થા . . . આપકી માતાજી કૈસી હૈ?” એક કલાકાર બીજું ઘણું ભૂલી જતાં હશે પણ એમના સંગીતના ગહન અનુભવને નહીં ભૂલી શકતાં હોય. અમ્મીના છેલ્લા વર્ષોમાં બીજા બધા રસો ઓસરી ગયાં હતાં ત્યારે, “કંઈક મંજુલ સાંભળીએ.” એ મધુર ભાવ જીવંત હતો.

જે અંતરઆત્માને સંગીત અને કલાનો સાથ હોય, એને જીવનમાં એકલતા નથી લાગતી. વિશ્વ લયબધ્ધ ધબકે છે અને તેની સાથે સંગીતના માધ્યમથી જ્યાં હ્રદય તાલ મિલાવી ધડકે, ત્યાં ઑમકારની એકતાનતા સંભવિત છે. અસ્તુ…..


સરયૂ દિલીપ પરીખ | saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com

6 comments for “શ્યામ બજાઈ આજ મુરલીયા…

 1. Samir
  May 17, 2019 at 1:41 pm

  સંગીત નો શોખ જન્મજાત હોય છે .
  ખુબ સુંદર

 2. Jashu G Mehts
  May 17, 2019 at 2:44 pm

  Sham bajai aaj muralia post vachi, gami,
  Aap apani gujarati tath english poem mane
  Direct post karso to gamase. Hu aapna Aabhari thaish. Maru E- Mail Id tatha what’sapp no niche aapel chhe.

  Mob.+91 9819844610

  • June 3, 2019 at 8:45 pm

   નમસ્તે. આભાર. વાર્તાની નીચે ઈમેઈલ અને વેબ્સાઈટ છે. મને એકવાર ઈમેઈલ મોકલો તો અમારી કાવ્ય-કડીમાં તમને રચનાઓ મોકલતી રહીશ. એ સાથે વેબ્સાઈટ પર ક્લિક કરશો તો બધુ લખાણ અને પુસ્તકો વાંચવા માટે ખૂલા છે.
   વોટ્સએપ પર લખાણ નથી મુકતી. આપના રસ માટે આનંદ સાથ આભાર. સરયૂ પરીખ. ઓસ્ટિન, ટેક્સાસ. યુએસએ.

 3. Neetin Vyas
  May 17, 2019 at 10:57 pm

  સંગીત સાથે વણાયેલ વાત વાંચવાની મજા આવી, આભાર

 4. નિરંજન બુચ
  May 21, 2019 at 8:11 am

  સંગીત તો ઈશ્વર નું સ્મરણ સમાન છે . વાંચવા ની ખુબ જ મજા આવી . મે લગભગ આ બધા જ કલાકારો ને અનેક વાર સાંભળ્યા છે

  • June 3, 2019 at 8:39 pm

   આભાર. મજામાં હશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *