પરિસરનો પડકાર : ૨૨ :: ભારતના બિલાડી કુળના વન્યપ્રાણીઓ – ૩

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા.

પ્રિય વાચક, ભારતના જંગલોમાં જોવાં મળતાં બિલાડી કુળના વન્યપ્રાણીઓ વિશેના આ ત્રીજા અને અંતિમ લેખમાં આપણે બાકી રહેતા પ્રાણીઓની માહિતી મેળવશું.

. જંગલ કેટ: (The Jungle Cat) Felis chaus

ભારતીય ઉપ-મહાદ્વીપના જંગલોમાં નિવાસ કરતું આ પ્રાણી મોટા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે. નાની પૂંછડી પરંતુ મોટા પગ ધરાવે છે જેને પીળાશ પડતું રાખોડી આવરણ હોય છે. હિમાલયની ગિરિમાળામાં વસવાટ કરતી જંગલી બિલાડી, ઠંડા વાતાવરણને કારણે જાડું આવરણ ધરાવે છે જયારે સપાટ મેદાની વિસ્તારમાં વસતી જંગલી બિલાડીઓનું વજન ઓછું હોય છે અને કદમાં પણ નાની હોય છે. રણ વિસ્તારમાં રહેતી જંગલી બિલાડીઓનું આવરણ રેતાળ રંગ ધરાવે છે.

જંગલમાં આવેલા સુકા અને ખુલ્લા વિસ્તાર, મુખ્યત્વે ઘાસિયા મેદાનોમાં અને નદીની આસપાસ આવેલા ઝાડી-ઝાંખરા ધરાવતા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. ઘણું જ સાહસિક પ્રાણી છે અને તેથી દિવસ દરમ્યાન પણ શિકાર કરે છે. અત્યંત ઝડપી છે અને પોતાના કદ કરતા પણ બમણી સાઈઝનું કદ ધરાવતા શિકારને દબોચી લે છે.

રણ બિલાડી: The Desert Cat (Felis libyca)

રણ બિલાડી તેના આવરણના રંગ અને ટપકાંને કારણે સહેલાઈથી ઓળખાય જાય છે જે ફિક્કા પીળા રંગનું હોય છે અને કાળાં ડાઘા ધરાવે છે. પૂંછડીના છેડે કાળા રંગની રીંગ હોય છે જયારે તેની હડપચી, ગળાનો ભાગ તેમ જ છાતીનો ભાગ ડાઘા વગરનો અને સફેદ હોય છે. તેના કાન જંગલી બિલાડીને સમાન હોય છે પરંતુ ફિક્કા રંગના અને ટોચ પર કાળા વાળ ધરાવે છે. રણ બિલાડી અને જંગલી બિલાડી, રાજસ્થાનનું થાર ડેઝર્ટ હોય કે પછી મધ્ય અને પશ્ચિમ ભારતનો અત્યંત સુકો પ્રદેશ હોય, એક પ્રકારનું સહજીવન જીવી રહેલાં પ્રાણીઓ છે.

રણ બિલાડીની વિસ્તૃત માહિતી મેળવવી સહેલું કામ નથી કારણ કે તેની ભાળ મેળવવી એક કપરું કામ છે. નાના પક્ષીઓ, ઉંદર અને ખિસકોલી જેવા પ્રાણી તેમ જ તદ્દન સુકા વિસ્તારમાં મળી આવતા જીવજંતુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

૩. હેણોતરો: The Caracal (Felis caracal)

બિલાડી પરિવારમાં સૌથી સુંદર અને મોહક લાગતું પ્રાણી હોય તો તે છે હણોતરો. તે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના નાના રણ વિસ્તારમાં જોવા મળે છે. ભૂખરા રંગ સાથે મધ્યમ કદની બિલાડી કે જેનું શરીર લાંબું છે, મજબૂત જડબાં છે, લાંબા કાન અને તેની ઉપર ગાઢ ગુચ્છાદાર વાળ જેવા અને સફેદ ટપકાં તેને બિલાડી કુળના સૌથી આકર્ષક અને સુંદર મુખાકૃતિની સાથેસાથે મનમોહક દેહાકૃતિ ધરાવતું પ્રાણી બનાવે છે. દાયકા અગાઉ એમ માની લેવાયું હતું કે ગુજરાતમાં તેનું અસ્તિત્વ રહ્યું નથી પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં તેની વસતી કચ્છ જિલ્લાના ઉત્તરપશ્ચિમિ ભાગમાં જણાઇ આવી છે.

સ્થાનિક લોકો આ પ્રાણીને “હણોતરો” એટલે કે “ચિંકારા” જેવું જ દેખાવ ધરાવતું પ્રાણી કહે છે. દુરથી જોતા તેના શરીરનો રંગ અને ગુચ્છાદાર વાળને લીધે તે ચિંકારા જેવું જ લાગે છે. આ બિલાડી ફક્ત તેના આકર્ષક દેખાવ માટે જ નહીં પરંતુ હુમલા સમયે તેની વિકરાળતા તેમજ હિંસક સ્વરૂપ માટે પણ તેટલી જ જાણીતી છે. અગાઉની નોંધ પ્રમાણે તો ભૂતકાળમાં તેને તાલીમ આપી ચિત્તાની જેમ જ શિકારપ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ થતો હતો.

૪. લિંક્સ: The Lynx (Felis lynx)

હેણોતરાની સરખામણીએ તેનાથી થોડું વધારે વજનદાર તેનું જ પિતરાઈ પ્રાણી લિંક્સ ઘણાં જ આગવાં લક્ષણો ધરાવે છે. બંને કાનની ટોચ પર લાંબા અને સીધા વાળના ગુચ્છા, ટૂંકી પૂંછડી અને મો ની ફરતે પણ વાળ જોવા મળે છે. તેની ચામડીનું આવરણ હેણોતરાની સરખામણીએ ઘણું જાડું હોય છે અને ઝાંખા રાખોડી રંગનું જોવામાં આવે છે. ભારતમાં આ પ્રાણી લડાખ સહીત સિંધુ-ખીણના ઉપરના વિસ્તારમાં તેમ જ તિબેટમાં નિવાસ કરે છે.

ઉંચાણવાળા વિસ્તારોમાં ઊંચું ઘાસ, વિલો નામના વૃક્ષના ઝાંખરાં અને અન્ય બરછટ પ્રકારના ઘાસની આડશમાં રહેવાનું પસંદ કરે છે. પહાડી સસલાં, પહાડી ઉંદર, અને તેતર જેવા અન્ય શિકાર કરી શકાય તેવા પક્ષીઓને મારીને ભક્ષણ કર છે. કોઈ કોઈ વાર ભરવાડોના ઘેટાં-બકરાંનો પણ શિકાર કરે છે. આ પ્રાણી ઋતુ અનુસાર ઊંચા પર્વતો સુધી સ્થળાંતર કરતા માલુમ પડ્યા છે. લિંક્સના નિવાસસ્થાન અત્યંત અડચણ ભર્યા હોવાથી તેની બચ્ચાંઓને જન્મ આપવાની પ્રક્રિયા બાબત વિશેષ માહિતી ઉપલબ્ધ થઇ શકી નથી.

૫. પલાસ કેટ: Pallas Cat (Felis manul)

બિલાડી કુળમાં વર્ગીકૃત તમામ પ્રાણીઓમાં સૌથી નાનું પ્રાણી પલાસ કેટ તરીકે ઓળખાય છે. ઘરોમાં જોવામાં આવતી બિલાડીઓ કરતા પણ તેનું કદ નાનું હોય છે. તેના કાન અત્યંત નાના અને એકબીજાથી ઘણા દુર ગોઠવાયેલા હોય છે જે ગાલની પાછળના ભાગમાં થોડી નીચેની બાજુ આવેલા હોય છે. તેનું કપાળ એકદમ સ્પષ્ટ રૂપે નીચું હોય છે અને લાંબી પૂંછડી ધરાવે છે.

તેના કાન અને કપાળની વિશિષ્ટ પ્રકારની રચનાને કારણે અન્ય બિલાડીઓની સરખામણીમાં, પોતાના શિકાર તરફ નીચું નમીને છાનામાના નજર રાખવાનો ફાયદો પલાસ કેટને મળ્યો છે. સામાન્યતઃ તેના મો નો રંગ રાખોડી હોય છે જયારે શરીરના અન્ય અંગો ઘાટો રાખોડી અથવા રૂપેરી રંગ ધરાવે છે. પૂંછડી ઉપર રીંગો બનેલી જોવામાં આવે છે જેની ટોચ કાળી હોય છે. છાતી, પેટ અને સાથળ ઉપરની ચામડી ખાસ્સી જાડી હોય છે જે બરફ આચ્છાદિત જમીન પર આરામ કરતી વખતે રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. પલાસ કેટ લડાખ અને તિબેટના ઉજ્જડ અને વેરાન વિસ્તારમાં નિવાસ કરે છે. આ વિસ્તારની અત્યંત જોખમી અને ખાડા-ટેકરાવાળી ભૂમિ હોવાથી પલાસ કેટની અન્ય આદતો સબબ વધારે માહિતી ઉપલબ્ધ થઇ શક્તિ નથી.

મિત્રો, છેલ્લા ત્રણ લેખમાં આપણે ભારતના વિવિધ જંગલોમાં નિવાસ કરી રહેલા અને બિલાડી કુળમાં વર્ગીકૃત થતા પ્રાણીઓની માહિતી મેળવી. આશા છે કે ઉપયોગી નીવડશે.


નોંધ: પ્રસ્તુત લેખમાં સમાવિષ્ટ માહિતી અને ચિત્રો ઈન્ટરનેટ પરથી લેવામાં આવેલા છે જેનો ઉદ્દેશ્ય ફક્ત જન-જાગૃતિ ફેલાવવાનો અને અભ્યાસ પુરતો માર્યાદિત છે. કોઈ પ્રકારનો વ્યાવસાયિક હેતુ રાખેલ નથી.


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:
ઈ-મેઇલ : chp4491@gmail.com
મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *