કચ્છનું રણ અને આખ્યાયિકાઓ – ૮ – ૧૯૭૨: જીવન અને મૃત્યુ વચ્ચે અંતર…. એક સેન્ટીમીટર!!!!!

Facebooktwitterredditpinterestlinkedinmail

image

કૅપ્ટન નરેન્દ્ર ફણસે

વર્ષમાં એક વાર સૈનિકોને પોતાનાં‘અંગત’ હથિયાર અને ગ્રેનેડ વાપરવાનો મહાવરો કરવો જરૂરી હોય છે.  સિપાહીને હોદ્દા મુજબ આપવામાં આવતા હથિયારને તેનું ‘અંગત’ હથિયાર (personal weapon) કહેવામાં આવે છે. રાઈફલમૅનનુ હથિયારસમજી ગયા હશોતેથી લાઈટ મશીનગન, સ્ટેનગન, પિસ્તોલ તેમજ ટુ-ઇંચ મોર્ટરના બૉમ્બ અને ગ્રેનેડના ફાયરીંગની પ્રૅક્ટીસ કરવા માટે ‘ફીલ્ડ રેન્જ’માં જવું પડે છે. દરેક સૈનિકે નિયત કરેલ સંખ્યામાં ગોળીઓ, ગ્રેનેડનું ફાયરીંગ કરવું જરુરી હોય છે. ગુજરાતમાં ધ્રાંગધ્રાની નજીક આવેલા ટીકર પાસેની ‘રેન્જ’માં આવું ફાયરીઁગ કરવામાં આવે છે. ફાયરીંગ રેન્જની સંપૂર્ણ જવાબદારી એક અૉફિસરને સોંપવામાં આવે છે. ફાયરીંગ પૂરું થયા બાદ રેન્જમાં ઘણી વાર કેટલાક ગ્રેનેડ કે બે-ઈન્ચ વ્યાસના મોર્ટર બૉમ્બ તેમાં રહેલા ‘ફ્યુઝ’ની ખરાબીને કારણે અથવા કાટ લાગવાથી જામી ગયેલ હૅમરને લીધે ફાટતા નથી. આવા ગ્રેનેડ અને બૉમ્બને ‘બ્લાઈન્ડ’ કહેવામાં આવે છે. રેન્જમાં પડેલા ‘બ્લાઈન્ડ’ને  નષ્ટ કરવા  જ પડે નહિ તો ફાયરીંગ બાદ ત્યાં જનાર નાગરિકો કે તેમનાં બાળકો તેને અકસ્માતથી ઉપાડે, અથવા કોઈ પણ તેને સ્પર્શ કરે તો તેઓ વિસ્ફોટનો ભોગ બને. ‘બ્લાઈન્ડ’ ને નષ્ટ કરવાની જવાબદારી રેન્જ અધિકારીની હોય છે.

અહીં થોડી ટેક્નીકલ વાત કરવી જરુરી છે – નિરસ લાગે તો ક્ષમા કરશો!

ગ્રેનેડ એક પ્રકારનો નાનો ‘બૉમ્બ’ હોય છે. લગભગ ૩૫૦ ગ્રામ વજનનો ગ્રેનેડ જે જગ્યા પર પડે, તેના ૨.૫ મીટરની ત્રિજ્યામાં જે કોઈ હોય તે મરણતોલ જખમનો ભોગ બને. ગ્રેનેડ ફાટે ત્યારે તેની ભરતરના લોખંડની ધારદાર એવી અનેક કરચો એટલી ગતિથી વછૂટતી હોય છે કે તે શરીરમાં મોટો ઘા કરીને આરપાર પણ નીકળી શકે છે.

ગ્રેનેડ ફેંકતાં પહેલાં તેને એક હાથમાં મજબૂત પકડી, બીજા હાથ વડે તેની ‘પિન’ ખેંચી કાઢવાની હોય છે. જો તેમ કરતાં ગ્રેનેડનો એક હિસ્સો જેને ‘લીવર’ કહેવામાં આવે છે, તે જો હાથમાંથી છૂટી જાય અને ચાર સેકંડમાં તેને દૂર ફેંકવામાં ન આવે તો ગ્રેનેડ હાથમાં જ ફાટે અને ગ્રેનેડ ફેંકનાર જવાન અને તેની આજુબાજુમાં જે કોઈ હોય તે બચી શકે નહિ. ગ્રેનેડ ફેંકવાની પ્રૅક્ટીસના સમયે જવાનો સાથે કોઈને કોઈ જવાબદાર અફસર, નૉન-કમીશન્ડ અૉફિસર કે સુબેદારની કક્ષાના અધિકારીએ હાજર રહેવું જરુરી હોય છે, જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન ઘટે તેની તેઓ તકેદારી લઈ શકે.

જે રીતે ગ્રેનેડને ફેંકીને અથવા ગ્રેનેડ લૉંચર રાઈફલ દ્વારા ‘ફાયર’ કરવામાં આવે છે, તેમ ૨” મોર્ટર બૉમ્બને એક ભૂંગળા જેવા ‘launcher’માં મૂકી, લૉન્ચરની કળ દબાવવાથી તે અમૂક અંતર સુધી ફેંકાય છે અને જમીન પર પડતાંની સાથે જ ફાટતા હોય છે, તેથી તેને ‘ફાયર’ કરનાર જવાન અને અધિકારી સામાન્ય રીતે સુરક્ષિત હોય છે. ‘બ્લાઈન્ડ’ થયેલા ગ્રેનેડ કે બૉમ્બને નષ્ટ કરવાની રીત સરળ છે. જ્યાં ગ્રેનેડ કે બૉમ્બ પડ્યો હોય, તેની નજીક ડેટોનેટર અને ફ્યુઝ (વાટ) લગાડેલા પ્લાસ્ટીક એક્સ્પ્લોઝીવ (લાપી કે પ્લાસ્ટીસીન જેવો સ્ફોટક પદાર્થ) મૂકી, તેના પર માટીનો ઢગલો કરવામાં આવે છે. ત્યાર બાદ તેમાંથી બહાર કાઢેલી વાટને સળગાવી પચાસે’ક ગજ દૂર આવેલી ખાઈમાં પોઝીશન લેવી પડે. અા કામ અત્યંત સાવધાનીપૂર્વક કરવું પડે, કારણ કે ઘણી વાર ગ્રેનેડ પર  માટી ઢાંકતી વખતે ગ્રેનેડને સહેજ ધક્કો લાગી જાય તો તેનો ‘ફ્યુઝ’ અથવા હૅમર activate થઈ શકે છે, અને આવું થાય તો તે ચાર સેકન્ડમાં ફાટી જાય. આવી હાલતમાં ગ્રેનેડને ઉડાવવા માટે જવાબદાર અધિકારીની બચવાની શક્યતા નહિવત્ હોય છે. અખબારોમાં ઘણી વાર “ગ્રેનેડના આકસ્મિક વિસ્ફોટને કારણે સૈન્યના એક મેજરનું અવસાન થયું, ” જેવા સમાચાર આવતા જ હોય છે. એક દિવસની ‘ચાંદમારી’ – એટલે ગોળીબારમાં વીસથી પચીસ ગ્રેનેડ અને બૉમ્બ ‘બ્લાઈન્ડ’ થતા હોય છે, અને તે મુજબ  દરેક ‘બ્લાઈન્ડ’ દીઠ એક પ્લાસ્ટીક એક્સ્પ્લોઝીવનું પૅકૅટ, એક મિનીટમાં એક ફૂટ સળગે તેવી વાટ (ફ્યુઝ)ની જરુર પડતી હોય છે.

હું જ્યારે મારી બટાલિયનના સૈનિકોને લઈ દારુગોળા લેવા ગયો ત્યારે અમારા સ્ટોરમાં પ્લાસ્ટીક વિસ્ફોટકના ફક્ત દસ પૅકેટ હતા.  નિયમ પ્રમાણે મને ઓછામાં ઓછા ત્રીસ જેટલા પૅકેટ મળવા જોઈએ. ફાયરીંગ તો રોકી શકાય નહિ, કારણ કે રેન્જનું બુકીંગ મહિનાઓ પહેલાં કરવું પડતું હોય છે તેથી જેટલી સામગ્રી મળી એટલી લઈને હું કાલાનોર નામની અકબરના જમાનાના ઐતિહાસીક ખંડેર નજીક આવેલ રેન્જ પર ગયો. સાંજે ફાયરીંગ પુરું થયું ત્યારે ૨૦ ગ્રેનેડ અને ચાર ૨” મૉર્ટર બૉમ્બ ફૂટ્યા નહોતા. રેન્જની ચારે બાજુએ આ હાથગોળા અને બૉમ્બ પડ્યા હતા. આવી હાલતમાં રેન્જ અૉફિસર તરીકે મારી પાસે એક જ પર્યાય હતો:

બ્લાઈન્ડ થયેલા ગ્રેનેડને એક એક કરીને ઉપાડી એક સ્થળ પર એકઠા કરવા. ત્યાર બાદ પ્લાસ્ટીક વિસ્ફોટક તૈયાર કરી એક સાથે તેમને ઉડાવવા. આ કામ અત્યંત જોખમભર્યું હતું. ગ્રેનેડ ઉપાડતી વખતે તેને થોડો આંચકો લાગે, અથવા હાથમાંથી ગોળો છટકીને નીચે પડે તો તેની અંદરનો ફ્યુઝ activate થઈને તે ફાટી શકે છે. તેની નજીક જે કોઈ હોય તે રામશરણ થઈ જાય! આ જ રેન્જ પર એક વર્ષ પહેલાં અમારા જ વિસ્તારના ઈન્ફન્ટ્રીના એક મેજરે આવી રીતે ઉપાડેલો ગ્રેનેડ તેમના હાથમાં જ ફાટી ગયો હતો અને તેઓ મૃત્યુ પામ્યા હતા.

ઈષ્ટદેવનું નામ લઈ મેં એક પછી એક એવા ૨૪ ખતરનાક ગ્રેનેડ અને બૉમ્બ એકત્ર કરી એક ખાડામાં મૂક્યા. મને મળેલા દસ પૅકેટ પ્લાસ્ટિક એક્ઝપ્લોઝિવ (વિસ્ફોટક)નો ગોળો બનાવી, તેમાં ફ્યુઝ લગાડેલો ડેટોનેટર મૂક્યો. તેના પર માટીનો ઢગલો કરી, અને તેમાંથી બહાર કાઢેલા ફ્યુઝને બહાર કાઢી પેટવવાની તૈયારી કરી. મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. આમાંનો એક પણ ગ્રેનેડ અકસ્માત ફાટે તો તેના percussion (ધડાકા)થી તેની બાજુમાં રહેલા બધા જ બૉમ્બ એકી સાથે ફાટે અને આ શરીરના ફુરચે ફુરચા ઉડી જાય. દિવાસળીથી મેં ફ્યુઝ ચેતવ્યો અને ત્યાંથી પચાસ મીટર પર આવેલી સુરક્ષીત ટ્રેન્ચ ભણી દોડ્યો. ઉતાવળમાં આ મોતના ઢગલાથી બે કે ત્રણ મીટર પર ઠેસ ખાઈને પડી ગયો. દૂર ટ્રેન્ચમાં બેઠેલા મારા જવાનો અને નાયબ સુબેદારના ચહેરા ભયથી ફિક્કા પડી ગયા. તેઓ મારી મદદે આવી શકતા નહોતા. મને બચાવવા પચાસ મીટરનું અંતર કાપીને આવતાં આ બધા બૉમ્બ ફૂટે તો તેઓ પણ મૃત્યુ મુખે પડે. હું ઉઠીને નીકળી શકું તેવી સ્થિતીમાં નહોતો, કારણ આ ઢગલામાં મોટા ભાગના ગ્રેનેડઝ્ ચાર સેકન્ડમાં ફાટે તેવા હતા.

મારી પાસે એક જ માર્ગ હતો. હું જ્યાં પડી ગયો હતો, તે જ સ્થળે બૉમ્બ ફાટે ત્યાં સુધી ચત્તા પડી રહેવું.  સામાન્ય રીતે બૉમ્બની કરચ ત્રાંસા કોણમાં છૂટતી હોય છે, તેથી કદાચ હું ઘાયલ તો થઈશ, પણ બચવાની શક્યતા ખરી એવું માની મેં આંખ મીંચી નામ સ્મરણ શરુ કર્યું. મેં લાંબો ફ્યુઝ લગાડ્યો હતો તે બે મિનીટમાં ડેટોનેટર સુધી પહોંચીને વિસ્ફોટ કરે તેવો હતો. હું શાંતિથી ચત્તો પડી રહ્યો. બે ને બદલે પાંચ મિનીટ થઈ ગઈ પણ વિસ્ફોટ થયો નહિ તેથી હું ઉભો થઈ ગયો અને મોતના ઢગલા તરફ ગયો. મારા સાર્જન્ટ મેજર ગુરબચન સિંહ અને મારી બટાલિયનના વીરચક્ર વિજેતા સબ-ઈન્સ્પેક્ટર અજીતસિંહ પણ ત્યાં આવી ગયા. બૉમ્બના ઢગલા પરના માટીનાં ઢેભાં બાજુએ કરીને જોયું તો આશ્ચર્યનો પાર ન રહ્યો.

મેં સળગાવેલો ફ્યુઝ ડેટોનેટરથી કેવળ એક સેન્ટીમીટર પર આવીને ઓલવાઈ ગયો હતો!

હવે મે ત્રણ ફૂટ લાંબો નવો ફ્યુઝ તથા ડેટોનેટર લગાડ્યો, અને તે સળગાવીને પચાસ મીટર દૂર આવેલી પાંચ ફીટ ઉંડી ખાઈમાં જઈને બેઠો. ત્યાર બાદ જે ધડાકો થયો તેનાથી ધરતી ધ્રુજી ગઈ. જ્યાં આ ચોવીસ અતિ વિઘાતક એવા બૉમ્બ રાખ્યા હતા, ત્યાં ચાર ફીટ ઉંડો અને દસ ફીટની ત્રિજ્યાનો ખાડો થયો એટલું જ નહિ, વિસ્ફોટકોની પ્રચંડ ઉષ્ણતાને કારણે ખાડાની જમીન કાળી પડી ગઈ હતી અને તેની કિનાર પર ગ્રેનેડની કેટલીક કરચ ખૂંપી હતી. જે સ્થાને હું ચત્તો પડ્યો હતો, તે આ ખાડાની અંદર આવી ગયું હતું. આ જોઈ હું કાંપી ઉઠ્યો. વીર ચક્ર વિજેતા અજીત સિંહની આંખમાંથી અશ્રુ આવી ગયા. માથું હલાવી તે બોલ્યા, “સાબ જી, વાહે ગુરુને આપકો બચા લીયા. ઉસકે બગૈર આપકે આધે ઇંચ નજદીક આયે હુવે મૌત કો કોઈ નહિ રોક સકતા.”

મૃત્યુને એક સેન્ટીમીટર દૂર રોકીને મને બચાવનાર કોણ હતું? 

*********

કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

2 comments for “કચ્છનું રણ અને આખ્યાયિકાઓ – ૮ – ૧૯૭૨: જીવન અને મૃત્યુ વચ્ચે અંતર…. એક સેન્ટીમીટર!!!!!

 1. Samir
  May 1, 2019 at 2:35 pm

  ખુબ સુંદર વાત ખુબ સુંદર રીતે કહેવાઈ . લેખ માં રણ ,સૈન્ય, સ્થાનિક અને સામાન્ય જોખમો વી. નું સુપેરે વર્ણન કરેલ છે.
  છેલ્લે લખેલ વાત બિલકુલ સાચી છે. બધાજ બનાવ તર્ક થી સમજાવી શકાતા નથી.
  ખુબ આભાર નરેન્દ્રભાઈ !

 2. Bhagwan thavrani
  May 15, 2019 at 10:42 am

  દિલધડક વાતો !
  First Hand Experience હોવાથી સમગ્ર વાતનો રોમાંચ બેવડાઈ જાય છે.
  આભાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *