કચ્છનું રણ અને આખ્યાયિકાઓ – ૯ – બીજો દિવસ અને ‘રાજા’ની મુસીબત!

Facebooktwitterredditpinterestlinkedinmail

image

કૅપ્ટન નરેન્દ્ર ફણસે

બીજા દિવસે એક રમુજી બનાવ બની ગયો. ફાયરીંગ કરવા માટે અમારી બટાલિયનના રસોઈયા, સેનીટરી સ્ટાફ તથા બાર્બરને મોકલવામાં આવ્યા. પંજાબમાં બાર્બરને ‘રાજા’ કહેવાય છે – જેમ બંગાળ અને બિહારમાં તેમને ‘ઠાકુર’નું ઉપનામ આપવામાં આવે છે. અમારા રાજાનો ગ્રેનેડ ફેંકવાનો વારો આવ્યો ત્યારે તેની સાથે હું રહ્યો. મેં તેને ફરીથી સમજાવ્યું કે ગ્રેનેડ તથા તેની લિવરને બરાબર હથેળીમાં કેવી રીતે પકડવી જોઈએ. ત્યાર બાદ “prepare to throw’નો હુકમ મળે ત્યારે બીજા હાથની તર્જનીને સેફટી પિનની રીંગમાં ભરાવી ખેંચી કાઢવી. આમ કર્યા બાદ ગ્રેનેડ અત્યંત જોખમ ભર્યું બની જાય, કારણ કે જે હાથમાં આ હાથગોળો હોય છે તે છટકી જાય તો તેની લિવર નીકળી જતી હોય છે, અને ગ્રેનેડ ચાર સેકન્ડમાં ફાટી જાય. આથી જ્યાં સુધી “થ્રો”નો હુકમ ન મળે ત્યાં સુધી ગ્રેનેડ અને તેની લિવરને મુઠ્ઠીમાં મજબુત રીતે પકડી રાખવી. જ્યારે “થ્રો”નો હુકમ અપાય ત્યારે ગ્રેનેડને જેટલી દૂર ફેંકી શકાય, ફેંકવો, તે સમજાવ્યું.

રાજાએ “પ્રીપૅર ટુ થ્રો” સુધીનું કામ બરાબર કર્યું, પણ “થ્રો”નો હુકમ આપું તે પહેલાં તે એટલો ગભરાઈ ગયો કે તેણે ગ્રેનેડ મારા હાથમાં મૂકી દીધો અને કહ્યું, “સાબ જી, હમેં બહુત ડર લગ રહા હૈ. આપ હી ગોલા ફેંકે.” આમ કરવા જતાં ગ્રેનેડની લિવર છટકી ગઈ. હૅન્ડ ગ્રેનેડનો ફ્યુઝ ચાર સેકંડનો હોઈ લગભગ તરત ફાટે. અમે બન્ને ટ્રેન્ચમાં હતા. મારામાં ક્યાંથી સમયસૂચકતા આવી ગઈ, અને પહેલાં મેં આજુબાજુની ટ્રેન્ચમાં ફાયરીંગ માટે તૈયાર રહેલા જવાનોને ખાઈમાં બેસી જવાનો હુકમ આપ્યો, અને મારા હાથમાં રાજાએ મૂકેલા ગ્રેનેડને મોરચાની બહાર ફેંક્યો. આ બધું એટલી જલદી થયું કે ગ્રેનેડ અમારી ખાઈની નજીક જમીન પર પડતાં પહેલાં ફાટ્યો! તેની કરચ સનનન કરતી અમારા મસ્તક પરથી ઉડી જતી સાંભળી. હવે રાજાની કમબખ્તી આવી હતી! તેણે તો ખાઈમાં જ મારા પગ પકડી લીધા અને રડવા લાગ્યો. “સાબ જી, બિલંડર-મિસ્ટીક હો ગયા. (કોણ જાણે તેણે આ અંગ્રેજી શબ્દો blunder અને mistake ક્યાં સાંભળ્યા હતા, તેને પોતાની બિહારી હિંદીમાં ઉચ્ચાર્યા!)  જબ તક છમા નહિ કરોગે, હમ આપકે ચરન નહિ છોડુંગા!” વિપરીત સંજોગ હતા છતાં હું હસી પડ્યો. રેન્જ પર તેને દસ “ફ્રન્ટ રોલ” (ગુલાંટ ખાવા)ની શિક્ષા કરીને  છોડી દીધો.

અત્યારે વિચાર કરું છૂં: રાજાજી જ્યારે મારા હાથમાં ગ્રેનેડ મૂકવા જતા હતા, ત્યારે શરતચૂકથી ગ્રેનેડ છટકીને અમે પાંચ ફીટ ઉંડી ખાઈમાં ઉભા હતા, તેમાં પડી ગયો હોત તો?

મેં ગ્રેનેડને  ફેંક્યો, તે પહેલાં જ ફટ્યો હોત તો?

કરૂણ દુર્ઘટના બની શકતી ઘટનાને રમુજી બનાવમાં પરિવર્તીત કરનાર કોણ હતું?

*********

કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *