મંજૂ ષા : ૨૩. મિત્રતા બહુ મોટો સધિયારો હોય છે

Facebooktwitterredditpinterestlinkedinmail

– વીનેશ અંતાણી

કોઈ પણ વ્યક્તિ દરિયાનાં પાણીથી ઘેરાયેલા એકલાઅટૂલા ટાપુ જેવું જીવન જીવી શકે નહીં. એણે અન્ય સાથે જોડાયેલા રહેવું જ પડે છે. કોઈની સાથે જોડાયેલા રહેવાની આવશ્યકતામાંથી મિત્રતાનો ભાવ જન્મ્યો હશે. વયના દરેક તબક્કામાં આપણને મિત્રની જરૂર પડે છે. બાળપણમાં શેરીમાં રમવા માટે, શાળા-કૉલેજમાં ભણતી વખતે, મોટા થયા પછી કામના સ્થળે, ટ્રેનમાં, બસમાં, રાતના એકાન્તમાં, વરસાદમાં, ભીડમાં કે ખાલી જગ્યાઓમાં… દરેક સંબંધના પાયામાં સાચી મિત્રતાનો ભાવ રહેવો જોઈએ. માતાપિતા સંતાનોનાં મિત્ર બની શકે, સાચો શિક્ષક વિદ્યાર્થીઓનો મિત્ર બની શકે, ઑફિસમાં બોસ એના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ સાથે મિત્રની જેમ વર્તી શકે. પતિ અને પત્ની વચ્ચે મિત્રતાનો સંબંધ સુખી અને સફળ દામત્યજીવનની પહેલી શરત છે. વૃદ્ધાવસ્થાના ખાલી વેરાન રણ જેવા સમયને પાર કરવા માટે મિત્રની સૌથી વધારે જરૂર પડે છે. અંતે મૂળ વાત મૃત્યુને પણ મિત્ર માનીને એને બે હાથ પહોળા કરીને આવકાર આપવાની છે.

નવી પેઢીની પ્રતિનિધિ જેવી એક કિશોરીએ ફેસબુક પર લખ્યું છે: જિંદગીમાં આગળ વધવા માટે, નવુંનવું શીખવા માટે, ભવિષ્યમાં આવનારી તકલીફોનો સામનો કરવા તૈયાર થવા માટે મિત્રવર્તુળ બહુ ઉપયોગી નીવડે છે. મિત્રો આપણામાં કશાકની સાથે જોડાયેલા હોવાની ભાવના જગાડે છે. ઉંમરના એક તબક્કામાં પ્રવેશ કર્યા પછી માતાપિતા સાથે સંતાનોના કોમ્યુનિકેશનની એક સીમા આવી જાય છે. કિશોર-કિશોરીઓના મનમાં જે ચાલતું હોય કે તેઓ જે પ્રકારના અનુભવમાંથી પસાર થઈ રહ્યાં હોય તે બધું જ માતાપિતા સાથે વહેંચી શકાતું નથી. એવા સમયે મિત્રોની ખાસ જરૂર પડે છે. મિત્રો સમજદાર હોય તો તેઓ એકબીજાની લાગણી – મૂંઝવણોને સમજી શકે છે. મિત્રતા એવો પ્રદેશ છે, જયાં વ્યક્તિ એકલી હોય, છતાં એકલી હોતી નથી. સાચી મિત્રતાનો જીવનમાં બહુ મોટો સધિયારો હોય છે.

વરસાદ વરસવાની શરૂઆત કેમ થઈ તેના વિશેની નાનકડી વાર્તામાં મિત્રતામાં સધિયારાનો સંદેશ મળે છે. એક વાર ધરતીએ જોયું કે એનું મિત્ર કાળું વાદળું બહુ ઉદાસ હતું. ધરતીએ વાદળને કહ્યું: “દોસ્ત, મૂંઝાય છે કેમ? તારાં બધાં આંસુ મારા પર વહાવી દે. હું તારું દુ:ખ મારામાં સમાવી લઈશ.” ત્યારથી ધરતી પર વરસાદનો પ્રારંભ થયો. ચાલીસ વરસની વિધવા એલિઝાબેથ ડાયમંડને મગજનું કેન્સર ડાયોગ્નાઈઝ થયું ત્યારે એને પોતાના મૃત્યુથી વધારે ચિંતા એની ચાર નાની-નાની દીકરીઓના ભવિષ્યની હતી. એલિઝાબેથની બાળસખી લૉરા રુફિનોએ એને સધિયારો આપતાં વચન આપ્યું કે એ એની ચારેય દીકરીઓની સંભાળ લેશે. લૉરા અને એના પતિએ પોતાની એક દીકરીની સાથે એલિઝાબેથની ચારેય દીકરીઓને પણ ખૂબ સારી રીતે ઊછેરીને મોટી કરી. મિત્રતામાં માત્ર વચન આપવાનાં નથી હોતાં, એનું પાલન પણ કરવાનું હોય છે. ગર્ડી મૅકકેનને કેન્સરની સારવાર માટે કિમો અપાતો હોવાથી એના માથાના બધા વાળ ખરી ગયા. એ કારણે ગર્ડી બહુ શરમ અનુભવતી હતી અને ઘરમાં જ ભરાઈ રહેતી હતી. એક દિવસ એની અગિયાર સખીઓ પોતાના વાળ મુંડાવીને એની પાસે આવી અને કહ્યું: “હવે તો અમારી સાથે બહાર ચાલ!”\

મહાન ફિલોસોફર સોક્રેટિસ વિશે એક જાણીતી વાત છે. એક જણ સોક્રેટિસને એના ખાસ મિત્ર વિશે કોઈ ખાનગી વાત કહેવા ઉત્સુક હતો. સોક્રેટિસે એને અટકાવ્યો અને કહ્યું: “તું મારા ત્રણ પ્રશ્ર્નોના જવાબ આપશે તો જ હું મારા મિત્ર વિશે તારી વાત સાંભળીશ. સોક્રેટિસનો પહેલો પ્રશ્ર્ન: “તું કહેવાનો છે તે વાતની વિગત તારો જાતઅનુભવ છે કે તેં બીજા પાસેથી સાંભળેલી વાત છે?” પેલાએ કહ્યું કે સાંભળેલી વાત છે. બીજો પ્રશ્ર્ન: “તું જે વાત કહેવાનો છે તે મારા મિત્ર વિશે સારી વાત છે કે ખરાબ?” પેલાએ કહ્યું કે ખરાબ વાત છે. ત્રીજો પ્રશ્ર્ન: “તું મારા મિત્ર માટે જે વાત કહેવાનો છે તે મને ઉપયોગી છે?” પેલા માણસે માથું ધુણાવ્યું. સોક્રેટિસનો જવાબ હતો: “તેં મારા મિત્ર વિશે બીજા લોકો પાસેથી સાંભળેલી ખરાબ વાત જો મને ઉપયોગી ન હોય તો મારે તે શા માટે સાંભળવી જ જોઈએ?”

દરેક પરિચય મિત્રતા હોતો નથી. મિત્ર વિશે સાદીસીધી વ્યાખ્યા છે: મિત્ર એટલે તમે જેને ઓળખો છો, જે તમને ગમે છે અને જેના પર તમે વિશ્ર્વાસ ધરાવો છો તે વ્યક્તિ. એવી વ્યક્તિ જ સાચો દોસ્ત હોઈ શકે. કોઈએ મિત્રતાના સંદર્ભમાં સરસ વાત કહી છે કે તમારો મિત્ર કેવો છે તે જ નહીં, તમે પણ એના માટે કેવા છો એ વાત પર જ સાચી અને ટકાઉ મિત્રતાનો આધાર રહે છે. તમારે તમારી જાતને એક સવાલ હંમેશાં પૂછવો જોઈએ – ધારો કે તમે બીજી વ્યક્તિ હો તો તમારી સાથે દોસ્તી બાંધવાનું પસંદ કરો કે કેમ. એના જવાબમાં તમારા મિત્રના મિત્ર તરીકે તમે કેવા છો એનો જવાબ સંતાયેલો છે.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *