વિમાસણઃ શું અગત્યનું છે ? ‘શું કરવું ‘ કે ‘કેમ કરવું’

Facebooktwitterredditpinterestlinkedinmail

–  સમીર ધોળકિયા

અત્યારે ચૂંટણીના ગરમાગરમ માહોલમાં વોટ્સએપ મહાવિદ્યાલયમાં ઘણા બધા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. તેમાં નેતાઓએ શું કરવું જોઈએ તે મોખરે છે અને બધાને તે ખબર છે, પણ તે જ ઉપાય અમલમાં કેમ મુકવો તેનો જવાબ મોટાભાગના લોકો પાસે નથી!

અત્યારે આપણા દેશમાં સૌથી વિકરાળ સમસ્યા કઈ છે? મોટા ભાગના લોકો અને નિષ્ણાતો કહેશે કે બેકારી અથવા રોજગારની ખામી. આ બાબતે બધાં એકમત છે. પણ જેવું કોઈ પૂછે કે આ સમસ્યા દૂર કરવા શું કરવું જોઈએ તો બધાં કાં તો માથું ખંજવાળવા માંડશે કાં તો ઉપાયો વિષે તદ્દન અલગ અલગ મતો આપશે.

કોઈ પણ પ્રશ્ન અઘરો હોય છે અને તેનો ઉકેલ તેનાથી પણ અઘરો હોય છે, પણ સૌથી મુશ્કેલ કામ છે ઉકેલ કેવી રીતે લાવવો તેની રીત. આ જ કારણ છે કે ઉકેલ તો બધા આપી શકે છે પણ કઈ રીતે તે ઉકેલ સુધી જવું, ઉકેલ માટે કયો રસ્તો પકડવો તે કોઈ કહી શકતું નથી! સહુ ઉકેલ આપીને છટકી જાય છે પણ ઉકેલ સુધી જવાના રસ્તા વિષે બધા શાણપણભર્યું મૌન રાખે છે!

શા માટે ઉકેલનો રસ્તો મુશ્કેલ હોય છે? કારણ કે આ રસ્તામાં જ નિષ્ફળતાનો ભય સંતાયલો હોય છે. ઉકેલ અપાય પણ જ્યાં સુધી ‘કેમ કરવું’ તે સૂઝે નહિ ત્યાં સુધી ઉકેલ કાગળ પર જ રહે છે. જ્યારે ઉકેલના રસ્તા પર પ્રયાણ શરૂ કરીએ ત્યારે જ અડચણોની શરૂઆત થાય. હા, દરેક ઉકેલનો રસ્તો સરળ હોય અને તેનાથી લક્ષ્ય મેળવવામાં સફળતા જ મળે તેવું બિલકુલ નથી. કેટલીય વાર રસ્તાઓ ખોટા પણ નીકળે છે અને ઘણા ખોટા રસ્તા લીધા પછી આખરે સાચો રસ્તો મળે છે. ભલે ઉત્તર એક જ રહે પણ તે મેળવવાના રસ્તાઓ તો બદલાતા જ રહેવાના. ઉપરાંત ‘શું કરવું’ તે એક ખ્યાલ કે વિભાવના હોય છે જયારે ‘કેમ કરવું’ તે નક્કર અને વાસ્તવિક ધરતી પરની કસોટી અથવા ચકાસણી છે.

એનો અર્થ એ નથી કે ‘શું કરવું’ તે અગત્યનું નથી કે તેની અગત્યતા ઓછી છે. ગમે તેવા અઘરા સવાલના જવાબ માટે પહેલાં તો ‘શું કરવું’ તે જ તબક્કો આવે છે. આ નક્કી થયા પછી જ ‘કેમ કરવું’ તે વિષે વિચારી શકાય છે. જો ‘શું કરવું’ નો જવાબ જ જો ખોટો હોય તો આખરી ઉત્તર ખોટો જ આવવાનો, ભલે તે પ્રશ્ન માટે ‘કેમ કરવું’ વાળો તબક્કો શ્રેષ્ઠ હાથોમાં હોય!

આનો મોટો દાખલો સંગીત ક્ષેત્રે ગીતની ધૂન છે. પહેલા ધૂન બને પછી તેને ‘કેમ કરવું’ તે તબક્કામાં મુકાય જ્યાં ત્યાં તેને કઈ રીતે રજૂ કરવું, તેનો તાલ નક્કી થાય, વાદ્યવૃન્દ રચના નક્કી થાય અને તેની ગોઠવણી થાય અને પછી તે ધૂન ગીતમાં પરિણમે. એટલે એમ કહી શકાય કે જો પાયાની ધૂન જ નબળી હોય તો તે પરની ઈમારત એટલે કે ગીત કેટલું સબળ બની શકે? હા, સાજિંદા, વાદ્યવૃન્દ વગેરે નબળી ધૂનને પણ સરસ રીતે સજાવીને સફળ બનાવી શકે છે.પણ સાજિંદા વગેરેના આવા જ પ્રયત્નો જો સરસ ધૂન પર થાય તો ગીતની ઉંચાઈ કેટલી બધી વધી જાય. અહી બંને એકબીજાના પૂરક છે, પ્રતિસ્પર્ધી નહિ. તે જ રીતે ‘શું કરવું’ અને ‘કઈ રીતે કરવું’ તે પણ એકબીજાના પૂરક છે. બેમાંથી કોઈ પણ નબળું ના હોવું જોઈએ.

તબિયત/તંદુરસ્તી બાબતમાં આ પ્રશ્ન વધુ અઘરો છે. ડોક્ટર દવા અને સલાહ આપીને કહે કે “તમારે વજન ઉતારવું પડશે“ અને પછી સામેની વ્યક્તિ લાંબા સમય માટે ધંધે લાગી જાય! વર્ષો સુધી ઓછું અથવા સ્વાદ વગરનું ભોજન અને નિયમિત કસરત કરવી એ બિલકુલ સહેલું નથી. કેટલીય વ્યક્તિઓ આ રસ્તે પ્રયાણ કર્યા પછી રસ્તાની તકલીફો અનુભવીને પીછેહઠ પણ કરે છે. પૂછી જોજો કોઈ પણ વ્યક્તિને જે આ રસ્તે લટાર મારી ચુક્યો હોય!
તેમ જ એક મોટા પરિવારમાં શું રસોઈ કરવી તે નક્કી થયા પછી એ રસોઈ કરનારાઓની શું હાલત થાય તે કરનારાઓ જ જાણી શકે !

આ બધામાં બીજી વાત એ છે કે “શું કરવું” તે કહેનાર વ્યક્તિ એક હોઈ શકે છે અને “કેમ કરવું “ કરવાવાળા એક અથવા એકથી વધારે હોઈ શકે છે. છે . હા, “કેમ કરવું” વાળાની જવાબદારી “શું કરવું” વાળાથી ઓછી હોઈ શકે છે કારણ કે ‘શું કરવું’ તે નક્કી કર્યા પછી જ ‘કેમ કરવું’ ની મુસાફરીનો આરંભ થાય છે.

આ તફાવત તાત્ત્વિક સિદ્ધાંત (theory) અને આચરણ (practice) વચ્ચેનો છે અને કાયમ રહેવાનો જ છે. બંનેનું ખૂબ મહત્ત્વ છે. કોનું મહત્ત્વ વધારે એ કહેવું અશક્ય જ નહિ પણ બધાં પાત્રો માટે અન્યાયી પણ છે. દરેકનું મહત્ત્વ એની જગ્યાએ છે અને કોઈનું મહત્ત્વ ઓછું આંકી શકાય એમ નથી.

અંતમાં મહાત્મા ગાંધીને યાદ કરી લઈએ. તેમણે પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ તેવું કહીને દેશને જાગૃત કરી દીધો, પણ કેમ આઝાદી મેળવવી તે ‘ કેમ કરવું’ના અમલમાં દાયકાઓ વીતી ગયા અને તે પણ કેટલા બધા મુશ્કેલ તબક્કાઓ પસાર કરીને. આઝાદી મેળવવા માટે તેમણે અહિંસાથી જ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો અઘરો રસ્તો નક્કી કેમ કર્યો તે આજે વિચારવું પણ અઘરું છે! કેમ આઝાદી મેળવવી તેનો મહાત્મા એ નક્કી કરેલ રસ્તો ‘કેમ કરવું’ની વિકટતા બતાવે છે.


આ બધી ચર્ચાનો અર્થ એમ નથી કે ‘શું કરવું’નો કઠિન નિર્ણય લીધા બાદ બધાએ ‘કેમ કરવું’ નો વિચાર કરીને ત્યાં જ અટકી જવું . કોઈ પણ રસ્તે આગળ તો વધવું જ. તેમાં સફળતા નહિ મળે તો પણ બહુમુલ્ય અનુભવ તો મળશે જ. વજન ઘટશે નહિ તો કંઈ નહિ પણ વધતું તો જરૂર બંધ થઈ જશે !

૦૦૦૦૦૦૦૦૦૦૦૦

શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.

2 comments for “વિમાસણઃ શું અગત્યનું છે ? ‘શું કરવું ‘ કે ‘કેમ કરવું’

 1. May 15, 2019 at 8:38 am

  ‘શું કરવુ’ છે એ ખબર ન હોય તો ‘કેમ કરવું છે ‘ તે ખબર હોય તો પણ મંજિલે પહોંચ્યા કે નહીં તેની ખબર જ ન પડે.
  ‘શું કરવું છે’ તે ખબર હોય પણ ‘કેમ કરવું છે’ તે ખબર ન હોય તે માત્ર હવઈ તરંગ જ બની રહે.
  આ બન્ને બાબતો સિક્કાની બે બાજુઓ છે, કોઈ પણ એક જ પાસાંની બન્ને બાજુની હાજરીથી પણ સિક્કો ચલણી નથી બની શકવાનો.

 2. Bhagwan thavrani
  May 15, 2019 at 6:58 pm

  કોઈ પણ પ્રશ્ન એના ઉકેલ સાથે જ જન્મતો હોય છે.
  ‘ સર સલામત ‘ ની જેમ ‘ સવાલો સલામત તો જવાબો ઘણા ‘ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *