લ્યો, આ ચીંધી આંગળી : મારી કટોકટીની ક્ષણો અને છૂટકારો (૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

-રજનીકુમાર પંડ્યા

આ કટારમાં હું મારા પોતાના જીવનની કોઇ ઘટના ભાગ્યે જ લખું છું. પણ થોડા દિવસ પહેલા હિંદી પર્દાની એક મહત્વની અભિનેત્રી સ્વ મીનાકુમારીની મૃત્યુતારીખ ગઇ- ૩૧ માર્ચ, ૧૯૭૨- એ શોકજનક ઘટનાના વળતે દિવસે, 1972 ની પહેલી એપ્રિલે ગુજરાતના એક મોટા અખબારે એના મૃત્યુનો શોક વ્યકત કરવાની સાથોસાથ એક જ સૂચક શબ્દનું એક બહુ મોટા ટાઇપમાં એક સૂચક પેટાશિર્ષક પણ બાંધ્યું હતું: ‘છૂટકારો.’

સામાન્ય લાગતા એ શબ્દનો સંદર્ભ એના જીવનની એક દારુણ પીડામાંથી એને મળેલી મુક્તિ સાથે હતો. એ તો બહુ મોટી અને મર્મભેદી ઘટના હતી. લાખો વાંચનારાઓમાંથી કોઇ વાંચનારાના મનમાં એ શબ્દનો એ અર્થ ફૂટ્યો હશે,તો કોઇને થોડોક હલાવીને, તો કોઇને માત્ર કોઇ સંવેદના વગર કેવળ મનની સપાટી પરથી પસાર થઇ ગયો હશે.

પણ હું એ વખતે તેંત્રીસ વર્ષનો હતો. જામનગરમાં હતો. અને તે દિવસે મને એ શબ્દ ‘છૂટકારો’ મીનાકુમારીના સંદર્ભમાં નહિં પણ ‘અપની હી કિસી બાત પે રોના આયા’ની માફક મારા પોતાના સંદર્ભે સ્પર્શી ગયો હતો. મારી આંખમાં એ વાંચીને પાણી આવી ગયાં હતાં. પણ એ દિવસ સુધી પહોંચતા સુધીમાં પાછલા થોડા મહિનાની, મારી માનસિક યંત્રણાની સફર તય કરવી પડશે.

૧૯૭૧ની સાલ. જુનની ૨૬ મી તારીખ હતી. આગલી રાતે વરસાદ જેવું થયું હતું. એટલે સવાર પડી ત્યારે તો ઠંડી સવારના કારણે દિવસ બહુ સુંદર લાગતો હતો, પણ સાંજ થતાં સુધીમાં તો એની પર ગમગીનીનો ઘેરો કાળો રંગ ચડી ગયો. પાંચ વાગે સાવ ભાંગેલા પગે હું ઘેર ગયો અને પત્નીને કહ્યું : “આપણે જિંદગી હારી ગયાં.”

એને ફડકો પડ્યો. કારણ કે જિંદગીની એક બહુ મોટી લડાઈમાં અમારી યુવાનીનાં દસ વરસો હોમીને હજુ ગયા વરસે, થોડા મહિનાઓ પહેલાં જ બહાર આવ્યાં હતાં. સુખનું પુરું વરસ પણ ભોગવ્યું નહોતુ, એમ. એ.નો ચાલુ અભ્યાસ છોડીને બૅન્‍ક મેનેજર તરીકે જાંમનગરમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ બૅન્‍કમાં પ્રમોશન લીધું હતું. એ વાત જુદી હતી કે એ સહકારી બૅન્‍ક હતી અને વાહનમાં માત્ર સાઈકલ હતી, પગાર માત્ર સાડા ચારસો રૂપિયા હતો. પણ રાજી હતાં અમે. પલળેલાં પીંછાને ધ્રુજાવી ખંખેરીને ફરી નવી જિંદગી જીવવા તૈયાર થઈ ગયાં હતાં.

પણ ત્યાં જ આ અણધાર્યો મરણતોલ પ્રહાર કોઇએ માથામાં પાછળથી કર્યો. !

જુન ૧૯૭૧ના એ શુક્રવારની બપોરે મારો મિત્ર કવિ રમેશ પારેખ અમરેલીથી આવીને મારે ત્યાં મહેમાન બન્યો હતો.( એ ૧૯૬૩ ની સાલથી મારો ગાઢ મિત્ર બન્યો હતો) . એ આવ્યો એટલે હું રાજી રાજી હતો. શનિવારની સાંજે સુવિખ્યાત ફોટોઆર્ટિસ્ટ કલાકાર શરદ વ્યાસ ( જામનગર રહેતા ફિલ્મ સમીક્ષક-લેખક અભિજિત વ્યાસના પિતા)ને ત્યાં મેં એની સાથે મારા જામનગરના જૂના કવિ મિત્રોનું મિલન ગોઠવ્યું હતું. કેવો આનંદ આવશે તેના વિચારમાં સાથે સવારની ચા પીધી હતી. પણ સવારે એ એના કામે બહાર ગયો અને હુ સવારે બૅન્‍ક પર ગયો. અચાનક બારેક વાગે એક કલાર્ક જે. બી. શુક્લ મારી પાસે લેજરનો એક ચોપડો લઈને આવ્યો : “સાહેબ, આમાં વચ્ચેનાં અમુક પાનાં તૂટે છે.”

“બાઈન્ડિંગમાં જ ભૂલ હશે.” મેં બિલકુલ હળવાશથી એ વાતને લીધી : “જો ને ભાઇ, ખાતાંનો અનુક્રમ નંબર તો તૂટતો નથી ને ! આપણે તો એ જ મહત્વનુ.”

પણ થોડી વારે એ ફરી વાર લેજર લઈને અંદર આવ્યો : “સાહેબ, વચ્ચે બે ખાતાં પણ તૂટે છે. ઈન્ડેક્સ પ્રમાણે ત્યાં લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ અને મેહુલ ઈન્ડસ્ટ્રીઝનાં ચાલુ ખાતાં હોવાં જોઈએ.”

મનમાં થોડાં કંટાળાના ભાવ સાથે હું ઊભો થઈને ચેમ્બરની બહાર આવ્યો, બેંકિંગ હોલમાં ગયો. જાતે થોડી તર-તપાસ કરી. બીજા સંબંધિત ચોપડા પરથી અંકોડા મેળવ્યા. શુક્લની વાત સાચી હતી. ચોપડામાં વચ્ચેના અમુક પાનાં ગાયબ હતા. મારા હૃદયની ધડકન વધી ગઈ.

મારી બૅન્‍કમાં મારા જ અમલ દરમ્યાન વીસ હજારની ઉચાપત થઈ હતી (જે એ જમાના પ્રમાણે બહુ મોટી રકમ ગણાય.)અને ઉચાપત કરનારે એક પણ પુરાવો રહેવા દીધો નહોતો. એકાઉન્ટ ફોર્મ, સહીનાં કાર્ડ, વાઉચર્સ, જે ચેકથી પૈસા ઊપડ્યા હતા તે ચેક્સ અને લેજરમાં ખાતાનાં પાનાં… કંઈ કરતા કંઈ જ નહોતું. બધું જ ગુમ હતું. તા. 3જી મે ૧૯૭૧થી ૨૧મી મે ૧૯૭૧ના અઢાર દિવસો દરમિયાન આ બધું થયું હતું. એ ગાળામાં મેનેજરની ખુરશી પર તો હું જ હતો. મારા જ વખતમાં બનાવટી નવાં ખાતાં ખૂલ્યાં હતાં. એમાં બનાવટી જમા એન્ટ્રીઓ થઈ હતી અને એની સામે ચેકથી રૂપિયા ઊપડ્યા હતા. આટલું નક્કી થઈ શકે એટલું હતું પણ કાગળિયાં એક પણ નહોતાં. ને કાગળિયાં જેમાંથી ગુમ થયાં હતાં તે ફાઈલિંગ કેબિનેટની ચાવી મારા કબજે હતી. ને છતાં આ બન્યું હતું ! સ્વાભાવિક રીતે જ પૂરી જવાબદારી મારી જ થતી હતી અને હું જ અપરાધીના પિંજરામાં આવી જતો હતો. પણ મને એકાએક યાદ આવ્યું કે ચારેક માસ પહેલાં આ જ બૅન્‍કની રાજકોટની બ્રાંચમાં પાંચેક હજારનું આવું છમકલું થયું હતું. પણ થતાવેંત બીજે દહાડે પકડાઈ ગયું હતું. એક અધિકારી સહાની (બનાવટી નામ વાપરું છું)એ ઉદારતાથી એક પાર્ટી પાસે એ રકમ ભરાવીને બૅન્‍કની ખોટને સરભર કરાવી દીધી હતી એટલે વાત ત્યાં જ પતી ગઈ હતી. મેં તાબડતોબ રેકોર્ડ કાઢ્યું તો ખબર પડી કે મારી બ્રાંચમાં પણ આ ઉચાપતના દિવસોમાં એ જ અધિકારી ડેપ્યુટેશન પર (ઉછીની સેવા આપવા) રાજકોટથી આવ્યા હતા. મનમાં તાળો મળતો હતો. એ અધિકારી સહાની જ બન્ને જગ્યાએ કોમન હતા. બન્ને ઠેકાણે ઉચાપતની પદ્ધતિ પણ સરખી હતી. પણ રાજકોટમાં વાત તરત પકડાઈ ગઈ. તરત દુરસ્ત થઈ ગઈ એટલે કંઈ થયું નહીં. જ્યારે અહીં છેક છ માસ પછી ખબર પડી ! વીસ હજાર રૂપિયા ઊપડી ગયા હતા ને હું ભેરવાઈ ગયો હતો. ગુનેગાર સહાની જ હતા એ વાત તાર્કિક રીતે તો મનમાં નક્કી થઈ ગઈ હતી. એટલા પૂરતું મનમાં આશ્વાસન હતું પણ એટલું શું મને નિર્દોષ સાબિત કરવા માટે પૂરતું હતું ?સમય ઝડપથી પસાર થતો હતો. રાતના આઠ વાગે રમેશ પારેખનો કાર્યક્રમ હતો અને એને દોઢ જ કલાક રહ્યો હતો. ત્યાં જ મારા માથે આ વીજળી ત્રાટકી હતી. શું કરવું ?

સાત વાગે હું મારી જેતપુરથી મારી વિદ્યાર્થી અવસ્થાના, વનબેંચર એવા મારા મિત્ર વકીલ ડી.પી. ગેરીયા (હવે સ્વર્ગસ્થ)ને સલાહ માટે મળ્યો. એ દિવસોમાં એ જામનગરમાં સરકારી વકીલ હતા. મારી તરફેણમાં એ કશું પણ ખોટું તો કરે નહીં પણ મને સાચી સલાહ તો આપી જ શકે. હું મારાં પત્નીને સાથે લઈને એમને મળ્યો. આખી વાત મેં કરી તો એમણે મને એક જ વાક્ય કહ્યું : “ધી ઓડ્સ આર હેવી અગેઈન્સ્ટ યુ, રજની. (તારી સામેનું વાવાઝોડું બહુ ભારે છે) તું જલદી તારા જામીનની તૈયારી કર. પોલીસ તને ગમે ત્યારે પકડી શકે.’

મારી છાતીનાં પાટિયાં બેસી ગયાં. મેં એને સહાનીવાળી વાત કરી તો એ કહે, “એ તર્ક આમાં ન ચાલે. એ કંઈ પુરાવો નથી, ધારણા છે. ને કોર્ટ ધારણા પર નહીં, પુરાવા પર ચાલે છે.”

“હવે ?” મેં પૂછ્યું : “તું સલાહ આપ, શું કરું ?”

“તું જાતે જ રાજકોટ જઈ તારા ઉપરી અધિકારીઓને જાણ કર. ને પછી પોલીસ ફરિયાદ નોંધાવ – પણ એમ ના સમજતો કે સામે ચડીને તું જાણ કરે છે તેથી તું ગુનેગાર નથી એમ સાબિત થઇ જશે. પણ તારે આટલું તો ઇમીડીયેટલી કરવું જોઈએ. પણ રજની,….”

એ બોલતાં બોલતાં જરા અટક્યો. કદાચ એની જીભે યોગ્ય શબ્દો ચડતા નહોતા.

“શું છે ?” મેં પૂછ્યું: ‘બોલને !“

આંખોમાં બહુ નિકટતાનો ભાવ લાવીને મને પૂછ્યું : “તું મને જે હોય તે સાચું જ કહેજે.” પછી પાછું મુકર્રર કર્યું: “આઉટરાઇટ સાચું જ હો !”

‘પણ તું પૂછ તો ખરો, ધીરુ !’

‘કહું છું. તું ખોટું ના લગાડતો. પણ તુ મને સાચેસાચ કહી દે..’ એણે મારી આંખોમાં આંખ પરોવી :‘..કે તેં આ કામ ભૂલેચૂકેય કર્યું છે ? કર્યું હોય તો મારી પાસે નિખાલસપણે એકરાર કરી દે. તો હું એ રીતે વિચારું. કારણ કે હું સરકારી વકીલ છું. ક્યારેક મારે સાક્ષી તરીકે તારી જુબાની લેવી પડે એ અલગ વાત છે પણ તહોમતદારમાંથી અપરાધી ઠરાવવા માટે પણ કોર્ટમાં તને ક્રોસ કરવો પડે તો..’

મારી પીડા તો હું જાણતો હતો પણ એની પીડાય મને સમજાઇ.

પણ એને ખબર નહોતી કે એના આ સવાલે જ મને મારી ચામડીના છેલ્લા સ્તર સુધીનો એક છરકો પાડી દીધો. હું ઘાયલ તો થઇ ગયો પણ ..પણ તરત સ્વસ્થ પણ થઇ ગયો. કારણ કે હું સાચો હતો. મારા પિતાએ જીંદગી આખી સરકારી નોકરી કરી હતી. અરજદારો પાસેથી પણ રૂપિયા સ્વીકાર્યા હતા એની ના નહોતી પણ સરકારી દ્રવ્ય બાબતે એ બહુ ચોક્કસ હતા. “પબ્લિક મની ઈઝ ધ બ્લેક કોબ્રા.” (જાહેર પૈસો કાળો નાગ છે.) ભુખે મરીએ તોય એને સ્પર્શ ન કરવો. એ જીવતા મોતનો રસ્તો છે એવું માનસિક સિંચન મારામાં નાનપણથી કર્યું હતું. કારણ કે મને સરકારી નોકર બનાવવાની જ એમની એક માત્ર ખેવના હતી. એટલે મેં કદી એવો વિચાર સરખો કર્યો નહોતો. વળી સખ્ખત આર્થિક તંગીમાં મેં પાછલાં દસ વરસ મારી લગ્નલડાઈને કારણે ગુજાર્યા હતાં. અને આ નોકરી એ તો મારી અન્નદાતા હતી. એને ઘસરકો સરખોય પડે એવાં કાળા કામો હું કદી કરું ? ના જ કરું. પણ તેમ છતાં મારે આજે મારા બાળગોઠીઆના આવા પ્રશ્નોનો જવાબ દેવાનો વારો આવ્યો હતો. બહુ મોટી વિધિવિંડબના હતી. આ અમારી રમત નહોતી, જિંદગીની ચોપાટનાં સામસામે પડેલાં પ્યાદાંની બાજી હતી.

મેં કહ્યું : “ધીરુ,દોસ,એકરાર કરું છું કે…..”દુઃખભર્યુ સ્મિત કર્યું: “મેં આ કાળો કામો નથી કર્યો. મારો આ એકરાર ભલે બીજું કોઈ સાચો નહીં માને, પણ તું માનજે, વિદ્યાના સોગન !”

અમારા જેતપુરના ૧૯૫૦ થી ૧૯૫૫ના શાળાજીવનમાં ‘વિદ્યાના સોગન’ એ અમારા બન્ને વચ્ચે લેવાતા અમોઘ સોગંદ હતા. મેં અને આ ધીરૂ (ડી.પી.ગેરીયા)એ અનેક વાર સામસામે ખાધા હશે, પણ આજે આ રીતે, આ મામલે ખાવા પડશે એવી કલ્પના ત્યારે નહોતી. પણ એ પછી વીસ જ વર્ષમાં વિધિએ આ ખેલ પાડ્યો હતો.

‘તો ચિંતા ન કરતો. હું ધ્યાન રાખીશ’. પણ.. એક ખાસ સલાહ..’

મેં એની સામે જોયું. વકીલ તો એ હતો જ. પણ ભાઇબંધ તરીકે શી સલાહ આપે છે ?

‘હાલ તું જામનગર છોડતો નહિં. પ્રસંગમાં જવાનું હોય તોય તું ન જા, ભાભીને મોકલી દે.’

આ સલાહ ધસમસતી ગાડીની સામે અચાનક કોઇ આવીને ફાટક બંધ કરી દે તેવી હતી. ગેરીયાને તો ખબર નહોતી, પણ ખરેખર મારે મારી ભાણી ભારતીના લગ્ન પ્રસંગે જેતપુર જવાનું હતું.

ખેર, ત્યાંથી ઊભા થઈને અમે બહાર આવ્યાં.

જામનગરના જ કવિ વકીલ હરકિસન જોશી મારા પરમ મિત્ર. એ પણ બહુ કાબેલ. તેમનો મત કદાચ શાતાદાયક નીકળે એ વિચારે અમે પતિ-પત્ની પંચનાથ ટાવર પાસે એમની ઓફીસે ગયાં. એ રોજની જેમ ગામડીયા અસિલોની ભીડ વચ્ચે ઘેરાયેલા હતા.ચાના પ્યાલારકાબી ત્યાં સતત ખખડ્યા કરતા. છતાં અમને બેઉને સાથે જોઇને એ પામી ગયા. એમણે બીજાઓને દૂર કરીને અમને એકલાને સાંભળ્યા.પણ જે મત ધીરુનો હતો એ જ મત એમનો થયો. અને સાથે ધ્રૂજાવી દે એવું એક વેણ પણ એમણે ઉચ્ચાર્યુ : “જામીનની જરૂર પડે તો હું ગોઠવી આપીશ. ચિંતા ન કરતા. છેવટે હું થાઇશ.” એ બોલ્યા: “અમસ્તાય ગેરીયા સામે મારે અનેક કેસ લડવાના થાય છે. ”

આના અનુસંધાને મારા મનમાં કોર્ટરૂમ જ ખડો થઇ ગયો. જેમાં આરોપી તરીકે હું કઠેડામાં છું. સામે મારા જ બે જીગરી મિત્રો કાળો કોટ ચડાવીને ઉભા છે. એક મને અપરાધી ઠરાવવા, બીજો મને એમાંથી છોડાવવા.

મેં બળપૂર્વક એ કલ્પનાને મગજમાંથી ભૂંસી જ નાખી.

હરકિશન જોશી પોતે ઉત્તમ કવિ હતા એટલે એમની ઓફીસ બંધ કરીને રમેશ પારેખવાળા મિલનમાં આવવા અમે બધા ચાલતા જ સાથે નીકળ્યા. પહેલી જ વાર એક વિચિત્ર અનુભવ થયો. રસ્તામાં અમસ્તું પણ એક પોલીસ હવાલદાર પણ મારી નજરે પડ્યો તો ધીમી ધ્રુજારી વછૂટી ગઇ.

શરદ વ્યાસને ત્યાં મેડી ઉપર રમેશ અને બધા મિત્રો મારી રાહ જ જોતા હતા. રમેશનો આગ્રહ હતો કે હું આવું પછી જ શરુ કરવું. એને મારા મોડા પડવાના કપરા કારણની શી ખબર હોય ?

માંડ એકાદ કલાક વિલા મોંએ કવિમિલનમાં હાજરી આપી. મિત્રો તો ઠીક, સજ્જન મિત્ર એવા શરદ વ્યાસ પણ આગ્રહ કરી કરીને ગુલાબજાંબુ મારા મોંમાં મુકતા હતા. પણ મને એનો સ્વાદ કડવો લાગતો હતો. રમેશ મને વારે વારે કહ્યા કરતો હતો, “સાલા, તેં જ ગોઠવ્યું અને હવે તું જ સોગીયું ડાચું કરીને બેઠો છો !”

મિલન પતી ગયા પછી મેં અને મારાં પત્નીએ રાજકોટની બસ પકડી લીધી. બૅન્‍કના પ્રમુખ જમિયતરામ કપુરચંદ મોદી (હવે તો સ્વર્ગસ્થ)ને વાત કરી. એમણે રિજીયોનલ મૅનેજર આર. વી. જોશીને બોલાવી લીધા. વાત કરી. એ તો બિચારા ડેપ્યુટેશન પર આવેલા સામાન્ય અને ગભરુ સરકારી નોકર. ગભરાઇ તો ગયા, પણ અમને લઇને રાતે અગીયાર વાગે બૅન્‍કના કાયમી વકીલ પાસે ગયા. બધી જ હકીકત કહી.પૂછ્યું : ’ આ પંડ્યા કાલે પોલીસ ફરિયાદ દાખલ કરી દે ,બરાબરને ?’ મારે તો જામનગર જવાની જરૂર નથી ને?’

વકીલે અતિ ગંભીર ભાવે અને ઠંડા અવાજે કહ્યું : ‘ પંડ્યા ફરીયાદ ન કરી શકે !’

‘કેમ?’

વકીલે મારી સામે તાકીને જોયું પછી જોશીને કહ્યું, ‘ આ ભાઇ તો મેનેજર હતા ને ! એમની દેખરેખમાં તો આ ફ્રોડ થયો છે ! એ પોતે જ તો શંકાના દાયરામાં છે!’ પછી કહે: “ઘણીયે વાત જાણ કરનાર જ ચોર હોય!” પછી કહે : “નથી હોતો ?”

હું હબકી ગયો !

જોશીએ અમને બસ ડીપો પાસેની એક હોટલમાં જમાડ્યા. અને અમે છૂટા પડ્યા.

બહુ મોડી રાતે ગરદીવાળી બસમાં અમે જામનગર પાછા ફર્યા ત્યારે મારું વજન જાણે કે અર્ધોઅર્ધ ઘટી ગયું હતું. થાક્યો હોવા છતાં મને ઊંઘ ન આવી. મને બદનામી, જેલ અને નોકરી જવાના વિચારોએ ઘેરી લીધો. નોકરી સિવાય બીજો આધાર પણ મારે શું હતો ? હું જેલમાં જાઉં તો પરિવારનું શું થાય ? મારી ઇજ્જત તો ધૂળધાણી જ થઇ જાય. આવા બધા વિચારો મને આવવા માંડ્યા.

એ પછી સોમ કે મંગળવારે રિજીયોનલ મૅનેજર જોશી સાહેબ રાજકોટથી ફરિયાદ નોંધાવવા માટે આવી પહોંચ્યા. હું હવે મેનેજરની ખુરશીમાં બેઠેલો, પણ શકમંદોની હરોળમાં આવી ગયો હતો. અમે પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી એસ.ડી નવરેનું બોર્ડ વાંચ્યું. અને એમની રાહ જોતા બેઠા. ત્યારે બાજુના બીજા ત્રીજા રૂમમાંથી આવતા કરડા અવાજો અને કોઇને અપાતી બેફામ બિભત્સ ગાળો અમારા કાને પડતા હતા. જે ગમે ત્યારે મને એનું નિશાન બનાવી દેવાની સંભાવના મારા કાનમાં રેડતા હતા. થોડી વારે પૂરા ગણવેશમાં સજ્જ થઇને ફોજદાર નવરે આવ્યા અને ટેબલ પર પછાડીને મુકતા હોય એમ દંડો પછાડીને મુક્યો. જોશીસાહેબે ફરીયાદ લખાવી અને મારી ઓળખાણ પણ આપી. પણ એનું કોઇ મહત્વ નવરેસાહેબની સિકલ પર ન વરતાયું. ફરિયાદ નોંધીને એમણે મને પહેલું જ વાક્ય કહ્યું : “તમે જામનગર છોડીને હાલ બહારગામ જશો નહીં.” અલબત્ત, આ મને એમણે સલાહરૂપે કહ્યું હતું , પણ એમાં ‘નહિં તો આમ થશે,તેમ થશે ’ જેવો ગર્ભિત ભાવ હતો. અમસ્તું પણ વાતમાં ગંભીરતાનાં પડ એક પછી એક ઉમેરાતાં જતાં હતાં, ને મારો જીવ કળીએ કળીએ કપાતો જતો હતો. ગેરીયા અને હરકિશન જોશીની સલાહ પર નવરેના આ શબ્દોએ સરકારી મહોર મારી દીધી !

ઘેર આવીને મેં પત્નીને કહ્યું;‘ તું એકલી જ જેતપુર જા. મારાથી નહિં અવાય !

આ કારણે હું મારી સગી ભાણેજ ભારતીનાં એ જ દિવસોમાં લેવાનારા લગ્નમાં મામેરું કરવા તો શું, પણ હાજરી આપવા પણ ન જઈ શક્યો. મારો જીવ બહુ દુખાતો રહ્યો. પણ લાચાર ! મારાં પત્ની એકલાં જેતપુર જઈને એ કૌટુંબિક પ્રસંગ કુનેહથી પાર તો પાડી આવ્યાં, પણ હું ન જઈ શક્યો એના કારણે સગાવહાલાંઓમાં અનેક તર્ક-વિતર્કો થયા. મારી બહેનને તો ચિંતાનો માર્યો એક દિવસ તાવ પણ આવી ગયો.

પછી થોડા મહીના પોલીસની ધીમી ધીમી તફ્તીશમાં વીત્યા. દિવાળી આવી અને વીતી ગઇ.

જાન્યુઆરી ‘૭૨ના દિવસો આવ્યા. ઠંડી શરૂ થઈ ગઈ. દર શિયાળે મારું વજન વધે એના બદલે આ કડવા ઝેર જેવા થઈ ગયેલા શિયાળે મારું વજન દસ કિલો ઉતારી નાખ્યું. જૂના જખમોમાંથી સાજો થઈને માંડ બહાર આવ્યો ત્યાં આ અચાનક પડેલા પ્રહારથી મારી તબિયત સાવ લેવાઈ ગઈ. આંખોની આજુબાજુ કાળાં ચકામાં પડી ગયાં. ને એ ઊંડી ઊતરી ગઈ. ગાલે ચૂમકી પડવાથી એ તેંત્રીસ વરસની ઉંમરે ગાલે તોંતેર વર્ષના ડોસા જેવા ખાડા પડી ગયા. પોલીસની આવનજાવન બૅન્‍કના ચાલુ કામકાજના દિવસોમાં પણ શરૂ થઈ ગઈ. એમના ભારેખમ બૂટના પડછંદા દાદરા પર સંભળાતાંવેંત મારા હાથ ધ્રુજવા માંડતા. હું મૅનેજરની ખુરશી પર બેઠો હતો પણ એમાંથી મને કોઈ કઠોર હાથનો પંજો કમરેથી ઉંચકીને કોઈ પણ ઘડીએ રસ્તા ઉપર ફેંકી દેશે એમ લાગતું હતું.

એક મોટું આશ્વાસન અને આશરો હતા લેખક પત્રકાર પ્ર. રા. નથવાણી. (જેમનું ૧૧-૬-૨૦૧૪ના દિવસે અવસાન થયું.) એમને દરમિયાનગીરી કરવાનો કોઈ અધિકાર આ મામલામાં ન હોય, પણ પોલીસનું વર્તન મારા તરફ નરમ રખાવવામાં એમનાં વાણી, પ્રભાવ અને વ્યક્તિત્વ બહુ કામમાં આવી ગયાં. તેઓ પોતાના માસિક ‘દૃષ્ટિ’ માં મરાઠી લેખક શંકર નારાયણ નવરેની અનુવાદિત વાર્તાઓ છાપતા હતા. તેમની માત્ર સરખી અટકનો કે દૂરના સગપણનો હવાલો નવરેસાહેબ(ફોજદાર)ને સિફતથી આપીને મારા પણ સાહિત્ય કનેકશનની વાત એની સાથે જોડીને મારા માટે સારી અબોહવા રચી આપી.

પણ આમ છતાં ભયના સતત ઓથાર નીચે હું જીવતો હતો. ચૂંટણીઓના કામકાજમાં પોલીસ રોકાયેલી હતી. એટલે તપાસમાં ઢીલ ચાલતી હતી અને એમ મારી ગમગીનીની મોસમ લંબાયે જતી હતી. મારી ધરપકડ પોલીસ ધારત તો તરત કરી શકત પણ નવરેસાહેબના મનમાં કદાચ વસી ગયું હતું કે આ માણસ આમાં નિર્દોષ છે – માત્ર એની ગફલતને કારણે ભેરવાઈ ગયો છે..

પણ આમ છતાં એક દહાડો મને નવરેસાહેબે બોલાવીને કહ્યું : “જો ખરેખર તમે ગુનેગાર ન હો તો પછી અસલી ગુનેગારને શોધી કાઢો – નહીંતર મારે તમને અંદર કરી દેવા પડશે!.”

“તમે ગુનેગાર નહીં શોધી લાવો તો મારે તમને જ અંદર કરી દેવા પડશે” જેવા શબ્દોથી મારા હાંજા ગગડી ગયા. મારે જલ્દીમાં જલ્દી જામીનની તૈયારી કરવી જોઈએ એમ મને લાગ્યું, કારણ કે ઘરમાં બિલાડી છુપાઈ હોય તો એને પણ શોધવાની આવડત મારામાં નહોતી તો આ ઉચાપતિયાને તો કેમ શોધી જ શકું ?

આમ તો એવામાં હું જરા પણ માનતો નહોતો પણ એ વખતે મેં બેચાર બાવા સાધુ અને નજૂમી તંત્ર-મંત્ર જાણનારાનો સંપર્ક કર્યો. એમાંના એક જણે, જામનગરના જ માંડવી ટાવર પાસે રહેતા રજની મણિયારે (નોન-પ્રોફેશનલ અંકશાસ્ત્રીએ) તો મને સ્પષ્ટ કહ્યું, “હજુ તમને ધોળે દિવસે તારા દેખાઈ જાય એવા દિવસો આવી રહ્યા છે.”

પણ એવામાં મને કોઈએ વાત કરી કે મારી બૅન્કમાં એક ડાયરેક્ટર નવિનભાઇ દોશી પાસે આ ઉચાપતિયાની પૂરી માહિતી છે, પણ ઉચાપતિયાને કાંઈ ન થાય એ શરતે જ એ નામ આપવા તૈયાર છે. આ વાત સાંભળીને હું એકદમ રાજકોટ દોડી ગયો. એ ડાયરેક્ટરને કાલાવાલા કર્યાં. પગે પડ્યો પણ એમણે કહ્યું કે એમણે પેલા ઉચાપતિયા પાસે એકરાર કરાવવાની “હા” આ શરતે જ પડાવી છે, એટલે પોતે નામ નહીં આપી શકે. હું હારી ગયો. નિરાશ થઇ ગયો. કારણ કે, ગુનેગારને કંઈ નહીં થાય એવી બાયંધરી હું તો કંઈ રીતે આપી શકું ? મારી પાસે એવી સત્તા ય ક્યાંથી હોય ? નિરાશ થઈને નથવાણી સાથે હું જામનગર પાછો ફરતો હતો – અમે ટેક્સીમાં બેઠા હતા. સાંજનો અસ્ત થતો સૂરજ ટેક્સીના વિન્ડશિલ્ડમાંથી દેખાતો હતો. હું પણ મુંઝાયેલો-બુઝાયેલો બેઠેલો હતો. તે વખતે નથવાણીએ આશ્વાસનના ચાર શબ્દો ડૂબતા સૂરજને બતાવીને મને કહ્યા – શબ્દો ભૂલી ગયો છું ભાવ એવો હતો કે આ સુરજના ડૂબવાની સાથે જ તમારા ચલિત ગ્રહો તમારી કુંડળીમાં બદલાય છે. કાલથી સારા દિવસો આવ્યા સમજજો, આ વિધાન એમણે એમના જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનના આધારે કર્યું હતું ને મને થોડી તસલ્લી મળી, પણ હું પ્રસન્ન તો ન જ થઈ શક્યો.

બીજે દહાડે ફોજદાર નવરેએ મને બોલાવ્યો : “પંડ્યા, તમે “જીવનમૃત્યુ” ફિલ્મ જોઈ ?”

એ દિવસોમાં એ ફિલ્મ જામનગરમાં ચાલતી હતી બહુ સફળ થઈ હતી, પણ મેં જોઈ નહોતી એટલે મને કહે : “તમે એ જોઈ આવો.”

ધર્મેન્દ્ર અને રાખીની ભૂમિકાવાળી એ ફિલ્મ મેં વગર વિલંબે જોઈ – ને મને એમણે એ શા માટે કહ્યું હતું એ સમજાયું. એમાં ધર્મેન્દ્ર બૅન્‍ક મૅનેજર છે અને એની બૅન્‍કમાં ઉચાપત થાય છે. ગુનેગારો બીજા હોય છે. પણ આળ એને માથે આવે છે ને એ જેલમાં જાય છે, પણ એના મનમાં ઝેર વ્યાપી જાય છે. એ ખરેખરા ગુન્હેગારો કે જેમણે એના ગળામાં આ ગાળીયો નાખી દીધો હતો એ બધા ઉપર વેર લેવાનું નક્કિ કરે છે. અને ખરેખર જેલમાંથી છુટી આવ્યા પછી એ સરદારજી તરીકે વેશપલટો કરીને એ ચારેચારની ચંડાળ ચોકડીને પકડીને એકએક ઉપર ગણીગણીને બદલો લે છે અને એ રીતે પોતાની શૂરવીરતાનો પરિચય આપે છે. ફિલ્મ ઘણી સારી હતી. પણ મને તો અર્ધે સુધી જ લાગુ પડતી. હતી. બાકી ફિલમની વાત જ જુદી હોય. ધર્મન્દ્રની જેમ ફિલ્મી ઢબે કંઈ હું અસલી અપરાધીને શોધીશોધીને બદલો લઈ શકું તેવું શહૂર ધરાવતો નહોતો. નવરે પણ એ જાણતા જ હોય, પણ મને ઉશ્કેરવા માટે એમણે મને એ ફિલ્મ જોવાનું કહ્યું હતું, પણ એ નકામું હતું. બિલાડીને વાઘની વીડિયોગ્રાફી બતાવવાથી એ વાઘ થઈ શકતી નથી. એણે માત્ર મારા મનમાં વેરની એક ગ્રંથિ રોપી આપી કે ઉચાપતિયો પકડાઈ જાય તો એને કોર્ટમાં કડકમાં કડક નશ્યત કરાવું. પણ એ પકડાય તો ને ! એ ‘તો’ હટતા પહેલાં તો હું જ તુટી પડવાનો હતો. એ દિવસોમાં સુફિયાણી ઠાવકી સલાહો આપનારા પણ એક નીકળ્યા. એક સાંજે પોલીસે મને આના કોઇ કામે બોલાવ્યો હતો ને કડકાઇથી કંઇક વાત કરી હતી. એ જ સાંજે ખંભાળીયા ગેટ બહાર નાગર શેરીમાં હું એક સામાજિક પ્રસંગમાં ગયો હતો. હું ધુંધવાયેલો તો હતો જ, એમાં વળી છાપામાં સાંજે આ મામલા વિષે થોડા સમાચાર છપાયા હતા. એ વિચારોમાં હતો ત્યાં જ મારા મિત્ર એલ આઇ સી એજન્ટ મહેન્દ્ર પટેલના સાળાએ મને “એમાં તમારે ધ્યાન રાખવું જોઈએ ને !” એમ બિલકુલ બેફિકરાઇથી સિગારેટના ધૂમાડા કાઢતાં કાઢતાં કહ્યું ને એ જ ક્ષણે મેં મિજાજ ગુમાવીને એમને એક તમાચો ઝીંકી દીધો. એની સિગારેટ એક બાળકીના ફ્રોક પર પડી. જો કે, કશું થયું નહિં પણ ખાસ્સી હો હા થઇ ગઇ. મારાં પત્ની પણ મારાં ઉપર ભારે ચિડાયાં.

એવી જ રીતે- “અરે, રૂપિયા બનાવી લીધા હોય તો પછી જેલમાં રહીને તબિયત બનાવજો.” એમ કહેનારા ભડવીરો પણ મને જડ્યા હતા.

એવામાં મોહમ્મદ માંકડનો પત્ર આવ્યો – એ પણ સારા જ્યોતિષના, શોખના ધોરણે જાણકાર– મેં એમને પુછાવ્યું નહોતું, પણ છાપાંઓમાં વાંચીને મને ચિંતા થઈ હતી. મને પુછાવતાં મેં એમને લખેલી માહિતી પરથી એમણે એ પત્રમાં ભવિષ્યકથન કર્યું : “દિવસો ઝડપથી બદલાઈ રહ્યા છે”– આ વાક્યનો અર્થ શો થતો હતો ? જીવન કે મૃત્યુ?

(ક્રમશ: )

**** **** ****

લેખક સંપર્ક:

રજનીકુમાર પંડ્યા

બી-3/ જી.એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦ ૦૫૦

મો- 09898015545 / 079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

4 comments for “લ્યો, આ ચીંધી આંગળી : મારી કટોકટીની ક્ષણો અને છૂટકારો (૧)

 1. April 30, 2019 at 12:32 am

  Such a critical condition .

 2. navin trivedi
  April 30, 2019 at 11:15 am

  આદરણીય શ્રી રાજનીકુમારભાઈ = આપના લેખે મારુ બીપી વધારી દીધું – લેખ પુરેપુરો લખવાની જરૂર હતી – આવી પરિસ્થિતિ ઘણાની થઇ હશે. આ પરિસ્થિતિને જોતા લાગે છે કે ભાગ્ય કુંડળી વિગેરે વાસ્તવિક હોવું જોઈએ.
  નીષ્ટાવાન વ્યક્તિને ભગવાન હંમેશા મદદ કરે જ છે.
  સીધી વ્યક્તિને સમાજના ચોર લોકો ખોટી રીતે સંડોવવાનો પ્રયત્ન કરતાજ હોય છે.
  આપના પુરુષાર્થએ આપને જીવનમાં ઉત્તમ બનવાનો મોકો આપ્યો જે આવા કુટિલ સામાજિક તત્વોને મોટી થપ્પડ છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ – નવીન ત્રિવેદી

 3. નિરંજન મહેતા
  May 2, 2019 at 5:39 pm

  સ્વની આ પ્રકારની વાત વિગતે અને નિખાલસ રીતે ફક્ત રજનીકુમાર જ કહી શકે. અભિનંદન.

 4. Kishan K THAKKAR
  May 5, 2019 at 5:49 pm

  આદરણીય પંડયા સાહેબ, લેખ વાંચીને શ્રી નવીનભાઈ ત્રિવેદી કહયું તેવી જ સ્થિતી મારી પણ થઈ છે, લેખ પૂરો કર્યો હોત તો સારું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *