આપણે ઉત્કૃષ્ટ સાહસિક કેમ નથી?

Facebooktwitterredditpinterestlinkedinmail

વિમળા હીરપરા

નમસ્તે વાચકમિત્રો, તમને પણ કયારેક મારી માફક પ્રશ્ર્ન થતો હશે કે આપણે રમતગમતના ક્ષેત્રે  કેમ પાછળ છીએ?આટલી વિશાળ જનસંખ્યા ને આંતરરાષ્ત્રીય સ્તરે આપણુ કોઇ નોંધપાત્ર પ્રદાન નહિ ? ઓલમ્પિક જેવી રમતોમાં આખી દુનિયાના ખેલાડી હોય. આપણા એકાદ બે ખેલાડી હોય પણ ગોલ્ડમેડલ મેળવનાર કેટલા? એવુ નથી કે આપણે ત્યા આવા ઉચ્ચકક્ષાના ખેલાડીઓની ખોટ છે.પણ એને પરિવાર, સમાજ કે સરકાર તરફથી ખાસ પ્રોત્સાહન મળતું નથી.  બાળકો નાનપણમાં રમે પછી ભણવાનુ ને નોકરી કે ધંધો એટલે કે આજીવિકા રળવામાં ધ્યાન આપવાનું.   અમુક ઉંમર પછી રમવાનું ઉંછાછળુ ગણાય. હા, ક્રિકેટ ધંધાદારી ખરી. પણ એ તો અંગ્રેજોની દેન. ટેનિસ ને બૅડ્મિન્ટન જેવી રમતો સમાજના ઉપલા વર્ગો માટે. બધી વસ્તુની જેમ આપણે ત્યા રમતને પણ સ્ટેટસ બનાવી દીધી છે. લંગડી ,હુતુતુ, ખો ખો કે આંબળીપીપળી જેવી દેશી રમતો જેમાં મેદાન સિવાય કોઇ સાધનની જરુર નહિ, એવી રમતોમાં આપણને આપણો મોભો નહીં દેખાતો હોય.

દરેક સામાજિક વલણ કે માન્યતા પાછળ કારણ હોય. વાતાવરણ પણ અસર કરે. શરીરના બાંધા ને સ્વભાવ પર એનો પ્રભાવ પડે. પહાડી પ્રદેશના લોકો ખડતલ હોય, રણમાં લોકો ઝનુની હોય, સપાટ મેદાનમાં રહેતા, ખાસ કરીને નદી કાંઠે કે જ્યા જીવનજરુરિયાત કે આજીવિકા માટે બહુ સંધર્ષ કરવો ન પડે  એવા સ્થળના લોકો શાંત ને ઉદાર હોય. આપણા દેશની વાત કરીએ તો આપણે ત્યા મશીન મોડા આવ્યા. લોકો હાથ મહેનત ને મજુરી કરે. સયુંક્ત પરિવાર એટલે જ આશીર્વાદ રુપ હતા કે બધાની સહિયારી મહેનતથી જીવી શકાય. ધરના આબાલવૃધ્ધ દરેકને શકિત પ્રમાણે ફાળો આપવાનો. હવે હવે એક પેઢી કામ કરવા જેવડી થાય એટલામાં તો આગલી પેઢી હાંફી જાય. છોકરા કયારે કામ ઉપાડી લે એની જ રાહ જોવાતી હોય. એ વચલી પેઢીને પોતાના બાળકોને મોટા કરવાના ને માબાપને જાળવવાના. આમ મોટા થવામાં, મોટા કરવામાં ને મોટાને જાળવવામાં જ જીવન વીતી જાય. તો એ કયારે રમે. અરે જરુરી કસરત કરવાનો ય સમય ના મળે. પછી તો સામાજિક વલણ એવુ બની જાય. એ જ પ્રમાણે સ્કુલોમાં રમતના સાધનો,મેદાન ને કવાયત માટે નિયમાનુસાર શિક્ષક પણ હોય. ત્યા પણ ખેલકુદ તરફ ઉદાસીનતા જોવા મળે છે. માબાપને પણ પોતાનું બાળક પહેલો નંબર લાવે એમા જ રસ હોય છે. આખરે શિક્ષકો આવે છે તો સમાજમાથી જ ને! એ આવા વલણથી બાકાત ક્યાથી હોય?

આપણો ખોરાક ને વાતાવરણ પણ અસર કરે.  આપણે ખડતલ નથી. આપણે શાકાહારી છીએ. આપણા ખોરાકમાં શાકભાજી,ફળો, ધાન્ય, દુધ ને એની બનાવટ આટલુ હોય તો જ બધા જરુરી પોષકતત્વો મળે. એથી વધારે મહત્વનું  ખોરાક કેવી રીતે રાંધવામાં આવે છે. કુશળ ગૃહિણી ધુળમાંથી ધાન બનાવી શકે  ને અણઘડ ગૃહિણી ધાનમાંથી ઘુળ જેવો ખોરાક બનાવે, સત્વહીન. પોષકતત્વોને નાશ કરી નાખે. કયારેક ખૌરાકને સુંદર દેખાડવા માટે પણ અયોગ્ય રીતે પકાવવામાં આવે છે. આવો ખોરાક જીભને સંતોષે પણ શરીરને નહિ. એટલે આખા દિવસના પરિશ્રમ પછી રમવાની કે કસરત કરવાની શકિત જ હોતી નથી.

આપણા દેશની તુલનામા સામ્યવાદી ને સમૃધ્ધ દેશોમાં ખેલ એ આજીવિકાનું સાધન બની શકે છે. ચીન, રશિયા ને બાલ્ટિક દેશો, રોમાનીયા જેવા દેશો આંતરરાષ્ત્રીય સ્તરે મોખરે હોય છે. સ્કુલોમાં આવા પ્રતિભાશાળી બાળકોને જુદા તારવીને બહુ નાની વયથી જ એની તાલીમ શરુ કરવામાં આવે છે. એને ભવિષ્યમાં સારી નોકરી ને ભણવામાં સ્કોલરશીપ આપવામાં આવે છે. એના માબાપને પણ સારી નોકરી ને રહેઠાણ ની સવલત અપાય છે. બાળકને કયારેક માબાપથી દુર તાલીમ આપનાર ગુરુને ત્યા રહેવું પડે છે જેમ આપણે ત્યા પ્રાચીન સમયમાં છોકરાઓ ગુરુના આશ્રમમાં રહેતા ને ભણતા એમ જ. એને માટે બધી સગવડ સરકાર પુરી પાડે તો સામે આ રીતે તૈયાર થયેલ ખેલાડી રાષ્ટ્રની સંપતિ ગણાય. એના મળતા ઇનામ પર સરકારનો અધિકાર બને છે.

બીજી વાત એ પણ છે કે આપણે સાહસિક નથી અથવા આવું જોખમ લેતા ગભરાઇએ છીએ. પર્વતારોહણ, દોરડાથી ડુંગર ચડવો, નૌકાવિહાર કરવો ને અરણ્યમાં ઘુમવુ આવી પ્રવૃતિથી દુર રહીએ છીએ. કારણ કદાચ આપણે ત્યા શરીરવિજ્ઞાન બહુ મોડુ વિકસ્યું. આવા સાહસમાં હાથપગ ભાંગે કે શારીરિક ઇજા થાય તો માણસ જીવનભર અપંગ થઇ જાય. ભલે આજના સમયમાં એ ઇજા મામુલી લાગે.પણ   એ સમયે  સારવારની સગવડ ને સમજને અભાવે એક માણસ પાછળ આખા પરિવારને સોસવું પડે. હવે સાજાસારા ન પોષાતા હોય તો અપંગની શૂં હાલત થાય? પરિણામે આપણે શરીરને બહુ સંભાળીને રાખવુ પડે છે. પછી તો આ માનસીકતા કાયમની બની જાય. આ સિવાય પણ આવા સાહસમાં આફત આવે તો બચાવ કારીગીરી ક્વચિત હોતી જ નથી. હિમાલયની ખીણોમાં અકસ્માતમાં ખીણમાં ગબડી જતી બસો કાયમ ત્યા રહી જાય છે. એટલે સાહસ દુસાહસમાં ફેરવાઇ જતા વાર નથી લાગતી.

આપણી આર્થિક વ્યવસ્થા પણ કંઈક અંશે કારણભૂત હશે. સરકારી કર્મચારીઓ સિવાય ખાનગી ક્ષેત્રે કામ કરતા લોકોને પેન્શનનો લાભ મળતો નથી. એટલે હાથપગ ચાલે ને કામ કરી શકે એટલી જ એની કમાણી. એ દરમ્યાન જે કાંઇ બચત એ કરી શકે એના પર જ એનુ ઘડપણ નભે. મોટાભાગના મધ્યમવર્ગના લોકો પોતાના સંતાનોને ભણાવે ને રહેઠાણ ને રોજબરોજનો વ્યવહાર નિભાવે. એટલે એમની પાછલી જિંદગીના સુખદુઃખનો આધાર એના બાળકો જ હોય છે. લોકો પાસે માંદગી, અકસ્માત કે મૃત્યુ સામે આર્થિક સહાય મળે એવુ રક્ષાકવચ નથી હોતું. સામાન્ય લોકોને વીમાના હપ્તા પણ નથી પોષાતા. એટલે અકસ્માત આવી પડેલી બિમારી એમનું બજેટ ખોરવી નાખે તો કયારેક વ્યાજના ઉંડા કળણમાં પણ ઉતારી દે. આ આર્થિક મજબુરી માણસને સાહસ કરતા પહેલા સો વાર વિચારવા મજબુર કરે છે.

એની સામે પશ્રિમના દેશોમાં નાના છે ને સરકાર સધ્ધર છે. એટલે લોકોને બેકારી વળતર, અપંગ ને વૃધ્ધલોકોને આર્થિક ને આરોગ્યવિષયક સહાય ને રહેઠાણની સગવડ પુરી પાડે છે. એટલે વયસ્ક લોકોને પોતાના સંતાનો પર જીવનનિર્વાહ માટે હાથ નથી ફેલાવવો પડતો. એટલે એ સંતાનો મનપસંદ પ્રવૃતિ કરી શકે. સાહસ કરી શકે કેમ કે કોઇ એના પર આધારીત નથી.

ઉદ્યોગ વ્યાપાર ક્ષેત્રે પણ આપણે બહુધા જોખમ નથી ખેડતાં. સરકાર દ્વારા આ દિશામાં પરિવર્તન માટે પ્રયાસો થાય છે, પણ તે સરકારી રાહે થતા હોય એટલે ધાર્યાં પરિણામ ન મળે. છેલ્લાં થોડાં વર્ષોથી ખાનગી ક્ષેત્રના ઉદ્યોગવ્યાપાર ગૃહો પણ આ બાબતે રસ લઈ રહેલ છે, પણ તેમનો પહેલો આશય તો તેમાંથી વધારે નફો રળવાનો હોઈ શકે. હા, જે જે ક્ષેત્રોમાં કોઈને કોઈ વિશ્વ સ્તરની સફળતા કોઈ મેળવે છે ત્યારે અમુક સમય સુધી તેની સર જનસમાજનાં માનસ પર રહે છે.

એકંદરે, એટલું કહી શકાય કે સાહસિકતાને આપણી મનોવૃત્તિઓ સાથે વણી લેવામાં માટે કુદરતી અને માનવીય બધાં પરિબળો મળીને જરૂરી વાતાવરણ બની શકે જે સાહસિકતાને પોષે અને જાળવવામાં મદદરૂપ બને.


વિમળા હીરપરા ( યુ.એસ.એ ) || vshirpara@gmail.com

4 comments for “આપણે ઉત્કૃષ્ટ સાહસિક કેમ નથી?

 1. Purvi
  April 30, 2019 at 4:12 am

  Bahu samajawa jevo lekh ne vaat.

 2. Samir
  April 30, 2019 at 2:51 pm

  બહુ જ સુંદર લેખ. વિચાર કરતા મૂકી દે તેવા આ મુદ્દા છે.
  સાથે સાથે સોપેલ કામ ખુબ સારી રીતે અને ધગશ સાથે કરવાની વૃતિ આપણા માં ઓછી દેખાય છે.
  ખુબ આભાર,વિમળાબેન !

 3. May 3, 2019 at 4:28 am

  આપણાં ધર્મ સિવાય એમાં બીજું કોઈ કારણ નથી – પર્યાવરણ કે ખોરાક વગેરેની નગણ્ય અસર હોય છે!

 4. Neetin D Vyas
  May 3, 2019 at 8:47 am

  આપે આ લેખ દ્વારા આપણી એક સામાજિક નબળાઈ તરફ સારી રીતે ધ્યાન દોર્યું છે..સગવડતા ને અભાવે આપણે ત્યાં રમતગમત નાં ક્ષેત્રે સિધ્ધિ મેળવી શકતા નથી અને તે શહેરો નાં વિકાસ સાથે અખાડા, ક્રીંડાંગણ જેવી જરૂરી સંસ્થાઓ નો વિકાસ થયો નથી.તે હકીહત છે. માનો કે એવી બધીજ સગવડતાઓ હોય, સારામાં સારા સ્પોર્ટ્સ કોમ્લેક્સ અને કોચની સગવડતાઓ હોઈ, ઉપરાંત આ બધુજ સહેલાઇ થી ઉપલબ્ધ હોય તો પણ આપણા ગુજરાતી કે ભારતીય યુવાન નો રમતગમતનાં ક્ષેત્રે પછાત જ રહે છે.નમૂના રૂપે ઉત્તર અમેરિકા માં લગભગ 25 લાખ ભારતીયો વસે છે. 75% યુવાનો છે, તેમાંથી રમતગમતનાં ક્ષેત્રે નામ કાઢવાવાળા કેટલા? અભિગમનો અભાવ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *