





– બીરેન કોઠારી
લોકસભાની ચૂંટણીના બે તબક્કાનું મતદાન અને તમામ તબક્કાનું પરિણામ બાકી છે, અને સમગ્ર માહોલ જોતાં લાગે છે કે જાહેરજીવનના શિષ્ટાચારનું, મોટા કદના નેતાઓની જાહેર વર્તણૂંકનું, રાજકીય પક્ષોની વિશ્વસનિયતાનું સાવ તળિયું આવી ગયું છે. પણ તેની ચિંતા કરી કરીને કેટલી કરવી? આ બધાની જેમ આપણા રાજ્યમાં વિવિધ નદીઓ પર બાંધવામાં આવેલા બંધના જળાશયોનું તળિયું આવી ગયું છે એ ખરેખરી ચિંતા કરાવનારી બાબત છે. રાજ્યના સિંચાઈ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર રાજ્યના કુલ 203 બંધમાંથી 113 બંધમાંના પાણીનો જથ્થો કાં સૂકાઈ ગયો છે, કાં સૂકાવાને આરે છે. તેમાં દસ ટકાથી ઓછું પાણી છે. બાકીના 65 બંધમાં પચાસ ટકાથી લઈને દસ ટકા જેટલું પાણી છે. અલબત્ત, જેમ દરેક માઠા સમાચાર પાછળ એક આશ્વાસન છુપાયેલું હોય છે, એ બાબત અહીં પણ લાગુ પડે છે. એ મુજબ સરદાર સરોવરમાં ગયે વરસે આ સમયે પાણીનો જેટલો જથ્થો હતો તેના કરતાં હાલ એ 8.8 ટકા વધુ છે.
એમ તો, અધિકૃત આંકડા અનુસાર રાજ્યના તમામ 203 બંધમાં ગયા વરસ કરતાં આ વરસે 9.57 ટકા ઓછું પાણી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ બદતર છે. આ વિસ્તારમાંના કુલ 173 બંધ માત્ર 18 ટકા જ ભરેલા છે. આ આંકડા અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માં સિંચાઈ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા છે.
આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ ખાસ સારી નથી. અહીંના કુલ 3,267 બંધમાં માત્ર 19.63 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. ગયે વરસે આ સમયે આ જથ્થો 32.60 ટકા હતો. હવે ઉદ્યોગોને અપાતા પાણીના જથ્થામાં આંશિક કાપ મૂકવાનું વિચારણા હેઠળ છે. આ વિગત બીજા અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત થઈ છે. એક બાબત વખતોવખત પુરવાર થતી રહે છે કે આપણે મોટી મોટી યોજનાઓની વાતો કરીએ છીએ, જે તે યોજનાની લાયકાત મુજબ તેનો રાજકીય ઉપયોગ કરી લઈએ છીએ, પણ તેનાં ખરેખરાં ફળ મળે એવો પ્રયત્ન કરતા નથી.
આનું ઉત્તમ ઉદાહરણ નર્મદા સિંચાઈ યોજના છે. ‘ગુજરાતની જીવાદોરી’ ગણાવાયેલી આ યોજનાએ કંઈકની રાજકીય કારકિર્દીઓ બનાવી અને કંઈકની કારકિર્દીઓ રોળી. પણ એ સાકાર થઈ ગયા પછી જે થયું એ નજર સામે છે. જળવ્યવસ્થાપન આપણને આવડતું નથી એમ નહીં, આપણે એ શિખવા કે અપનાવવા ઈચ્છતા નથી. હવે નાણાં ખર્ચતાં બૉટલ કે બરણીઓમાં અતિ શુદ્ધ પાણી ખરીદી શકાય છે, પછી જળવ્યવસ્થાપનની જરૂર શી? શહેરોમાં ઉભા થયેલા વિશાળકાય મૉલમાં જઈને તૈયાર ખોરાક મળી જતો હોય તો અનાજ ઉગાડવાની શી જરૂર? હવે હથેળી દીઠ એક એક મોબાઈલ ફોન જોવા મળતા હોય એવી સ્થિતિમાં લોકોને આ બાબત ગળે ઉતારતાં ખાસ વાર લાગે એમ નથી. ક્યાંકથી મળી આવેલી કે ખાસ તૈયાર કરાવાયેલી આવેલી વિડીયો ક્લીપ વૉટ્સએપમાં ફરતી થાય એટલી જ વાર તેમાં લાગતી હોય છે. પહેલાંની જેમ ભ્રામક પ્રચાર માટે હવે ખાસ ક્ષેત્રકાર્ય કરવાની જરૂર નથી. વિવિધ રાજકીય પક્ષનું અધિકૃત ‘આઈ.ટી.સેલ’ અનેક રીતે સજ્જ અને સર્જનશીલ હોય છે. પંચતંત્રની જાણીતી કથામાં દર્શાવાયેલી ખભા પર રહેલી બકરીને કૂતરા તરીકે ઠસાવવાની લાયકાત હવે ઠગાઈ નહીં, કૌશલ્ય લેખાય છે. એ હદે કે દૂરના યા નજીકના ભૂતકાળમાં પ્રવેશ કરીને ત્યારની બકરીઓને કૂતરા તરીકે ઠસાવવાનો ઉદ્યોગ પૂરબહારમાં છે. મનોરંજનની સાથે, તૈયાર ભાણે, બલ્કે સીધો મોંમાં જ આવા ઈતિહાસનો કોળિયો મૂકવામાં આવતો હોય ત્યારે હાથ કે જડબાં હલાવવાની ક્રિયા પણ શ્રમ સમી લાગે. આ સંજોગોમાં મગજ ચલાવવાનો વિચાર સુદ્ધાં ક્યાંથી આવે?
પાણીની તંગી ઉભી થાય એટલે પાછલા વરસના નબળા ચોમાસાને કારણભૂત ગણાવવું હવે હાસ્યાસ્પદ જણાય છે. ગુજરાતના ઘણા બધા નાગરિકો ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદનાં પરાક્રમોથી પરિચીત છે, અને પોતાના દેશને ઈઝરાયલ બનાવવાના ખ્વાબ જુએ છે. પણ આ ખ્વાબનો ઉપયોગ માત્ર ને માત્ર પાકિસ્તાનને પાઠ ભણાવવા પૂરતો જ છે. કૃષિ યા અન્ય ટેકનોલોજીની દૃષ્ટિએ વિકસેલું ઈઝરાયલ અહીં બંધબેસતું નથી. દેશનું કેવળ જાસૂસીતંત્ર ઈઝરાયલના જાસૂસીતંત્ર જેવું બને એમ તેઓ ઈચ્છે છે. આવું જાસૂસીતંત્ર જે નાગરિકો માટે કામ કરે છે એવા ઈઝરાયલના નાગરિક જેવા બનવાની તેમની કોઈ તમન્ના નથી. એક રીતે ફિલ્મ જોવા બેઠેલા પ્રેક્ષક જેવી તેમની મનોદશા હોય છે. સિનેમાના પડદે એક ખલનાયક હોય, તેને એક નાયક આવીને પડકારે, અને અંતે પૂરો કરે એવી અપેક્ષા હવે મતદારો પોતાના નેતાઓ પાસે રાખતા થઈ ગયા છે. સિનેમાના પડદે રચાતી માયાવી સૃષ્ટિમાં પ્રેક્ષકો રોમાંચ અનુભવે, ખુશ થાય, ભયભીત બને કે કરુણરસમાં સ્નાન કરે, અંતિમ ફાયદો સિનેમાગૃહના માલિકને જ થાય છે. ચૂંટણી પહેલાં, પછી કે દરમિયાન વિવિધ નેતાઓ દ્વારા કરવામાં આવતો પ્રચાર આની સાથે સરખાવી શકાય. તેઓ પોતાના મતદારોને રીઝવવા, ડરાવવા, રોમાંચિત કરવા કે કરુણતામાં ડૂબકાં ખવડાવવાના તમામ પ્રયત્નો કરી છૂટે છે. મતદારો બિચારા સિનેમાના પ્રેક્ષકો કરતાંય નિર્દોષ હોય છે. સિનેમાના દર્શકોની જેમ તેઓ વાસ્તવ અને આભાસ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. પરિણામે ઉત્તરોત્તર થતું રહે છે એવું કે જે આ કળાઓમાં સૌથી નીચલું તળિયું પ્રાપ્ત કરે તે વિજયી બને છે.
જળનું વ્યવસ્થાપન હોય, દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ હોય કે તળિયું આવી ગયેલા બંધ હોય, ખરેખરી સમસ્યા સામાન્ય સમજદારીના અભાવની છે, અને તેની વૃદ્ધિ માટે કોઈ સરકારી યોજના નથી. કેળવાય તો જાતે કેળવવાની, નહીંતર મનોરંજનમાં રાચતા રહેવાનું લખાયેલું છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૯-૫-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)