






લગ જા ગલે સે ફિર યે હસીં રાત હો ન હો
– ભગવાન થાવરાણી
પ્રેમનો પર્યાયવાચી શબ્દ છે ચિર ઇંતેજાર
ભેદ જે આ પામશે બસ એ પહાડી પામશે …
પસંદ – નાપસંદ તો છેવટે એક સાપેક્ષ વાત છે. તત્ત્વવેત્તાઓ એટલે જ કહે છે આપણે જેને માન્યતા કહીએ છીએ એ દરઅસલ આપણો પૂર્વગ્રહ હોય છે.
એક સંગીતપ્રેમીનું રાગ પહાડી વિષેનું એવું વિધાન વાંચ્યું કે પહાડી એક ‘ ચિત્તચોર ‘ રાગ છે. એ વિશેષણથી ખુશ થઈને એક સાચા સંગીતજ્ઞ મિત્રને કુતુહલવશ એના પ્રિય રાગો વિષે પૂછ્યું અને ઉત્કંઠ થઈને એ પહાડીનું નામ ક્યારે ઉચ્ચારે છે એની રાહ જોઈ. એમણે હા – ના કર્યા પછી શિવરંજિનીથી શરુઆત કરી હમીર સુધીના દસ રાગ કહ્યા પણ એમાં પહાડી ન આવ્યો તે ન જ આવ્યો ! ‘ પહાડી કેમ નહીં ‘ એ પૂછવું મને અનુચિત લાગ્યું. કદાચ પહાડી મારો પૂર્વગ્રહ હશે એમ વિચારીને મન મનાવ્યું અને પછી મનોમન ઉદ્દંડ થઈ જગતને અંગૂઠો બતાવ્યો કે એમ તો એમ અને દીપ્તિ મિશ્રનો શેર યાદ કર્યો :
वो नहीं मेरा मगर उससे मुहब्बत है – तो है
ये अगर रस्मों – रिवाजों से बग़ावत है – तो है ..
પૂર્વગ્રહો અન્ય ક્ષેત્રે પણ એટલા જ બળવતર અને જક્કી હોય છે. સૌ જાણે છે, ગાયક તરીકે મોહમદ રફી, મુકેશ, મન્ના ડે અને તલત મહેમૂદની શું હેસિયત છે. પણ જો કોઈ મને મારો પ્રિય ગાયક પૂછે તો પળના ય વિલંબ વિના હોઠે ધડ દઈને હેમંતકુમારનું નામ આવે ! સંગીતકારો વિષે પણ એવું જ. કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે તે નૌશાદ, શંકર જયકિશન, બર્મન, હેમંતકુમાર, સલિલ ચૌધરી, સી રામચંદ્ર, રોશન કે નૈયરની મહાનતાનો ઇનકાર કરે ! એ બધાય નિર્વિવાદપણે અપ્રતિમ અને પ્રાત:સ્મરણીય પણ મારા પ્રિય સંગીતકાર તરીકે હૈયે અને હોઠેથી એક જ નામ નીકળશે – મ દ ન મો હ ન ! કોઈ તર્ક નહીં, દલીલ નહીં કારણ કે એ રજૂ કરીશું તો ઉપર નામોલ્લેખ કર્યો એ કલાકારોના ચુસ્ત ભક્તો મરવા-મારવા પર ઊતરી આવશે અને એમની માન્યતા પણ ક્યાં ગેરવ્યાજબી છે ! છેવટે એ બધા પણ છે તો મારી ખૂબસુરત સાંગિતિક દુનિયાના બાશિંદા જ ને ! એમની પસંદગીને પણ શત-શત નમન ! એમને ગમે છે એ હસ્તીઓ પર સમરકંદ – બુખારા કુરબાન ! હૈ તો હૈ ..
તો આજે મદનમોહનના પહાડી ગીતો. ક્ષમા કરજો, ગીતો નહીં, ગીત. એમ તો ઘણા ઓછા પણ મદનમોહનના આજના ગીત ઉપરાંતનાં પહાડી ‘ ગીતો ‘ પણ છે જ જેમને આપણે હવે પછીના મણકાઓમાં ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું પણ આજે કેવળ એક જ ગીત અને શા માટે એક જ ગીત એ માટે ફરી એક આડ વાત.
વર્ષો પહેલાં એક અંતરંગ સંગીતપ્રેમી મિત્ર સાથે બેઠો હતો. એમણે વિડીયો પર મદનમોહન – રફી- રાજેન્દ્ર કૃષ્ણની કાલજયી રચના ‘ મુજે લે ચલો આજ ફિર ઉસ ગલી મેં, જહાં પહલે પહલે યે દિલ લડખડાયા ‘ ફિલ્મ : શરાબી દેવ આનંદ – મધુબાલા જોવા- સાંભળવાની પેશકશ કરી. કેવું ગીત, કેવી પસંદગી, કેવી ફરમાઈશ ! સીડી ચડાવીને એ ગીત માણ્યું, વારંવાર રિવાઈંડ કરીને તરબોળ થયા બન્ને (એ ગીત પહાડીમાં નહીં, મહદંશે ઝિંઝોટીમાં છે) અને પછી થોડાક વિરામ બાદ મેં એક અન્ય મહાન ગીત જોવા-સાંભળવાનો પ્રસ્તાવ મૂક્યો. મિત્રે વિનમ્રતાપૂર્વક ના પાડી. કારણ ? આવી અદ્ભૂત અલૌકિક રચના આકંઠ માણ્યા બાદ એના ઉપર કોઈ પડ નહીં, કોઈ અન્ય ચીજ નહીં, ભલે નિતાંત આ એક જ ગીતના કેફમાં કમસેકમ આજનો આખો દિવસ ઝૂમીએ ! સહી ફરમાયા, બજા ફરમાયા મેરે યાર !
આજના આ ગીતને આ વાત લાગુ પડે છે. એના પહેલાં, એની પછી, એની સાથે કશું નહીં !
મદનમોહનના પહાડી ગીતો વિષે વિચારીએ ત્યારે બીજી પણ એક રુપકડી તકલીફ પડે. એમના મોટા ભાગના ગીતો એટલા અઘરા, આંટીઘૂંટીવાળા હોય અને એ રચનાઓમાં એવી મુરકી, ખટકા, મીંડ અને હરકત આવતા હોય કે એ જે રાગ પર આધારિત હોય એની ઓળખ સ્હેજ આકરી પડે. એક અભિપ્રાય પ્રમાણે એ જન-સામાન્યના સંગીતકાર હતા જ નહીં. એમને મળેલી ખૂબ જ મર્યાદિત વ્યાવસાયિક સફળતા એ વાતની સાક્ષી પૂરે છે. એમની રચનાઓ સ્ટેજ પર પ્રસ્તૂત કરવામાં કોઈ પણ ગાયકને તનતોડ તૈયારી કરવી પડે, અન્યથા રચનાને ન્યાય ન મળે. કુદરતનો એ ન્યાય છે કે એમને એ સમયમાં લતા-રફી જેવા મહાન ગાયકો મળ્યા જેમણે એમની બંદિશોને દરેક રીતે ઊજળી કરી. આ ગાયકો અને કૈફી આઝમી, રાજેન્દ્ર કૃષ્ણ અને વિશેષ તો રાજામેંહદી અલી ખાન જેવા ઉમદા કવિઓને મદનમોહન કક્ષાના સ્વરકાર મળ્યા એ ખુશનસીબી પણ જેવી તેવી નથી.
બે’ક વર્ષ પહેલાં એક અત્યંત ઉમદા, અને માટે !, નિષ્ફળ નીવડેલી એક ફિલ્મ આવી હતી. હંસલ મહેતાની ‘ અલીગઢ ‘. સત્યઘટનાત્મક આ ફિલ્મમાં નાયક મનોજ વાજપેયી એક એકલવાયા, તરંગી અને સમલૈંગિક સંબંધો ધરાવતા પ્રોફેસરનું પાત્ર ભજવે છે. એ પોતાના અંગત જીવનમાં અન્ય કોઈનો હસ્તક્ષેપ પસંદ કરતો નથી. ફિલ્મના એક દ્રશ્યમાં અેને એકાંતમાં મદનમોહનના ગીત ‘ આપકી નઝરોં ને સમજા પ્યારકે કાબિલ મુઝે ‘ ગીતનો લુત્ફ ઉઠાવતો દર્શાવ્યો છે. આશરે સાડા ત્રણ મિનિટનો એ સમગ્ર પ્રસંગ અદ્ભુત છે અને એકલવાયા, એકલસુરા સંવેદનશીલ માણસ માટે મદનમોહન શું હતા એની ગવાહી પૂરી પાડે છે :
https://www.youtube.com/watch?v=0rvRMOeCWqk
આગળ વધીએ એ પહેલાં એમની આ દિવ્ય પહાડી બંદિશ (વોહ કૌન થી – ૧૯૬૪) ના રાજા મેંહદી અલી ખાન રચિત નખશિખ કાવ્યમય શબ્દો :
लग जा गले के फिर ये हँसी रात हो न हो
शायद फिर इस जनम में मुलाक़ात हो न होहमको मिलीं हैं आज ये घड़ियाँ नसीब से
जी भर के देख लीजिये हमको क़रीब से
फिर आपके नसीब में ये बात हो न हो ..पास आइये के हम नहीं आएँगे बार बार
बाँहें गले में डाल के हम रो लें ज़ार ज़ार
आँखों से फिर ये प्यार की बरसात हो न हो ..<>
કેટલાક ગીતો એવા હોય કે એ પૂરા થાય અને આપણને અરેરાટી થાય કે ગીત એટલામાં પુરુ થઈ ગયું ! હજી આગળ ચાલવું જોઈતું હતું. ( ફિલ્મ ‘ હમારી યાદ આએગી ‘ નું મુબારક બેગમે ગાયેલું શીર્ષક ગીત વિચારો. કેદાર શર્મા લિખિત આવી અદ્ભૂત કવિતામાં કેવળ એક જ અંતરો ! કેવી નાઇંસાફી ! )
‘ વોહ કૌન થી ‘ ના આ દૈવી ગીતના કેવળ બે જ અંતરા જોઈને એક ગુમનામ કવિને એવો જ વસવસો થયો અને એણે ગીતનો મૂળ ભાવ બરકરાર રાખીને લખવા ખાતર વધુ ત્રણ અંતરા લખ્યા જે આ લખનારને હાથ લાગ્યા. પ્રસ્તૂત છે :
माना कभी मिलेंगे यहीं इस मक़ाम पर
ये गीत गुनगुनाएँगे माज़ी के नाम पर
लेकिन दिलों में दर्द की सौग़ात हो न हो ..चल दें यहाँ से दूर – दूर ठुकराके दो जहाँ
कहते हैं के बिछड़ के रूहें मिलतीं हैं वहाँ
साँसों का फिर सुहाना ये साथ हो न हो ..भीगी-सी रात भीगा समा भीगता ज़हन
लमहों की आँच लेके पिघलते हुए बदन
शानों पे मोतियों की ये ख़ैरात हो न होशायद फिर इस जनम में मुलाक़ात हो न हो …
મદનમોહને પહાડી સાથે નાતો તો જોડ્યો હતો એમની પહેલી જ ફિલ્મ ‘ આંખેં ‘ થી. ફિલ્મમાં મીના કપૂર ( શ્રીમતી અનિલ બિશ્વાસ )નું ગાયેલું એક સુંદર અને પ્રમાણમાં સરળ ગીત ‘ મોરી અટરિયા પે કાગા બોલે ‘ પહાડીમાં હતું. મજાની વાત એ કે આ ‘ આંખેં ‘ મા એક ગીત મદનમોહને રાજ ખોસલા પાસે પણ ગવડાવ્યું (રેલ મેં જીયા મોરા) જે ફિલ્મી દુનિયામાં ગાયક તરીકે નસીબ અજમાવવા આવ્યા અને બની ગયા સફળ દિગ્દર્શક ! ( જાના થા જાપાન પહોંચ ગએ ચીન સમજ ગએ ના ). રાજ ખોસલાએ સંગીતકાર એન દત્તા સાથે ‘ મિલાપ ‘ થી દિગ્દર્શનની શરુઆત કર્યા બાદ ઓ.પી.નૈયર અને બર્મન દાદા સાથે સફળ ફિલ્મો આપી. પછી મદનમોહને હાથ પકડ્યો હતો એ ઋણ અચાનક યાદ આવ્યું અને એમની સાથે ‘ વોહ કૌન થી ‘ બનાવી ૧૯૬૪ માં. (એ પછી પણ ‘ મેરા સાંસા ‘ ૧૯૬૬ અને ‘ ચિરાગ ‘ ૧૯૬૯ એમની સાથે કરી) ફિલ્મમાં ગીતો તો હતા માત્ર છ પણ એમાના પાંચ દરેક રીતે બેમિસાલ હતા અને એમાં શિરમોર એવું આજનું આ ગીત. આ ઉપરાંત લતાના બે ગીત ( નૈના બરસે રિમઝીમ રિમઝીમ અને જો હમને દાસ્તાં અપની સુનાઈ), આશાનું ઉત્તમ પણ ઉવેખાયેલું ‘ શોખ નઝર કી બિજલીયાં દિલ પે મેરે ગિરાએ જા ‘ અને લતા – મહેન્દ્ર કપૂરનું હેલનની દિલકશ અદાઓથી ઓપતું ‘ છોડકર તેરે પ્યાર કા દામન ‘. યોગાનુયોગ, લતાના ત્રણેય ગીતોમાં રડવાની, આંખ ભીંજાવાની વાત કરી છે રાજા મેંહદી અલી ખાન સાહેબે.
મદનમોહનનું જ નહીં, લતાનું જ નહીં, પહાડીનું જ નહીં, ફિલ્મ સંગીતના સર્વકાલીન દૈવી રત્નોમાંનું આ ગીત એક બેશકીમતી આભૂષણ છે.
‘ વોહ કૌન થી ‘ ફિલ્મની વાર્તા અમેરિકન લેખક વિલ્કી કોલીન્સની ઓગણીસમી શતાબ્દીમાં લખાયેલી નવલકથા WOMAN IN WHITE થી ‘ પ્રેરિત ‘ છે. ફિલ્મ એ જમાનામાં ‘ કેવળ પુખ્ત વયના માટે ‘ નું સેંસર સર્ટિફિકેટ પામી હતી એ આજે જોઈએ તો વિશ્વાસ જ ન બેસે ! ‘ એક નારી દો રૂપ ‘ પ્રકારનું કથાવસ્તૂ ધરાવતી ફિલ્મ નાયિકાપ્રધાન છે, રાજ ખોસલાની લગભગ બધી જ ફિલ્મોની જેમ. કુશળ નિર્દેશક તો એ હતા જ, ગીતોના બેહતરીન ફિલ્માંકનકાર તરીકે પણ એમનું નામ માનભેર વિજય આનંદ અને રાજકપૂર સાથે લેવું પડે. ( સી આઈ ડી, કાલા પાની, બંબઈ કા બાબુ, એક મુસાફિર એક હસીના, મેરા સાયાના ગીતોની કમાલ યાદ કરો ! )
ફિલ્મ એક રહસ્યકથા છે. ડોક્ટર મનોજકુમારને શ્વેતવસ્ત્રધારિણી સાધનાનો ભેટો બે અલગ-અલગ પ્રસંગે અડધી રાત્રે થાય છે અને એમાં બીજી વાર તો મૃતદેહ રૂપે. બિલકુલ એ જ ચહેરો અને રૂપ ધરાવતી સ્ત્રી જ્યારે એની પરિણીતા સ્વરૂપે એના જીવનમાં આવે છે ત્યારે, પોતે સુશિક્ષિત અને ડોક્ટર હોવા છતાં ચિત્ર-વિચિત્ર શંકાઓ-કુશંકાઓ એને ઘેરી વળે છે. સાધના પોતાની નિર્દોષતા સાબિત કરવા દરેક પ્રયત્નો કરે છે પણ દીઠાને અણદીઠું શેં કરી શકાય ?
એક દિવસ સાધના ડો મનોજની હોસ્પીટલે જઈ ચડે છે અને એને આગ્રહ કરીને એક એકાંત નિર્જન સ્થળે લઈ જાય છે અને આજીજીપૂર્વક પૂછે છે એના તરફના અણગમા અને ધિક્કારનું કારણ. મનોજ પહેલી વાર પીગળે છે અને ખુલ્લા દિલે પોતાના દિલની વિમાસણ પત્નીને કહે છે. એના અવાજ અને લહેજામાં પહેલી વાર ભીનાશ અને હમદર્દીનો રણકો સંભળાય છે.
લતાના કંઠે મુખડું હળવેકથી ઉપડે છે. સાધનાનું રૂપ માદક, નિમંત્રક છે. શરુઆત કોઈ તાલ વિના અને મુખડાના થોડાક શબ્દો અધ્યાહાર ગુનગુનાહટમાં રાખીને થાય છે. તંતુવાદ્યની દિલકશ ઝંકાર સાથે ફરી મુખડું, પણ હવે નેપથ્યે ગિટારના તારોના સથવારે. ઘટાદાર વૃક્ષના છાંયે આડી પડેલી સૌંદર્યમૂર્તિ અને બાજુમાં દ્વિધા-રત્ત મનથી પત્નીની દેહયષ્ટિને નિહાળતો મનોજ.
સાધના ઊઠીને પાછલા પગે દૂર ખસે છે અને એની આંખોમાં નીતરતી પ્યાસ વધુ નક્કર બનીને ઝલકે છે. મનોજનો મૂંઝારો યથાવત્ છે. ‘ હે હે ‘ થી પૂરો થતો મુખડો શબ્દોના કવિતાતત્વમાં જાન રેડે છે. સમૂહ વાયલીન અને મેંડોલીનની જુગલબંધી અને પતિ ભણી તીરછી નજરે જોઈ આઘી ખસતી પત્નીની નિમંત્રણ આપતી નજરો. સમૂહ વાયલીન તીવ્ર સુરે શરુ થઈ ક્રમશ: મંદ પડી સુરોનું સુકાન ફરી લતાને સોંપે છે.
પ્રથમ અંતરાના શબ્દો નાયકને આવાહન કરે છે. સમૂહ વાયલીનના ટૂંકા સુરીલા હસ્તક્ષેપ બાદ ફરી પુનરાવર્તિત થાય છે અંતરાની પ્રથમ પંક્તિ. અંતરાની બીજી પંક્તિ ગાતી વખતે લતા અનોખી હરકત દ્વારા શબ્દોમાં ચોથું પરિમાણ ઉમેરે છે. ‘ જી ભર કે દેખ લીજિયે હમકો કરીબ સે ‘ માં ‘ લિ…જીયે ‘ નો ‘ લિ ‘ જે રીતે પ્રલંબાય છે એ જિગરમાં એક ટીસ ઉત્પન્ન કરે છે. લતા સિવાય કોઈની મગદૂર નથી, એક જ શબ્દના એક જ અક્ષરના ઉચ્ચારણ દ્વારા આવો ભાવ જગાડવાની અને આપણે સ્વયંભૂ એક સજદો મદનમોહન-લતાના કમાલને કરી બેસીએ છીએ ! વાયલીનના ટચુકડા અંતરાલ બાદ લતા અને સાધના ‘ હો ન હો ‘ પર પરત ફરે છે. મુખડો દોહરાવતાં નાયિકા ફરી એ જ દિલકશ અંદાઝમાં મોં ફેરવીને જૂએ છે અને આપણને ‘ મરીઝ’ નો શેર યાદ આવી જાય :
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર
મિલનમાંથી નથી મળતા મુહોબતના પુરાવાઓ …
હવે નાયક પણ જૂએ છે નાયિકા તરફ. નાયિકા થોડીક વાર એને વિસ્ફારિત નેત્રે નિહાળી આંખો મીંચી દે છે, જાણે શાશ્વતપણે એને નજરોના ઝરૂખામાં કેદ કરી લીધો હોય તેમ.
ફરી એ જ વાધ્યવિન્યાસ અને બીજા મુખડામાં ક્ષણની ચિરંતનતાની વાત. આ વાત દરેક વિચારવંત કવિ અલગ -અલગ કવિતામાં અલગ – અલગ સંદર્ભે કરી ચુક્યા છે. અહીં રાજા સાહેબ એ વાત ‘ પાસ આઈયે કે હમ નહીં આએંગે બાર બાર ‘ દ્રારા કરે છે તો સાહિર એ વાત ‘ જો ભી હૈ બસ યહી એક પલ હૈ ‘ દ્વારા કહે છે તો શૈલેન્દ્ર એ સંદેશ ‘ ન છેડો કલ કે અફસાને કરો ઇસ રાતકી બાતેં ‘ માં કહે છે અને ફૈયાઝ હાશમી બિલકુલ આ જ વાત પોતાની નઝ્મ ‘ આજ જાને કી ઝિદ ના કરો, યું હી પહલુ મેં બૈઠે રહો ‘ માં ફરીદા ખાનમ દ્વારા કહેવડાવે છે. ‘ નામ રૂપ ઝૂઝવા અંત હેમનું હેમ ‘ !
માત્ર બે જ અંતરાનું ગીત પુરુ થાય છે. પતિ-પત્ની વચ્ચેની તિરાડ આ પ્રેમાળ અલ્પવિરામ બાદ ફરી પહોળી થાય છે અને રહસ્યના આટાપાટા અને વિચિત્ર વળાંકો બાદ રહસ્યોદ્ઘાટન અને સુખદ મિલનથી ફિલ્મ સમાપ્ત થાય છે.
પરંતુ આ અમર ગીત ?
એક વિચાર આવે છે. આ ગીત પરથી એક નૃત્ય – નાટિકા ( ballet ) બનવી જોઈએ. આ જ ગીતના શબ્દો અને તાલ પર. ૫૦ અને ૬૦ ના દશકના ગીતો અને વિશેષ કરીને મદન મોહન અને લતાને ( ‘ અલીગઢ’ ના પ્રોફેસરની જેમ ) ચાહતા યુગલોએ શ્વેત વસ્ત્રો પરિધાન કરી આ ગીતની ધુન અને તાલ પર ઉન્મત્ત બની નાચવું જોઈએ ‘ શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ન હો ‘ સામૂહિક રીતે ગાતાં – ગાતાં અને એ સ્મરતાં-સ્મરતાં અને સાથે આંસુ સારતાં – સારતાં કે આ ક્ષણો તો નસીબજોગે ફરી આવે પણ ખરી પરંતુ આવું ગીત, આવી તરજ, આવો અવાજ અને આવી કવિતા અને એ બધાનું આવું સુભગ સંયોજન તો ફરી નહીં જ આવે !
તમે આ નૃત્ય-નાટિકામાં જોડાશો ?
ચાલો ત્યારે. આવતા હપ્તે બર્મન દાદા અને પહાડીના સથવારે મળીએ.
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
I liked hole narration described in above Article.
Pl send such articles directly to my mail
Thanks.Regard
ખૂબ સરસ.. ગીતોની સમીક્ષા વાંચીને અનહદ આનંદ થાય છે.
આભાર નાથાલાલભાઈ !
મારા પણ અત્યન્ત પ્રિય ગીત વિશે આટલા ઊંડાણ માં પહેલી વાર વિચારી શક્યો …સુંદર માહિતીપ્રદ વારંવાર વાંચવો ગમે , ખૂબ જ મહેનત થકી રચાયેલો આ શિરમોર ગીત, જેવો જ અદભુત લેખ !!! ખૂબ અભિનંદન
Thanks sir !
આ ગીત તો એક કવિતાજ છે. અને તે દિલ ના અંદર ના છેડા સુધી સ્પર્શે છે.મારા માટે તો એક મૂંઝવણ થઇ ગઈ કે આ અસર પહાડી ને કારણે છે કે લતા જી ના અદભુત કંઠ ના કારણે છે ? ભલે જવાબ ન મળે પણ સવાલ ની અસર અહ્લાદક છે તે નિસંદેહ .
આભાર પહાડી,આભાર લતાજી અને આભાર ભગવાનભાઈ !
આભારી છું સમીરવર્ય !
આ ગીતના શ્રેષ્ઠ શબ્દો મને તો..
બાહેં ગલેમે ડાલ કે હમ રો લેં ઝાર ઝાર…
લાગે છે..આ ગીત સર્વાંગસુંદર છે.અને જઝબાતની પરાકાષ્ટા સમું છે..
મદનમોહનના અન્ય હ્ર્દયવિદારક ગીત મુજે લે ચલો..નો ઉલ્લેખ વાંચી ઉદાસ થઈ ગયો કારણ કે મારા કેન્સરમાં મૃત્યુ પામેલ નાના ભાઈ કમલનું એ પ્રિય ગીત હતું.અમે જેટલી વાર મળતા એટલી વાર તે મારી પાસે એ જ ગીત ગવડાવતો..
ધન્યવાદ સુનિલભાઈ !
મને ખબર છે, તમારી અને મારી પસંદગી લગભગ સમાંતર છે..
Very Good , Excellent , Beyond comments , Thank you very much.
Thanks bhagubhai !
Very fine heart touching. In other words. Ati hai geb se ye mazami khayal me. Galib sharir e khana nava e sarosh he
Thanks virendrabhai for your kind words !
Excellent ! This type of article can only be written by heart .
Thanks Maharshi !
મારા પણ અત્યંત પ્રિય ગીત વિશે આટલા ઊંડાણ માં પહેલી વાર વિચારી શક્યો …સુંદર માહિતીપ્રદ વારંવાર વાંચવો ગમે , ખૂબ જ મહેનત થકી રચાયેલો આ શિરમોર ગીત, જેવો જ અદ્દભૂત લેખ !!! ખૂબ અભિનંદન ?
મધુર લખાણ….. પ્રિય મિત્ર
ધન્યવાદ બાનુ !
કેટલાક ગીતો એવા હોય કે એ પૂરા થાય અને આપણને અરેરાટી થાય કે ગીત એટલામાં પુરુ થઈ ગયું !
Yes, We do feel , when we listen songs like this. This songs also is very special to many non-filmy classical singers , who have beautifully sung this song in their own way. Very informative Article. Thanks.
Thanks a lot Maheshbhai !
રાજા મહેંદીઅલી ખાનની કવિતાને મદન મોહન નું સંગીત અને લતાનો દિવ્ય કંઠ ન મળ્યા હોત તો ગુમનામીમાં જ રહેત. મારા માટે તો આ મદન મોહનની શ્રેષ્ઠ રચનાઓમાની એક અમર રચના છે. પહાડી ને આનાથી વધુ મધુર અને દિલકશ તો કેવી રીતે બનાવી જ શકાય?
આ ફિલ્મ પછી બે વર્ષે આવેલી “મેરા સાયા” ને એક અવલોકન માં “વો કૌન થી કા સાયા” તરીકે વર્ણવી હતી.
ખૂબ ખૂબ આભાર નરેશભાઈ !
મને પણ ‘ મેરા સાયા ‘ વિશે આવું કઈંક વાંચ્યું હોવાનું યાદ આવે છે. ‘ ફિર વૉહી દિલ લાયા હું ‘ વિષે પણ કોઈક વિવેચકે લખ્યું હતું ‘ ફિર વૉહી દિલ દેકે દેખો લાયા હું ‘ !
ખુબજ સુંદર ગીત અને માહિતી સભર લેખ સંગીત નો કક્કો ન જાણતા મારી જેવા માટે અત્યાર સુધી માત્ર ગીત ના શબ્દો અને તેના સંગીત નુ આકર્ષણ હતું. પણ આપના પહાડી રાગ પર ના લેખ વાંચવા ની અને ગીતો સાંભળવા ની ખુબ જ મજા આવે છે. આભાર થાવરાણી સર.
ખૂબ – ખૂબ આભાર બહેન !