ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :: ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ – પ્રકરણ ૩૩ : “ખૂબ લડી મર્દાની વોહ તો…”(૩)

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

લક્ષ્મીબાઈને રાજતંત્ર સંભાળવાની જવાબદારી સોંપ્યા પછી પણ એમના વિશે અંગ્રેજી અફસરોમાં વિવાદ હતો એ આપણે ૩૨મા પ્રકરણમાં જોઈ લીધું. લૉર્ડ કૅનિંગ લક્ષ્મીબાઈને વિદ્રોહી માનતો હતો.

ઝાંસી પર હુમલો

૧૭મી ડિસેમ્બર ૧૮૫૭ના રોજ હ્યૂ રોઝે આખી ફોજનો અધિકાર પોતાના હાથમાં લઈ લીધો અને ૧૮૫૮ની ૬ઠ્ઠી જાન્યુઆરીએ હૅમિલ્ટનને મોટી ફોજ સાથે સિહોર તરફ મોકલ્યો. રસ્તામાં ભોપાલની બેગમના આઠસો સિપાઈઓ પણ હૅમિલ્ટનની ફોજમાં જોડાયા. આ રીતે રોઝે રહેટગઢમાં ચાર દિવસની લડાઈ પછી પઠાણોના હાથમાંથી એમનો કિલ્લો કબજે કરી લીધો અને ત્યાંથી બાનપુર, સાગર, ગઢાકોટા કબજે કરી લીધાં હવે એ બુંદેલખંડ તરફ વળ્યો. હ્યૂ રોઝ અને કૉલિન કૅમ્પબેલ જાણતા હતા કે ઉત્તર હિન્દુસ્તાનમાં બળવાને કચડી નાખવો હોય તો ઝાંસી પર કબજો કરવાનું જરૂરી છે.

મદનપુર પાસેની લડાઈમાં રોઝને પોતાને ગોળી વાગી અને એનો ઘોડો માર્યો ગયો. આગળ વધતાં શાહગઢનો રાજા ભાગી છૂટ્યો. બાનપુરમાં મદન સિંહ પણ લડ્યા વગર જ ભાગી છૂટ્યો. ૧૪મી માર્ચે ફોજ ઝાંસીથી માત્ર ૧૯ માઇલ દૂર હતી અને કોઇ પણ ઘડીએ ઝાંસી પર હુમલો થવાનો હતો પણ ત્યાં એમને ગવર્નર જનરલનો હુકમ મળ્યો કે ઝાંસીની વાત પછી, હમણાં ચરખારી તરફ જાઓ. એનો રાજા અંગ્રેજોનો મિત્ર હતો અને તાંત્યા ટોપેએ એના પર હુમલો કર્યો હતો., એટલે તાંત્યાને હરાવવાનો હતો. પણ હેમિલ્ટને કહ્યું કે ચરખારી ૮૦ માઇલ દૂર છે એટલે ઝાંસી પર પહેલાં કબજો કરી લેવો જોઈએ. ૨૦મી માર્ચે ફોજ ઝાંસીની તદ્દન નજીક આવી ગઈ.

ઝાંસીનો કિલ્લો ઊંચાઈ પર બન્યો હતો અને બહુ મજબૂત હતો. એની દીવાલ એટલી પહોળી હતી કે આખી તોપ એના પરથી લઈ જઈ શકાતી. કિલ્લાની ફરતે ખાઈ હતી એટલે હુમલાખોર માટે કિલ્લામાં ઘૂસવું સહેલું નહોતું. રાણી પાસે ૫૧ તોપો હતી જેમાંથી કડકબિજલી, ઘનગરજત અને ભવાનીશંકર નામની તોપોને તો લોકકવિઓએ અમર બનાવી દીધી છે. કિલ્લા પર મોરચાબંધી કરવાનું અને દારૂગોળો લાવવા-લઈ જવાનું કામ સ્ત્રીઓ કરતી હતી!

૨૧મી માર્ચે હ્યૂ રોઝે કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો અને ક્યાંયથી પણ મદદ કિલ્લામાં ન પહોંચે તે માટે બધા રસ્તા બંધ કરી દીધા. કિલ્લાની અંદરની હીલચાલ જોવા માટે એક ઊંચી ટેકરી પર દૂરબીન પણ ગોઠવી દીધું. એક તારઘર પણ ઊભું કર્યું. એ જ સવારે બ્રિગેડિયર સ્ટૂઅર્ટ પણ પોતાની સેના લઈને આવી મળ્યો.

૨૩મી માર્ચે અંગ્રેજી ફોજે હુમલો શરૂ કર્યો પણ રાણીની ફોજે જડબાતોડ જવાબ આપ્યો તેમાં અંગ્રેજોના હોશકોશ ઊડી ગયા. બીજા દિવસની પરોઢે અંગ્રેજી ફોજે ૩૦૦ તોપો કિલ્લાની ફરતે ગોઠવી પણ ઉપરથી ઘનગરજતના ગોળાઓ પડતાં અંગ્રેજી ફોજના પગ ઊખડી ગયા. ૨૪મી માર્ચે અંગ્ર્જોએ ભારે હુમલો કર્યો તેમાં ઝાંસીના તોપચીઓ માર્યા ગયા અને તોપો ગરજતી બંધ થઈ. કિલ્લાની રક્ષણ વ્યવસ્થા પશ્ચિમ બાજુથી નબળી હતી. કોઈ જાણભેદુએ અંગ્રેજી ફોજને પશ્ચિમ બાજુએથી હુમલો કરવાની સલાહ આપી.

રાણીના રણકૌશલને કારણે ૩૧મી માર્ચ સુધી તો અંગ્રેજી ફોજ જીતનું સપનું જોઈ શકે એમ નહોતી. બીજી બાજુથી તાંત્યા ટોપે પણ વીસ હજારની સેના લઈને રાણીની મદદે આવી પહોંચ્યો. હ્યૂ રોઝ પાસે બન્ને સામે લડવા જેટલી તાકાત નહોતી. પરંતુ ચરખારી પર જીત મેળવ્યા પછી તાંત્યાની સેના બેદરકાર બની ગઈ હતી અને એનો પરાજય થયો. તાંત્યાના દોઢ હજાર માણસો માર્યા ગયા અને એને તોપો જેવો ભારે સરંજામ છોડીને કાલપી ભાગવું પડ્યું.

લડાઈના અગિયારમાં દિવસે રાણીએ પોતાના સરદારોને ઇનામો આપીને બહુ પોરસાવ્યા. બીજી બાજુ કિલ્લાની અંદર મહેલો અને મંદિરોને ભારે નુકસાન થયું હતું. અંતે પાયદળ સેનાને કિલ્લાની અંદર ઘૂસવામાં સફળતા મળી. હાથોહાથની લડાઈ થઈ તેમાં બન્ને પક્ષે ભારે જાનહાનિ થઈ.

હવે રાણી માટે ખરાખરીનો ખેલ હતો. એણે ખુલ્લી તલવાર હાથમાં લીધી અને પોતાના પંદરસો પઠાણ સૈનિકોની આગેવાની લઈને દક્ષિણના દરવાજેથી હુમાલો કર્યો પણ અંતે એ પાછી ચાલી આવી. આ બાજુ શહેરમાં અંગ્રેજી ફોજે પાંચ વર્ષના બાળકથી માંડીને એંસી વર્ષના વૃદ્ધ, જે સામે મળ્યા તેમને ઝાટકે દીધા. એમણે ભારે લૂંટ મચાવી અને રાણીના મહેલમાંથી બધું લૂંટી લીધું.

હવે રાણી પાસે કોઈ ઉપાય નહોતો. એણે બધા સરદારોને બોલાવીને કહ્યું કે પોતે આત્મહત્યા કરશે અને બાકીના સૌ પોતાના બચાવની વ્યવસ્થા કરી લે. પણ સૌની સલાહથી એ પુરુષ વેશમાં, દામોદર રાવને પીઠ પાછળ બાંધીને કાલપી તરફ નીકળી ગઈ. રાણી સાથે સૈનિકોની એક નાની ટુકડી પણ હતી. બીજા દિવસે પાંચમી ઍપ્રિલની સવારે અંગ્રેજ ફોજ કિલ્લામાં આવી ત્યારે એનો સામનો કરનાર કોઈ નહોતું.

કાલપી પહોંચતાં માર્ગમાં એ થાક ઉતારવા અને પુત્રને ખવડાવવા રોકાઈ ત્યાં વૉકર એનો પીછો કરતો આવ્યો. રાણી તરત ભાગી પણ વૉકર છેક રાણીની લગોલગ પહોંચી ગયો. રાણીએ એ તલવારના એક ઘા સાથે એને જખમી કરી દીધો, એ ઘોડા પરથી નીચે પડ્યો અને રાણી આગળ નીકળી ગઈ. રાતે બાર વાગ્યે લક્ષ્મીબાઈનો ઘોડો કાલપી પહોંચ્યો.

કાલપીની લડાઈ

૧૮૫૭ના જૂનમાં બળવો શરૂ થયો ત્યારે ઝાંસી અને કાનપુરના વિદ્રોહીઓ કાલપી આવી ગયા હતા. ત્યાંના એક ડેપ્યુટી કલેક્ટરને મારીને એમણે કાલપીમાંથી અંગ્રેજ રાજનો અંત આણી દીધો હતો. અહીં નાનાસાહેબના નાના ભાઈ રાવ સાહેબનો મુકામ હતો. આથી રાણીને આ સ્થાન ફાવે તેમ હતું. આશ્ચર્ય એ વાતનું છે કે અંગ્રેજોએ ઝાંસીને ઘેરો ઘાલ્યો ત્યારે રાવસાહેબે કેમ મદદ ન કરી.

હ્યૂ રોઝ પણ કિલ્લાઓ જીતતો કાલપી ભણી આવતો હતો. કાલપીમાં કર્નલ મૅક્સવેલ એક શીખ પલટન સાથે એને મળવાનો હતો. કાલપીની લડાઈમાં લક્ષ્મીબાઈ ઘોડાની લગામ મોઢામાં અને બે હાથે તલવાર વીંઝતી દુશ્મનની તોપો સુધી લડતી પહોંચી ગઈ. એના અદમ્ય સાહસથી બીજા સરદારોને પણ જોશ ચડ્યું.પરંતુ પેશવાની સેના જલદી હિંમત હારી બેઠી અને અંગ્રેજ ફોજ બમણા જુસ્સાથી હુમલા કરવા લાગી.૨૪મી એપ્રિલે અંગ્રેજી ફોજે કાલપી સર કરી લીધું. કિલ્લામાં તાંત્યાટોપેની મહેનતથી લડાઈનો ભારે સરંજામ એકઠો થયો હતો તે બધો અંગ્રેજી ફોજના હાથમાં આવી ગયો.

ગ્વાલિયરની લડાઈ

કાલપીનું પતન થતાં લક્ષ્મીબાઈ અને રાવ સાહેબ ગ્વાલિયર તરફ નીકળી ગયાં અને રસ્તામાં ગોપાલપુર ગામે રોકાયાં. તાંત્યા પણ એમને ત્યાં જ મળ્યો. પેશવાનો મિત્ર અને વિદ્રોહી બાંદા નવાબ પણ ત્યાં જ આવી ગયો. .આગળ શું કરવું એ સમજાતું નહોતું પણ રાણી લક્ષ્મીબાઈએ સલાહ આપી કે કિલ્લો હાથમાં ન હોય તો લડી ન શકાય. એટલે બધા ગ્વાલિયર તરફ રવાના થયા.ગ્વાલિયરના જિયાજીરાવ સિંધિયા અને કંપની વચ્ચે સારા સંબંધ હતા. કંપની રાજમાં ગ્વાલિયર એક અગત્યની કડી જેવું હતું. પરંતુ ગ્વાલિયરમાં ગોઠવાયેલી ફોજના હિન્દી સિપાઈઓ અને ખુદ સિંધિયાની દસ હજારની ફોજમાં અંગ્રેજો સામે ઊકળાટ હતો અને વિદ્રોહની આગ અહીં સુધી પહૉંચી હતી. એમાં સિંધિયાએ અંગ્રેજ કુટુંબોને સહી સલામત આગરા પહોંચાડી દીધાં હતાં.

બળવાખોરો સિંધિયાનું મન કળી નહોતા શકતા એટલ એમણે ત્રણસોની એક ટૂકડી બનાવીને જિયાજી રાવને જાણ કરી કે તેઓ આગરા પર હુમલો કરવા માગે છે. સિંધિયાએ એમાં મદદ કરવાની ના પાડી દેતાં એની અંગ્રેજ તરફી નીતિ જાહેર થઈ ગઈ.

આ બાજુ રાવસાહેબ અને રાણી લક્ષ્મીબાઈએ સિંધિયાને મિત્રભાવે લખ્યું અને દક્ષિણ તરફ જવામાં એની મદદ માગી, બીજી બાજૂથી તાંત્યાએ એના લશ્કરમાં ઘૂસીને વિદ્રોહ માતે સિપાઈઓને તૈયાર કર્યા. સિંધિયાએ વિદ્રોહીઓ સામે લડવાની તૈયારી કરી લીધી.

જૂનની પહેલી તારીખે સિંધિયાએ પોતે જ ફોજનું સુકાન સંભાળ્યું અને તાંત્યાની ફોજ પર તોપમારો કર્યો. રાવસાહેબની ફોજ એમ માનતી હતી કે તોપગોળા તો એમના સ્વાગત માટે ફેંક્યા છે. પરંતુ રાણી લક્ષ્મીબાઈને સ્થિતિ સમજાઈ ગઈ અને એમણે ગ્વાલિયરના સૈન્ય પર જોરદાર હુમલો કર્યો. સિંધિયાની મોટા ભાગની સેના તો સિંધિયાને છોડી ગઈ પણ જિયાજી રાવે પોતે થોડા અંગરક્ષકોની મદદથી લડાઈ ચાલુ રાખી. બન્ને પક્ષો વચ્ચે ભારે તલવારબાજી થઈ, અંતે જિયાજી રાવે પીછેહઠ કરી અને અંગ્રેજોણી આગરાની ગૅરિસનને આશરે પહોંચી ગયા. વિદ્રોહીઓએ ગ્વાલિયરમાં પ્રવેશ કર્યો.. ફોજ તો પહેલાં જ મનથી વિદ્રોહીઓ ભેગી થઈ ગઈ હતી. તાંત્યાની ફોજી ટૂકડી કિલ્લા પાસે પહોંચી ત્યારે સિંધિયાના સરદારોએ જાતે જ દરવાજા ખોલી દીધા.

હ્યૂ રોઝ ઝાંસી અને કાલપીના વિજયને માણી શકે તે પહેલાં એને ગ્વાલિયરના પતનના સમાચાર મળ્યા. એણે તરત ગ્વાલિયર પર હુમલાની તૈયારી કરી દીધી. એની ફોજ ગ્વાલિયરની નજીક પહોંચી આવી ત્યાં સુધી રાવસાહેબ કે તાંત્યા ટોપેને એની ખબર પણ ન પડી. ૧૬મી જૂને હ્યૂ રોઝના ઓચિંતા હુમલા સામે વિદ્રોહીઓની ફોજ વેરણછેરણ થઈ ગઈ. હવે રાણી લક્ષ્મીબાઈએ સુકાન સંભાળી લીધું અને ફરી બધાને લડવા માટે તૈયાર કર્યા.

રાણીનો અંત

૧૭મી જૂને અંગ્રેજોની સેના આગળ વધી કે તરત જ રાણીએ તોપમારો શરૂ કરી દીધો. અંગ્રેજોને પીછેહઠ કરવી પડી. પરંતુ એ તો માત્ર થોડા વખત માટે જ. એમણે ફરી સજ્જ થઈને હુમલો કર્યો. આ વખતે રાણીની ફોજના પગ ડગમગવા લાગ્યા. બીજા દિવસે પણ ભારે લડાઈ ચાલી ત્રીજા દિવસે ૧૯મી તારીખે રાણી અને એની એક દાસી પુરુષ વેશમાં યુદ્ધના મેદાનમાં ઊતરી પડી. એને ઘણાને કાપીનાખ્યા પણ એક તલાવ્રનો ઘા એના માથાના જમણા ભાગ પર પડ્યો. રાણીની આંખ બહાર નીકળી આવી પણ એ તે પછી પણ ઘોડો દોડાવતી ભાગી અને કોટે કી સરાય ગામ પાસે પહોંચી.

૧૯મી જૂન ૧૮૫૮ના દિવસે આ વીરાંગના મૃત્યુની ગોદમાં વિલય પામી. ખરું જોતાં એ માત્ર રાણીનો નહીં. ૧૮૫૭ના વિદ્રોહનો પણ અંત હતો. (જો કે રાણી લક્ષ્મીબાઈના મૃત્યુદિન અને અગ્નિસંસ્કાર વિશે જુદા જુદા હેવાલ મળે છે. એક હેવાલ પ્રમાણે એમનું મૃત્યુ ૧૭મીએ થયું, બીજો હેવાલ ૧૮મીએ મૃત્યુ થયું હોવાનું કહે છે. આનું કારણ એ છે કે રાણી પુરુષોના વેશમાં હોવાથી એને મારનારા પણ જાણી શક્યા નહોતા કે એ સ્ત્રી હતી. વળી એમના અગ્નિસંસ્કાર જોનાર પણ કોઈ હતું નહીં. મોટા ભાગની માહિતી અંગ્રેજી લેખકો અથવા અંગ્રેજભક્તોનાં પુસ્તકોમાંથી મળે છે. એ રીતે જોતાં રાણી લક્ષ્મીબાઈના ભાઈની પૌત્રીએ જે લખ્યું છે તે પણ સાંભળેલી વાતો જ છે.)

=-=-

પિતા અને દત્તક પુત્રનું શું થયું?

લક્ષ્મીબાઈએ ઝાંસી છોડ્યું ત્યારે પિતા મોરોપંત તાંબે પણ એક હાથી પર બધું ધન લઈને ઝાંસીથી નીકળ્યા હતા પણ રસ્તામાં હ્યૂ રોઝની ફોજે એમને પકડી લીધા. એમની પાસેનું બધું ધન લૂંટી લેવાયું મોરોપંત તાંબેએ પોતાનો બચાવ ન કર્યો એટલું જ નહીં પણ કહ્યું કે ઝાંસીમાં ફસાયેલા અંગ્રેજોને બચાવવા માટે એમણે કંઈ જ ન કર્યું.. ૧૯મી એપ્રિલે એમને જોખન બાગ પાસેના એક ઝાડ પર લટકાવી દેવાયા.ને ફાંસીએ લટકાવી દેવાયા.

દામોદર રાવ ૧૨ વર્ષની ઉંમરે અંગ્રેજોને શરણે થઈ ગયો. એનું જીવન જોખમાશે નહીં એવી ખાતરી આપવામાં આવી હતી. એના છ લાખ રૂપિયા કંપનીએ સંરક્ષક તરીકે રાખી લીધા હતા પણ રાણીના વિદ્રોહને કારણે આપ્યા નહીં. એને મહિને દોઢસો રૂપિયા અપાતા હતા, જે વધારીને બસ્સો કરવામાં આવ્યા હતા.

૦૦૦

સંદર્ભઃ

૧. Rani Lakshmibai of Jhansi, Shyam Narayan Sinha, Chugh Publications, Allahabad, 1980 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૨. झांसी की रानी लक्ष्मीबाई, दत्तात्रेय बलवंत पारसनीस (मराठी से हिंदी में अनुवाद) गांधी हिन्दी पुस्तक भंडार, साहित्य भवन जान्स्टनगंज, प्रयाग. दूसरा संस्करण,1925. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *