ફિર દેખો યારોં : નાગરિક બનવું અઘરું છે?

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

ગયા સપ્તાહનું ગરમીનું મોજું કુદરતી પ્રકોપ હતો, પણ એ હકીકત છે કે દર વરસે ઉનાળો આકરો બનતો જાય છે. દિનબદિન અસહ્ય બનતી જતી આ ગરમી મોટે ભાગે માનવસર્જિત છે. શહેરમધ્યના રસ્તાઓની પહોળાઈ વધીને રાક્ષસી કદની થઈ રહી છે. નવી બનતી ઈમારતોમાં આર.સી.સી; લોખંડ, કાચ જેવી સામગ્રીનો ઉપયોગ વધતો રહ્યો છે. તેની સામે આ ઈમારતોને ગરમી સામે સુનિશ્ચિત કરવાની કશી જોગવાઈ જણાતી નથી. ફૂટપાથને હવે રોડ ગળી ગયો છે, અને સોસાયટીના આંતરિક માર્ગો પણ આર.સી.સી.ના બની ગયા છે. સોસાયટીના સભ્ય નાગરિકો માટે આ માર્ગોની બાજુએ વૃક્ષ ઉગાડવાં માથાના દુ:ખાવા સમાં છે. કેમ કે, એક તો તે સોસાયટીના દેખાવને બગાડે છે, અને બીજું તે પાંદડાં ખેરવ્યા કરે છે એટલે કચરો પડે છે. વહેલી સવારથી લઈને મોડી રાત સુધી આને કારણે જે લૂ વાતી રહે છે એનો ઉપાય તો બારીબારણાં ભીડી દઈને ઓરડાઓને વાતાનૂકુલિત બનાવી દેવાનો છે. સૌને એમ લાગે છે કે વીજબીલ વધુ આવે એનો વાંધો નહીં, પણ એર-કન્‍ડિશનર હવે કંઈ વૈભવ નથી, બલ્કે જરૂરિયાત છે. હવે સોલાર રૂફટૉપ નખાવ્યા પછી વીજબીલની પણ ફિકર નથી. બહુ ઝડપથી એવો સમય આવશે કે વૃક્ષો બહુ બહુ તો સંગ્રહાલયમાં કે પ્લાસ્ટિકની પ્રતિકૃતિ તરીકે રહી જશે. કોઈ વિચારશીલને હજી માર્ગની બન્ને બાજુએ અસલ જેવાં જ લાગતાં કૃત્રિમ વૃક્ષો ગોઠવવાનો વિચાર કેમ નથી આવ્યો એ જ આશ્ચર્ય છે! વૃક્ષરોપણના કાર્યક્રમોનું આયોજન આપણે ત્યાં અવારનવાર જોવા મળે છે, પણ વૃક્ષછેદનના કાર્યક્રમો કશા આયોજન વિના આડેધડ અને નિયમીતપણે થતા રહે છે. સમજાતું નથી કે આવા અધિકૃત વૃક્ષછેદનને સરકારી ખાતાની મંજૂરી શી રીતે મળી જાય છે? નાગરિકોને છ માર્ગી રોડ મળતો હોય તો તેમને બીજું કંઈ જોઈતું નથી. બસ, રોડ પર પોતાની કાર પાણીના રેલાની જેમ સરકવી જોઈએ.

પાણીના રેલાની સમસ્યા પણ ઓછી નથી. દર વરસે જળવ્યવસ્થાપનની થતી વાતો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર સતત વધતું રહે છે. જળ વ્યવસ્થાપન અંગેની કોઈ નક્કર નીતિ કોઈ પણ સરકારી તંત્ર પાસે હોય એમ જણાતું નથી, કે નથી જણાતી એ અંગે કોઈ વિચાર કરવાની જરૂરિયાત. શહેરી વિકાસ એવી રાક્ષસી માયા છે કે તે ખેતર, તળાવ, વૃક્ષ સહિત બધું સ્વાહા કરી જાય છે. અલબત્ત, તમામ બાબતે સરકારી તંત્રને દોષ દેવો ઉચિત નથી. નાગરિક તરીકે આપણે કેટલા જાગ્રત અને જવાબદાર છીએ એ વધુ મહત્ત્વનું છે. નવાઈ લાગે એવી વાત એ છે કે દેશ યા રાજ્યમાં નજર સામે દેખાતી અનેક સળગતી સમસ્યાઓ છે, કરવાલાયક કામ છે, અને આપણા કમનસીબે શાસક અને વિરોધપક્ષો એ રીતે શબ્દકુસ્તી કરતા રહે છે કે જાણે એ જ તેમનો પરમ ધર્મ હોય. નાગરિકો પણ સવાલ ઉઠાવવાને બદલે આ કુસ્તીના ખેલના પ્રેક્ષક હોય એમ તાળીઓ પાડતા રહે છે.

લોકપ્રતિનિધિ ચૂંટવા જેવી લોકશાહી માટેની અતિ મહત્ત્વની ઘટના જાણે કે કોઈ તમાશો હોય એમ નેતાઓ રોડ શો યોજવાની રીતસર હરિફાઈ કરે છે. ગામમાં સર્કસ કે એ પ્રકારનું કોઈ મનોરંજન આવે ત્યારે પોતાની હાજરી નોંધાવવા તેઓ સૌનું ધ્યાન ખેંચાય એ રીતે ગામમાં નીકળતા. તેમને કદાચ ખ્યાલ નહીં હોય કે તેઓ જે કરે છે એને રોડ શો કહેવાય. કોઈ એક મતવિસ્તારમાં ઉમેદવારો ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે પણ રોડ શો યોજીને જાય ત્યારે તેમના કરતાં વધુ દયાપાત્ર આ રોડ શો જોઈને હરખાનારા લોકો હોય છે. સમસ્યાઓ કઈ, એના સૂચિત ઉકેલ કયા, એ તરફનો પોતાનો કોઈ પ્રયત્ન કેવો રહેશે વગેરે વિશે ન કોઈને કહેવું છે, ન કોઈને પૂછવું છે. આપણા દેશના મોટા ભાગના મતદારોની માનસિકતા જ વ્યક્તિપૂજાની છે. દરેક યુગે તેમને પોતાના શાસકમાં ઉદ્ધારકના દર્શન જ થાય છે, એ હદે કે ખુદ શાસક પણ આમ જ માનવા લાગે છે. લોકશાહીમાં શાસકો કશું લોકતંત્રલક્ષી નક્કર કામ કે આયોજન વિચારવાને બદલે પોતાનો પક્ષ જ ચૂંટણીમાં વિજેતા બને એ માટેની તરકીબોમાં પડી જાય ત્યારે કયા સ્તર સુધી ઉતરી શકે છે તેનાં અનેક ઉદાહરણો લગભગ દરેક શાસનકાળમાં મળતાં રહ્યાં છે. જે તે કાળમાં એમ લાગે છે કે આવી ચેષ્ટાઓ પાતાળના સ્તરે પહોંચી છે. પણ આવનારો દરેક શાસક પોતાનું નવું પાતાળ શોધી લે એમ બનતું આવ્યું છે. સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું ત્યારથી લઈને છેક વર્તમાન સમય સુધી આપણી લોકશાહીની આ ફિતરત રહી છે. આમાં વાંક એકલા નેતાઓનો નથી. નેતાઓથી મોહિત થઈ જઈને તેમને ચૂંટતા મતદારોનો એટલો જ દોષ છે.

મતદારોની પણ કમનસીબી ગણવી રહી કે રાષ્ટ્રિય કક્ષાના મુખ્ય ગણાતા પક્ષ પાસે ભાવિ માટેનું કોઈ આયોજન નથી. કાગળ પરનું આયોજન હોય તો પણ તેને અમલમાં મૂકવાની કોઈ વૃત્તિ નથી. એક સમયે ‘ગુજરાતની જીવાદોરી’ ગણાતી નર્મદા યોજના હવે સંપન્ન થઈ ગઈ, પણ તેનો લાભ જોઈએ એવો લઈ શકાયો નથી. જળસંકટ હજી તો વરસોવરસ ઘેરું બનતું જાય એવાં એંધાણ દેખાઈ રહ્યાં છે. અમેરિકન હાસ્યકાર-અભિનેતા વિલીયમ ફીલ્ડ્સનું જાણીતું અવતરણ છે: ‘હું કદી કોઈની તરફેણમાં નહીં, પણ વિરોધમાં જ મત આપું છું.’ વિલીયમની આ વાત આપણી લોકશાહી માટે પણ કેટલી સાચી છે!

લેખના આરંભે કરાયેલી નાગરિકોની માનસિકતાની વાતથી શરૂ કરીને લેખના અંતમાં કરાયેલી કોઈના વિરોધમાં મત આપવાની વાત સુધીમાં દેખીતી રીતે કશું સામ્ય ન લાગે એમ બની શકે. આ તમામ બાબતોને આપણે નાગરિકની નજરે મૂલવવાની છે અને એ વિચારવાનું છે કે નાગરિક માટે કોઈ શાસક કે સરકાર કામ કરે ત્યારે ખરી, આપણા સ્તરે જે થઈ શકે એ આપણે કરતા રહેવાનું છે. કોઈ પણ પક્ષ પ્રત્યે આપણી સહાનુભૂતિ ભલે હોય, સવાલ પૂછવાનો મૂળભૂત નાગરિક હક બરકરાર રાખવાનો છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨-૫-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

4 comments for “ફિર દેખો યારોં : નાગરિક બનવું અઘરું છે?

 1. Samir
  May 9, 2019 at 1:37 pm

  બહુ જ સુંદર લેખ.
  નાગરિક બનવું સહેલું છે પણ જવાબદાર નાગરિક બનવું બેશક અઘરું છે.
  વધતી જતી વસ્તી માં વ્રુક્ષો માટે કેટલી જગા રહેશે તે યક્ષપ્રશ્ન . એક પળ માટે ૧૦૦ વર્ષ પછી આપણે ભારત માં કઈ રીતે જીવતા હઈશું તે કલ્પના કરવા જેવી છે ભલે તે સુવાચ્ય ન લાગે !

 2. નટવરલાલ મોઢા
  May 9, 2019 at 7:33 pm

  દસ વર્ષ પછીની કલ્પનાથી લખલખું આવી જાય છે. આપણી સરકારને નાગરિકતાના પાઠ ભણવાની જરૂર છે. જમીનમાં પાણી શોષાતું બંધ થવાથી ઉપાધિ થઇ છે

 3. vimla hirpara
  May 9, 2019 at 7:51 pm

  બિરેનભાઇ, તમારી વાત ને ચિંતા સાચી છે. આપણે વગરવિચાર્યે આડેધડ વૃક્ષો કાપીને નાખ્યા છે. સામે નવા વૃક્ષ નથી વાવ્યા પણ કુદરતે જે આપ્યા હતા એનુ ય નિકંદન કાઢી નાખ્યું છે. આજે બહેનો વડસાવીત્રીના વ્રત માટે વડ શોધે કે પિતૃને પાણી પાવા પીપળો શોધે પણ વાવવાની કોઇને ફિકર છે? દંભ જોવો કે વૃક્ષારોપણના નામે કોઇ મહત્વની! વ્યકિત એકાદ છોડ વાવી જાય, છાપામાં ફોટા આવે ને કામ પુરુ. પછી એ વૃક્ષ જીવ્યુ કે કરમાઇ ગયુ એ કોણ જાણે?

 4. May 17, 2019 at 10:04 am

  પ્રતિભાવ બદલ આપ સૌનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *