સંસ્કૃતિની શોધમાં : ૯ : ઇસ્લામાબાદ તરફ

Facebooktwitterredditpinterestlinkedinmail

સંસ્કૃતિની શોધમાં - Title photo

પૂર્વી મોદી મલકાણ

ફ્રેન્કફર્ટથી પાકિસ્તાન તરફ અમે જે ઉત્સાહથી નીકળેલા તે ઉત્સાહ તો અમારી ફ્લાઇટમાં આવેલાં તોફાનને કારણે ઠંડો પડી ગયેલો. બસ કોઈક એક યાત્રીની એ સાચા હૃદયની પ્રાર્થના જ હતી જેને કારણે અમે બચી ગયાં પણ આ તોફાને અમારી ફ્લાઇટનો રાઉટ બદલી કાઢ્યો. અમારે હોલ્ટ હતો દોહામાં, પણ આ ઇમરજન્સીને કારણે અમે દુબઈમાં ઉતરી ચૂક્યાં હતાં. અગાઉ જોયેલા અબુધાબી એરપોર્ટથી આ દુબઈ એરપોર્ટ અમને અલગ લાગ્યું. કદાચ આ જેણે શોપિંગ જ કરવી હોય તેણે એરપોર્ટથી બહાર પણ જવાની જરૂર નથી, બધું જ શોપિંગ એક જ જગ્યામાં થઈ જાય તેવું આ દુબઈ એરપોર્ટ રાત-દિવસ ધમધમતું હોય તેવું લાગ્યું. અહીં મને બધી જ અમેરિકન કંપનીઓ જોવા મળી, પણ આ શોપિંગમાં અમને રસ ઓછો હતો. મને જે નવું લાગ્યું તે હતું, સોના માટેનું મશીન. ક્રેડિટ કાર્ડની મદદથી એરપોર્ટ ઉપર સોનું, સોનાની ગિની, સોનાની ચેન વગેરે ખરીદી શકાય તેવા મશીનને જોઈ મને આશ્ચર્ય થયું. પણ આ આશ્ચર્યને સાથે લઈ અમે આગળ વધી ગયાં.

એરપોર્ટમાં આમતેમ ફરતાં ફરતાં અમે ઘણાં એવા લોકોને જોયા જેમણે સફેદ વસ્ત્રો પહેર્યા હોય. આ લોકોને જોઈ મને આપણાં જૈન સાધુ-સાધ્વીઓની યાદ આવી ગઈ. પણ આ લોકો જે રીતે વાત કરતાં હતાં તેનાથી ખ્યાલ આવ્યો કે આ લોકો યાત્રા કરવા જઈ રહ્યાં હતાં, અથવા યાત્રાએ થી પાછા ફરી રહ્યાં હતાં.

અમારા ગેઇટ પર અમે પહોંચ્યાં ત્યારે જોયું કે પોણાભાગનાં લોકો યાત્રાએથી પાછા ફરેલાં હતાં, તેમનાં હેન્ડ લગેજમાં ખજૂર અને પાણીની બોટલો જોવા મળી. સામાન્ય રીતે જો પાણી એરપોર્ટ પર ન ખરીદાયેલું હોય તો ફેંકાવી દેવામાં આવે છે પણ અહીં એવું ન હતું. ગમે તે પ્રકારની પાણીની બોટલો અહીં જવા દેતા હતા, તેથી થોડી નવાઈ લાગી. પણ આ નવાઈને જવાબ ફ્લાઇટમાં જ મળી ગયો. મારી બાજુમાં બેસેલી યાત્રીએ અજાણતાં મને મુસલમાન જાણી વાતો કરવા લાગી. તેણે કહ્યું કે આ યાત્રાનાં કપડાં છે, જે લોકો હજ કરવા જાય છે તેઓ આ કપડાં ચોક્કસ પહેરે છે. તેઓ પણ ઉમરા કરીને જ પાછા ફરી રહ્યાં છે. વાતચીતમાં તેણે ત્યાં રહેલી ભીડ, ભીડને કારણે પડતી તકલીફ, ભીડનો લ્હાવો લઈ થતું મોલેસ્ટેશન, સિટી બહાર રહેલા વિવિધ દેશોના તંબુઓ, આજવાની ખજૂર, ઝમઝમનું પાણી, શૈતાનનું ઘર વગેરે વિષે વાતો કરી. પછી કહે મારી સાથે હું ઘણાં કેન ઝમઝમનું પાણી અને અજવાની ખજૂર લાવી છું, જે સગાસંબંધીઓમાં આપવાનાં છે. તેની અમુક વાતો સમજાઇ અને અમુક ન સમજાઇ પણ તેની વાતચીતમાં રાવલપિંડી ક્યારે આવી ગયું તેની જાણ ન રહી.

અમે રાવલપિંડી ઉતર્યા ત્યારે અમારી સાથે બીજી બે ફ્લાઇટ પણ ત્યાં આવી હતી તેથી ભીડ જોઈ વિચાર્યું કે અહીંથી નીકળતા લગભગ હજી ૨ કલાક થઈ જશે, એટ્લે ગયા વખતની જેમ વહેલી સવારે અમારી કાર ઇસ્લામાબાદનાં રસ્તા પર દોડતી હશે. પણ મારો એ વિચાર વિચાર જ રહ્યો. શું થયું કોને ખબર કે એક ઓફિસર આવી અમને આગળ લઈ ગઈ. એ ઓફિસર જોઈ અમને લાગતું હતું કે અહીં અમારા પર ઘણા સવાલજવાબ થવાના છે. મારા તે વિચારને છુપાવતાં મે ઔપચારિકતા ખાતર મારી સામે બેસેલ ઓફિસરને સલામ કર્યા, તેણે અમારી સામે જોયું પછી હસીને કહે વેલકમ ટુ પાકિસ્તાન બીબીજી. પછી પાસપોર્ટ જોઈ ને કહે; “હં……મ..મ અમેરીકન હો….!!!…..ઠીક હે આપ આયી હો તો હમારા મુલ્ક દેખ કર હી જાના હાં, હમ આપકે સરકાર ટ્રમ્પ જૈસે નહીં હૈ, હમારે જો મહેમા હૈ ઉનકી હમ બહોત ખાનાબદોશ કરતે હૈ ઇસી લિયે યુંહી નહીં જાના.” તે ઓફિસર સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ ન હતો, તેથી અમારા ટ્રમ્પ સાહેબનાં વખાણને અવગણીને, હસીને મે હા કહી અને આગળના સવાલજવાબ માટે સજ્જ બની પણ અમે વિચાર્યું હતું તેવું કશું જ થયું નહીં. કેવળ ૩ -૪ મિનિટમાં ઇમિગ્રેશનની વિધિ પૂરી કરી દીધી જેથી અમે બહાર જલ્દી આવી ગયાં. અહીં બે-ત્રણ ફ્લાઇટની વચ્ચે કોનો સામાન ક્યાં છે તેની જ જાણ ન હતી, ને એરપોર્ટ એટલું નાનું કે વારંવાર લોકો આમતેમ ભટકાયા કરે અથવા તો વારંવાર એકબીજાને મળ્યાં કરે. આમતેમ ભટકાતાં, શોધતાં, ફરતાં ફરતાં અમે આખરે અમે અમારા બેલ્ટ પાસે પહોંચ્યાં. ઘણીવાર રાહ જોયા પછી યે અમારો સામાન ન આવ્યો, તેથી જઈને પૂછતાછ કરી ત્યારે ખબર પડી કે પાક ઇમિગ્રેશને અમારા સામાનને ચેક કરવા માટે કબ્જે લીધો છે. અમે વિચાર્યું કે બહાર તો જલ્દી કાઢ્યાં પણ સામાન કબ્જે કર્યો. આનો અર્થ શું થયો? પણ અમારા સામાનમાં કશું ખાસ હતું નહીં, તેથી એવી કોઈ બીક જેવુ લાગ્યું નહીં. આખરે તલાશી પછી અમને અમારો સામાન મળ્યો. અમે સામાન સાથે બહાર નીકળ્યાં ત્યારે રાવલપિંડીનાં એરપોર્ટ પર જે રીતે બાર મેઘ ખાંગાં થયા હતા તે જોઈને અમને ખ્યાલ આવી ગયો કે આજની સવાર મોડી શરૂ થવાની તેથી અમે એ વરસાદને અવગણતાં ઇસ્લામાબાદ તરફ નીકળી પડ્યાં.

સખત વરસાદને રસ્તા પર જ્યારે કાર દોડતી હતી, ત્યારે પાણીની લહેરો જાણે દરિયાનાં મોજા હોય તે રીતે રસ્તાની બંને બાજુએ લહેરાતાં હતાં. આ મોજાઓને ચીરતી અમારી કાર જાણે અંધારા સાથે વાતો કરતી હોય તે રીતે હવામાં ઊડતી ઊડતી ઇસ્લામાબાદ ઝડપથી પહોંચી ગઈ.

આ વખતે પણ અમારો ઉતારો હોટેલ મેરીએટમાં જ હતો. આ હોટેલની ઘણીબધી યાદો મારી પાસે હતી, તેથી જેવી ટેક્સી હોટેલ બહાર ઊભી રહી કે તરત જ અનેક યાદોએ મારા મન ઉપર કબ્જો કરી લીધો. અમને સામાન ઉતારતાં જોઈ એક-બે પૉર્ટર દોડી આવ્યાં અને અમારી પાસેથી સામાન લઈ લીધો. અંદર જતાં ચેકિંગ મશીન પર એક માણસ મને જોઈ તરત જ ઊભો થઈ દોડી આવ્યો, ને કહે બીબીજી ….અરે બીબીજી…આપ ? આપ આયી, બહોત વક્ત કે બાદ આયી કહેતાં તેની આંખો હસી ઉઠી. પછી ચેકિંગ મશીન પાસેથી મો કાઢી પોતાનાં સાથીને કહે આપ સંભાલો….મૈ અભી આયા….બીબીજી આયી હૈ…..હમારી બીબીજી આયી હૈ …કહેતાં તે આગળ થયો. તે વ્યક્તિનો અત્યાધિક ઉત્સાહ જોઈ તેનાં સાથીઓ અચંભિત થઈ ગયાં, ને હું એનાં સાથીઓનાં ચહેરા પર રહેલાં સવાલોને જોતી હતી, ત્યાં જ એ બોલ્યો બીબીજી બહોત સાલો બાદ આપ આયી? આપ કૈસી હૈ બીબીજી..ઔર ઔર બાલબચ્ચે કૈસે હૈ? મારા જવાબની આશા રાખ્યા વગર સડસડાટ તેના સવાલો નીકળતા રહ્યા….ને હું તેનાં અવાજમાં રહેલ આનંદને મનથી મહેસૂસ કરતી રહી.


© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ  |  purvimalkan@yahoo.com

1 comment for “સંસ્કૃતિની શોધમાં : ૯ : ઇસ્લામાબાદ તરફ

  1. Bharti
    May 14, 2019 at 12:52 am

    Aagal na be bhag Mara thi miss thaya hata.pan mane photos jova Ni bahu maja pade che. Pakistan ma farva Ni raah jou chu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *