ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૩૧: “ખૂબ લડી મર્દાની વોહ તો…”(૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

સાતમી માર્ચ ૧૮૫૪ના રોજ કંપની સરકારે જાહેરનામું બહાર પાડીને ઝાંસીને ખાલસા કરી લીધું. મૅજર ઍલિસ રાણી લક્ષ્મીબાઈને આ સમાચાર આપવા ગયો. રાણીએ પરદા પાછળથી આ સાંભળ્યું. એને આઘાત લાગ્યો. કળ વળતાં એણે શાંત પણ ઊંચા સ્વરે કહ્યું, “મેરી ઝાંસી નહીં દૂંગી” (જો કે એલિસના રિપોર્ટમાં “મેરા ઝાંસી દેંગા નહીં” એવું છે, પણ એ એલિસની હિન્દી હોય, રાણીની નહીં).

ભારતના ઇતિહાસમાં રાણી લક્ષ્મીબાઈનું નામ અજરઅમર છે. એની વીરતા દંતકથાઓનો વિષય છે અને એને પરાજિત કરવા માટે દાંત કચકચાવીને પાછળ પડેલા અંગ્રેજ લશ્કરી કમાંડર હ્યૂ રોઝની કલમેથી પણ રાણીની પ્રશંસા નીકળી છે.

૦૦૦

૧૮૧૭માં પેશવાઈ નબળી પડી ચૂકી હતી. કંપની સરકારે પૂનામાં બાજીરાવ બીજા સાથે સંધિ કરીને એને આઠ લાખનું સાલિયાણું બાંધી આપ્યું અને કાનપુર પાસે બિઠુરમાં મોકલી દીધો. નાનાસાહેબ અને એના નાના ભાઈ રાવસાહેબને બાજીરાવ બીજાએ દત્તક લીધા હતા (આપણે પહેલાં વાંચી ગયા છીએ). બાજીરાવનો ભાઈ ચિમાજી કાશી ચાલ્યો ગયો. એ પોતાની સાથે મોરોપંત તાંબે નામના એક બ્રાહ્મણને પણ લઈ ગયો.

એ વખતે બાજીરાવનો એક તાબેદાર શિવરાવ ભાઉ ઝાંસીનો સૂબેદાર હતો. તે સિવાય બુંદેલખંડ પ્રદેશ ખાસ કરીને, ઝાંસીની આસપાસની બધી જાગીરો કંપનીના હાથમાં હતી. આથી ઝાંસીને હાથમાં રાખવાની જરૂર હતી. એટલે ૧૮૩૨માં કંપનીએ શિવરાવ ભાઉના સગીર વયના પૌત્ર, (સૌથી મોટા પુત્ર કૃષ્ણરાવના પુત્ર) સૂબેદાર રામચંદ્ર રાવ સાથે બીજી સંધિ કરી. હવે ઝાંસી પેશવાની જગ્યાએ કંપનીને અધીન હતું. તે પછી ૧૮૩૨માં ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંકે રામચંદ્ર રાવને રાજાની પદવી આપી. એ સગીર વયનો હતો ત્યાં સુધી તો એની માતા સખુબાઈએ રાજકાજ સંભાળ્યું પણ રામચંદ્ર રાવ હવે ઉંમરવાન બની ગયો હતો અને તેમાં એને રાજાની પદવી પણ મળી એટલે બધી સત્તા પોતાના હાથમાં લઈ લીધી. એણે પોતાના રાજ્યાભિષેકમાં જ ઝાંસીનો રાજ-ખજાનો લગભગ ખાલી કરી નાખ્યો. સખુબાઈને ખજાના કરતાં હવે પોતાની સત્તા ન રહેવાનું બહુ દુઃખ હતું.

એ બહુ કઠોર સ્ત્રી હતી. એણે પોતાના જ પુત્રને મારી નાખવાનું કાવતરું ઘડ્યું.રામચંદ્ર રાવને તરવાનો બહુ શોખ હતો એટલે સખુબાઈએ તળાવમાં ભાલા ખોડાવી દીધા, પરંતુ રામચંદ્ર રાવ એના બે મિત્રોની મદદથી બચી ગયો. તે પછી એણે પોતાના બે કાકાઓ રઘુનાથ રાવ અને ગંગાધર રાવની સલાહથી માતા સખુબાઈને કેદમાં નાખી દીધી. જો કે, એને પછી છોડી મૂકવામાં આવી હતી.

રામચંદ્ર રાવ જુવાનીમાં જ નિઃસંતાન મૃત્યુ પામ્યો. તે પછી એના કાકા રઘુનાથ રાવના હાથમાં સત્તા આવી. પરંતુ એય વારસ મૂક્યા વિના જ મૃત્યુ પામ્યો. એની અંતિમ ક્રિયા પૂરી થાય તે પહેલાં જ સખુબાઈએ કિલ્લાનો કબજો લઈ લીધો અને તોપચીઓ ગોઠવી દીધા. સખુબાઈને કેદ કરવાનો નિર્ણય લેનારામાં ગંગાધર રાવ પણ હતો. એટલે એ ભાગ્યો અને કાનપુરમાં અંગ્રેજોનું શરણું માગ્યું.

કંપનીના પોલીટિકલ રેસીડેંટ ફ્રેઝરે વચ્ચે પડીને ઝઘડાનો નિકાલ કર્યો, પરિણામે સખુબાઈને કિલ્લામાંથી ભાગવું પડ્યું અને ગંગાધરરાવને સૂબેદારી મળી. એને સૂબેદારમાંથી બઢતી આપીને રાજાની પદવી આપતાં પહેલાં જ કંપની સરકારે એની સાથે સંધિ કરી લીધી હતી કે એણે ઝાંસીના રક્ષણ માટે રાજ્યના ખર્ચે થોડી અંગ્રેજ સેના રાખવી પડશે. આના ખર્ચ પેટે ગંગાધરરાવે કંપનીને એક આખો જિલ્લો સોંપી દીધો.

તે પછી મોરોપંત તાંબેની ૧૪ વર્ષની પુત્રી મણિકર્ણિકા અથવા મનુ સાથે ૪૦ વર્ષના ગંગાધર રાવનાં લગ્ન થયાં. સાસરામાં એનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. એમને એક સંતાન થયું પણ એનું ત્રણ મહિનાની વયે જ મૃત્યુ થઈ ગયું. આના આઘાતમાં ગંગાધર રાવની તબીયત લથડી ગઈ. મરતાં પહેલાં એણે એક બાળકને દત્તક લીધો અને એનું નામ દામોદર રાવ રાખ્યું. બીજા જ દિવસે ૧૮૫૨ની ૨૧મી નવેમ્બરે ગંગાધર રાવનું મૃત્યુ થઈ ગયું.

આ બાજુ રાણી અને રાજ્યની જનતાની નજરે હવે દત્તક પુત્ર ગાદીપતિ હતો અને રાણી એના વતી કારભાર સંભાળે તે સામાન્ય હતું પણ અંગ્રેજ રેસીડેંટોએ ગંગાધર રાવ સાથે થયેલી સમજૂતીનો હવાલો આપીને કંપનીને રિપોર્ટ મોકલ્યો કે રાજાને કંપની સરકારની પરવાનગી વિના દત્તક લેવાનો અધિકાર નહોતો. એટલે રાણીને સાલિયાણું બાંધી આપીને રાજ્યનો વહીવટ સંભાળી લેવો જોઈએ. પણ ગવર્નર જનરલ ડલહૌઝીએ લખ્યું કે ઝાંસી આશ્રિત રાજ્ય હતું, એનો કોઈ પરંપરાગત રાજા નહોતો એટલે દત્તકને સોંપવાનો સવાલ જ નહોતો. વળી “ઝાંસીની પ્રજાના કલ્યાણ માટે” કારભાર સંભાળી લેવાથી આખો બુંદેલખંડ એક નેજા નીચે આવી જશે.

ડલહૌઝીએ કહ્યું કે રાજાને હિન્દુ વિધિ પ્રમાણે દત્તક લેવાનો અધિકાર તો છે, પણ રાજકારભાર એમાં ન ગણાય. એટલે ગંગાધર રાવની અંગત માલમિલકતનો એ માલિક બની શકે પણ એને રાજા માનવા કંપની બંધાયેલી નહોતી. જો કે આ ખોટી દલીલ હતી કારણ કે રામચંદ્ર રાવ સથેની સંધિમાં કંપનીએ ઝાંસીનું રાજ્ય યાવચ્ચંદ્રદિવાકરૌ રામચંદ્ર રાવના વારસો કે અનુગામીઓને આપી દીધું હતું. ગંગાધર રાવે મરતાં પહેલાં કંપનીને પત્ર લખીને દત્તક લેવાની જાણ કરવાની સાથે આ સંધિ હેઠળ પોતાના અધિકારની યાદ પણ અપાવી હતી. એણે લખ્યું હતું કે દામોદર રાવ પુખ્ત ઉંમરે પહોંચે ત્યાં સુધી રાણી લક્ષ્મીબાઈ એના વાલી તરીકે કારભાર સંભાળશે અને એને રક્ષણ આપવાની કંપનીની ફરજ છે.

ડલહૌઝીએ ગંગાધર રાવની અંગત સંપત્તિ પણ રાણીના હાથમાં સોંપવાનો ઇનકાર કર્યો અને રાજની તિજોરીમાંથી દામોદર રાવના ભાગે આવતા છ લાખ રૂપિયા પુખ્ત ઉંમરે પહોંચે ત્યાં સુધી કંપનીમાં સુરક્ષિત રાખવાના નામે કાઢી લીધા. કંપનીએ કિલ્લાનો કબજો લઈ લીધો અને લક્ષ્મીબાઈને શહેરમાં આવેલા મહેલમાં રહેવા જવું પડ્યું.

રાણી બહારથી તો શાંત રહી પણ અંદરખાને એ ધુંધવાતી હતી. છેક ૧૮૫૭ના જૂન સુધી એ દેશમાં લાગેલી બળવાની આગથી દૂર રહી.. ૧૮૫૬માં અવધમાં વાજિદ અલી શાહને કંપની બહાદુરે પદભ્રષ્ટ કરીને રાજકાજ પોતાના હાથમાં લઈ લીધું હતું. ૧૮૫૭ના મે મહિનામાં મેરઠ સળગી ઊઠ્યું હતું અને વિદ્રોહી સિપાઈઓએ દિલ્હી આવીને બહાદુરશાહ ઝફરને શહેનશાહ-એ-હિન્દ જાહેર કરી દીધો હતો. પરંતુ રાણી હજી બળથી નહીં પણ કળથી કામ લેવા માગતી હતી. ઝાંસી તો એના હાથમાંથી નીકળી જ ગયું હતું. હવે એ માત્ર લોકોના મન પર રાજ કરતી હતી. રાજ અંગ્રેજોના હાથમાં ચાલ્યું ગયું તે પ્રજાને પણ ગમ્યું નહોતું અને રાણી પ્રત્યે લોકોનો આદરભાવ એટલો હતો કે લોકો જાન ન્યોછાવર કરવા પણ તૈયાર હતા અને રાણીને આ ખબર હતી, આજથી દોઢસો વર્ષના જમાનાને જોતાં એ અનોખી સ્ત્રી હતી. ઘોડેસવારી, મલ્લકુસ્તી જેવા મર્દોના મનાતા ખેલ એ બાળપણમાં નાનાસાહેબની સાથે બરાબરી કરીને શીખી હતી. સ્ત્રીઓ માટે સ્વાભાવિક મનાતી કોમળતા અને સંગીતનૃત્ય પ્રત્યેનો અનુરાગ એનામાં નહોતો એટલે ઝાંસી રાજ્યની સ્ત્રીઓમાં એનું ખાસ આકર્ષણ હતું.

એણે પહેલાં તો પોતાનો હક મેળવવા માટે કંપની સાથે પત્રવ્યવહાર કર્યો, એમાં પોતે વિદ્રોહીઓની વિરુદ્ધ હોવાનું પણ દેખાડ્યું.

ગંગાધર રાવને અંગ્રેજો પર વિશ્વાસ નહોતો એટલે મૃત્યુથી એક દિવસ પહેલાં દત્તક લેવાનો વિધિ એલિસની હાજરીમાં કર્યો, એટલું જ નહીં, એને એક ખરીતો (પત્ર) આપીને એ પણ યાદ અપાવ્યું કે રામચંદ્ર રાવ સાથેની સંધિમાં ‘યાવચ્ચંદ્રદિવાકરૌ’ છે એટલે એમને પણ દત્તક પુત્રને રાજગાદી વારસામાં સોંપવાનો અધિકાર છે.

પતિના મૃત્યુ પછી, ૧૪મી ફેબ્રુઆરી ૧૮૫૪ના રોજ વિધવા લક્ષ્મીબાઈએ ડલહૌઝીને પત્ર લખીને આ વાતનો પુનરુચ્ચાર કર્યો અને શિવરાવ ભાઉ સાથેની સમજૂતીની ભાષા અંગે વધારે સ્પષ્ટતા કરી. રાણીએ લખ્યું કે સમજૂતીમાં ‘વારિસન’ અને ‘જાનશીનિન’ એ બે શબ્દોના અર્થ એક જ નથી. વારિસ્ન શબ્દ પોતાના પ્રાકૃતિક ઉત્તરાધિકારીઓ માટે વપરાયેલો છે અને જાનશીનિન શબ્દ પોતાના ન હોય તેવા, દત્તક લીધેલા પુત્ર કે ગાદીને લાયક અન્ય વ્યક્તિ માટે વપરાયેલો છે; આ બન્ને પ્રકારના વારસોને કંપનીએ પહેલાં જ મંજૂરી આપેલી છે અને તે રીતે દામોદર રાવનો અધિકાર માન્ય રાખવો જોઈએ.

૫ જૂન ૧૮૫૭

આ પત્રોની કંઈ અસર નહોતી તે રાણીએ જોઈ લીધું હતું પણ એણે ૧૮૫૭ની પાંચમી જૂન સુધી શાંતિ રાખી. એ દિવસે ઝાંસીમાં વિદ્રોહ શરૂ થઈ ગયો. કંપનીના એજન્ટે આનો રિપોર્ટ આપ્યો છે તે જોઈએઃ

“ઓચિંતા જ ૫0-૬૦ સિપાઈઓએ શસ્ત્રાગાર અને સરકારી તિજોરી પર કબજો કરી લીધો અને કૅપ્ટન સ્કીનના બંગલા તરફ ગોળીબાર શરૂ કરી દીધો. આથી સ્કીન પોતાની પત્ની અને બાળકો સાથે શહેર તરફ ગયો. ત્યાં બચાવની વ્યવસ્થા કરીને એ કિલ્લા તરફ ગયો. કેપ્ટન ગૉર્ડન પણ એની સાથે હતો. એમણે થોડા સૈનિકોની મદદથી બચાવનો પ્રયત્ન કર્યો. રાણીએ પણ કિલ્લાના રક્ષણ માટે પોતાના માણસો મોકલ્યા.

બીજા દિવસે, છઠ્ઠી જૂને સિપાઈઓ અને ઘોડેસવારોએ એમના બધા અફસરોને મારી નાખ્યા અને એમના બંગલા બાળી નાખ્યા. પરંતુ કિલ્લાના દરવાજા ખોલી ન શક્યા. સાતમી તારીખે એમણે કિલ્લાની દીવાલ પર ચાર-પાંચ તોપગોળા પણ છોડ્યા, પણ નુકસાન ન થયું.

આઠમી જૂને એમણે ફરી કિલ્લા પર હુમલો કર્યો અને રાણીના દોઢસો સૈનિકોને પણ પોતાની સાથે ભેળવી દીધા. બપોરના ત્રણ વાગ્યા સુધી ઘમસાણ ચાલ્યું. એમાં કેટલાયે વિદ્રોહીઓ માર્યા ગયા. પરંતુ કૅપ્ટન ગૉર્ડનને એક ગોળી વાગી અને એ મરી ગયો. કૅપ્ટન સ્કીને પત્ની અને બાળકો સાથે ભાગી છૂટવાની કોશિશ કરી પણ વિદ્રોહીઓએ એમને ઝડપી લીધાં અને મોતને ઘાટે ઉતારી દીધાં. રાણી પોતાનો જાન માંડ બચાવી શકી પણ એની માલમત્તાને ભારે નુકસાન થયું.

૧૧મીની રાતે વિદ્રોહીઓ ચાલ્યા ગયા. આશા છે કે જહન્નમમાં જ ગયા હશે!”

તે પછી, એક અઠવાડિયે, ૧૨મી તારીખે રાણીએ સાગર જિલ્લાના કમિશનરને પત્ર લખ્યો. તેમાં એ પોતે બળવાખોર સિપાઈઓ સામે કેવી લાચાર હતી તેનું વિવરણ આપે છે. એ કહે છે કે સિપાઈઓએ ક્રૂરતાથી યુરોપિયન સ્ત્રીઓ અને બાળકોને મારી નાખ્યાં પણ પોતે એમને બચાવી ન શકી કારણ કે એના પોતાના મહેલના રક્ષણ માટે માત્ર દોઢસો સિપાઈઓ હતા અને પોતે પણ બ્રિટિશ મદદની આશા રાખતી હતી. રાણી લખે છે કે બળવાખોરોએ એની પાસે પૈસા માગ્યા અને ન આપું તો મહેલ ઉડાવી દેવાની ધમકી આપી. એટલે ના છૂટકે એમને ધન આપવું પડ્યું. રાણી વધુમાં લખે છે કે કોઈ અંગ્રેજ અધિકારી હાજર નહોતો એટલે એણે પોતે જ વ્યવસ્થા સંભાળી લીધી અને બધાને ફરજ પર સાવધાન રહેવાનો હુકમ આપ્યો અને આ વાત એણે પહેલાં જ જણાવી દેવી જોઈતી હતી, પણ બળવાખોરોને કારણે એને તક જ ન મળી. હવે બળવાખોરો દિલ્હી તરફ ગયા છે.

આ પત્રનો અર્થ શો સમજવો? રાણી ખરેખર વિદ્રોહીઓની ફરિયાદ કરતી હતી કે એમની સાથે મળીને નિર્દોષ લાગે એવો રિપોર્ટ મોકલતી હતી?

વધુ આવતા અઠવાડિયે…

૦૦૦

સંદર્ભઃ

૧. Rani Lakshmibai of Jhansi, Shyam Narayan Sinha, Chugh Publications, Allahabad, 1980 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૨. झांसी की रानी (ऐतिहासिक उपन्यास) वृंदावन लाल वर्मा, मयूर प्रकाशन, झांसी/दिल्ली. छठ्ठा संस्करण,1956 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૩. झांसी की रानी लक्ष्मीबाई, दत्तात्रेय बलवंत पारसनीस (मराठी से हिंदी में अनुवाद) गांधी हिन्दी पुस्तक भंडार, साहित्य भवन जान्स्टनगंज, प्रयाग. दूसरा संस्करण,1925. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *