





– બીરેન કોઠારી
‘કિરણ પ્રોડકશન્સ’ની ‘અનપઢ’ ફિલ્મનું નામ દઈએ એ સાથે કશા આયાસ વિના તેની મદનમોહને સ્વરબદ્ધ કરેલી રાજા મહેંદી અલી ખાને લખેલી અને લતાએ ગાયેલી બે અમર ગઝલો ‘હૈ ઈસી મેં પ્યાર કી આબરૂ’ અને ‘આપ કી નઝરોં ને સમજા’ યાદ આવી જાય.

વધુ જાણકાર મિત્રો આ ગઝલની વાત કરતાં જ મદનમોહનને બદલે નૌશાદજીને યાદ કરે. અગાઉ એક પોસ્ટમાં નૌશાદજીની એ ખાસિયત વિષે જણાવ્યુ હતું. એ મુજબ નૌશાદજી એ કિસ્સો તક મળે ત્યાં કહેતા કે પોતે રેડિયો પર આ બંને ગઝલો પહેલી વાર સાંભળી અને સીધા મદનમોહન પાસે ઉપડ્યા. ત્યાં પહોંચીને તેમણે કહ્યું, ‘તારી આ બે ગઝલો પર મારું આજ સુધીનું બધું કામ કુરબાન.’ નૌશાદજીના મુખે આ કિસ્સો સાંભળ્યા પછી ઘણાને આ ગઝલો પહેલાં કરતાંય વધુ ગમવા માંડે એમ બને છે. આજે મદનમોહન કે નૌશાદ બેમાંથી કોઈ હયાત નથી, અને નૌશાદ આ જણાવતા ત્યારે મદનમોહન પણ હયાત નહોતા. (તેમના વહેલા મૃત્યુ પાછળ આ કારણ જવાબદાર નહોતું એટલી સ્પષ્ટતા.) આપણે આખી વાતનો અર્ક લઈએ તો એટલો જ કે આ ગઝલો મને કે તમને જ ગમે છે એમ નથી, નૌશાદ જેવા ધુરંધર સંગીતકારને પણ એ અતિ પ્રિય હતી.

ધર્મેન્દ્ર, માલાસિંહા, બલરાજ સાહની, શશીકલાની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘અનપઢ’માં કુલ સાત ગીતો હતા, જેમાંનું ‘સિકંદર ને પોરસ સે કી થી લડાઈ’ હળવું ગીત હતું, અને ‘દુલ્હન હૈ કલકત્તે કી….’ રફી અને આશાએ ગાયેલું સામાન્ય ગીત હતું. એ સીવાયનાં પાંચે ગીતો લતાનાં ગાયેલાં હતાં. ફિલ્મનુ સંગીત તૈયાર કરતી વખતે સંગીતકાર બધા ગીતોમાં સરખી મહેનત કરતા હશે કે કેમ એ આપણને ખબર નથી, તેમ ફિલમનું કયું ગીત લોકપ્રિય થશે એ પણ અનુમાન થઈ શકતું નથી.

આજે સંગીતપ્રેમીઓ માટે ‘અનપઢ’ની મુખ્ય ઓળખ તેની ઉપર જણાવેલી બે ગઝલો છે. એ સિવાયનાં ગીતો ‘રંગબિરંગી રાખી લે કે આઈ બહાના’, ‘વો દેખો જલા ઘર કિસી કા’ અને ‘જીયા લે ગયો જી મોરા સાંવરિયા’ની તેમને જાણ છે.

મદનમોહને આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં આ પાંચે ગીતોની ધૂન મૂકી છે. એ ધૂન તેમણે એક કૉમન થીમ મ્યુઝીક તૈયાર કરીને તેમાં ભેળવી નથી, પણ એક પછી એક ધૂન શરૂ થાય ત્યારે બ્રાસ વાદ્યો વગાડીને રીતસર સંગીતમય બ્રેક આવે છે. અહીં આપેલી લીન્કમાં 0.49 થી ફૂંકવાદ્યો સાથે ટ્રેકનો ઉઘાડ થાય છે. વચ્ચે તેમાં તંતુવાદ્યસમૂહનું વાદન છે. નવાઈ લાગે એવી વાત છે કે સૌથી પહેલી ધૂન ‘રાખી બાંધવા દે મેરે વીર’ની છે, જે ફ્લૂટ પર છે અને 1.07 થી આરંભાય છે. 1.22થી ફરી વાર ફૂંકવાદ્યો અને તરત તંતુવાદ્યસમૂહનું વાદન શરૂ થાય છે, 1.25થી તાલની ગતિ સાવ તૂટી જાય છે અને ‘હૈ ઈસી મેં પ્યાર કી આબરૂ’ની ધૂન તંતુવાદ્યસમૂહ પર શરૂ થાય છે. 1.42 પર ફરી ફૂંકવાદ્યો વડે બ્રેક અને તંતુવાદ્યસમૂહ પછી 1.48થી વાયોલિન પર ‘આપ કી નઝરોં ને સમજા’ની ધૂન આરંભાય છે. 2.02 થી ટેમ્પો ગતિ પકડે છે અને તંતુવાદ્યો તેમજ ફૂંકવાદ્યો પછી 2.08થી સેક્સોફોન પર ‘વો દેખો જલા ઘર કિસી કા’ની ધૂન શરૂ થાય છે. 2.29થી 2.34 સુધી તંતુવાદ્યસમૂહ અને ફૂંકવાદ્યસમૂહના વાદન પછી 2.34થી સિતાર પર ‘જીયા લે ગયો જી મોરા સાંવરિયા’ ની ધૂન વાગે છે. 2.43 થી આ ધૂન તંતુવાદ્યસમૂહ પર વાગે છે અને 2.52 પર પૂરી થાય છે. નોંધવાની બાબત એ છે કે આ તમામ ગીતોની આખેઆખી ધૂન નહી, પણ તેનાં ફક્ત મુખડાં જ વગાડવામાં આવ્યાં છે. અને તેને એ રીતે વગાડવામાં આવ્યાં છે જાણે કે ફિલ્મનાં ગીતોની ઝલક અપાઈ હોય.
આ ફિલ્મમાં સહાયક સંગીતકાર તરીકે સોનિકનું નામ જોવા મળે છે, જે સોનિક-ઓમીની જોડીવાળા મનોહરલાલ સોનિક છે.
‘અનપઢ’ની અહીં મૂકેલી ક્લીપમાં ટાઈટલ મ્યુઝીક 0.49 થી 2.52 સુધીનું છે.
નોંધ ખાતર એ ઉલ્લેખ જરૂરી છે કે આ જ નામની ફિલ્મ 1978માં રજૂ થઈ હતી, જેમાં પરિક્ષિત સાહની, ઝરીના વહાબ, વિજયેન્દ્ર, સારિકા, અશોકકુમાર વગેરેની મુખ્ય ભૂમિકા હતી.
(તમામ તસવીરો નેટ પરથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
આજે મદન મોહનનાં સંગીતકાર તરીકેનાં વ્યક્તિત્વનું એક નવું પાસું જાણવા મળ્યું.
મોટા ભાગનાં ગીતો માટે એક્થી વધારે ધુન તૈયાર કરવી, મુખડા અને અંતરામાં અલગ લયના પ્રયોગ, અંતરામાં પણ વૈવિધ્ય સમૃદ્ધ વાદ્યગુંથણીઓ રજૂ કરવી જેવાં પાસાંઓ તેમનાં ગીતો દ્વારા જાણ્યાં છે. તેમની ફિલ્મોમાં ટાઈટલ સંગીતમાં કે બેકગ્રાઉન્ડ સંગીતમાં પણ તેમની સજ્જતા અનુભવી છે.
‘અનપઢ’માં તેમણે તેમના પૂરતો આ આગવો અને ભાગ્યે બીજે વાપર્યો હોય એવો પ્રયોગ કર્યો છે. જોકે વૈવિધ્યની તેમની લાક્ષણિકતા અહીં પણ દરેક ગીતના મુખડા માટે તેમણે વાપરેલ સાવ જ અલગ વાદ્યોમાં દેખાય તો છે જ.
આ પ્રકારની બહુ જ આગવી રજૂઆતથી આપણને પરિચિત કરાવવા નદલ બીરેનભઈને ખાસ ધન્યવાદ.
આભાર, અશોકભાઈ. તમારા જેવા રસિક જીવને આનંદ આવ્યો એટલે બસ!
મને જૂની ફિલ્મો અને જૂની ફિલ્મોના ગીત સંગીતમાં ઊંડો રસ છે.
મદનમોહનનું સંગીત ખૂબ જ ગમે, તેમાંય તેમની જાણીતી ફિલ્મી ગઝલો તો ખાસ ગમે. અનપઢ ફિલ્મ કિશોર વયમાં જોઈ હતી, પછી બે વાર સીડીમાં. પરંતુ ‘અનપઢ’ ફિલ્મના ટાઇટલ સંગીતમાં ફિલ્મના ગીતોની ધુન વાગે છે તે તરફ ધ્યાન નહોતું ગયું.
બીરેનભાઈ! આભાર એક અનોખી વાત ધ્યાન પર લાવવા બદલ!