ગઝલાવલોકન -૬ – ગઝલમાં ઉપમા/ રૂપક

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

ગુજરાતી ગઝલમાં મૃગજળ – ઝાંઝવાંની ઉપમાનો અતિરેક થઈ ગયો છે. ‘ઝાંઝવાનાં જળ ક્યાં ક્યાં ઝળક્યાં?’ – એની યાદી બનાવીએ તો દસ બાર પાનાં તો સહેજે ભરાઈ જાય. જાણેકે, ગુજરાતી કવિઓને બીજી કોઈ ઉપમા સૂઝતી જ નથી!

પણ છેક એમ નથી. બળૂકાં ગુજરાતી કવિઓ અને કવયિત્રીઓએ જાતજાતની અને ભાત ભાતની કલ્પનાઓ કરીને ગુજરાતી સાહિત્યને શણગાર્યું છે. એના પરથી મનમાં એવો વિચાર આવ્યો કે, ‘ઝાંઝવાં જ શા માટે? – વાદળની અભરાઈ પરથી ગોતી ગોતીને આવી અવનવી  ઉપમાઓ/ રૂપકો નું સ્નેહ સંમેલન રાખ્યું હોય તો?’

મજા આવી જાય! તો લો, આમ જડેલી, વીણેલી થોડીક ઉપમાઓ/ રૂપકો –

૧) કમલવત ગણીને બાલના ગાલ રાતા
રવિ નીજ કર તેની ઉપરે ફેરવે છે.

                                                       – કલાપી

૨) આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને

                                                              – મનોજ ખંડેરિયા

૩) મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શણગારો વીરા, શગને સંકોરો
અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

                                                                     – રાવજી પટેલ

૪) ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

                                                                               – રમેશ પારેખ

૫) કચકડાની ચૂડી રે! મારું કૂણું માખણ કાંડું રે! સહિયર શું કરીએ?

સપનાનું સાંબેલું લઈને, ઉજાગરાને ખાંડું રે! સહિયર શું કરીએ?

                                                                                     – વિનોદ જોશી

૬) ગઝલની ગુંજતી સરગમ, સરળ ભાષામાં કહી દઈએ.

મુલાયમ મૌનનું રેશમ, સરળ ભાષામાં કહી દઈએ.

                                                                                      – શોભિત દેસાઈ

૭) જાંબુડાનાઝાડ પર લટકતો,
લીલો લીલો મારો સુરજ ક્યાં છે?
ક્યાં છે મારા ખેતર, કુવાના ખુણામાં
કબુતરાની પાંખો પર સુતેલો
ભોળો ભોળો અંધકાર ક્યાં છે?

                                                                – જયંત પાઠક 

૮) અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર.
                                        …

અમે રે, સૂના ઘરનું જાળિયું, તમે તાતા તેજના અવતાર.
                                    ….

અમે રે ઊધઈખાધું ઈધણું, તમે ધગધગ ધૂણીના અંગાર.

                                                                        – મકરંદ દવે

૯) જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે.

                                                         – ‘શૂન્ય’ પાલનપુરી

૧૦) એક મયખાનું ચાલે છે આલમ મહીં 
  ચંદ્ર પણ જામ છે સૂર્ય પણ જામ છે.

                                                                  – ‘શૂન્ય’ પાલનપુરી

અને ‘ઝાંઝવાનાં જળ..’ પર પાછા આવીએ તો, એ કલ્પનાને શૂન્ય સાહેબે આમ પણ બહેલાવી છે!

સમજવો નથી સાર કૈં જિંદગીનો.
કે સમજીને સુખથી બસર કોણ કરશે?
છિપાવી ગયું પ્યાસ મૃગલું જો એની;
તો મૃગજળની સામે નજર કોણ કરશે?

ચાલો મિત્રો ! આવી અવનવી ઉપમાઓના  ખજાનાના શોધની મજા માણવા કમર કસો …. 


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

5 comments for “ગઝલાવલોકન -૬ – ગઝલમાં ઉપમા/ રૂપક

 1. Neetin D Vyas
  May 7, 2019 at 2:37 am

  સુરેશભાઈ, આ વાંચીને મજા પડી ગઈ. બીજા કાવ્યોમાં આવતી આવી સુંદર અવનવી ઉપમાઓ યાદકરીને ભેળો કરીયે.

 2. May 9, 2019 at 6:02 pm

  મહેતાબ સમ મધુરો, દિલકશ દિદાર તારો.
  – દારા પ્રિન્ટર

  • P. K. Davda
   May 9, 2019 at 7:43 pm

   ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે

   • May 10, 2019 at 1:30 am

    શેરનું આ બીજું પદ છે. પણ તેમાં ઉપમા નથી. આવા શેર શોધી કાઢો. મજા આવશે.

 3. May 11, 2019 at 10:54 am

  સોનાના હિંડોળા હો, કે હો મખમલના ગાદીતકિયા,
  પત્થરની આંખોને તે કંઇ નીંદર આવે?
  અરે જુઓ આ મખમલ જેવા બાળકને,
  પાષાણ પથારીમાંયે કેવાં
  જાતજાતનાં સપનાં આવે?
  ભલે પછી એ દોડ્યે રાખે,
  આખું જીવતર આ ખાંડાની ધારે ધારે.
  એવે ટાણે પુષ્પોના નાજુક સથવારે,
  આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે ?
  કૃષ્ણ દવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *