એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – સુરૈયા

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

સુરૈયા (સુરૈયા જમાલ શેખ /\ જન્મ: ૧૫ જુન ૧૯૨૯ /\ અવસાન: ૩૧ જાન્યુઆરી, ૨૦૦૪) બાળકળાકાર તરીકે ૧૯૩૬ની ફિલ્મ ‘મેડમ ફેશન’ દ્વારા હિંદી ફિલ્મ જગતમાં દાખ્લ થયાં. શારીરીક વયની દૃષ્ટિએ હજૂ કુમારિકા હતાં તે જ ઉમરે ‘તાજ મહલ’માં મુમતાઝ મહલ તરીકે પૂર્ણતઃ અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવવાની લગભગ સાથે જ તેઓ ૧૯૪૨માં ‘શારદા’માં એ સમયનાં ખ્યાત અભિનેત્રી મહેતાબ માટે સ્ટુલ ઉપર ઊભીને પહેલવહેલું સૉલો ગીત પછી જા પીછે રહા બચપન મેરા ગાય છે અને ખ્યાતિનાં શીખર પર પહેલું પગલું માડે છે. બહુ થોડા સમયમાં જ તેમણે એ સમયનાં અભિનય+ગાયન ક્ષેત્રનાં બે મોટાં નામ નુર જહાન અને ખુર્શીદની સાથે તેમનું સ્થાન સુનિશ્ચિત કરી નાખ્યું. ૧૯૪૨થી ૧૯૪૭ સુધીમાં બુલંદ રહેલા તેમની કારકીર્દીના ચડતા સિતારાને ૧૯૪૭માં દેશનાં વિભાજને ચાર ચાંદ લગાડી આપ્યા. દેશનાં વિભાજન પછી સુંદર દેખાવ, મધુર કંઠ અને યાદગાર અદાકારીની ત્રિમૂર્તિનાં સ્થાન માટે હવે તેમની સામે કોઈ જ સ્પર્ધા નહોતી. સ્વાભાવિક જ છે કે ૧૯૪૮થી શરૂ કરીને ૧૯૫૦માં લતા મંગેશકરની પાર્શ્વગાયિકા તરીકે ભરતી આવી ત્યાં સુધીમાં સુરૈયાની કારકીર્દી તેના પ્રજ્વલિત મધ્યાનના પ્રકાશથી હિંદી ફિલ્મ સંગીતને આંજી દઈ રહી હતી.

સચિન દેવ બર્મનનાં સંગીતમાં સૌ પહેલી વાર સુરૈયાએ ‘વિદ્યા’ (૧૯૪૮) માટે ગીત ગાયાં. સુરૈયા તો ત્યાં સુધી પોતાનું એક નિશ્ચિત સ્થાન બનાવી ચૂક્યાં હતા, અને ૧૯૪૭ની ‘દો ભાઈ’નાં મેરા સુંદર સપના બીત ગયા જેવી સફળતાને કારણે સચિન દેવ બર્મન પણ તેમની આગવી શૈલી પ્રસ્થાપિત કરી રહ્યા હતા.. સચિન દેવ બર્મન અને સુરૈયાએ આ સિવાય ‘અફસર’ (૧૯૫૦) અને લાલ કુંવર (૧૯૫૨) એમ અન્ય બે ફિલ્મોમાં જ સાથે કામ કર્યું છે. ‘વિદ્યા’ અને ‘અફસર’ એ બન્ને ફિલ્મોમાં સુરૈયાની સામે મુખ્ય અભિનેતા તરીકે દેવ આનંદ હતા.

સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકો્ના સ્વરનાં ગીતોની દીર્ઘ શ્રેણી પછીથી સચિન દેવ બર્મનએ રચેલાં સ્ત્રી પાર્શ્વગાયિકાઓનાં ગીતોની શ્રેણીમાં શમશાદ બેગમનાં ગીતો સાંભળ્યા બાદ આજે આપણે સચિન દેવ બર્મને રચેલાં સુરૈયાનાં ગીતો યાદ કરીશું.

એસ ડી બર્મન અને સુરૈયાએ સાથે કરેલાં કુલ ૧૩ ગીતોમાંથી ૧૧ સૉલો, ૧ પુરુષ -સ્ત્રી યુગલ ગીતો અને ૧ સ્ત્રી_સ્ત્રી યુગલ ગીત છે.

વિદ્યા (૧૯૪૮)

આ ફિલ્મમાં કુલ ૧૧ ગીતો છે જેમાંનાં સુરૈયાના સ્વરમાં ૪ સૉલો અને ૧ મુકેશ સાથેનું યુગલ ગીત છે. ફિલ્મમાં સચિન દેવ બર્મને ૧ ગીત લલિતા દેઉલકરના અને ૩ ગીત અમીરબાઈ કર્ણાટકીના સ્વરમાં પણ રેકોર્ડ કરેલ છે.

લાયી ખુશી કી દુનિયા, હંસતી હુઈએ યે જવાની…..અબ બસ મેં ફૂલ કે હૈ બુલબુલ કી જ઼િંદગાની – મૂકેશ સાથે – ગીતકાર: અન્જુમ પિલીભીતી

બે યુવાન દિલો વચ્ચે પામરી રહેલા પરિણયને વાચા આપતું આ યુગલ ગીત તે સમયે બહુ જ લોકપ્રિય રહ્યું હતું.

કિનારે કિનારે ચલે જાયેંગે, જીવનકી નૈયા કો ખેતે જાયેંગે – ગીતકાર: વાય એન જોશી

બન્ને પ્રેમીઓ પરિણયમાં હવે એક પગલું આગળ વધે છે અને જીવનની નાવ સાથે રહીને ચલાવવાના કોડ પણ જૂએ છે અને કોલ પણ આપે છે.

આડવાતઃ

એમ કહેવાય છે કે આ ગીતનાં ફિલ્માંક્ન વખતે નાવ આડી વળી ગઈ હતી અને સુરૈયાને વાસ્તવિક જિંદગીમાં પણ, હીરો દેવ આનંદે, બચાવી લીધેલ. આ પ્રસંગને કારણે બન્ને વચ્ચે ખરેખર પ્રણયનાં અંકુર ફૂટેલાં જે આગળ જતાં હિંદી ફિલ્મ જગતની એક બહુચર્ચિત, નિષ્ફળ, પ્રેમકહાની તરીકે રૂપે ઈતિહાસમાં સ્થાન પામી છે.

ઝૂમ રહી ખુશીયોંકી નાવ આજ મનકી તરંગો પે ઝૂમ રહી રે – ગીતકાર: વાય એન જોશી

એ સમયનું પાર્ટી ગીત છે. દેવ આનંદ હજૂ ફિલ્મ જગતમાં બહુ અનુભવી નથી તે તેમની પિયાનો વગાડવાની અદા પરથી કળી જવાય છે

ઓ કૃષ્ણ કન્હાઈ … આશાઓંકી દુનિયામેં ક્યોં હૈ આગ લગાઈ – ગીતકાર: અન્જુમ પીલીભીતી

હિંદી ફિલ્મમાં પ્રેમનું ચક્ર આખો આંટો મારીને છેલ્લે વિરહની સ્થિતિમાં આવી જ રહે. એસ ડી બર્મને બંગાળની બાઉલ ગીતીની લય પર આ કરૂણ ભાવનાં ગીતની રચના કરી છે. જોકે હંમેશાં થતું આવ્યું છે તેમ માણસ પોતાનાં સુખ તો પોતે માણી લે પણ દુઃખના સમયે ફરિયાદ તો ઈશ્વરના દ્વારે જ જઈને કરે. અહીં પણ નાયિકા સમાજ દ્વારા થતા અન્યાયની ફરિયાદ કૃષ્ણ કન્હાઈને કરે છે.

કિસે માલૂમ થા દો દિનમેં સાવન બીત જાયેગા.. તમન્નાએં હમારી યું તડપતી છોડ જાએગા – ગીતકાર: શાંતિ સ્વરૂપ ‘મધુકર’

આ ફિલ્મનું કદાચ આ સૌથી ઓછું જાણીતું ગીત કહી શકાય. એસ ડી બર્મને કરેલી ગીતની રચના આપણને એ સમયમાં જે પ્રકારનાં કરૂણ ભાવનાં ગીતો સાંભળવા મળતાં એ પ્રકારની પણ વધારે લાગે છે. તે સાથે એ પણ નિશ્ચિત છે કે જેમ જેમ આ ગીત સાંભળીએ છીએ તેમ તેમ તે વધારે પસંદ પડવા લાગે છે.

અફસર (૧૯૫૦)

‘અફસર’ દેવ આનંદની ફિલ્મ નિર્માણ સંસ્થા ‘નવકેતન’ની સૌ પ્રથમ ફિલ્મ હતી. સુરૈયાનું તેમાં દેવ આનંદ સાથે મુખ્ય ભૂમિકામાં હોવું એ તેમના બન્ને પ્રેમના પ્રકરણનાં મહત્ત્વનું પણ દ્યોતક હતું. ફિલ્મમાં કુલ ૭ ગીતો હતાં, જે પૈકી સુરૈયાના ભાગે ૪ સૉલો અને ગીતા દત્ત સાથેનું એક યુગલ ગીત આવેલ છે. ટિકીટ્બારી પર ફિલ્મ બહુ સફળ ન રહી, પણ ‘નવકેતન’માં સચિન દેવ બર્મનનું સ્થાન એકહથ્થુ બની રહે એટલી સફળતા ફિલ્મનાં ગીતોને જરૂર મળી. સુરૈયાનાં ૪ સૉલો પૈકી બે ગીતો તો તેનાં સર્વશ્રેષ્ઠ ગીતોની શ્રેણીમાં સ્થાન પામી ચૂકયાં છે.

મન મોર હુઆ મતવારા.. કિસને જાદુ ડાલા રે – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા

મનમાં જ્યારે પ્રેમના સ્વર મોરની ટેહુક બનીને ફુટવા લાગે ત્યારે ભાવની શબ્દમાં અભિવ્યક્તિ કંઈક અંશે ઊંચા સુરમાં જ થાય એ ન્યાયે એસ ડી બર્મન ગીનો ઉપાડ ઉપરબા સુરમાં સુરિયા પાસે કરાવે છે.

નૈન દીવાને એક નહીં માને કરે મન માની માને ના – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા

દિલમાં હવે પ્રણયનું પુર એવું ફરી વળ્યું છે કે કેમે કરીને મન કાબુમાં નથી એસ ડી બર્મન ગીતના ભાવને વ્યક્ત કરવા રવિન્દ્ર સંગીતની મદદ લે છે.

ગુન ગુન ગુન ગુન બોલે રે ભંવર સુન સુઅ ક્યા લાયા ખબર – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા

પ્રેમમાં મસ્ત પ્રેમિકાનો સંદેશ લઈ આવવાનું કામ ભંવરને માથે નાખવાનું કવિઓને ખાસ્સું ફાવતું લાગે છે.

પ્રીતકા નાતા જોડનેવાલે… પ્રીત કા અજી નાતા તોડ ન જાના – ગીતા રોય (દત્ત) સાથે = ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા

ગીત કયા સંદર્ભમાં ગવાયું હશે તે આ ઓડીયો ક્લિપ પરથી કલ્પવું શક્ય નથી. જોકે બન્ને ગાયિકાઓની શૈલી સ્પષ્ટપણે અલગ હોવા છતાં યુગલ ગીતની એકસુત્રતા અકબંધ રહે છે.

રેકોર્ડ્સ પૂરતું જરૂર નોંધ લઈએ કે સુરૈયા અને ગીતા રોયનું આ એક માત્ર યુગલ ગીત છે.

પરદેસી રે જાતે જાતે જિયા મોરા લિયે જા – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા

પ્રેમી યુગલના ભાગે વિરહ તો આવે જ . એવા સમયે પ્રેમિકા કહે છે કે જો તારે જવું જ હોય તો મારૂં દીલ પણ સાથે જ લઈ જા.-

આડવાત

ગીત સાંભળતાં સાંભળતાં આપણને બાઝી (૧૯૫૧)નાં ગીત આજ કી રાત પિયા દિલ ના તોડોની ધુનનો ભાસ થાય છે.

એ માટેનૂ મૂળ કારણ એ હોઈ શકે છે આ બધી ધુનની ગંગોત્રી એસ ડી બર્મને ગાયેલ બંગાળી ગીત પદ્મા ધેઉ રે છે જે બંગાળનાં લોક ગીતની ધુન પરથી પ્રેરિત છે.

લાલ કુંવર (૧૯૫૨)

‘લાલ કુંવર’ એ સમયના સિધ્ધહસ્ત દિગ્દર્શક રવીન્દ્ર દવેએ દિગ્દર્શિત કરી છે. જો કે આ ફિલ્મ વિષે કે તેનાં ગીતો વિષે બહુ સાંભળ્યું હોય તેવો વર્ગ બહુ લઘુમતીમાં હશે. ફિલ્મના કળાકારોનાં નામમાં સુરૈયા સાથે રાધિકા અને ઉષા કિરણનાં પણ નામ વાંચવા મળે છે. કદાચ એ જ કારણે એસ ડી બર્મને સુરૈયા ઉપરાંત શમશાદ બેગમ (૧ સૉલો) અને આશા ભોસલે (૨ સૉલો) અને આશા ભોસલે + ગીતા દ્ત્ત (૧ યુગલ ગીત) પણ રચ્યાં છે.

આયી હૂં રાજા તેરે દ્વાર… સવાલ બનકે – ગીતકાર: સાહિર લુધ્યાનવી

ગીતના બોલમાં ઊંડું ઊંડું દર્દ છૂપાયેલું છે. તેને અનુરૂપ ગીતની બાંધણી પણ નીચા સુરમાં છે. ગીતની ગાયકીમાં સુરૈયાની ગાયક તરીકેની રેન્જ નીખરી રહી છે.

નિગાહેં ક્યોં મિલાયી થીં, અગર યૂં છોડ જાના થા …ઉમ્મીદેં ક્યો જગાઈ થીં…અગર છોડ જાના થા – ગીતકાર: સાહિર લુધ્યાનવી

ગીતની બાંધણી ‘૪૦ના દાયકાની શૈલી છે, પણ વાદ્યસજ્જામાં એસ ડી બર્મનનો સ્પર્શ અનુભવી શકાય છે. સુરૈયાનાં ઓછાં સાંભળવા મળેલાં ગીતને અહીં સાંભળવું ગમશે.

પ્રીત સતાયે તેરી, યાદ ના જાયે તેરી, દિલ દે કે ગ઼મ લે લિયા – ગીતકાર: સાહિર લુધ્યાનવી

આ ફિલ્મ એક વધુ કરૂણ ગીત સુરૈયાના સ્વરમાં રચાયું છે. એસ ડી બર્મનની સંગીત રચના ખાસ્સી સંકુલ છે. આ પ્રકારની ધુનની રચના કરવી એ એસ ડી બર્મનનો સુરૈયાની ગાયકીની ક્ષમતામાં ભરોસો દર્શાવે છે.

૧૯૫૨ પછી તેમનાં અંગત કારણોસાર સુરૈયા આમ પણ ઓછાં સક્રિય બની ગયાં, વળી તેઓ માત્ર પોતાના માટે જ ગીત ગાતાં હતાં એટલે તેમની અસ્તાચળ ભણી જતી અને એસ ડી બર્મનની ચડતી કળાની કારકીર્દીના માર્ગ હવે ફંટાઈ ગયા.

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયિકાઓની શ્રેણીમાં આપણે હવે પછીથી તેમણે રચેલાં ગીતા દત્તે ગાયેલાં ગીતો યાદ કરીશું.

ખાસ આડવાત

‘લાલ કુંવર’ના દિગ્દર્શક રવિન્દ્ર દવેનું આ જન્મ શતાબ્દી વર્ષ (૧૬ એપ્રિલ, ૧૯૧૯) છે. ૧૯૭૦માં તેઓ તેમની ખુબ સફળ ‘નગીના’ (૧૯૫૧)ની રીમેક બનાવી રહ્યા હતા. કોઈક કારણોસર એ ફિલ્મનાં નિર્માણમાં વિલંબ થતા ગયા, જે કારણે રવિન્દ્રભાઈનો હાથ ભીડમાં આવી ગયો. એ નાણાંભીડમાંથી બહાર આવવા તેમને ‘જેસલ તોરલ’ (૧૯૭૧) નિર્માણ કરી. ફિલ્મ ખુબ જ સફળ રહી.

હિંદી ફિલ્મોમાં રહસ્ય ફિલ્મોપર વધારે કામ કરનારા રવિન્દ્રભાઈએ ઉપેન્દ્ર ત્રિવિદી સાથે આ જ પ્રકારના વિષયો પર બીજી પંદરેક ફિલ્મો બનાવી, જે ગુજરાતી ફિલ્મોના ઈતિહાસનાં એક આગવાં પ્રકરણ તરીકે આજ યાદ કરાય છે..


સચિન દેવ બર્મને રચેલાં સુરૈયાનાં ગીતોનો આ લેખ એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – સુરૈયા પર ક્લિક કરવાથી ડાઉનલોડ કરી શકાય છે.

2 comments for “એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – સુરૈયા

 1. Samir
  April 27, 2019 at 2:31 pm

  જાણીતા -ઓછા જાણીતા ગીતો ના રસાસ્વાદ અને તેની સાથે ” આડ વાત” માં પણ ખુબ મઝા આવે છે .
  ખુબ આભાર !

 2. Jaswant Shah
  May 8, 2019 at 8:31 pm

  Really very very pleased to hear these songs after years. Excellent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *