ગુજરાતનાં બાળકો, વાલીઓ અને શિક્ષકોની સેવામાં એક અદભૂત અભિયાન

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

માતૃભાષા ગુજરાતીની અવદશા માટે કહેવા જેવું નથી; પણ છેલ્લા કેટલાક વખતથી આ બાબત જાગૃતિ આવી છે અને તેના સંવર્ધનનો વ્યાપક પ્રચાર થાય છે – ન કેવળ ભારતમાં પણ ભારત બહાર પણ. આ માટે કેટલીક વ્યક્તિઓ બહુ ઊંડો રસ લઇ તે માટે કાર્યરત છે. જેની ઘણાંને જાણ હશે. આ બાબતમાં ભારતમાં અને ભારત બહાર કેટલાક બ્લોગ અને વેબ સાઈટ સક્રિય છે અને લોકોને ગુજરાતીમાં લખવા અને ગુજરાતી લખાણો વાંચવા માટે પ્રેરે છે.

પણ અહીં હું એક ખાસ વેબ સાઈટનો ઉલ્લેખ કરવા માંગુ છું, કારણ તે ઇન્ગેન્ડ અને અમેરિકાથી કાર્યરત છે અને ખાસ તો તે બાળકો, કિશોર/ કિશોરીઓ, વાલીઓ અને શિક્ષકો માટે છે. હું વાત કરૂ છું ‘ઇવિદ્યાલય’ વેબ સાઈટની.

એ સાઈટની સ્થાપક ઇન્ગ્લેન્ડમાં લન્ડનની નજીક રીડિંગ ખાતે રહેતી શ્રીમતિ હીરલ શાહ છે. મૂળ અમદાવાદની આ સન્નારી આઈ.ટી. નિષ્ણાત છે. લગ્ન બાદ વાયા બેન્ગલોર તે ઇન્ગ્લેન્ડમાં સ્થાયી થઈ છે. ૨૦૧૧ની સાલમાં પહેલી પ્રસૂતિના બે મહિના પહેલાં તેને બાળકો માટે શૈક્ષણિક વિડિયો બનાવવા વિચાર આવ્યો અને તરત તેનો અમલ કર્યો. તેનું આ અભિયાન લાગલગાટ ૨૦૧૫ની સાલ સુધી ચાલુ રહ્યું. અત્યાર સુધીમાં તેણે ૨૯૦ જેટલા શૈક્ષણિક વિડિયો બનાવ્યા છે અને ૨૦,૭૦,૦૦૦ હજારથી વધારે વખત ત્યાં મુલાકાતીઓ એનો લાભ લીધો છે. તેની કદર કરીને યુ-ટ્યુબ ચલાવતી ગૂગલ કમ્પનીએ પણ તેને ખાસ સર્ટિફિકેશન આપ્યું હતું.

યુ-ટ્યુબ વિડિયો ચેનલ … https://www.youtube.com/user/EVidyalay/featured/

ત્યાર બાદ વિડિયો ઉપરાંત બીજી સામગ્રી પણ પીરસી શકાય તે હેતુથી અમેરિકામાં રહેતા શ્રી. નિવૃત્ત સજ્જન શ્રી. સુરેશ જાનીના સક્રિય સાથ અને સહકારથી ‘ઈ-વિદ્યાલય’ની વેબ સાઈટ શરૂ કરી. આ સાઈટ પણ બહુ જ લોકપ્રિય બની ગઈ હતી. તેનો મુલાકાતી આંક ૫૫ લાખના આંકડાને આંબી ગયો હતો. સંજોગવશાત માર્ચ – ૨૦૧૮ માં એ વેબ સાઈટ ક્રેશ થઈ ગઈ હતી. પણ થાક્યા કે હાર્યા વિના તેણે ૧૮, જુલાઈ ૨૦૧૮ થી ફરી ચાલુ કરી છે.

ઈ-વિદ્યાલય વેબ સાઈટ – http://evidyalay.net/

પણ બે નાનાં બાળકો, પાર્ટ ટાઈમ નોકરી અને ઘરની જવાબદારીના કારણે હવે તેને એ સાઈટ ચલાવવા સમય મળતો નથી. આથી તેને મદદ કરવા હવે ૭૫ વર્ષની પાકટ ઉમરે પહોંચી ગયેલા શ્રી સુરેશ જાનીએ ફરીથી કમર કસી છે. શ્રી સુરેશ જાની અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફોર્ટવર્થ શહેરમાં તેમની દીકરી સાથે રહે છે. આમ તો તે વ્યવસાયે એન્જીનીયર હતા પણ નિવૃત્તિકાળનો ઉપયોગ આ ઉમદા કામમાં પ્રદાન કરીને હકારાત્મક રીતે કરી રહ્યા છે. તેમને ગુજરાતનાં બાળકો માટે આવું કાંઈક કરવાની બહુ જ ધગશ અને ધખારો છે. જાતે અવનવું શીખવાની અને સૌને વહેંચવાની તેમની મનસાએ આ વેબ સાઈટને દિનપ્રતિદિન અવનવા સાજ, શણગાર અને વાનગીઓથી સુશોભિત અને સમૃદ્ધ કરી છે. ધીમે ધીમે આ લખનાર સમેત ગુજરાતનાં બાળકો માટે કામ કરવાની ધગશ વાળા લેખકો પણ આ યજ્ઞકાર્યમાં જોડાઈ રહ્યાં છે.

ગુજરાતી સાહિત્યના જુદા જુદા વિભાગો જેવા કે બાળવાર્તા, કવિતા, ઉખાણા, જીવનચરિત્રો, કહેવતો વિગેરે તો તેમાં છે જ; પણ કોયડા, ક્રાફ્ટ, હોબી પ્રોગ્રામિંગ, વાલી/ શિક્ષક અનુભવ, સામાન્ય જ્ઞાન, સવાલ-જવાબ, ઝળહળતા સિતારા વિ. અવનવા વિભાગો પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. સૌના સહકારથી આ બ્લોગ જીવંત બની ગયો છે. એમાં આવરી લેવાયેલા મુખ્ય  વિભાગો-

અલક મલક      ઉખાણાં      કહેવતો    કાર્ટૂન    કોયડા

ક્રાફ્ટ વર્ક          ખાસ જરૂરિયાત વાળાં બાળકો

ગણિત ગમ્મત  ગુજરાતના જિલ્લાઓ            ચિત્રકળા

જાદૂ                   જીવન ચરિત્રો        ઝળહળતા સિતારા

જોક                  ધર્મ પરિચય           નાટક        પ્રાર્થના

પ્રેરક પ્રસંગ               બારી – અવનવાં, ટચૂકડાં આકર્ષણો

બાળગીતો         બાળવાર્તા       બાળરમત      બાળસર્જન

ભાષાજ્ઞાન         રમતાં રમતાં શીખો                 રસોઈકળા

વાલી અનુભવો                                શિક્ષક અનુભવો

શિક્ષક પરિચય                                શિક્ષણ વિચાર

શિક્ષણ સંસ્થાઓ            શી રીતે?                સવાલ જવાબ

હોબી                               હોબી પ્રોગ્રામિંગ

ઈ-વિદ્યાલયના વિચારનું બીજ શી રીતે રોપાયું તેની કથા તેની સ્થાપક હીરલ શાહના શબ્દોમાં આપ સૌને ગમશે …

મારો યાદગાર અનુભવ

હું જયારે  પાંચ કે સાતમા ધોરણમાં હતી ત્યારે એક દિવસ વાલી-દિનના દિવસે મારા વ્હાલા પપ્પા મારી સાથે શાળાએ આવેલા. પપ્પાની મુલાકાત મારા ગણિતના પ્રિય શિક્ષક શ્રી યજ્ઞેશભાઈ સાહેબ (બધા શિક્ષકો માટે મને દિલથી આદર છે) સાથે થઇ. સાહેબે અને પપ્પાએ મારા વિશે થોડી વાતચીત કરી. પપ્પા, એ વખતે સવારે ઇ-ગ્રુપના કાર્યક્રમ જુએ, અને એમને એમાં ખુબ રસ પડે એટલે એમણે સાહેબને એક સૂચન કરેલું.

      “તમે આવી કેસેટોથી ભણાવવાનું રાખોને!  વિદ્યાર્થીઓને વધારે મજા આવશે અને તમારી મહેનત પણ બચશે. તમારે તો પછી માત્ર એમનાં સવાલોનાં જવાબ જ આપવાના, વધારે સમય જ્ઞાન સાથે ગમ્મત માટે મળશે. શિક્ષકો પણ નવા નવા પ્રોજેક્ટ્સ માટે વધારે સમય ફાળવી શકશે. બાળકોને પ્રાયોગિક જ્ઞાન (પ્રેક્ટિકલ નોલેજ) વધુ સારી રીતે આપી શકશો. તમે તો સરસ ગણિત ભણાવો છો, પણ છેવાડાના ગામોમાં પણ એ વિડિયો કેસેટથી બાળકો ભણી શકે.”

હું તો આશ્ચર્યથી પપ્પાને જોઈ રહી! એક વિચાર આવ્યો કે, ‘સાહેબને કદાચ ના પણ ગમે કે કોઈ વાલીએ આમ સૂચનો કરવાની શું જરૂર?’  બીજો વિચાર આવ્યો કે ‘વાહ, પપ્પા તો કેવું સરસ વિચારે છે?’

જો કે એ વિચાર પપ્પાને બોલવો સહેલો લાગેલો પણ ત્યારે આ વિચાર એટલો સહજતાથી અમલમાં મુકવો શક્ય નહોતો. ઘરે જતાં પપ્પાએ કીધેલું કે,

“બેટા, હમણાં ભલે આ બીબાંઢાળ પદ્ધતિએ ભણવું પડે છે, પણ આગળ જતા તમે વિદ્યાર્થીઓ જ આમાં બદલાવ લાવી શકશો.”

ટેકનોલોજી તો દિવસે ને દિવસે કઇંક નવી શોધોને લઈને આવે છે. પણ મુશ્કેલી એ છે કે આ શોધો સમાજને વિશાળ પાયા પર જેટલી ઉપયોગી થઇ શકે એમ છે, એટલો એનો ઉપયોગ આપણે કરતાં નથી. આ આખા વાર્તાલાપની મારાં મન પર બહુ ઊંડી અસર પડેલી. મેં ત્યારે એક સપનું જોયેલું,

      ‘હા, હું જરૂર આવું કંઈક નવું કરીશ. ટેકનોલોજી ભણીશ અને એનો સમાજમાં વિશાળ પાયે ઉપયોગ થઇ શકે એવું યોગદાન જરૂર આપીશ.’

Thanks to dear papa and technology.

ઈ-વિદ્યાલયની ખ્વાહેશ છે ..

· બીબાં ઢાળ શિક્ષણ પદ્ધતિમાં વિશ્વ કક્ષાના પ્રવાહોને અનુરૂપ બદલાવ લાવવાની પ્રક્રિયામાં સહાય ભૂત થવું.

· વિવિધ પ્રકારની શિક્ષણ સામગ્રીઓ પીરસવી.

· ગુજરાતનાં ગામડે ગામડે, છેક છેવાડાની જગ્યાઓએ, અગરિયાઓને, આદિવાસીઓને, સ્લમમાં રહેતાં બાળકોને ઈ-માધ્યમો દ્વારા વિશ્વ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવું.

· બાળકો, વાલીઓ, શિક્ષકોના પ્રશ્નોને , ઉલઝનોને વાચા મળે એ માટે એક મંચ ઊભો કરવો

નોંધ કરવા જેવી બાબત એ છે કે, આ વેબ સાઈટનો ઉપયોગ મોબાઈલ સાધનો પર પણ થઈ શકે છે. એની જાણકારી ગુજરાતનાં ઘેર ઘેર થવી જોઈએ. વધારે ને વધારે બાળકો, કિશોર/કિશોરીઓ, વાલીઓ અને શિક્ષકો આ વેબ સાઈટ પર વિના મૂલ્યે પીરસવામાં આવતી સામગ્રીનો લાભ લેતાં થાય એ જરૂરી છે. આ વાત ઈ-વિદ્યાલયની મુલાકાત લેનારને તરત સમજાઈ જશે


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

8 comments for “ગુજરાતનાં બાળકો, વાલીઓ અને શિક્ષકોની સેવામાં એક અદભૂત અભિયાન

 1. April 30, 2019 at 9:32 am

  ઈ-વિદ્યાલય વતી નિરંજન ભાઈ અને વેબ ગુર્જરીનો અનહદ આભાર.

 2. Ramesh Patel
  April 30, 2019 at 10:06 am

  ઈ વિદ્યાલય સરસ્વતી માતનું શૈક્ષણિક નેટ ધામ છે. સુશ્રી હિરલબેનનાો શુભ આશય , શ્રી સુરેશભાઈ જાનીની ખમીરવંતી જ્ઞાન ઉપાસનાએ ,તથા અનેક સાધકોના સહયોગથી ગૌરવવંતું કામ થયું છે, જે ઉત્તમ ઉમદા સેવા છે..
  આ યજ્ઞના શુભારંભમાં શ્રી સુરેશભાઈ જાનીના માર્ગ દર્શનમાં , આ. શ્રી વિનોદભાઈ ને રમેશ પટેલ (આકાશદીપ) ની ટીમને સુશ્રી હિરલબેને આત્મીય સંદેશો આપેલ , એનું સ્મરણ થઈ આવ્યું.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Dinesh Mankad
  April 30, 2019 at 10:19 am

  સ્નેહી નિરંજનભાઈ
  આપની મર્મસ્પર્શી વાત ખુબ સાચી અને ગંભીર છે. વિદેશમાં બેઠા બેઠા માતૃભષા ની ઉત્તમ સેવા કરનાર ટિમ ને આપીએ એટલા અભિનંદન ઓછા છે.અંગ્રેજી માધ્યમ ની શાળાઓ માં અભ્યાસ કરતા બાળકો ની માતૃભાષા થી સુપરિચિત તે માટે પણ તમામ વાલીઓ એ આ વેબસાઈટ ની પૂર્ણ રીતે માહિતગાર રહેવું જોઈએ.માં જેટલી જ પ્રિય માતૃભાષા ની અવહેલના વચ્ચે ના સ્તુત્ય પ્રયાસ ને બને તેટલા વાલીઓ અપનાવે તેવી શુભ ભાવના દિનેશ માંકડ mankaddinesh1952@gmail.com

  • Niranjan Mehta
   May 1, 2019 at 8:13 pm

   આપના વિચારો બદલ આભાર.

 4. Jayshree Patel
  April 30, 2019 at 4:35 pm

  વેબ ગુજરાતી નો આભાર.?
  ખરેખર સુરેશભાઈ ના અને હિરલબેન ના આભારી છીએ
  ?

 5. vimala Gohil
  May 1, 2019 at 12:59 am

  ઇનબોક્ષમાં તો રોજે જોઇએ પણ “વેબ ગુર્જરી પર ઈ-વિદ્યાલય” જોઈ વધુ હરખાયા.

 6. JYOTINDRA M BHATT
  May 1, 2019 at 5:48 pm

  આવા સરસ અભિગમ અને સરળ પ્રસ્તુતી ને બીરદાવવાનો અવસર સાંપડ્યો તે એક લ્હાવો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *