વ્યંગિસ્તાન – ધબ્બો : ઉભરાઇ જતા ઉમળકાની અભિવ્યક્તિ

Facebooktwitterredditpinterestlinkedinmail

કિરણ જોશી

પરિચિતો હોય તે સામસામે સ્મિત રેલાવે છે,મિત્રો હોય તે અરસપરસ હાથ મિલાવે છે, નજીકના મિત્રો હોય તો હાથ મિલાવીને ત્રણથી ચાર વાર ઝટકા મારે છે,ખાસ મિત્રો હોય તે ગળે મળે છે પણ લંગોટિયા મિત્રો જયારે મળે છે ત્યારે ગળે મળીને એકબીજાની પીઠ પર બે-ત્રણ ધબ્બા લગાવે છે. આ ધબ્બાનો અવાજ એવો પ્રચંડ હોય છે કે શેરીમાં સૂતેલાં કૂતરાં જાગી જઈને મોટે-મોટેથી ભસવાનું ચાલુ કરી દે છે.ગનીમત છે કે સર્જનહારે માનવજાતને એક જ પીઠ આપી છે; બાકી સત્ય,પ્રેમ અને કરૂણાના આજીવન ઉપાસક એવા ગાંધીજીએ બાઈબલને ટાંકીને જરૂર કહ્યું હોત:’તમને કોઈ એક પીઠ પર ધબ્બો મારે તો ક્ષણનો ય વિલંબ કર્યા વિના બીજી પીઠ ધરવી.’

એક ચિંતક પોતાના એક હજાર શબ્દોના લખાણ વડે,એક સંગીતકાર પોતાના સાત સૂરો વડે કે એક ચિત્રકાર પોતાના સતરંગી ચિત્ર વડે પણ જયારે પોતાના મિત્ર કે સ્વજન માટેનો પોતાનો પ્રેમ જતાવવામાં ઉણો ઉતરે છે ત્યારે એક સામાન્ય માણસ દ્વારા પોતાના મિત્ર કે સ્વજનને ભેટીને મારવામાં આવેલો ધબ્બો પાકા પાયે આ કામ કરી દે છે.

ધબ્બો મારવો એ એક સજ્જનને છાજે એવું કૃત્ય નથી જોકે. એક જ બેચમાંથી આઈ.એ.એસ. થયેલા બે કલેકટર સાહેબો ભલે એકબીજાના પાકા દોસ્તાર હોય; પણ કોઈ સરકારી કાર્યક્રમ દરમિયાન મંચ પર રૂબરૂ મળે ત્યારે એકબીજા માટેનો સ્નેહ દબાવી રાખી સૌજન્યપૂર્વક હાથ મીલાવે તે જ ઇચ્છનીય છે. ગળે મળીને ધબ્બાવાળી કરવાથી પ્રોટોકોલ તૂટવાની શક્યતા રહેલી છે. કહેવાય છે કે કાચ અને પ્રોટોકોલ એકવાર તૂટે પછી તેમને સાંધી શકાતા નથી.

‘મારવું’ એ આમ તો નકારાત્મક ભાવ ધરાવતી ક્રિયા છે. જાનથી મારી નાખવાથી માંડીને લવિંગ કેરી લાકડી વડે મારવાના તથા ઢોર માર મારવાથી માંડીને ટપલી મારવાના અતિહિંસકથી નહીંવતહિંસક સુધીના મારવાના પ્રકાર પાડી શકાય છે. ધબ્બો મારવો એ આમાં અપવાદ છે કારણ કે તે હિંસાની હોળીને બદલે સ્નેહનો દીવો પ્રગટાવે છે.

કેટલાક ધાર્મિક સંપ્રદાયોમાં મોટા સાધુ-મહાત્માના હાથનો ધબ્બો ખાવો એ બહુ મોટી આધ્યાત્મિક ઉપલબ્ધિ માનવામાં આવે છે. સાધુ-મહાત્માના હાથનો ધબ્બો ખાનાર ભક્તોનો બેડો પાર ઉતરી જાય છે એવું માનવામાં આવે છે. જોકે આ માટે ધબ્બો ખાનાર અને ધબ્બો મારનાર બંનેનું સદાચારી હોવું અત્યંત આવશ્યક છે.

ધબ્બો મરવાવાળું અન્ય એક જૂથ પણ અસ્તિત્વ ધરાવે છે જે પોતાના સ્નેહી પર શિવાજીની પેઠે ગેરીલા પધ્ધતિથી પાછળથી હૂમલો કરે છે.નસીબ જોર કરતું હોય તેવા સંજોગોમાં કેટલાક મિત્રો છૂટા પડ્યા પછી દોઢ-બે દાયકા સુધી મળી શકવા પામતા નથી.આવો બીછડેલો કોઈ યાર કોઈને ત્યાં પ્રસંગે કે બજાર,બસ સ્ટેન્ડ કે એરપોર્ટ પર દૂરથી નજરે ચઢી જાય ત્યારે જોનાર યારના હૃદયમાં ભાવાવેશના ઓકટાપેડ વાગવા શરૂ થઇ જાય છે.ઉત્સાહમાં આવી ગયેલો તે બીલાડીપગલે તેની પાછળ જઇ જોશભેર તેની પીઠમાં એક ધબ્બો જડી દે છે. સાવ અનપેક્ષિત સ્થળે પત્ની અને સંતાનોની હાજરીમાં પોતાની સાથે અનપેક્ષિત હરકત થવાને પગલે ધબ્બાનો ખાનારો કંઇક આશ્ચર્યથી,કંઇક ગુસ્સાથી પાછળ જુએ છે. ખાનારો પણ મારનારને એક-દોઢ દાયકા પછી જોતો હોઈ તરત તેને ઓળખી શકતો નથી. જો એરપોર્ટ હોય તો અંગ્રેજીમાં,રેલવે સ્ટેશન હોય તો હિંદીમાં ને જો બસ સ્ટેશન હોય તો ગુજરાતી ભાષામાં તે મારનારને ખખડાવવાનું શરૂ કરે છે.તેને વચ્ચે જ રોકીને મારનાર પૂછે છે,’અલ્યા,મને ઓળખ્યો નહીં?’

આ સવાલ સંભાળીને ઝગડો કરવાની શરૂઆત કરી ચૂકેલો માણસ એકાએક ઠંડો પડી જાય છે ને મગજ પર જોર મૂકીને તેને ઓળખવા માથે છે,’બોસ,ઓળખાણ ના પડી.’

‘યાદ કર…યાદ કર.’

‘નહીં યાદ આવે,પાર્ટી. તમે જ કહી દો કે તમે કોણ છો.’

‘શું તમે..તમે કરે છે? બારમાના વેકેશનમાં તારા પપ્પાના નવાને નવા સ્કૂટરનું સ્પેર વ્હીલ વેચીને કમાયેલા પૈસાથી આપણે મુંબઈ ગયેલા… બચ્ચનને બંગલે એને મળવા.’

‘આહ્હા… વિક્રમ? શું વાત છે! કેટલો બદલાઈ ગયો તું?ટીવીમાં-સિનેમામાં વિકો વજ્રદંતીની એડ જયારે પણ જોઉં ત્યારે તને આજે પણ અચૂક યાદ કરું છું.ભાભીને તારું આ નામ ખબર છે?’

પછી તો અલકમલકની વાતો ને ‘તને સાંભરે રે … મને કેમ વિસરે રે’નો દોર.

પશ્ચિમ પાસેથી આપણે ઘણું અપનાવ્યું- આપણી વિષુવવૃત્તીય આબોહવાને પ્રતિકુળ એવા પેન્ટ-શર્ટ જેવા પોશાકથી લઇને પચવામાં દુર્ગમ એવા પીઝા-પાસ્તા જેવી ખાદ્યસામગ્રીઓ આપણે અપનાવી પણ એ લોકોએ આપણી પાસેથી કમસેકમ રાજીપો વ્યક્ત કરતી ધબ્બો મારવાની પરંપરા પણ ન સ્વીકારી. વિશ્વયુધ્ધો દ્વારા સારાય સંસારમાં તબાહી મચાવી દેનારા હિટલર તથા મુસોલીની જેવા શાસકો પાસે તેમને ગળે મળીને ધબ્બો મારી શકે તેવા મિત્રો હોત તો કદાચ તેમની અંદર રહેલા બદલાના જ્વાળામુખીનું સ્થાન વિશુદ્ધ પ્રેમની સરવાણીએ લીધું હોત ને મોટો નરસંહાર નિવારી શકાયો હોત.’હિંદ છોડો આંદોલન’ શરૂ કરતા પહેલાં ગાંધીજીએ પણ ઈંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલને બાથમાં લઇ ધબ્બો મારવાનો પ્રયાસ કરી જ જોયો હતો. પણ ચર્ચિલને ભીતી હતી કે એક ધબ્બો મારીને આ ડોસો ભારતમાંથી અમારું રાજ ખતમ કરી નાખશે. આથી તેણે ગાંધીજીને બાથમાં લેવાનો કે ધબ્બ્બો મારવાનો મોકો જ નાં આપ્યો.

આજકાલના યુગમાં શાળા/કોલેજકાળના મિત્રો વોટ્સેપ ગ્રુપ બનાવીને રોજરોજ એકબીજાના મોબાઈલ ફોનમાં સુવાક્યોની ફોરમ પ્રસરાવતા હોય છે.તેથી તેઓ વર્ષો પછી જયારે સાચુકલા મળે છે ત્યારે તેમને આનંદ તો થતો જ હોય છે પણ એકબીજાને બાથમાં લઈને ધબ્બો મારવાનો ઉમળકો આકાર નથી લેતો. ને ધારો કે કોઈના મનમાં એવો ઉમળકો જાગે તો પણ તે ધબ્બો મારી શકતો નથી. કેમ? કેમ કે એના એક હાથમાં મોબાઈલ ફોન હોય છે ને બીજા હાથમાં સેલ્ફી-સ્ટીક.

દોસ્તારને ધબ્બો મારવા માટે હૃદય હકડેઠઠ ને હાથ ખાલીખમ હોય તે જરૂરી છે.


શ્રી કિરણ જોશીનો  kirranjoshi@gmail.com વીજાણુ સરનામે સંપર્ક થઈ શકે છે.

2 comments for “વ્યંગિસ્તાન – ધબ્બો : ઉભરાઇ જતા ઉમળકાની અભિવ્યક્તિ

 1. vimala Gohil
  May 8, 2019 at 4:48 am

  આ ધબ્બા પુરાણ સાથે ભૂતકાળમાં ખાધેલ ધબ્બા યાદ આવી ગયા.જેમાં કેટલાં શાબાશીના પણ હતાં તો કેટલાંક
  ભાંડરડાં સાથેની મરામારીના પણ હતાં.આજે પણ દૂર રહેલ વડિલો કે મિત્રોના”ઉભરાઇ જતા ઉમળકાની અભિવ્યક્તિ”
  જેવા ધબ્બા મળે છે ત્યારે આ “ધબ્બા પુરાણ મીઠું લાગ્યું.

 2. vimla hirpara
  May 8, 2019 at 11:45 pm

  કિરણભાઇ,દરેક જાતિ,ધર્મ,વય ને પ્રજામાં પરસ્પરને અભીવાદન કરવાની રીત અલગ હોય છે. જેમ કે આપણે હસ્તધુનન કરવાને બદલે નમસ્તે કહીએ છીએ. આરોગ્યની દ્રષ્ટિએ જંતુનો ફેલાવો ઓછોથાય. હસ્તઘુનનથી સામી વ્યકિતના મનમાં તમારા પ્રત્યે કેટલી ઉષ્મા કે લાગણી છે તે દેખાઇ આવે. દેશ દેશની રીત જુઓ તો જાપાન સૌથી વિવેકી લાગે. રણપ્રદેશમાં એકબીજા પર રેતી ઉડાડીને અભિવાદન કરાય. આપણે જયશ્રીકૃષ્ણ કે. રામ રામ કહીએ. પછી તો જેવો ઉમળકો. .કેવા સંબધો છે એ પ્રમાણે ભેટવાનું કે ચુંબન કરવાનું કે નવગજના નમસ્કાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *