ફિર દેખો યારોં – મત આપી આવ્યા ? હવે સૂઈ ન જતા

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

સાધારણ સંવેદના ધરાવતા કોઈ પણ નાગરિકનું મગજ બહેર મારી જાય એવો માહોલ લોકસભાની વર્તમાન ચૂંટણીના માહોલ દરમિયાન જોવા મળ્યો. નિમ્ન કક્ષાના વ્યક્તિગત પ્રહારો, ઠાલાં અને પોકળ વચનો, દેશના ભાવિ અંગેના કોઈ નક્કર આયોજનનો અભાવ, કોઈ પણ રીતે મતદારોને વિભાજીત કરવાના મરણિયા પ્રયાસની સાથેસાથે જાહેર જીવનમાંથી શાલિનતા અને સભ્યતાનો થઈ ગયેલો સદંતર લોપ! આપણા દેશને સ્વાતંત્ર્ય મળ્યે સાત સાત દાયકા વીત્યા છે એમ લાગે જ નહીં. સમજદાર અને કંઈક ધોરણસરનું વિચારી શકતા મતદારોની સ્થિતિ મૂંઝવણદાયક બની રહી છે. યોગ્ય વિકલ્પનો અભાવ તેમને પજવે છે.

દેશના મુખ્ય પક્ષો દ્વારા પ્રકાશિત ચૂંટણીઢંઢેરો અને એ પક્ષના મુખ્ય ઉમેદવારોનું પ્રચાર દરમિયાન જોવા મળેલું વલણ ચિંતાપ્રેરક કરતાં હતાશાપ્રેરક વધુ છે. દેશના ભાવિ વિકાસના નક્કર આયોજનની તેમાં વાત નથી. તેને બદલે બાળકોને કેવળ ફોસલાવવા માટે અપાતાં આશ્વાસન જેવી ઘોષણાઓ વાંચીને રમૂજ અને ગુસ્સાની મિશ્ર લાગણી થાય એવું છે. એમ લાગે કે મતદારોને તેઓ સાવ અબુધ સમજતા હશે? મતદારોની કક્ષા તેઓ આટલી જ આંકે છે? કે પછી તેમની પોતાની કક્ષા આનાથી ઉપરની નથી? પોતે ચૂંટાઈને આવ્યા પછી રાષ્ટ્રની સમસ્યાઓના ઊકેલ માટે કયાં પગલાં લેશે એ અંગેની રૂપરેખા એકે પક્ષ પાસે નથી. શિક્ષણનું કથળેલું સ્તર, બેરોજગારી, પર્યાવરણ, અર્થવ્યવસ્થા સહિત અનેક નક્કર મુદ્દાઓ જાણે કે કોઈ પક્ષની અગ્રીમતામાં જ નથી. એકબીજાને ઊતારી પાડવાની શાબ્દિક સ્પર્ધા બિલકુલ શેરીમાં થતા ઝઘડાની કક્ષાની લાગે, જેમાં સામા પક્ષની અનેક પેઢીઓને ભાંડવામાં આવે. ભડકામણી કોમવાદી ટીપ્પણીઓ જ આ વખતના ચૂંટણીપ્રચારનો એક માત્ર પ્રકાર લાગે છે.

અલબત્ત, સૌથી ચિંતાજનક લક્ષણ પ્રગટ થયું હોય તો એ છે વિરોધી મતના અપમાનનું. મતભેદ કે વિરોધી મત લોકશાહીનો પ્રાણ છે. તે હંમેશા આવકાર્ય હોવો જોઈએ. તેને બદલે વિરોધી મતને રાષ્ટ્રદ્રોહી ઠેરવી દેવાનું વલણ કેવળ નેતાઓમાં જ નહીં, નાગરિકોમાં પણ વધતું જણાયું. પોતાના ટૂંકા ગાળાના લાભ માટે નાગરિકોની માનસિકતાને આ હદે પ્રદૂષિત કરવાનું લાંબા ગાળાનું પરિણામ લોકશાહી માટે ખતરારૂપ બની રહે છે.

આ ચૂંટણીમાં વધુ એક વાર અનુભવાયું કે ઈતિહાસનું સગવડિયું મૂલ્યાંકન હવે ચૂંટણીપ્રચારનું મુખ્ય હથિયાર બની ગયું છે. પસંદગીયુક્ત અને પોતાને ફાવતી વિગતો ગોઠવીને ઉપજાવી કાઢેલા ઈતિહાસબોધના જોરશોરયુક્ત બેશરમ પ્રચારથી ઘણા બધા લોકોને ગુમરાહ કરી શકાય એ સત્ય વધુ એક વાર રેખાંકિત થયું. રાષ્ટ્રવાદ, શહીદ, ત્રાસવાદ, ધર્મનિરપેક્ષતા, ઉદારમતવાદ સહિત ઘણા બધા શબ્દોની આ ચૂંટણીપ્રચાર દરમિયાન નવેસરથી અને અગાઉ ન થઈ હોય એવી વ્યાખ્યાઓ કરવામાં આવી. મતદારો જે માનતા હોય એ, પણ નેતાઓએ અપરિપકવતા દેખાડવામાં જરાય પાછીપાની કરી નથી એમ ચોક્કસ કહી શકાય. તટસ્થતા, ધર્મનિરપેક્ષતા, ઉદારમતવાદીપણું જેવા શબ્દો લગભગ ગાળની જેમ વપરાતા થાય ત્યારે લોકશાહીનાં મૂલ્યોને પાયામાંથી જે કાટ લાગતો જણાય એના માટે ‘ધોવાણ’ શબ્દ નાનો પડે.

વક્રતા એ છે કે કોઈ પણ પક્ષના ઉમેદવાર પાસે પોતાનો કહી શકાય એવો કોઈ મુદ્દો જ જોવા ન મળ્યો. વિરોધીની બુરાઈ કરવી અને તેની દલિલની સામે પ્રતિદલિલ કરવી એ જ કાર્યક્રમ મુખ્ય રહ્યો. ખેરાત કરતા હોય એમ નાગરિકોને અપાતી લૉલીપોપ સમાં વચનો આપવાની જાણે કે હોડમાં ઊતર્યા હોય એમ નેતાઓ વાણીવિલાસ કરે ત્યારે ઘડીભર એમ લાગે કે હવે આવાં વચનો પર પણ મનોરંજનવેરો લાગુ કરવો જોઈએ, કેમ કે, તેનાથી બીજું કશું થાય કે ન થાય, એક હદ સુધી મનોરંજન અવશ્ય મળે છે. આવા નેતાઓ પાસેથી કંઈક મળે એ ઉપલબ્ધિ ઓછી ન ગણાય!

મતદારોને વિકલ્પનો અભાવ નડે એ તેમની ઓછી કમનસીબી ન કહેવાય. પણ એવી કમનસીબી માટે પોતે કેટલે અંશે જવાબદાર છે એ વિચારવાની મતદારની ફરજ છે. આપણી લોકશાહીમાં ખરેખર તો મત કોઈની તરફેણમાં અપાવાને બદલે વિરોધમાં વધુ અપાય એમ ઘણી વાર લાગે. દરેક ચૂંટણીમાં મતદારોને થતી સામાન્ય મૂંઝવણ પૈકીની એક એ હોય છે કે પક્ષને મત આપવો યા ઉમેદવારને. આપણા દેશના સિત્તેરેક વરસના ઈતિહાસને જોતાં એક બોધ અંકે કરવા જેવો લાગે છે. અને તે એ કે એકના એક શાસકને પુનરાવર્તિત ન કરવો. એમ કરવાથી શાસકને એમ લાગવા માંડે છે કે પોતાનું શાસન અનંતકાળ સુધી રહેશે. એમ ન કરવાથી શાસન અસ્થિર બને એ સંભાવના ખરી, પણ મતદારો પરિપકવ બને તો એ સંભાવના ઘણે અંશે ઘટી શકે છે. કેન્‍દ્ર સરકારમાં જેમ એક પક્ષના આરંભાયેલાં કામોને તેના પછી આવેલી બીજા પક્ષની સરકારે આગળ વધાર્યાં એ સ્થિતિ દરેક વખતે સર્જાવી જોઈએ. મતદારોની ફરજ એટલી જ છે કે કોઈ પણ પક્ષના શાસકને તે એટલો અહેસાસ કરાવે કે આખરી સત્તા મતદારને હસ્તક હોય છે.

હજી ધર્મ, નાત, જાત, પ્રાંતવાદના આધારે મત માગવામાં આવે છે, એનો અર્થ એ કે નાગરિકોના મનમાં પણ આ વિભાજનો સ્પષ્ટ છે. તેઓ આ પરિબળોના આધારે જ મત આપે છે. નેતાઓની આવી સમજણ નાગરિકોના વલણથી જ ઘડાતી હોય છે. કહેવાતા ચાણક્યો મતોની સાથેસાથે રાષ્ટ્રનું પણ વિભાજન કરે છે.

નાગરિકો પુખ્તતા દાખવવાનું શરૂ કરશે ત્યારે જ આ બાબતનો અંત આવશે. આ વખતની ચૂંટણીનાં પરિણામોમાં આવી પુખ્તતા જોવા મળે છે કે કેમ એ તો તેનાં પરિણામો જ કહેશે.

ગમે એવી વિપરીત પરિસ્થિતિ કે સંજોગો જણાય, જ્યાં સુધી નાગરિકો પાસે મતનો અધિકાર છે, ત્યાં સુધી લોકશાહીમાં વિશ્વાસ ટકી રહેવો જોઈએ. કેમ કે, તેમાં હંમેશાં પરિવર્તનનો અને ફેરવિચારનો અવસર મળતો હોય છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫-૪-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *